તમે શું માનો છો? કામના કલાકો કેટલા હોવા જોઈએ? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમે શું માનો છો? કામના

કલાકો કેટલા હોવા જોઈએ?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમે આખા દિવસમાં કેટલા કલાકો કામ કરો છો?

તમારા કામના કલાકોથી તમને સંતોષ છે?

ફેમિલીને પૂરતો સમય આપી શકો છો?

કામના કલાકો ઘટાડવાથી કાર્યક્ષમતા વધે?

પ્રોડક્ટિવિટી અને ફેમિલી બોન્ડિંગ વધારવા માટે

ફિનલેન્ડમાં ચાર દિવસ છ કલાક જ કામ કરવાનો નિર્ણય થવાનો છે

માણસે કેટલા કલાક કામ કરવું જોઇએ? કેટલા અવર્સ આરામ કરવો જોઇએ? ફેમિલીને કેટલો ટાઇમ આપવો જોઇએ? પોતાના માટે કેટલો સમય ફાળવવો જોઇએ? આખી દુનિયામાં આ વિશે મતમતાંતરો છે. સફળતા માટે ટાઇમ મેનેજમેન્ટની વાતો થતી રહે છે. સમય વિશે એટલી બધી વાતો થઇ છે કે, કઇ વાતને ફોલો કરવી એ નક્કી કરવામાં આપણી મતિ મૂંઝાઇ જાય. સમય વિશે દરેક વ્યક્તિની પોતાની ફિલોસોફી હોય છે. સમય વિશે જો કોઇ એક સનાતન સત્ય હોય તો એ છે કે, બધા પાસે દિવસના ચોવીસ કલાક જ છે. દરેકના મોઢે અત્યારે એક જ વાત સાંભળવા મળે છે કે, યાર ટાઇમ જ નથી. મરવાની પણ ફુરસદ નથી. જીવવાની તો વાત જ ક્યાંથી આવે?

ફિનલેન્ડથી હમણાં એવા સમાચાર આવ્યા છે જે સાંભળીને આપણને એવું થાય કે, આપણે ત્યાં પણ આવું થાય તો કેવું સારું? ફિનલેન્ડના વડાપ્રધાન સના મારિને પોતાના દેશમાં અઠવાડિયાના ચાર દિવસ છ કલાક જ વર્કિંગ અવર્સ રાખવાનો વિચાર કર્યો છે. થોડા દિવસ અગાઉ જ માત્ર 34 વર્ષની વયે વડાપ્રધાન બનીને આખી દુનિયામાં પ્રસિદ્ધિ મેળવનાર એક સંતાનની માતા સના મારિનનું એવું માનવું છે કે, કામના કલાકો ઓછા કરવાથી કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધશે. એનાથી પણ મોટી વાત એ કે, લોકોને પોતાના પરિવારો માટે પૂરતો સમય મળશે. સ્વિડને વર્ષ 2015માં છ કલાક જ કામ કરવાનો નિયમ બનાવ્યો હતો. આ નિર્ણય બાદ લોકોમાં ક્રાંતિકારી પરિવર્તન જોવા મળ્યું હતું. ચીનની સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ અને અલીબાબા કંપનીના માલિક જેક માએ પણ 2017માં અઠવાડિયામાં ચાર દિવસ જ કામ કરવાની તરફેણ કરી હતી. જાપાનસ્થિત માઇક્રોસોફ્ટ કંપનીએ પોતાને ત્યાં ચાર દિવસ વર્કિંગ સિસ્ટમ દાખલ કરી એ પછી પ્રોડક્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

ફિનલેન્ડના ભારત ખાતેના રાજદૂત એરિક હાલસ્ટોર્મે થોડા સમય અગાઉ દહેરાદૂનની ગ્રાફિક એરા હિલ યુનિવર્સિટીમાં યોજાયેલી ઇન્ટરનેશનલ કોન્ક્લેવમાં કહ્યું હતું કે, ફિનલેન્ડના લોકો ભારતના લોકો કરતાં ઓછો સમય કામ કરે છે છતાં તેની કાર્યક્ષમતા વધુ છે. તેનું સૌથી મોટું કારણ ફિનલેન્ડના લોકોની પ્રસન્નતા અને પરિવારના ઉમદા સંબંધો છે. પરિવારને પૂરતો સમય આપવાની તેમણે યુવાનોને ભલામણ કરી હતી. સવાલ એ છે કે, પરિવારને આપવા માટે પણ સમય તો હોવો જોઇએને? આપણે ત્યાં વર્કિંગ અવર્સ વિશે કોઇ એકસમાનતા જોવા મળતી નથી. ખાનગી કંપનીઓમાં તો નવ-દસ કલાક કામ કરવું પડે છે. અમુક કંપનીઓમાં તો એવું હોય છે કે, આવવાનું નિયત સમયે, જવાનું કંઇ નક્કી નહીં. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં સમય તો આઠ કલાકનો હોય છે, પણ અમુક સરકારી ઓફિસીઝમાં કર્મચારીઓ મન ફાવે ત્યારે આવે છે અને ઇચ્છા થાય ત્યારે રવાના થઇ જાય છે.

ઓસ્ટ્રેલિયાની નેશનલ યુનિવર્સિટીએ વર્કિંગ અવર્સ કેટલા હોવા જોઇએ એ વિશે રિસર્ચ કર્યું હતું. આ અભ્યાસ પછી એવું કહેવાયું હતું કે, એક અઠવાડિયામાં 39 કલાકથી વધારે સમય કામ કરવું જોઇએ નહીં. એ હિસાબે રવિવારની રજા બાદ કરીએ તો છ દિવસ દરરોજ સાડા છ કલાક કામ કરવાનું થાય. ફાઇવ ડે વીક ગણીએ તો 7.8 કલાકનો સમય થાય. હવે બીજો સવાલ, કાર્યક્ષમતાને માત્ર કામના કલાકો સાથે જ સંબંધ છે? એનો ચોખ્ખો જવાબ છે ના! કાર્યક્ષમતા સાથે બીજી ઘણી બધી બાબતો પણ જોડાયેલી છે. તેમાં એક અને સૌથી વધુ મહત્ત્વનું વર્કિંગ કલ્ચર છે. તમે જ્યાં કામ કરો છો ત્યાંનું વાતાવરણ કેવું છે? તમારા કલિગ કેવા છે? એનાથી પણ વધુ મહત્ત્વનું એ છે કે, તમારા બોસ કેવા છે? તમને કામ કરવાની મજા આવે છે કે નહીં? તમને કામના બદલામાં સેલરી કેટલી મળે છે એ પણ કંઇ ઓછું કારણભૂત નથી.

આપણે ત્યાં જે ઇસ્યૂ છે એ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં બેલેન્સ મેઇન્ટેઇન કરવાના છે. નોકરી કરીને ઘરે આવી ગયા પછી પણ ક્યાં શાંતિ હોય છે? ઘરે આવીને પણ લેપટોપ કે મોબાઇલથી ઓફિસનું કામ ચાલતું રહે છે. દુનિયાના અનેક દેશોમાં તમે નોકરી પૂરી કરીને જાવ એ પછી ઓફિસના કામ માટે કોઇ તમને ડિસ્ટર્બ કરતું નથી. આપણે ત્યાં તો ગમે ત્યારે ઓફિસના કામ માટે ફોન આવી શકે છે. આપણામાંથી ઘણા લોકોને પણ હાથે કરીને કૂચે મરવાની આદત હોય છે. ઓફિસેથી નીકળ્યા પછી પણ ઇ-મેઇલ અને બીજી એક્ટિવિટી ચેક કરતા રહીએ છીએ. જવાબો આપતા રહીએ છીએ. એક વાત તો એવી પણ છે કે, જે લોકો ઓફિસમાં સારી રીતે કામ કરે છે તેને ઘરે કામ કરવું પડતું નથી. મોટાભાગના લોકોને તો એવો ભય હોય છે કે, આપણે જો વધુ કામ નહીં કરીએ તો નોકરી ઉપર જોખમ ખડું થઇ જશે.

પરિવારની વાત આવે ત્યારે વળી એવું પણ કહેવાય છે કે, ફેમિલીને ક્વોલિટી ટાઇમ આપો. મતલબ કે જેટલો સમય પરિવારના સભ્યો સાથે રહો એટલો સમય તમારું ઇન્વોલ્વમેન્ટ હન્ડ્રેડ પર્સન્ટ હોવું જોઇએ. એ વાત જુદી છે કે બહુ ઓછા લોકો આવું કરી શકે છે. આપણા દેશની વાત કરીએ તો, જે સિસ્ટમ છે એમાં તમે, હું કે આપણે કોઇ ફેરફાર કરી શકવાના નથી, સિવાય કે આપણે કોઇ કમાન્ડિંગ પોઝિશનમાં હોઇએ. આપણે તો નોકરીના કલાકો બાદ જે કલાકો છે તેમાં બાકીનું બધું એડજસ્ટ કરવાનું હોય છે. ગમે એ કરો, પરિવારને સમય આપો અને પોતાના માટે પણ સમય કાઢો, કારણ કે અંતિમ સત્ય તો એ જ છે. કામ કરો, બેસ્ટ પરફોર્મ કરો, ધ્યાન એટલું રાખજો કે બીજું બધું કરવામાં જીવવાનું ભુલાઇ ન જાય.

પેશ-એ-ખિદમત

કદમ જમીં પે ન થે રાહ હમ બદલતે ક્યા,

હવા બંધી થી યહાં પીઠ પર સંભલતે ક્યા,

નિબાહને કી ઉસે ભી થી આરજૂ તો બહુત,

હવા હી તેજ થી ચરાગ જલતે ક્યા.

– રાજેન્દ્ર મનચંદા બાની

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 12 જાન્યુઆરી 2020, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: