એના માટે તું તારો સમય, મગજ કે વિચાર ન બગાડ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એના માટે તું તારો સમય,

મગજ કે વિચાર ન બગાડ!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કામ કરો છો ના કરવાના, આવા ઊંડા ઘા કરવાના?

જબરો છે બિઝનેસ તમારો, પડછાયા લાંબા કરવાના,

એને શું પૂછો છો સઘળું, એ તો હા જી હા કરવાના,

અવસર છે તો ઊજવો દિલથી, આંસુ પર પરદા કરવાના?

-કૃષ્ણ દવે

આપણે સહુ પ્રોબ્લેમને પેમ્પર કરતા રહીએ છીએ. આપણી જિંદગીમાં એવી ઢગલાબંધ ઘટનાઓ હોય છે જેનાથી આપણે શારીરિક રીતે તો મુક્ત થઈ ગયા હોઈએ છીએ, પણ માનસિક રીતે આઝાદ થયા હોતા નથી. આપણા વિચારો આપણને મુક્ત થવા દેતા નથી. જ્યાં સુધી વિચારોથી છુટકારો ન મળે ત્યાં સુધી મુક્તિનો અહેસાસ થતો નથી. આપણાં સુખ, દુ:ખ, પીડા, વેદના, દર્દ, મુશ્કેલી અને મુસીબતનું કારણ આપણા વિચારો જ હોય છે. જે માણસનો પોતાના વિચારો પર કાબૂ છે એ યોગી જ છે. વિચાર જ આપણામાં વિકાર પેદા કરે છે. પાંચ મિનિટમાં પતી ગયેલી ઘટનાને આપણે પાંચ મહિના સુધી પંપાળતા રહીએ છીએ. એ મને આવું બોલી ગયો, એણે મારી સાથે આવું વર્તન કર્યું, એણે મને હર્ટ કર્યો! આપણે એમાંથી બહાર આવતા જ નથી!

માણસ આખી જિંદગી પોતાની સાથે બે સંદૂક લઈને ફરે છે. એક પટારામાં ખરાબ યાદો હોય છે અને બીજામાં સારી યાદો હોય છે. બંને પટારા આમ તો ભરેલા જ હોય છે. આપણે ખરાબ યાદોનો પટારો ખુલ્લો રાખીએ છીએ. સારી યાદોનો પટારો કાયમ બંધ જ રહે છે. આપણે એટલું જ શીખવાનું હોય છે કે કયો પટારો બંધ રાખવો અને કયો ખુલ્લો રાખવો. એક માણસે પોતાના મોબાઇલમાં એક હાઇડ ફોલ્ડર રાખ્યું હતું. તેના મિત્રએ પૂછ્યું, આમાં શું છે? કંઈ ખાનગી છે? મિત્રએ કહ્યું, ના એવું નથી. એ ન જોવા જેવું છે. એ ફોલ્ડરમાં કડવી યાદો છે. મેં નક્કી કર્યું છે કે એ ફોલ્ડર ક્યારેય ન ખોલવું! મિત્રએ કહ્યું, એવું છે? પછી તેણે કહ્યું, મારા દોસ્ત, તો પછી એ ફોલ્ડરને ડિલીટ જ કરી દે ને! જે ખોલવા જેવું નથી એને સાચવીને શું કરવાનું છે? આપણે બધા એવું જ કરતા હોઈએ છીએ, સાચવવા જેવું ન હોય એને પણ સાચવતા રહીએ છીએ!

ઘણા માણસોને દુ:ખી થવાની પણ મજા આવતી હોય છે. એને સહાનુભૂતિ જોઈતી હોય છે. એકની એક વાતો કરીને એ પોતાના લોકો પાસેથી સાંત્વના ઇચ્છતા હોય છે. કોઈ પોતાની દયા ખાય એ પણ એને ગમતું હોય છે. એ બહાને પણ એ લોકોને પોતાના તરફે રાખવાનો પ્રયાસ કરતા હોય છે. કોઈના પર ડિપેન્ડ રહેવું એની આદત બની ગઈ હોય છે. તમે કોના પર ડિપેન્ડન્ટ છો? આપણે બધા આપણી વ્યક્તિ પર થોડા-ઘણા ડિપેન્ડ રહેવાના જ છીએ. એના વગર મજા ન આવે, એના વગર ન ગમે, એ તો જોઈએ જ, આ પણ એક પ્રકારની ડિપેન્ડન્સી જ છે. પ્રેમ હોય ત્યારે આવું થવું સ્વાભાવિક છે. આધીન હોવા અને પરાધીન હોવામાં ઘણો ફેર છે. પરાધીનતા માણસને ગુલામી તરફ પ્રેરે છે. આધાર રાખો, પણ પરાધીન ન બનો. પરાધીન હોઈએ ત્યારે ક્યારેક માણસ આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા લાગે છે. સમર્પિત રહો, સરન્ડર નહીં.

એક છોકરા અને છોકરીની આ વાત છે. બંને એકબીજાને અનહદ પ્રેમ કરે. છોકરી દરેક વાત પર પ્રેમી ઉપર જ આધાર રાખે. એના વગર કંઈ જ દેખાય નહીં. દરેક પ્રેમી આવી અવસ્થાને લાગણીથી જ નથી જોતો, એ જુદી નજરે પણ જોવા લાગે છે. આ હવે ક્યાં જવાની? એ પૂરેપૂરી મારા સકંજામાં છે. હું ગમે તે કરીશ તો પણ એ મને છોડવાની નથી. ધીમે ધીમે એ પ્રેમિકાની લાગણીનો ફાયદો ઉઠાવવા માંડ્યો. પ્રેમિકા દુ:ખી થાય એવું વર્તન કરતો. ઘણા લોકો એવી રીતે પણ ઇમોશનલ બ્લેક મેલ કરતા હોય છે કે, તું મારું નહીં માને તો હું તને છોડી દઈશ! છોકરીને થાય કે, એ છોડી દેશે તો મારું શું થશે? પ્રેમમાં પરાધીન હોવું એ વાત પણ સાબિત કરે છે કે આપણા ઇમોશન્સ આપણા કંટ્રોલમાં નથી. પ્રેમ માટે બધું કરો, પણ પ્રેમ જ્યારે સતત પીડા આપવા લાગે ત્યારે વિચારો કે, ક્યાં ખોટું થઈ રહ્યું છે? શું ખોટું થઈ રહ્યું છે? પ્રેમ તો આનંદ આપવો જોઈએ! પ્રેમમાં હોઈએ ત્યારે જો હવામાં અને નશામાં ન હોઈએ તો સમજવું કે કંઈક પ્રોબ્લેમ છે. ક્યારેક કોઈ વાતે નારાજગી કે ઝઘડો થાય એ સ્વાભાવિક છે, પણ સતત જો એવું થાય તો એ સંબંધ વિશે પણ વિચારવું પડે!

એક પ્રેમી અને પ્રેમિકા હતાં. શરૂ શરૂમાં તો બંને વચ્ચે બહુ સારું ચાલ્યું. ધીમે ધીમે ઝઘડા થવા લાગ્યાં. છોકરી બહુ ડિસ્ટર્બ રહે. છોકરાને કોઈ ફેર ન પડે. છોકરીની આવી હાલત જોઈ એક વખત તેની ફ્રેન્ડે કહ્યું કે, તું દુ:ખી થાય છે. એ સમજી શકાય એવી વાત છે. એને કંઈ ફેર પડે છે? એને જરાયે એવો વિચાર આવે છે કે, મારી પ્રેમિકા ડિસ્ટર્બ છે? એને મનાવી લઉં! એને મારે દુ:ખી નથી કરવી! સાચો પ્રેમ એ જ છે કે આપણી વ્યક્તિને દુ:ખી કર્યા પછી આપણામાં પણ વેદના સર્જાય! એ મજામાં ન હોય તો આપણને પણ મજા ન આવે! ઘણા તો આપણને દુ:ખી કરીને સેડેસ્ટિક પ્લેઝર મેળવતા હોય છે. કોઈ આપણા દુ:ખી થવાથી સેડેસ્ટિક પ્લેઝર મેળવતા હોય તો એમાં વાંક એનો નથી હોતો, વાંક આપણો હોય છે. માણસે પોતાના સુખની ચાવી કોઈના હાથમાં આપવી ન જોઈએ. કોઈ હોય તો મજા આવે એવું થઈ શકે, એ ન હોય તો મજા ન આવે એ પણ વાજબી છે. જોકે, આપણને મજા ન આવે એટલે એ ન આવે ત્યારે સમજવું કે એણે મને મજામાં રાખવી કે રાખવો જ નથી! માત્ર આપણા સુખની જ નહીં, આપણા દુ:ખની ચાવી પણ કોઈના હાથમાં સોંપવી ન જોઈએ. કોઈ આપણને દુ:ખી કરી ન જાય એની તકેદારી રાખવી એ સુખી રહેવા માટે જરૂરી છે.

સંબંધ કોઈ પણ હોય એ સુખ આપવા જોઈએ. એ માટે આપણને સુખી રહેતા આવડતું હોય એ પણ જરૂરી હોય છે. કોઈ આપણા માટે કંઈક કરતું હોય તો એની પણ કદર હોવી જોઈએ. કોઈ આપણને સુખી કે ખુશ રાખવા માટે મહેનત કરતું હોય ત્યારે આપણે એની કેટલી પરવા કરીએ છીએ? એક પતિ-પત્નીની આ વાત છે. પત્નીને ખુશ રાખવા પતિ ખૂબ જ મહેનત કરે. પત્ની અપસેટ હોય તો એને મજા આવે એવું કરતો રહે. કંઈ થયું હોય તો કહે કે, જવા દે ને! થઈ ગયું એ થઈ ગયું! આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે કંઈ જવા દેતા નથી! પકડી રાખીએ છીએ! કોઈ આપણને એ માટે પ્રોત્સાહિત કરી શકે કે, તું છોડી દે! છોડવું તો આપણે જ પડે! આપણે ન મૂકીએ ત્યારે જ આપણી વ્યક્તિને એવું થાય છે કે, તારે મૂકવું જ નથી! એક વાતને પૂરી જ નથી કરવી! આપણી વ્યક્તિ ક્યારેક કંટાળી જાય છે કે, આને કંઈ ફેર જ પડતો નથી!

ક્યારેક તો કોઈ ત્રીજી વ્યક્તિને કારણે આપણે આપણી વ્યક્તિને અન્યાય કરતાં હોઈએ છીએ! આપણી જિંદગીમાં જેનું કોઈ મહત્ત્વ હોતું નથી એને આપણે એટલું બધું ઇમ્પોર્ટેન્સ આપી દઈએ છીએ જેને એ લાયક હોતા નથી. એક પતિ-પત્ની હતાં. પત્નીને એની ફ્રેન્ડ સાથે ઝઘડો થયો. પત્ની ડિસ્ટર્બ હતી. પતિને થયું કે, ચાલ તેને ફરવા લઈ જાઉં. પત્નીનું મગજ ઠેકાણે નહોતું. પત્નીએ કહ્યું, મારું મગજ ઠેકાણે નથી અને તને ફરવા જવાનું સૂઝે છે! તને મારા ઇમોશન્સની કંઈ પડી જ નથી! બે મિત્રોની આ વાત છે. એક મિત્રનું એની પ્રેમિકા સાથે બ્રેકઅપ થયું. તેનો ફ્રેન્ડ આવ્યો. ચલ ચક્કર મારવા જઈએ. બંને મિત્રો સાથે બહાર ગયા. મિત્રએ એવી કાળજી રાખી કે એના મિત્રને ગમે એવું કરું, એનું ધ્યાન રાખું, એની સાથે ગપ્પાં મારું. બંને મિત્રો જુદા પડતા હતા. બ્રેકઅપથી ડિસ્ટર્બ હતો એ મિત્રએ છૂટા પડતી વખતે હગ કરીને થેંક્યું કહ્યું. તેના મિત્રએ પૂછ્યું, શેના માટે? મિત્રએ જવાબ આપ્યો, મને મારી માનસિક સ્થિતિથી દૂર લઈ જવા માટે! ઇટ મિન્સ અ લોટ!

દરેક માણસ એવું કહીને કંઈ નથી કરતો કે હું આ તારા માટે કરું છું. તને મજા આવે એટલે મેં આ પ્લાનિંગ કર્યું છે. સાચા સંબંધમાં કોઈ અણસાર ન આવે એવી રીતે ઘણું બધું થતું હોય છે. એનો અણસાર આપણને ઝીલતા આવડવો જોઈએ. જે વ્યક્તિ આપણા વિચારો વાંચી શકતી હોય છે એ જ ખરા અર્થમાં આપણી હોય છે. આપણે એવી વ્યક્તિને ઘણી વખત સાચવતા નથી અને જેને સાચવવા જેવા ન હોય એને આપણામાં સંઘરીને ફરતા હોઈએ છીએ. એવી વ્યક્તિ માટે આપણે આપણો સમય કે મગજ જ નહીં, આપણા વિચારને પણ ન બગાડવા જોઈએ. મુક્ત થવું હોય તો વિચારોથી આઝાદ થઈ જાવ! તમારા વિચારો ઉપર કોઈ કબજો જમાવી ન રાખે એની તકેદારી રાખો! કંઈ ભૂલવા માટે એ જરૂરી છે કે, એ વિચારોમાં ન પ્રવેશી જાય! વિચારોમાંથી હટાવશો નહીં તો ક્યારેય છુટકારો મળવાનો જ નથી!

છેલ્લો સીન :

કોઈ વ્યક્તિ, કોઈ સ્મરણ કે કોઈ ઘટના ત્યાં સુધી જ આપણી સાથે હોય છે જ્યાં સુધી આપણે એના વિચારો કરતા રહીએ છીએ! સુખ આપે એવા વિચારો વાગોળો, વેદના આપે એવા વિચારોને ટાળો!          -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 24 જુલાઇ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “એના માટે તું તારો સમય, મગજ કે વિચાર ન બગાડ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply to bharti Cancel reply

%d bloggers like this: