એર હગ, ફર્સ્ટ ટચ, લાસ્ટ કિસ અને કાતિલ કોરોનાની કરુણ કથાઓ – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

એર હગ, ફર્સ્ટ ટચ, લાસ્ટ કિસ અને

કાતિલ કોરોનાની કરુણ કથાઓ

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

માણસની દરેક સંવેદના આંખમાં આંસુ બનીને

થીજી જાય એવી જીવતી જાગતી કથાઓ ચીનમાં આકાર પામી

રહી છે. વેદનાનું સાહિત્ય વલોપાત સર્જતું હોય છે

કંઇ લાગતુંવળગતું ન હોય છતાં આંખો ભીની થાય ત્યારે

સમજવું કે, આપણને કોઇ અલૌકિક તત્ત્વ જોડે છે

માણસ હોવાનો સૌથી મોટો પુરાવો એ છે કે જેની સાથે કંઇ લાગતુંવળગતું ન હોય એની વેદના પણ આપણને સ્પર્શે. દિલમાં એક ટીસ ઊઠે, આંખોના ખૂણામાં ભીનાશ બાઝે અને મનોમન એવી પ્રાર્થના થઇ જાય કે બધા હેમખેમ રહે. ચીનમાં કોરોના અમુક એવી કરુણ કથાઓને સર્જી રહ્યો છે, જે આપણી સંવેદનાના તમામેતમામ તાર ઝણઝણાવી નાખે. મરતું કોઇ હોય અને મૂંઝારો આપણને થાય. આમ તો એ લોકો સાથે આપણે કંઇ લેવાદેવા નથી. એ જીવે કે મરે એનાથી આપણી જિંદગીમાં કોઇ ફેર પડવાનો નથી, છતાં આપણે આંચકા અનુભવીએ છીએ. મોબાઇલમાં કોઇ ક્લિપ જોતી વખતે આપણો હાથ ધ્રૂજી જાય છે. મતિ મૂંઝાઇ જાય છે, થોડીક ક્ષણો ક્ષુબ્ધતા અનુભવાય છે. કુદરત સામે સવાલો જ નહીં, ફરિયાદો ઊઠે છે. માણસો ટપોટપ મરી રહ્યા છે. હજારો લોકો દવાખાનામાં છે, જેને ખબર નથી કે અમારા નસીબમાં કાલનો સૂરજ જોવાનું લખ્યું છે કે નહીં! એવા લોકોય છે, જે પોતાની જિંદગીની પરવા કર્યા વગર સારવાર કરી રહ્યા છે. મોત સામે મંડરાયેલું હોય ત્યારે કોઇનો જીવ બચાવવા માટે લડતા રહેવા માટે કોઇ દૈવી તત્ત્વની જરૂર પડતી હશે. કાળમુખા કોરોનાએ જ્યાં મુકામ કર્યો છે એ ચીનના વુહાન શહેરમાં એવાં કેટલાંયે ડોક્ટરો અને નર્સો છે જે લોકોને મોતના મુખમાંથી પાછા ખેંચી લાવવાના પ્રયાસોમાં લાગેલાં છે. એમને ખબર છે કે, એ લોકોને પાછા ખેંચવાની કોશિશમાં કદાચ અમે મોતના મોંમાં ખેંચાઇ જશું. કેવા કમાલના હશે એ માણસો, જે મોતને પણ પડકાર આપતા હોય છે!

એક નર્સની નાનકડી દીકરી હોસ્પિટલે માને મળવા જાય છે. દીકરીને કહી દેવાયું છે કે, તારે માની નજીક જવાનું નથી. દૂરથી તું માને જોઇ લેજે. ક્યાંક તને ચેપ લાગી ન જાય. માને મેસેજ આપવામાં આવે છે કે, દીકરી તને મળવા આવી છે. આમ તો મળવા નહીં, પણ માને જોવા આવી છે એમ જ કહેવું પડે. મા જેવી વોર્ડમાંથી બહાર નીકળી મેદાનમાં આવે છે અને દીકરી તેને જોઇને જ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે. દીકરી બે હાથ પહોળા કરે છે કે મને તારી બાથમાં લઇ લે, મને તારું હગ જોઇએ છે. લાચાર મા પણ હાથ પહોળા કરે છે અને દૂરથી જ દીકરીને હગ કરતી હોય એમ હવામાં હાથ ફેલાવીને ‘એર હગ’ આપે છે. વરસતી આંખોવાળું આ દૃશ્ય ભલભલાના રુવાડાં ખડાં કરી દે એવું છે. આ દૃશ્યને એર હગ નામ આપ્યું છે ત્યારે એવું થાય કે હવા જ જ્યારે ઝેરી બની જાય  ત્યારે આપણી જાત જ આપણી વેરી બની ગઇ હોય એવો અહેસાસ થયા વગર ન રહે.

વિયેતનામનો એક છોકરો વુહાન ભણવા ગયો હતો. કોલેજમાં વુહાનની જ એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો. બધા સ્ટુડન્ટ્સ વુહાન છોડીને જઇ રહ્યા હતા. વિયેતનામનો આ છોકરો પણ પોતાના દેશ જતો હતો. પ્રેમિકાને થોડો થોડો તાવ હતો. કદાચ એ પણ કોરોનાનો ભોગ બની હતી. પોતાના દેશ જતા પહેલાં પ્રેમી પ્રેમિકા પાસે જાય છે. બંનેનાં મોં પર માસ્ક છે. લાસ્ટ કિસ માટે પ્રેમી મોઢા પરથી માસ્ક હટાવે છે. પ્રેમિકાની નજીક જાય છે. પ્રેમિકા ધક્કો મારીને દૂર હડસેલી દે છે અને કહે છે કે જલદી નીકળી જા, જીવતી રહીશ તો પાછા મળીશું. તરડાયેલા હોઠમાં એક ન જિવાયેલી લવસ્ટોરી તરફડતી હતી.

એક પ્રેગ્નન્ટ યુવતીને કોરોનાએ પોતાના સકંજામાં લીધી હતી. લેબર પેઇન શરૂ થયું અને ડોક્ટરોએ તેને ઘેરી લીધી. દીકરાનો જન્મ થયો. જેવો દીકરો જગતમાં આવ્યો કે તરત જ નર્સ તેને માતાથી દૂર લઇને ભાગી. મા કરગરતી હતી કે, મને એક વાર એને અડવા તો દો. હું મારા બાળકના ફર્સ્ટ ટચને ઝંખતી હતી. નર્સે કહ્યું કે, રહેવા દે, એ કદાચ બચી જશે. મા મોઢું જોવા પણ નથી પામતી. એના મનમાં સવાલ ઊઠે છે કે, હવે હું એનું મોઢું જોવા માટે જીવતી રહીશ ખરી? કે પછી મેં જેને જન્મ આપ્યો છે એનું મોં જ ક્યારેય નહીં જોઇ શકું? ફર્સ્ટ ટચ માટે ઝંખતાં ટેરવાં પર બાવળ ઊગી નીકળ્યા હોય એવી વેદના અનુભવવી બહુ અઘરી હોય છે.

એક વૃદ્ધ કપલને કોરોનાએ આભડી લીધાં. બંનેનાં શરીર આમેય નબળાં પડી ગયાં હતાં. દવાખાનામાં વૃદ્ધ પતિએ ડોક્ટરને એવી વિનંતી કરી કે, મહેરબાની કરીને મારી એક અને છેલ્લી વાત માનો, મારો ખાટલો પત્નીના ખાટલા પાસે જ રાખો. ડોક્ટરોને ખબર હતી કે હવે આ બંને વધુ સમયના મહેમાન નથી એટલે પતિની અંતિમ ઇચ્છાને માન આપતા હોય એમ બંનેના ખાટલા બાજુ બાજુમાં રખાયા. બે દિવસ થયા. પત્નીનો શ્વાસ ધીમે ધીમે સમેટાઇ રહ્યો હતો. એક હળવી હીચકી સાથે પત્નીએ પ્રાણ છોડ્યા. પતિ એકટસે પત્નીની સામે જ જોઇ રહ્યો હતો. વિદાય લેતી પત્નીના હાથ તરફ હાથ લીધો. પત્નીના હાથને સહેજ દબાવ્યો, બીજી જ મિનિટે પતિનો શ્વાસ પણ છૂટી ગયો. બંને સજોડે ચાલી નીકળ્યાં.

કોરોનાનો કાળમુખો પંજો ધીમે ધીમે વિસ્તરતો જાય છે. રોજેરોજ ચીનમાં નવી નવી કથાઓ જિવાતી અને મરતી જાય છે. અમુક ઘટનાઓ વાઇરલ થાય છે. એ સાથે આંસુ અને વેદના પણ વાઇરલ થતી રહે છે. મોત સામે હોય ત્યારે જિંદગી કદાચ વધુ સંવેદનશીલ થઇ જતી હોય છે. એવું થાય કે બધાને બચાવી લઇએ, પણ આપણે કંઇ જ ન કરી શકીએ. હા, એ લોકો માટે પ્રાર્થના જરૂર કરી શકીએ. થોડીક પ્રાર્થના એ વૈજ્ઞાનિકો માટે પણ કરીએ જે રાત-દિવસ મહેનત કરી કોરોનાની દવા અને રસી શોધી રહ્યા છે. ઇશ્વરને કહીએ કે હવે વધારે કથાઓ અમારે નથી જોવી કે સાંભળવી, બસ બહુ થયું. હવે રહેમ કર!

પેશ-એ-ખિદમત

સૌ કિસ્સોં સે બહતર હૈ કહાની મેરે દિલ કી,

સુન ઉસકો તૂ એ જાન જબાની મેરે દિલ કી,

જુલ્ફોં મેં કિયા કૈદ ન અબરુ સે કિયા કત્લ,

તૂ ને તો કોઇ બાત ન માની મેરે દિલ કી.

(અબરુ – આઇબ્રો/ભૃકુટી)    – ઇમામ બખ્શ નાસિખ

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 16 ફેબ્રુઆરી 2020, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: