લેક્સીની જેમ બધાને આખી દુનિયા ફરવું છે, પણ મેળ પડવો જોઈએને! ​- દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

લેક્સીની જેમ બધાને આખી દુનિયા

ફરવું છે, પણ મેળ પડવો જોઈએને!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

લેક્સી અલફોર્ડ દુનિયાના 196 દેશો ફરી હોવાની

વાત બહાર આવતાં અસંખ્ય લોકોએ એના ફોટા સાથે

સ્ટેટસ મૂક્યું કે, આ છોકરી મારું સપનું જીવી ગઈ!

બધા કંઇ આખી દુનિયા ફરી ન શકે. દરેકનું એક ડ્રીમ ડેસ્ટિનેશન

હોય છે, ત્યાં જવા મળે તો પણ ઇનફ છે.

તમારું સપનાનું સ્થળ કયું છે?

અમેરિકાની 21 વર્ષની લેક્સી અલફોર્ડ દુનિયાના 196 દેશ ફરી આવી. આ સમાચાર હમણાં આખી દુનિયામાં બહુ ગાજ્યા. સાચું કહેજો, આ ખબર વાંચીને તમને શું થયું હતું? એવું જ થયું હશે કે, કેવી નસીબદાર છે! આવડી નાની ઉંમરમાં આટલું બધું ફરવા મળ્યું! બીજો વિચાર કદાચ એવો આવ્યો હશે કે, ફરવું તો મારેય છે, મેળ ખાવો જોઇએને! આંયા તો દેશમાં પણ પૂરું ફરી નથી શકતા, વિદેશની તો વાત જ ક્યાં કરવી? આપણા દેશના કરોડો લોકો માટે વિદેશ જવું એ અશક્ય જેવું કામ છે. તમે કેટલા દેશ ફર્યા છો? જો એકાદ-બે દેશો ફર્યા હોવ તો પણ તમે દુનિયાના થોડાક લકી લોકો પૈકીના એક છો.

લેક્સી વિશે વાંચીને મોટા ભાગના લોકોને એમ થયું હશે કે, એ તો હશે કોઇ અબજોપતિની દીકરી. લેક્સીના પિતા કેલિફોર્નિયામાં ટ્રાવેલ એજન્સી ધરાવે છે. લેક્સીએ કહ્યું કે, મેં ફરવા માટે ક્યારેય કોઇની મદદ નથી લીધી. મેં બચપણથી બચત કરવાનું શરૂ કર્યું હતું. અરે બહેન! તને એટલું તો મળતું હતું કે, તું દુનિયા ફરવા જેટલી બચત કરી શકે! લેક્સી 31મી મેના રોજ નોર્થ કોરિયા ગઇ હતી. એ એનો 196મો દેશ હતો. લેક્સીએ એવું કહ્યું કે, હું દરેક દેશના સૌંદર્યને માણતી હતી. મેં ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો ન હતો. કોઇ દેશમાં જઇને સિમ કાર્ડ નહોતું લીધું. જોકે, એ ઢગલાબંધ ફોટા પાડતી અને વિડિયો પણ ઉતારતી હતી. ઇન્સ્ટાગ્રામ પર અપલોડ પણ કરતી રહેતી હતી. લેક્સીની વાત જગજાહેર થઇ એ પછી ઇન્સ્ટા પર તેને ફોલો કરનારની સંખ્યામાં ધડાધડ વધારો થવા લાગ્યો છે. ઇન્સ્ટા ઉપર એ ‘લેક્સીલિમિટલેસ’ના નામે અવેલેબલ છે. તેણે ફોટાની સાથે અમુક વાતો લખી છે એ મજાની છે. એક જગ્યાએ તેણે લખ્યું છે કે, મારી જેમ ફરવું છે? તો બીજા ખોટા ખર્ચ ન કરો. નાણાં ભેગાં કરો અને નીકળી પડો. આપણાથી એમ બોલાઇ જાય કે, એમ નીકળાતું હોત તો તો ક્યાં વાત જ હતી? જેની પાસે રૂપિયા છે એ પણ ક્યાં નીકળી શકતા હોય છે? મોટા ભાગના લોકોને તો બજેટની જ સમસ્યા હોય છે. બચાવી બચાવીને ભેગા કરે તો ફરવા જવાની રજા મળતી નથી. હવે આવી બધી વાતોને તમે એસ્ક્યુઝિસ ગણો કે મજબૂરી એ તમારી મરજી છે.

લેક્સીની વાત જાણી દેશ અને દુનિયાના અનેક લોકોએ એના ફોટા સાથે એવું સ્ટેટસ લખ્યું કે, આ છોકરી મારું સપનું જીવી ગઇ. ફરવા જવા વિશે દરેકની પોતાની ઇચ્છાઓ અને માન્યતાઓ હોય છે. દુનિયા ફરવાનું તો બધાને મન થાય, પણ એ શક્ય બનતું નથી. દરેક વ્યક્તિનું એક ડ્રીમ ડેસ્ટિનેશન હોય છે. કોઇ દેશ અથવા કોઇ શહેરનું આપણને કંઇક ગજબનું જ આકર્ષણ હોય છે. તમને કોઇ એમ કહે કે, તમને એક દેશ જવા મળશે તો તમે કયા દેશનું નામ આપો? કયા શહેર કે સ્થળની તસવીર જોઇને તમને એમ થાય છે કે, એક વાર અહીં જવા મળે તો બસ? એક વાત તો છે જ કે, જો તમે ધારો તો તમે તમારી ધારેલી એક-બે જગ્યાએ તો જઇ જ શકો. આપણે ત્યાં સોલો ટ્રિપનું કલ્ચર હજુ જોઇએ એટલું વિકસ્યું નથી. આપણે ફેમિલી સાથે, ગ્રૂપમાં કે પેકેજ ટૂરમાં જવા ટેવાયેલા છીએ. આપણને બધું પ્લાન્ડ અને રિઝર્વ્ડ જોઇએ છે. અલગારી રખડપટ્ટી આપણને માફક આવતી નથી. ફોરેનના લોકો એક બેગ લઇને નીકળી પડે છે. નાણાં પણ સમજી વિચારીને ખર્ચે છે. સસ્તી હોટલ પસંદ કરે છે. એના માટે ઇમ્પોર્ટન્સ ફરવાનું હોય છે, દરેક દેશનું સૌંદર્ય અને ત્યાંની સંસ્કૃતિને જાણવાનું અને માણવાનું હોય છે. કોઇ ઓળખતું ન હોય એવી જગ્યાએ આપણે એકલા ફરવા જવાનું ટાળીએ છીએ. ઇન્ડિયન્સ અને એમાંય ખાસ તો ગુજરાતીઓ ફરવાના શોખીન છે, પણ આપણી ફરવાની વ્યાખ્યા જુદી છે. હવે એમાં થોડો થોડો બદલાવ આવવા લાગ્યો છે. યંગસ્ટર્સ અજાણ્યાં સ્થળોએ સોલો ટ્રિપ મારવા લાગ્યા છે. ‘ક્વીન’ ફિલ્મ જોઇને છોકરીઓમાં પણ સોલો ટ્રિપનો ક્રેઝ જોવા મળે છે. જોકે, આપણે ત્યાં હજુ બહુ ઓછી છોકરીઓને એકલા ફરવા જવા મળે છે. આપણાં પેરેન્ટ્સ કદાચ સંતાનોની થોડીક વધુ જ ચિંતા કરે છે. સલામતી જરૂરી છે, પણ વધુ પડતી ફિકર સાહસને રૂંધે છે.

ન્યૂઝીલેન્ડે હમણાં જે બજેટ રજૂ કર્યું તેમાં ‘વેલ બીઇંગ’ માટે એટલે કે મજા, આનંદ અને ખુશી માટે મોટી રકમ ફાળવવામાં આવી. એ પછી એક એવો વિચાર પણ વહેતો થયો છે કે, દરેક વ્યક્તિ અને પરિવારે પણ પોતાના બજેટનો અમુક હિસ્સો વેલ બીઇંગ માટે ફાળવવો જોઇએ. એ રકમ ફરવા જવા પાછળ વાપરવાની. દેશ અને દુનિયાને જોવાથી, માણવાથી અને સમજવાથી આપણી વિચારસરણી અને માનસિકતામાં ગજબનો સકારાત્મક બદલાવ આવે છે. રૂટિન લાઇફમાંથી ચેઇન્જ તો મળે જ છે એ સાથે જિંદગી પણ જીવવા જેવી લાગે છે. આપણી ગુજરાતીમાં પેલી કહેવત કંઇ એમ જ તો નહીં પડી હોય ને કે, ફરે એ ચરે, બાંધ્યો ભૂખે મરે. લેક્સી જેટલું ફરી ન શકાય તો કંઇ નહીં, જેટલું ફરી શકાય એટલું ફરવું જોઇએ. આમેય કેટલું ફર્યા એ મહત્ત્વનું નથી, કેવું ફર્યા એ જ મહત્ત્વનું હોય છે.

પેશ-એ-ખિદમત

જહાઁ તક દેખતા હૂઁ મૈં જહાઁ તક મૈંને સમજા હૈ,

કોઇ તેરે સિવા તારીફ કે કાબિલ નહીં મિલતા,

મુસાફિર અપની મંઝિલ પર પહુંચ કર ચૈન પાતે હૈં,

વો મૌજેં સર પટકતી હૈં જિન્હેં સાહિલ નહીં મિલતા.

– મખમૂર દેહલવી

(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ, તા. 16 જૂન 2019, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: