સોશિયલ મીડિયા પર જે કંઇ કરો, બહુ સમજી વિચારીને કરજો! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સોશિયલ મીડિયા પર જે કંઇ કરો,

બહુ સમજી વિચારીને કરજો!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

અમેરિકાએ એવો નિયમ કર્યો છે કે, વિઝાની અરજી સાથે સોશિયલ મીડિયાની પાંચ વર્ષની વિગતો આપવી પડશે. હવે નોકરી આપવાવાળાઓ પણ કોઇને જોબ આપતા પહેલાં એના સોશિયલ મીડિયાના અપ-ડેટ્સ ચેક કરી લે છે

સોશિયલ મીડિયામાં તમે જે કરો છો તેનાથી તમારી સારી કે ખરાબ ઇમેજ ખડી થાય છે. આપણી હરકતો આપણી માનસિકતા છતી કરી દે છે. તમને તમારી આબરૂની કેટલી પડી છે?

સોશિયલ મીડિયા હવે આપણા બધાના જીવનનો એક એવો હિસ્સો બની ગયું છે કે એના વગર જિંદગીની કલ્પના જ ન થઇ શકે. આખી દુનિયા જાણે છે કે, સોશિયલ મીડિયાના અનેક ગેરફાયદા છે. સોશિયલ મીડિયા આપણો સમય ખાઇ જાય છે. આપણે કંઇ અપલોડ કર્યું હોય એ પછી કેટલી લાઇક મળી અને કોણે કેવી કમેન્ટ કરી એ જોવા આપણું મન લલચાતું રહે છે. એકાદ કલાક જો ફોન હાથમાં ન લઇએ તો એવું લાગવા માંડે છે જાણે આપણે આખી દુનિયાથી કટ-ઓફ થઇ ગયા હોઇએ. સોશિયલ મીડિયાથી દૂર રહેવાના પ્રયત્નો કરીએ છીએ, પણ એનું વ્યસન છૂટતું જ નથી. લોકો પણ હવે માણસને જુદી નજરે જોવા લાગ્યા છે. તમે કોઇને મળો એ પછી તરત જ તમને એની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી જાય છે. તમે જો સોશિયલ મીડિયા પર ન હોવ તો તમને લોકો પછાત માનવા લાગે છે. લોકો કહે છે કે, આ તે કઇ દુનિયાનો માણસ છે?

માણસની લાઇફ ટેક્નોલોજી ડ્રિવન થઇ ગઇ છે. ટેક્નોલોજીના કારણે હવે કંઇ જ છૂપું રહેતું નથી. પ્રાયવસીનું પતન તો ક્યારનુંયે થઇ ગયું છે. તમારી પ્રાયવસી બચી રહે એ માટે આવું કરવું અને આમ ન કરવું એવી સૂચનાઓના ધોધ વહેતા રહે છે. બાય ધ વે, તમે સોશિયલ મીડિયા ઉપર કંઇ પણ અપલોડ કરતા પહેલાં જરાયે વિચાર કરો છો કે, આનાં પરિણામો શું આવશે? ભવિષ્યમાં કોઇ જોશે ત્યારે તમારા વિશે શું અને કેવું માનશે? કોઇ ખરાબ દાનતથી નહીં, પણ અમુક નિર્ણયો કરવા માટે પણ કોઇ તમારા સોશિયલ મીડિયા ઉપર નજર ફેરવી શકે છે.

અમેરિકાએ હમણાં પોતાનો નિર્ણય જાહેર કર્યો કે, હવે અમેરિકામાં જોબ કે સ્ટડી માટે વિઝા માંગનારે સોશિયલ મીડિયાની પાંચ વર્ષની હિસ્ટ્રી આપવાની રહેશે. અમેરિકા એક વર્ષથી વિચાર કરતું હતું કે, આવું કરવું કે નહીં? આવું કરવા પાછળનું સૌથી મોટું કારણ અમેરિકાની સુરક્ષાનું છે. આતંકવાદ સામે અમેરિકા જેટલું સજાગ છે એટલો દુનિયાનો બીજો કોઇ દેશ નથી. સોશિયલ મીડિયાનો પાંચ વર્ષનો ડેટા માણસની માનસિકતા માપવા માટે પૂરતો છે. માણસ શું કરે છે એનાથી લઇને પાંચ વર્ષમાં તેનામાં શું પરિવર્તન આવ્યું છે એ પણ સોશિયલ મીડિયાના અપડેટ્સથી મપાઇ જાય છે. તમે એમ કહેશો કે, એ ડેટા ડિલિટ કરી નાખ્યો હોય તો? અમેરિકા માટે એ ડેટા મેળવવો અઘરી વાત નથી. જે સોશિયલ મીડિયાનો ડેટા માંગવામાં આવ્યો છે એમાં ફેસબુક, ટ્વિટર, ફ્લિકર, ઇન્સ્ટાગ્રામ, લિંકનડિન, યુટ્યૂબ, ગૂગલ પ્લસ ઉપરાંત તમારા ઇ-મેઇલનો પણ સમાવેશ થાય છે. તમને થશે કે, ગૂગલ પ્લસ તો બંધ થઇ ગયું છે! એ તો હમણાં બંધ થયું, એ પહેલાંના પાંચ વર્ષનો ડેટા તો હોવાનો જ ને? આ વિગતો આપતી વખતે પાસવર્ડ આપવાનો નથી, માત્ર યુઝર આઇડી આપવું પડશે. બાકીનું કામ એ લોકો કરી લેશે. અમેરિકાને કઇ પોસ્ટથી વાંધો પડે એ કહી શકાય એમ નથી. આપણે જેને નિર્દોષ સમજતા હોઇએ એને એ ગંભીરતાથી લઇ શકે છે. તમારાં કોઇ સગાં સીઆરપીએફ કે બીજી કોઇ એજન્સી સાથે હોય, તમે એની મશીનગન સાથે ફોટા પડાવીને ફાયરિંગની સ્ટાઇલમાં અપલોડ કરો તો અમેરિકા તમારા નામ પર ચોકડી મૂકી દઇ શકે. તમારા ફોટાને ભલે ગમે એટલી લાઇક મળી હોય, પણ અમેરિકા તમને ડિસલાઇક કરી દે.

અમેરિકાની વાત એક બાજુ મૂકી દો. તમને ખબર છે, હવે દેશમાં પણ નોકરી આપવાવાળા કોઇને નોકરીએ રાખતા પહેલાં તેના સોશિયલ મીડિયા પર નજર ફેરવી લે છે. તમે શું કરો છો? કોઇ પણ પોલિટિકલ મૂવમેન્ટ વિશે તમારા વિચારો શું છે? તમે કોને પસંદ કરો છો? કોણ તમને નથી ગમતું? એ વિગતોથી માંડીને તમારા ફ્રેન્ડ લિસ્ટમાં કોણ છે? એ કેવા લોકો છે? તેની બધી વિગતો તપાસવામાં આવે છે. આપણે કોઇ પાર્ટીમાં ગયા હોઇએ અને પછી એના ફોટા અપલોડ કરીએ તેના પરથી પણ આપણું માપ કાઢવામાં આવે છે. તમને પસંદ કરવા કે ન કરવા એ તમારી સોશિયલ મીડિયા પરની હરકતો પરથી નક્કી થાય છે.

સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ અંગે સાઇકોલોજિસ્ટ્સનું પણ એવું કહેવું છે કે, તમે જે મૂકો એના પરથી તમારી માનસિકતા નક્કી થાય છે. સોશિયલ મીડિયા આપણા સંસ્કારો જ વ્યક્ત કરે છે. એ એક પ્રકારનું જાહેર વર્તન છે. આપણને ઘણી વખત એમ થાય કે, એમાં શું? હકીકતે એમાં ઘણું બધું હોય છે. મેટ્રિમોનિયલ માટેની વાતચીત દરમિયાન પણ લોકો છોકરા કે છોકરીનું બિહેવિયર સોશિયલ મીડિયા પર ચેક કરી લે છે. ઘણા લોકો સ્ટંટ કરતા ફોટોગ્રાફ્સ કે વિડિયો ક્લિપ અપલોડ કરે છે, પોતાનાં ટેટુ કે બીજાં કોઇ નખરાં છતાં કરે છે. માચો મેન કે બિન્ધાસ્ત ગર્લ તરીકે પોતાની ઇમેજ બનાવવા ઇચ્છતા યંગસ્ટર્સ ગમે તેવી હરકતો સોશિયલ મીડિયા પર જાહેર કરે છે. એના ઉપરથી તમે કેટલા પાણીમાં છો? તમારી લાઇફ કે કરિયર પ્રત્યે કેટલા સિરિયસ છો? એ બધું બહાર આવી જાય છે. સોશિયલ મીડિયા પર સીન મારવાનાં કરતૂતો ઘણી વખત ભારે પણ પડી જતાં હોય છે. સંબંધ, પ્રેમ અને દોસ્તીમાં પણ હવે લોકો એ જોવા લાગ્યા છે કે, આ માણસ ભરોસાપાત્ર છે કે નહીં? કંઇ પણ અપલોડ કરતા પહેલાં એટલું જરૂર વિચારજો કે, તમારી વાત કે તસવીરનો કેવો મતલબ કાઢવામાં આવશે? સોશિયલ મીડિયા તમને એન્ટિ સોશિયલ જાહેર કરવા માટે પણ મહત્ત્વનો રોલ અદા કરી શકે છે. સાવધાન રહેજો, ક્યાંક સોશિયલ મીડિયા તમારા માટે આનંદના બદલે આફત ન બની જાય!

                            પેશખિદમત

તુમ મુજે ભી કાઁચ કી પોશાક પહનાને લગે,

મૈં જિસે દેખૂઁ વહી પત્થર નજર આને લગે,

દશ્ત મેં પહુઁચે તો તન્હાઇ મુકમમ્લ હો ગઇ,

બઢ ગઇ વહશત તો ફિર ખુદ સે હી ટકરાને લગે.

(દશ્ત-જંગલ/વહશત-ડર)  – ઇકબાલ સાજિદ

(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ, તા. 09 જૂન 2019, રવિવાર)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “સોશિયલ મીડિયા પર જે કંઇ કરો, બહુ સમજી વિચારીને કરજો! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply to Aneri soni Cancel reply

%d bloggers like this: