મારું ગિલ્ટ જ મારો પીછો છોડતું નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મારું ગિલ્ટ જ મારો

પીછો છોડતું નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હવે પાંપણોમાં અદાલત ભરાશે,

મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે.

આ હથેળી બહુ વહેમવાળી જગા છે,

અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયાં છે.

-રમેશ પારેખ

જિંદગીમાં અમુક ઘટનાઓ એવી હોય છે, જે કાયમ દિલને ડંખતી રહે છે. અચાનક એ ઘટના યાદ આવી જાય છે અને ઉદાસી મનમાં મુકામ કરી લે છે. ક્યારેક ઇરાદાપૂર્વક કોઈને હર્ટ કર્યું હોય છે. ક્યારેક અજાણતાં જ કોઈનું દિલ દુભાવાઈ જાય છે. જિંદગીની અમુક ભૂલો પાછળથી સમજાતી હોય છે. આવી ભૂલો પછી અફસોસ બની જાય છે. મારે આવું કરવાની જરૂર નહોતી. મારાથી આવું કેમ થઈ ગયું? કંઈક ખટક્યા કરે છે. દરેક ગુનાના કાયદા નથી હોતા! દરેક ગુનાની સજા નથી હોતી! અમુક બંધારણો માણસનાં પોતાનાં હોય છે. દરેક સજા જેલમાં ભોગવવાની નથી હોતી. અમુક સજાઓ ખુલ્લી ધરતી પર ભોગવવાની હોય છે. તિજોરી તોડીએ તો એની સજા છે, પણ કોઈનું દિલ તોડીએ તો? કોઈને રડાવ્યા પછી તમારી આંખમાં શું થાય છે? કોઈની સાથે વિશ્વાસઘાત કર્યા પછી પણ આપણો વિશ્વાસ કેટલો ડગે છે?

એક છોકરો અને છોકરી પ્રેમમાં હતાં. થોડો સમય તો બંને વચ્ચે સારું બનતું હતું. છોકરો થોડો વિચિત્ર મગજનો હતો. ખૂબ જ પઝેસિવ અને ડોમિનેટિંગ. છોકરીને ધીમે-ધીમે એ વાત સમજાઈ કે આ માણસ સાથે જિંદગી પસાર કરવી અઘરી પડશે. છોકરીએ તેની સાથે બ્રેકઅપ કરીને બીજા યુવાન સાથે અરેન્જ મેરેજ કરી લીધા. છોકરાથી આ વાત સહન ન થઈ. તેણે નક્કી કર્યું કે, હું બદલો લઈશ. એના પતિ પાસે જઈને કહીશ કે મારે તારી પત્ની સાથે સંબંધો હતા. એને ફોટા બતાવીને કહીશ કે, અમે સાથે ફરતાં હતાં. એક દિવસ નક્કી કર્યું કે આજે તો એના પતિને કહી જ દેવું છે. એ જૂની પ્રેમિકાના ઘરે પહોંચ્યો. જોયું તો ઘર બંધ હતું. હવે કાલે વાત, એવું વિચારીને એ ત્યાંથી નીકળી ગયો.

પોતાના ઘર તરફ પાછો આવતો હતો ત્યાં તેને એક મિત્ર મળી ગયો. ક્યાં ગયો હતો એવું મિત્રએ પૂછ્યું. પેલાએ સાચી વાત કરી કે, આવું કરવા ગયો હતો, પણ એનું ઘર બંધ હતું. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, મૂરખ છે તું? તારે શું સાબિત કરવું છે? તને શું મળી જવાનું છે એવું કરીને? એ છોકરીએ તારા ઉપર ભરોસો મૂક્યો હતો એ જ એનો ગુનો હતો? પાગલ જેવા વિચાર ન કર! તું આવું કર્યા પછી તારી જાતને માફ કરી શકીશ? તું આવું કરીશ પછી એ છોકરી તારા વિશે શું વિચારશે એનો વિચાર કર્યો છે? એને એવું જ થશે કે તું સારો માણસ હતો જ નહીં! મિત્રની વાત સાંભળીને તેણે કહ્યું કે, મારી સાથે એણે જે કર્યું એનું કંઈ નહીં? હું તો એને પરચો બતાવવાનો જ છું.

બીજા દિવસે એ યુવાન ફરીથી એની જૂની પ્રેમિકાના ઘરે એના પતિને મળવા પહોંચી ગયો. આજે ઘર ખુલ્લું હતું. ડોરબેલ વગાડ્યો. પતિએ દરવાજો ખોલ્યો. તેની પત્ની ઘરે નહોતી. યુવાને કહ્યું કે, અહીંથી પસાર થતો હતો તો થયું કે તને મળતો જાઉં. જૂની પ્રેમિકાના પતિએ આવકાર આપ્યો. યુવાને કહ્યું કે, મારે તને એક વાત કરવી છે. યુવાને કહ્યું કે, હા બોલ! શું કહેવું છે તારે? યુવાને કહ્યું કે, તારી પત્ની મારી દોસ્ત હતી. એ બહુ જ સારી છે. મારા ખરાબ સમયમાં એણે મારું ધ્યાન રાખ્યું છે. તું નસીબદાર છે કે તને એના જેવી જીવનસાથી મળી. હું તો તમને બંનેને શુભકામના પાઠવવા જ આવ્યો હતો. પ્રેમિકાના પતિએ કહ્યું, મારી પત્નીએ પણ તારા વિશે વાત કરી હતી કે, તમે બંને સારા મિત્રો હતા. એ તારા પ્લસ પોઇન્ટ્સની વાતો કરતી હતી. હું થોડોક જેલસ થયો હતો. મેં એને પૂછ્યું કે, તારા મિત્રમાં કોઈ નેગેટિવ પોઇન્ટ્સ નહોતા? કંઈ એવું ન હતું જે તને નહોતું ગમતું? મારી વાત સાંભળીને તેણે એવું કહ્યું હતું કે, મિત્રોની સારી વાતો જ યાદ રાખવી જોઈએ! આ વાત સાંભળીને યુવાનને થયું કે, એણે તો મારી સારી વાતો જ યાદ રાખી છે અને મેં શું કર્યું? એણે મનોમન ભગવાનનો અને પેલા મિત્રનો આભાર માન્યો. સારું થયું આગલા દિવસે ઘર બંધ હતું. મિત્ર મળ્યો અને તેણે મને વિચારતો કરી દીધો. મારાથી ભૂલ થઈ હોત તો કદાચ હું કોઈ દિવસ મારી જાતને માફ કરી ન શકત!

આપણી ભૂલ બીજાને તો અસર કરે કે ન કરે, પણ આપણો પીછો નથી છોડતી. આપણે આપણી જાતને પણ જવાબ આપવો પડતો હોય છે. જાતને જવાબ ન આપી શકીએ ત્યારે આપણું માથું આપણી સામે જ શરમથી ઝૂકી જતું હોય છે. એક યુવાનની આ વાત છે. એના અંગત મિત્ર સાથે એણે પાર્ટનરશિપમાં બિઝનેસ શરૂ કર્યો. ધંધાનો બધો જ હિસાબ એ સંભાળતો, માર્કેટિંગનું કામ તેનો મિત્ર સંભાળતો. એક વખત યુવાનની મતિ બગડી. મિત્રને ખબર ન પડે એમ તેણે હિસાબમાં ઘાલમેલ કરી એક લાખ રૂપિયા સરકાવી લીધા. ઘણો સમય થઈ ગયો, પણ પેલા મિત્રને ખબર જ ન પડી કે તેના મિત્ર અને પાર્ટનરે છેતરપિંડી કરી છે. આ મિત્રને પછી એવું થવા લાગ્યું કે, મેં ખોટું કર્યું છે. એ પોતાના ગિલ્ટથી જ પીડાવા લાગ્યો. તેને સમજ પડતી ન હતી કે, હવે મારે શું કરવું?

એ પોતાની મૂંઝવણ દૂર કરવા માટે એક ફિલોસોફર પાસે ગયો. બધી વાત કરીને છેલ્લે કહ્યું કે, મારું ગિલ્ટ જ મારો પીછો છોડતું નથી. મને રસ્તો બતાવો. મને ચેન નથી પડતું. ફિલોસોફરે કહ્યું, દિલમાં જે જેલ રચાય છે ને એને દીવાલો નથી હોતી! તું તારા જ ગુનાની સજા ભોગવી રહ્યો છે. હવે તારી પાસે બે રસ્તા છે. એક તો તેં જેમ મિત્રને ખબર ન પડે એમ રૂપિયા સેરવી લીધા હતા એવી જ રીતે એને ખબર ન પડે એમ રૂપિયા પાછા મૂકી દે! બીજો રસ્તો એ છે કે, મિત્ર પાસે જઈને બધી જ સાચી વાત કરીને એની માફી માંગી લે! ગમે તે કર, પણ તારી કેદમાંથી તું મુક્ત થઈ જા! એ તારે જ કરવું પડશે. ભૂલ થાય ત્યારે કાં તો ભૂલ સુધારી લેવાની અને કાં તો એની સજા ભોગવવાની. તું એટલો નસીબદાર છે કે તારી પાસે ભૂલ સુધારવાની તક છે. દરેક ભૂલ સુધરતી નથી.

ક્યારેક તો આપણાથી જે ભૂલ થઈ હોય છે એને આપણે વધુ પડતી લઈ લઈએ છીએ. છુટકારો મળે એમ હોય તો પણ છુટકારો મેળવતા નથી. સતત પીડાયા કરવાનો પણ કોઈ અર્થ નથી હોતો. આપણી જેલમાં પુરાઈ ગયા પછી એનો દરવાજો આપણે આપણા હાથે જ ખોલવો પડતો હોય છે. આપણા સિવાય આપણને બીજું કોઈ મુક્ત કરી ન શકે. એક દીકરીએ એના પિતાને કહ્યું કે, મને એક છોકરા સાથે પ્રેમ છે. મારે એની સાથે મેરેજ કરવા છે. દીકરીની વાત સાંભળતાંવેંત જ પિતાએ કહી દીધું કે, લવમેરેજ કરવાનો તો વિચાર જ ન કરતી. મારી મંજૂરી નથી. દીકરીએ પિતાને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો છતાં પિતા એકના બે ન થયા. આખરે એક દિવસ દીકરીએ ભાગીને મેરેજ કરી લીધા. પિતાએ નક્કી કરી લીધું કે, આજથી મારા અને એના સંબંધ પૂરા. હવે મારે એની સાથે કોઈ લેવાદેવા નથી!

સમય વીતતો ગયો. પિતાને થયું કે મેં દીકરી સાથે ખોટું કર્યું. મારે એવું કરવાની જરૂર નહોતી. જે દીકરીની ખુશી માટે આખી જિંદગી બધું કર્યું એની સાથે છેલ્લે ખરાબ વર્તન કર્યું. પિતાનું દિલ દરરોજ દુભાતું હતું. એક દિવસ તેણે તેના મિત્રને સાચી વાત કરી કે તેને શું થાય છે! આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, હજુ ક્યાં મોડું થયું છે? હજુ એને બોલાવી લે. આ વાત સાંભળીને પિતાએ કહ્યું કે, તારી વાત તો સાચી છે, પણ એક વાતે મૂંઝાઉં છું! મિત્રએ પૂછ્યું, એવી શું વાત છે? પિતાએ કહ્યું કે, દીકરીએ જેની સાથે લવમેરેજ કર્યા છે એ ખૂબ પૈસાવાળા લોકો છે. મારી હાલત તો તને ખબર જ છે. હું મધ્યમવર્ગનો માણસ છું. દીકરીને કંઈ આપી શકું એમ જ નથી. એને બોલાવી લીધા પછી હું એને શું આપીશ? આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, એને તારા રૂપિયા કે તારી પાસેથી કોઈ ચીજવસ્તુઓ નથી જોઈતી, એને તો તારા આશીર્વાદ અને તારો પ્રેમ જ જોઈએ છે. આવા ગાંડા જેવા વિચાર ન કર અને જલદીથી દીકરીને બોલાવી લે. એવી રાહ પણ ન જો કે એ તારો સંપર્ક કરે. એ તો રાહ જ જોતી હશે. એના જીવનમાં અધૂરપ એની જ હશે કે મારા પિતા મારી સાથે નથી બોલતા! બધી અધૂરપ ચીજવસ્તુઓથી નથી પુરાતી, જે અધૂરપ છે એ પૂરી કરી દે. એને પણ જે ખૂટે છે એ મળી જશે અને તને પણ દીકરીનો સ્નેહ પાછો મળશે!

ક્યારેક તો આપણને ભૂલ સમજાય છે, પસ્તાવો પણ થાય છે, ભૂલ સુધારવાનો પ્રયાસ પણ કરીએ છીએ. બસ, એ નથી વિચારતા કે ભૂલ સુધારવા માટે આપણે જે કરીએ છીએ એ સાચું છે કે નહીં? એક યુવાનની આ વાત છે. અહિંસામાં એને ભરપૂર શ્રદ્ધા. પોતાનાથી નાનકડા જીવજંતુ પણ ન મરી જાય એનું ધ્યાન રાખે. એક વખત એ કાર લઈને જતો હતો. અચાનક એક કૂતરું દોડીને રોડ પર આવ્યું. કૂતરું કારની અડફેટે આવી ગયું. યુવાનની નજર સામે જ થોડીક વાર તરફડીને કૂતરાનું મોત થયું. આ ઘટનાથી યુવાન હચમચી ગયો. એ ડિસ્ટર્બ રહેવા લાગ્યો. તેના મિત્રએ કહ્યું કે, આ ગિલ્ટમાંથી મુક્ત થવા માટે હવે તું કૂતરાની સેવા કર. એ યુવાન પછી કૂતરાની સેવામાં લાગી ગયો. કૂતરાની હોસ્પિટલ બનાવી. આખો દિવસ કૂતરાની સેવામાં જ રચ્યોપચ્યો રહે.

એક દિવસ એક મુનિએ તેને બોલાવ્યો. મુનિએ સવાલ કર્યો કે, આ તું શું કરે છે? યુવાને કહ્યું કે, પશ્ચાત્તાપ! મુનિએ કહ્યું કે, હા પણ કયા ભોગે? મુનિએ પછી વાત કરી કે તારી પત્ની અને બંને બાળકો મારી પાસે આવ્યાં હતાં. તેણે કહ્યું કે, તું એ લોકોનું કે ઘરનું કંઈ ધ્યાન જ નથી રાખતો! આખો દિવસ કૂતરાની સેવામાં જ રહે છે. કૂતરાના મોતનું ગિલ્ટ તને છે, પણ તારી પત્ની અને સંતાનોને ઇગ્નોર કરે છે એનો અહેસાસ તને નથી! એક ભૂલ સુધારવામાં બીજી ભૂલ ન થાય એની પણ તકેદારી રાખવી પડતી હોય છે. થોડોક વિચાર કરજે કે, તું જે કરે છે એ બરાબર છે?

કોઈ ભૂલ થઈ જાય પછી આપણે એવો કેટલો વિચાર કરતા હોઈએ છીએ કે, હું જે કરું છું એ બરાબર કરું છું કે નહીં? ભૂલ થઈ જાય તો એને સુધારો. ભૂલ સુધરી શકે એમ ન હોય તો માફી માંગી લો. માફી મળશે કે નહીં મળે એની ચિંતા પણ ન કરો. પોતાના ગિલ્ટમાંથી માણસે પોતે જ નીકળવું પડે. પીડાતા રહેવાનો કોઈ અર્થ હોતો નથી. તમને કોઈ વાત, કોઈ ઘટના કે કોઈ ભૂલનું ગિલ્ટ છે? હોય તો એનાથી મુક્તિ મેળવી લો! ભૂલો બધાથી થાય છે. મનનો ભાર આપણે આપણા હાથે જ હટાવવો પડે!

છેલ્લો સીન :

આપણે ઘણી વખત આપણે સર્જેલાં દોરડાંઓથી જ જકડાઈ જતા હોઈએ છીએ. આ દોરડાંઓ તોડવાની આવડત પણ આપણે જ કેળવવી પડે છે.                                 -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 19 ફેબ્રુઆરી 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: