ક્વીન એલિઝાબેથના બર્થડેનું સેલિબ્રેશન અને મોતનું રિહર્સલ – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ક્વીન એલિઝાબેથના બર્થડેનું

સેલિબ્રેશન અને મોતનું રિહર્સલ

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

બ્રિટિશ ક્વીન એલિઝાબેથનો બર્થડે 21મી એપ્રિલે ગયો. જોકે,

તેમના બર્થડેનું સાચું સેલિબ્રેશન જૂન મહિનાના બીજા શનિવારે થશે.

આવું કરવા પાછળ 271 વર્ષથી ચાલી આવતી એક પરંપરા છે

93 વર્ષનાં થયેલાં ક્વીન એલિઝાબેથનું અવસાન થાય

પછી બધું ગૌરવભેર પૂરું થાય એ માટે તેમનાં મોતનું પણ રિહર્સલ થયું છે!

એક સમય હતો જ્યારે બ્રિટિશરાજ વિશે એવું કહેવાતું કે, બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ ક્યારેય આથમતો નથી. દુનિયાના દરેક ખંડના અનેક દેશોમાં તેનું રાજ હતું. અંગ્રેજોની જુદા જુદા દેશો પર કબજો જમાવવાની દાનત અને અંગ્રેજોએ ગુજારેલા જુલ્મોની કથાઓ આપણા દેશ સહિત અનેક દેશોએ જોઈ છે અથવા તો જાણી છે. હવે તો બ્રિટનમાં પણ રાજાશાહી નથી, પણ ત્યાં રાજપરિવારનો દબદબો હજુ એવો ને એવો છે. બ્રિટનના લોકો પણ ક્વીન અને રોયલ ફેમિલીના દરેક સભ્યોને આદર આપવામાં કંઈ બાકી રાખતા નથી. બ્રિટિશ ક્વીન એલિઝાબેથ બીજાં ગયા રવિવારે એટલે કે 21મી એપ્રિલે 93 વર્ષનાં થયાં. ક્વીનના બે બર્થડે ઊજવવામાં આવે છે. એ સાથે જ હવે રાજપરિવાર, બ્રિટિશ સરકાર અને બ્રિટનના લોકોને એક વાતની ચિંતા થવા લાગી છે કે, ક્વીનનું અવસાન થશે ત્યારે શું કરીશું? ક્વીનના ડેથ પછી બધું રોયલ પ્રોટોકોલ મુજબ હેમખેમ અને ગૌરવભેર પાર પડે તે માટે ક્વીનનાં મોતનું રિહર્સલ પણ કરાયું હતું! દુનિયામાં મોતનું રિહર્સલ થયું હોય તેવી આ એકમાત્ર ઘટના છે. તમને એ જાણીને કદાચ આશ્ચર્ય થશે કે, બીબીસી તો ક્વીનનાં મૃત્યુની ખબર કેવી રીતે આપશું તેનું પણ ઓનસ્ક્રીન રિહર્સલ પણ કરે છે, જેથી રિઅલ ન્યૂઝ આપતી વખતે કોઈ લોચો ન થાય!

વેલ, ક્વીનનાં મોતની વધુ વાત કરતા પહેલાં તેના બર્થડે સેલિબ્રેશનની વાત કરીએ. ક્વીનનો બર્થડે 21મી એપ્રિલ છે, પણ તેનું સેલિબ્રેશન દર વર્ષે જૂનના બીજા શનિવારે થાય છે. તેની પાછળ 271 વર્ષ પહેલાંની એક ઘટના છે. કિંગ જ્યોર્જ બીજાનો જન્મ 9મી નવેમ્બર, 1683ના રોજ થયો હતો. નવેમ્બર માસમાં બ્રિટનનું વેધર જનરલી ખરાબ હોય છે. એ સમયે સારી રીતે બર્થડે સેલિબ્રેટ થઈ શકતો નહીં. ઈ.સ. 1748માં કિંગ જ્યોર્જે બીજાએ કહ્યું કે, હવેથી મારા બર્થડેનું સેલિબ્રેશન એન્યુઅલ મિલિટરી પરેડની સાથે જૂન મહિનાના બીજા શનિવારે થશે. જૂનમાં જનરલી વેધર સારું હોય છે. એ સમયથી કિંગ કે ક્વીનના બર્થડેનું સેલિબ્રેશન ચોક્કસ દિવસે જ થાય છે.

ક્વીન એલિઝાબેથ બીજાં બ્રિટિશ રાજમાં સૌથી વધુ સમય સત્તા ભોગવનાર વ્યક્તિ છે. તેમના બર્થડે નિમિત્તે તેઓ બકિંગહામ પેલેસમાં ગેલેરીમાં ઊભાં રહી હાથ હલાવીને લોકોનું અભિવાદન ઝીલે છે. એ દિવસે યોજાતી પરેડમાં 1400 સોલ્જર, 200 ઘોડેસવાર અને 400 મ્યુઝિશિયન ભાગ લે છે. લોકો રોડના બંને કિનારે હાથમાં બ્રિટનના ફ્લેગ ઝુલાવતા ઊભા રહે છે. ટાવર ઓફ લંડન ખાતે 62 અને વિન્ડસર ગ્રેટ પાર્ક ખાતે 21 ગન સેલ્યૂટ અપાય છે. રાણીની હવે ઉંમર થઈ છે એટલે બધાને તેમની હેલ્થની ચિંતા રહે છે.

ક્વીનની તહેનાતમાં તો દુનિયાના બેસ્ટ ડોક્ટર્સ હાજર હોય છે. રોજેરોજ તેમની તબિયતની તપાસ થતી રહે છે. હવે ઉંમરના કારણે તેમણે વિદેશ પ્રવાસે જવાનું અને અત્યંત મહત્ત્વના કામ સિવાય પેલેસની બહાર નીકળવાનું બંધ કર્યું છે. જોકે, તેઓ હજુ અમુક વિશેષ લોકોને મળે છે. તેમની ફરજમાં આવતું હોય એ કામ પણ કરે છે. ક્વીન અને રોયલ પરિવારની વાતો જાણવામાં લોકોને ખૂબ રસ પડે છે. રોયલ પરિવારની નાનકડી વાત હોય તો પણ લોકોના કાન સરવા થઈ જાય છે. ક્વીનની હેલ્થ વિશે જાતજાતની શંકા-કુશંકાઓ પણ થતી રહે છે અને અફવાઓ પણ ઊડતી રહે છે. એક વખતે તો બીબીસીના એક રિપોર્ટરે ટ્વીટ કરીને એવા સમાચાર વહેતા કરી દીધા હતા કે રાણીનું અવસાન થયું છે. એ ખબર ધડાધડ રિટ્વીટ થવા લાગી હતી. એ પછી બીબીસીએ માફી માંગવી પડી હતી. ટ્વિટરે વીણી વીણીને બધી જ ટ્વીટ ડિલીટ કરી નાખી હતી.

બ્રિટનનાં અનેક અખબારોએ એ વિશે લેખો પણ લખ્યા છે કે, ક્વીનનું અવસાન થાય તો તેમની અંતિમ વિધિનો પ્રોટોકોલ શું છે? કેવી રીતે નવો વારસદાર રાજગાદી સંભાળશે? કેટલા દિવસનો શોક રહેશે? બ્રિટિશ સરકારે તો કોઈને ખબર ન પડે એ રીતે ખાનગીમાં બેઠકો બોલાવીને એ વિશે ચર્ચાઓ પણ કરી છે. બ્રિટનમાં રાણીને આદર આપનારા એવા લોકો પણ છે, જે રાણીનાં મોતની કોઈ વાત કરે તો પણ ગુસ્સે થઈ જાય છે. ગયા વર્ષના અંતમાં તો કોઈએ વળી એવી આગાહી કરી નાખી હતી કે, ક્વીન એલિઝાબેથનું તારીખ પાંચમી જાન્યુઆરી, 2019ના રોજ અવસાન થશે. આ વાતે એટલો બધો હોબાળો મચાવ્યો હતો કે વાત જવા દો. આગાહીઓ કેટલી સાચી પડે અને કેટલી ખોટી પડે તેની ચર્ચાઓ થવા લાગી હતી. આખરે એ વિશે પણ ખુલાસાઓ કરવા પડ્યા હતા કે, આ આગાહી જ એક અફવા છે. એ વિશે તો ઢગલાબંધ મિમ્સ અને જોક્સ પણ ફરતા થઈ ગયા હતા. અમુક લોકો એવો પણ હિસાબ માંડે છે કે, ક્વીનનું અવસાન થશે એનાથી ઇકોનોમીને શું ફેર પડશે? લોકોની માનસિકતાને કેવી અસર થશે? બાર દિવસનો રાષ્ટ્રીય શોક હશે ત્યારે બધાની હાલત કેવી હશે? રાણીની અંતિમ વિધિમાં કોણ કોણ જોડાશે? જો ઇંગ્લેન્ડની ક્રિકેટ કે ફૂટબોલ ટીમ ક્યાંય મેચ રમતી હશે તો શું થશે? સરવાળે લોકોને અમુક પ્રકારની ગોસિપમાં તો રસ હોય જ છે. એ લોકો રાણીનાં મોતની વાતો કરશે અને છેલ્લે એવું પણ બોલશે કે ઓ ગોડ! રાણીને સો વર્ષનાં કરજે. સાથોસાથ ગણગણશે કે, ગોડ સેવ ધ ક્વીન, ગોડ સેવ અવર ગ્રેસિયસ ક્વીન, લોંગ લિવ અવર નોબલ ક્વીન, ગોડ સેવ ધ ક્વીન.

પેશખિદમત

આસમાં ઐસા ભી ક્યા ખતરા થા દિલ કી આગ સે,

ઇતની બારિશ એક શોલે કો બુઝાને કે લિએ,

છત ટપકતી થી અગરચે ફિર ભી આ જાતી થી નીંદ,

મૈં નએ ઘર મેં બહુત રોયા પુરાને કે લિએ.

– જફર ગોરખપુરી

(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 28 એપ્રિલ 2019, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: