માણસને તું કયા આધારે સારો કે ખરાબ કહે છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

માણસને તું કયા આધારે

સારો કે ખરાબ કહે છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કરમની ઠોકરે કરણી ચડી જાએ તો શું કરવું?

જીવન-શક્તિ જ વેરી થઈ નડી જાએ તો શું કરવું?

બને તો અબઘડી મારી તરસનો અંત આણી દઉં,

પરંતુ ઝેર ખુદ કોઠે પડી જાએ તો શું કરવું?

-શૂન્ય પાલનપુરી

આપણાં સુખ અને દુ:ખનો ઘણો મોટો આધાર એના પર હોય છે કે આપણી આજુબાજુમાં કેવા માણસો છે! માણસનો પ્રભાવ પડતો હોય છે અને અભાવ નડતો હોય છે. કયો માણસ કેવો છે એનું માપ કાઢી શકાતું નથી. માણસનું માપ પણ ક્યાં કાયમ માટે એકસરખું રહેતું હોય છે? માણસ બદલતો રહે છે. બહુ ઓછા લોકો હંમેશ માટે એકસરખા રહેતા હોય છે. કોઈ પણ સંજોગોમાં બદલવું નહીં, આપણી સારપ છોડવી નહીં એ નાની-મોટી સાધના નથી. આખી જિંદગી એકસરખા જ રહેવું એ રોજેરોજ તપ કરવા જેવું છે. માણસની મથરાવટીથી એની માણસાઈ છતી થાય છે. કોઈ માણસ મણનો હોય છે, કોઈ કણનો હોય છે, તો કોઈ ક્ષણનો હોય છે. ઘણા માણસો પહાડ જેવા હોય છે, તો ઘણા પરપોટા જેવા! પરપોટો દેખાય છે સુંદર, પણ એને ફૂટી જતા વાર નથી લાગતી!

દરેક માણસની એક છાપ હોય છે. દરેકની એક ઇમેજ હોય છે. સોશિયલ મીડિયા પર અપલોડ થતી ઇમેજ ફોટોશોપથી ફાઇન ટ્યૂન કરેલી હોય છે. સુંદર દેખાવવા માટે લોકો હજારો રૂપિયા ખર્ચે છે. સારા બનવા માટે આપણે કેટલો પ્રયાસ કરતા હોઈએ છીએ? સન્માનનીય હોવા માટે સારા હોવું વધુ જરૂરી છે, સુંદર નહીં! દેખાવ વારસામાં મળે છે. સારાપણું કેળવવું પડે છે. જિંદગી એ સતત સારા બનવાની એક પ્રક્રિયા છે. ઉંમરથી સમજણ નથી આવતી. ક્યારેક તો માણસ જેમ મોટો થાય એમ વધુ જિદ્દી અને વધુ અભિમાની બની જતો હોય છે. ઉંમર તો જ સાર્થક થાય જો દરેક દિવસે માણસમાં કંઈક સારું ઉમેરાય. સમય આપણને દરરોજ જુદા-જુદા પડાવે લઈ જાય છે. ક્યારેક સારો સમય હોય છે, તો ક્યારેક નઠારો સમય આપણી પરીક્ષા લેતો હોય છે. માણસની ઓળખ મોટાભાગે ત્યારે છતી થતી હોય છે જ્યારે એનો સારો સમય હોય છે. સારા સમયમાં આપણે કેવું બિહેવ કરીએ છીએ એના ઉપરથી આપણી મેચ્યોરિટી સાબિત થાય છે. પડ્યો બોલ ઝિલાતો હોય ત્યારે આપણે કેવા બોલ બોલીએ છીએ એના આધારે લોકો આપણને માપતા હોય છે.

અત્યારના સમયમાં માણસને માપવાના આપણાં કાટલાં બદલાઈ ગયાં છે. મોટાભાગે લોકો માણસને એની સંપત્તિ પરથી માપતા રહે છે. ધનિકને આપણે મોટો માણસ સમજી લઈએ છીએ. એની સ્ટાઇલ કેવી છે, એ કેવાં કપડાં પહેરે છે, એની લાઇફ સ્ટાઇલ હાઇફાઈ છે કે સાદી છે, એના ઉપરથી આપણે એની સાથે સંબંધ રાખવો કે નહીં એ નક્કી કરવા લાગ્યા છીએ. બ્રાન્ડ આપણા ઉપર એટલી બધી હાવી થઈ ગઈ છે કે આપણે તેના આધારે માણસની ઊંચાઈ નક્કી કરવા લાગ્યા છીએ. ઊંચાઈ અને ઊંડાઈમાં ફેર છે. ઘણા માણસો છીછરા હોય છે. છીછરા હોય એમાં છબછબિયાં જ થાય, એમાં ડૂબી ન શકાય! ડેપ્થ હોય એ જ ગ્રેસ જાળવી શકે. અમુક માણસો ક્યારેય બદલતા નથી. એને જિંદગીના કોઈ અપ-ડાઉન નડતા નથી. અમુક લોકો હવા બદલે એની સાથે ચેઇન્જ થઈ જાય છે. હવામાં આવી જાય છે. હવા કાયમ એકસરખી રહેતી નથી. હવામાં હોય એ ક્યારેક નીચા આવવાના જ છે.

માણસની ઓળખ મેળવવાની આવડત બધામાં હોતી નથી. જે અંજાઈ જાય છે એ અટવાઈ જાય છે. તમે શેનાથી અંજાવ છો? તમને શું ઇમ્પ્રેસ કરે છે? કોઈનાથી ઇમ્પ્રેસ થાવ ત્યારે એનો આધાર શું હોય છે? માણસ પોપ્યુલર છે? બધા એની વાહ વાહ કરે છે? બધા એનાથી ડરે છે? હવે તો લોકો માણસનું માપ એના પરથી કાઢવા લાગ્યા છે કે, સોશિયલ મીડિયા પર એના ફોલોઅર્સ કેટલા છે? એની પોસ્ટને કેટલી લાઇક મળે છે? પોતાની પોપ્યુલારિટી વધારવા માટે લોકો હવે ઇમેજમેકર એજન્સીઓ હાયર કરવા લાગ્યા છે. ગમે તે ભોગે લોકોને પોપ્યુલર થવું છે. સારી રીતે સુપ્રસિદ્ધ થવામાં કંઈ જ ખોટું નથી. મંજિલે પહોંચવા માટે તમે કયો રસ્તો અપનાવો છો એ મહત્ત્વનું છે.

માણસને ઓળખવામાં થાપ ખાઈ જનારી વ્યક્તિ વહેલી કે મોડી પસ્તાય છે. આપણે પણ આપણી જિંદગીમાં અમુક એવા લોકોને પ્રાધાન્ય આપી દીધું હોય છે, જે એને લાયક હોતા નથી. અનુભવ થાય ત્યારે સમજાય કે, આને આટલા નજીક આવવા દેવાની જરૂર હતી નહીં. કોની સાથે કેટલું ડિસ્ટન્સ રાખવું, કોને દૂરથી નમસ્તે કરવા, કોની સાથે હાથ મિલાવવા અને કોને ગળે વળગાળવા એની સમજ દરેક માણસમાં હોવી જોઈએ. એક વાત એ પણ સમજવી જોઈએ કે, બહારથી જે ખરાબ દેખાતું હોય, એ પણ ખરાબ હોય એવું જરૂરી નથી. એક પતિ-પત્નીની આ વાત છે. લગ્ન થયાં ત્યારથી પતિના એક મિત્ર સામે પત્નીને પ્રોબ્લેમ હતો. પતિનો ફ્રેન્ડ હતો એટલે એ સંબંધ રાખતી, પણ એની સાથે એને મજા આવતી નહોતી. એક વખત પતિએ પત્નીને પૂછ્યું, તને એની સામે શું વાંધો છે? પત્નીએ કહ્યું એ સિગારેટ પીવે છે, ડ્રિંક પણ કરે છે, નોનવેજ પણ ખાય છે. એ લઘરવઘર ફરતો રહે છે. પતિએ કહ્યું, તારી વાત સાચી છે, એ એવો છે. તને એક વાત કહું, સિગારેટ પીવી કે દારૂ પીવો એ ખરાબ આદત ચોક્કસપણે છે, પણ ખરાબ ચારિત્ર્ય નથી. ચારિત્ર્ય આદતોથી નહીં અનુભવોથી ઓળખાતું હોય છે. કોઈ જ વ્યસન ન હોય, દરરોજ નિયમિતપણે મંદિરે જતો હોય, ડાહી-ડાહી વાતો કરતો હોય એ માણસ પણ બદમાશ હોઈ શકે છે. કયા આધારે તું એને સારો કે ખરાબ માણસ કહે છે?

માણસને ઓળખવા માટે એના વિચારોને સમજવા પડે છે. સંબંધ રાખતા પહેલાં એ વિચારો કે હું જેની સાથે દોસ્તી કે સંબંધ રાખવા ઇચ્છું છું એ વ્યક્તિ શું વિચારે છે? એક યુવતીની આ વાત છે. એ સાસરે ગઈ પછી તેને નવી ફ્રેન્ડ્સ મળી. અડોશી-પડોશી યુવતીઓના એ સંપર્કમાં આવી. ધીમે-ધીમે એ યુવતીએ બધા સાથે સંબંધ ઓછા કરી નાખ્યા. તેના પતિએ એક વખત પૂછ્યું, તું કેમ હવે એ લોકોને નથી મળતી? પત્નીએ કહ્યું, એ બધીના વિચારો મને હલકા લાગ્યા. હશે, એના વિચારો એને મુબારક. એ બધી જે વાતો કરે છે એની સામે મને કોઈ પ્રોબ્લેમ નથી. મારે બસ એ લોકો જેટલા નીચા નથી જવું. આપણે કોઈ સાથે સંબંધ રાખીએ તેનાથી આપણામાં શું ફેરફાર થાય છે એ પણ આપણે ચેક કરતા રહેવું જોઈએ. સંગાથની અસર પડતી હોય છે. સંગ એવો રંગ. આપણો રંગ સંગથી ઘાટો થવો જોઈએ. રંગ ફિક્કો પડી જાય તો આપણે આપણી ઓળખ પણ ગુમાવીએ છીએ. ઘણા લોકો વિશે આપણે એવી વાત કરીએ છીએ કે એ એવો હતો નહીં કે એ એવી હતી નહીં, એનું ગ્રૂપ બદલાયું પછી એનામાં પરિવર્તન આવ્યું છે.

આપણા કોની સાથે સંબંધ છે એના ઉપરથી પણ લોકો આપણને જજ કરતા હોય છે. માણસ જેવો હોય એવું જ એનું ગ્રૂપ હોય. લાઇક માઇન્ડેડનો મતલબ જ એ છે કે આપણને ગમે એવો લોકો સાથેનો સંબંધ. આપણે શેને અને કોને કોને લાઇક કરીએ છીએ એનું આપણને કેટલું ભાન હોય છે? અમુક લોકોને મળીએ એટલે તરત જ આપણને એવું લાગે છે કે એની સાથે આપણને નહીં ફાવે. અમુક લોકો સાથે તરત જ ‘ક્લિક’ થઈ જાય છે. દિલના તાર માત્ર મળતાં જ નથી, ઝણઝણે પણ છે.

બીજા વિશે વિચારવાની સાથે આપણે થોડુંક આપણા વિશે પણ વિચારવું જોઈએ. હું કેવો છું કે હું કેવી છું? મારામાં કંઈ એવું છે એ લોકોને સ્પર્શે છે? આપણે અંદરથી સારા હોઈએ તો પૂરતું છે. આપણે સારા હોઈએ અને કોઈ આપણી નજીક ન આવે તો એવું માનવું કે એને સાચા અને સારાની ઓળખ નથી. એ મારે લાયક નથી. સંબંધો વધારવા ફાંફાં મારવાં જોઈએ નહીં. સાચા સંબંધો હોય એ આપોઆપ વધે છે અને એની મેળે જ ખીલે છે. આપણી ઇમેજ આપણા હાથની વાત હોય છે. હું મારા આદર્શો નહીં છોડું, હું કોઈ સાથે બદમાશી નહીં કરું, હું મારી પ્રામાણિકતા નહીં છોડું, મારો ગ્રેસ અને મારી ગરિમા એ જ મારી ઓળખ છે. હું કરુણાને મારામાં જીવતી રાખીશ. મારી સંવેદના હું સુષુપ્ત થવા નહીં દઉં. જીવતા હોવું અને લાઇવ હોવું એમાં બહુ મોટો ફર્ક છે. તમે કેટલા જીવંત છો? જિંદગીને માણવા અને જાણવા સાચા અને સારા લોકોને ઓળખવા જરૂરી છે અને એનાથી પણ વધુ જરૂરી છે કે આપણે પોતે સાચા અને સારા હોઈએ! કારણ કે છેલ્લે તો આપણે હોઈએ એવા લોકો જ આપણને મળવાના છે!

છેલ્લો સીન :

નક્કામા, વાહિયાત કે વિચિત્ર માણસ સાથે રહેવા કરતાં એકલા રહેવું બહેતર છે. નક્કી કરો કે, હું મારા જેવા લોકો સાથે રહીશ, નહીંતર મારી સાથે જ રહીશ!             -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 27 નવેમ્બર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: