બ્રેકઅપ થયું છે તો વેદના તો થવાની જ ને! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બ્રેકઅપ થયું છે તો

વેદના તો થવાની જ ને!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

અબ ખુશી હૈ ન કોઈ ગમ રુલાને વાલા,

હમને અપના લિયા હર રંગ જમાને વાલા,

ઉસકો રુખસત તો કિયા થા મુજે માલૂમ ન થા,

સારા ઘર લે ગયા ઘર છોડ કે જાને વાલા.

-નિદા ફાઝલી

પાંદડું ઝાડ પરથી ખરતું હશે ત્યારે ડાળીને દર્દ થતું હશે? બરફની શીલા જ્યારે પહાડ પરથી તૂટતી હશે ત્યારે આઇસ જરાયે ઓગળતો હશે? સુકાતું પાણી જોઈ નદીની માછલીને મૂંઝારો થતો હશે? મોટું થઈને પક્ષી જ્યારે ઊડી જાય ત્યારે પારેવાની પાંપણ ભીંજાતી હશે? મેઘધનુષ ઓગળી જાય પછી આકાશને ઉદાસી લાગતી હશે? ઝરણું સુકાઈ જાય ત્યારે પહાડોના પથ્થરને પેઇન થતું હશે? ખબર નહીં પણ એક વાત નક્કી છે કે જ્યારે આપણે કશાથી પણ જુદા થઈએ ત્યારે વેદના થવાની જ છે. વેદના એ વાતનું પ્રતીક છે કે આપણામાં સંવેદના હજુ સજીવન છે. જડ હોય એ જીવંત ન હોય. આંખને પણ ક્યારેક આંસુની અધૂરપ વર્તાતી હશે. જે આંખ ક્યારેય ભીની નથી થઈ એ આંખોમાં દુકાળ ડોકાતો હોય છે. તરબતર હોય એ જ લથપથ થઈ શકે. આપણી અંદર એક ભીનાશ હોય છે જે આપણને હળવાશ આપવાનું કામ કરતી રહે છે. સૂકો માણસ સૂનકાર જ આપે. સન્નાટો એટલે કલરવની ગેરહાજરી.

કોઈ આપણી પાસેથી જાય ત્યારે સાથે ઘણું બધું લેતું જતું હોય છે એટલે જ આપણને એવું લાગતું હોય છે જાણે આપણે સાવ ખાલી થઈ ગયા. એક ખાલીપો આપણી અંદર સર્જાય છે. આપણને ક્યારેક તો એ નથી સમજાતું કે એ ખાલીપો આપણી અંદર છે કે પછી આપણે એ ખાલીપામાં આવી ગયા છીએ. આપણને આપણી હયાતી જ ન સમજાય ત્યારે અસ્તિત્વ સામે સવાલો ઊભા થાય છે. કોના માટે કરું છું આ બધું? શું જોઈએ છે મારે? શું મળી જવાનું છે મને? જવાબો મળતા નથી અને ઉદાસી ઘટતી નથી. એક શાયરે કહ્યું છે કે, હાથ છૂટે ભી તો રિશ્તે નહીં તૂટા કરતે, ચલો માની લઈએ, છતાં પણ હાથ છૂટે એ પછી હથેળીમાં વળી જતો પરસેવો આંખમાં પણ તરવરતો હોય છે!

આપણે એકલા જીવતા હોતા નથી. આપણી અંદર ઘણું બધું જીવતું હોય છે. આપણા શ્વાસમાં માત્ર હવા નથી હોતી, બીજા થોડાક શ્વાસો પણ હોય છે. એ શ્વાસ છૂટે ત્યારે દિલની એકાદ ધડકન તો અટકતી જ હોય છે. હેડકી આવે ત્યારે તમને કોણ યાદ આવી જાય છે? કોનું નામ અને કયો ચહેરો સામે આવી જાય છે? એ તો કદાચ યાદ કરતો કે કરતી ન હોય, પણ આપણને કેમ એ વ્યક્તિ યાદ આવી ગઈ હોય છે? કેટલાંક આંસુ પર અમુક નામ કોતરાયેલાં હોય છે, એ દેખાતાં નથી, માત્ર મહેસૂસ થતાં હોય છે. ખરી જાય પછીયે ક્યાં બધું વહી જતું હોય છે? એ તો ક્યારેક ડૂમો બનીને ગળામાં બાઝી જતું હોય છે, ક્યારેક ડૂસકું બની જતું હોય છે તો ક્યારેક અફસોસ બની આયખાને અભડાવતું હોય છે. ડિસ્ટન્સ જ્યારે ડૂમો કે ડૂસકું બને ત્યારે દિલ તરડાતું હોય છે.

આપણે તો લગાવના માણસો છીએ, એટલે જ આપણને અભાવ વર્તાતો હોય છે. ગામ છૂટે પછી ગલીઓનો થોડોક સૂનકાર આપણી અંદર આકાર પામતો હોય છે. દૂર જઈએ ત્યારે વતન પણ વસવસો બની જાય છે. મોટા થઈ જઈએ પછી શાળા પાસેથી નીકળીએ ત્યારે ચહેરો થોડોક ચમકી જતો હોય છે. અહીં હું ભણતો હતો. ‘હતો’ કે ‘હતી’ એ ગતિ સાથે જોડાયેલા હોય છે. આપણે આગળ નીકળી જઈએ છીએ, જે હતું એ તો ત્યાં જ હોય છે. ક્યારેક બધું હોય છે બસ, એ લોકો નથી હોતા જે આપણી સાથે હતા. કંઈ જ એકઝાટકે છૂટતું હોતું નથી, કટકે કટકે જાય છે અને દરેક કટકો નાનકડો ફટકો મારતો હોય છે. કતરા કતરા કંઈક કપાતું રહે છે, છૂટતું રહે છે. ક્યારેક એવું લાગે છે કે, એ તો છુપાઈ ગયો છે, હમણાં બહાર આવશે. છુપાઈ ગયેલા ક્યારેક ચાલી ગયા હોય છે, મળતા નથી, આપણે શોધતા રહીએ છીએ. ક્યારેક એ દૂર ચાલ્યા ગયા હોય છે તો ક્યારેક આપણે જ નજીક હોતા નથી. નામૌજુદગી નાગવારા હોય છે, પણ જે નથી તે નથી હોતું.

દરેક બ્રેકઅપ પેઇન આપે છે. દરેક જુદાઈ ઉદાસી લાવે છે. દરેક અંતર અઘરું બને છે. દિલમાં જાણે વિસ્ફોટ થવાનો હોય એટલો ભાર લાગે છે. સમજાતું નથી કે શું થાય છે. એક છોકરીની આ સાવ સાચી વાત છે. તેની સાથે કામ કરતા એક છોકરા સાથે એને પ્રેમ થયો. કોઈ મળે ત્યારે તો બધું રંગીન અને સંગીન જ લાગતું હોય છે, એ ગમગીન બને ત્યારે ગંભીર બની જતું હોય છે. સાથે સમય ગાળવા લાગ્યા પછી બંનેને સમજાયું કે આપણી ચોઇસીઝ જુદી જુદી છે. આપણા ગમા-અણગમા અલગ અલગ છે. બંને સમજુ હતાં. બંનેને સમજાઈ ગયું કે આપણે એકબીજા માટે બન્યાં નથી. બહેતર એ છે કે આપણે છૂટાં પડી જઈએ. બંનેને આ વાત જ વાજબી લાગી. બહુ પ્રેમથી બંને છૂટાં પડ્યાં. ન કોઈ આક્ષેપ, ન કોઈ ફરિયાદ. જુદાં પડી ગયાં પછી એ છોકરી ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી. એણે પૂછ્યું, કોઈ નારાજગી નથી, બધું જ સમજી વિચારીને કર્યું છે, છૂટા પડવું એ જ સાચો ઉકેલ હતો, બધું જ સમજાય છે છતાં આ પેઇન કેમ થાય છે? કેમ એવું લાગે છે જાણે બધું જ ખતમ થઈ ગયું? શ્વાસ કેમ અટકી અટકીને ચાલે છે? કેમ બહુ જ રડવાનું મન થાય છે? કેમ ક્યાંય ગમતું નથી? કેમ કંઈ ભાવતું નથી? કેમ ક્યાંક જવાનું મન થતું નથી? આ બધુ શું છે? આનો જવાબ એ જ છે કે, આવું થાય કારણ કે આપણે માણસ છીએ, કારણ કે જેટલો સમય એ આપણી સાથે હતો એટલો સમય આપણે એને જીવ્યો હતો. એ ભલેને થોડો સમય જીવ્યો, પણ આપણામાં જે જીવતું હોય એ મરે ત્યારે દર્દ તો થવાનું જ છે. થવું પણ જોઈએ. ન થાય તો સમજવું કે આપણામાં કંઈક ખૂટે છે. વેદના તો સજીવન હોવાની સાચી સાબિતી છે. ભીની આંખો સંવેદનાની સાક્ષી પૂરે છે. રડવું આવે ત્યારે રડી લેવું એ હળવા થવાનો ઉત્તમ માર્ગ છે. પેઇનને થવા દેવું. બસ, એટલું ધ્યાન રાખવાનું કે વેદના વણસી ન જાય! કોઈ ઇમોશનને એટલી ડીપ જવા ન દેવી કે એ ડિપ્રેશન સુધી પહોંચી જાય! કપડાં પર લાગેલી ધૂળને ન ખંખેરીએ તો એ ડાઘ બની જાય છે, એવી જ રીતે અમુક યાદોને ખંખેરવી પડતી હોય છે. વેદનાને જીવી લો, રડી લો પણ પછી એમાંથી બહાર નીકળી જવાનું. આપણે આપણી સાથે થવા માટે ઘણાથી મુક્ત થવું પડતું હોય છે!

એક મિત્રની આ વાત છે. એણે જોબ બદલી. જ્યાંથી જતો હતો ત્યાં ફેરવેલ પાર્ટી યોજાઈ. એના વિશે વાતો થઈ. સૌથી છેલ્લે જ્યારે એને બોલવાનું આવ્યું ત્યારે એ બોલતાં બોલતાં રડી પડ્યો. એને સખત વેદના થતી હતી. ફેરવેલ પતી પછી તેણે કહ્યું કે, યાર મને એક વાત નથી સમજાતી કે મને આટલું બધું રડવું કેમ આવ્યું? હું તો ઘણા સમયથી જોબ બદલવા ઇચ્છતો હતો. ત્રાસી ગયો હતો આ ઓફિસના વાતાવરણથી! ભગવાનને પ્રાર્થના કરતો હતો કે જલદીથી મારો છુટકારો કર! મારે અહીં કામ નથી કરવું! નવી જોબ મળી ત્યારે રાજીના રેડ થઈ ગયો હતો, તો પછી રડવું કેમ આવ્યું? શું હતું જે મને પીડા આપતું હતું! તેના મિત્રએ કહ્યું કે, જ્યારે કંઈક છૂટેને ત્યારે ખરાબની સાથે થોડુંક સારું પણ છૂટતું હોય છે. તું મુશ્કેલીમાં હતો ત્યારે અહીં જ કોઈએ તને મદદ કરી છે, તું રડ્યો ત્યારે અહીં જ કોઈએ તને છાનો રાખ્યો છે. તને રડવાથી છુટકારો મળ્યો, પણ છાનો રાખવાવાળા પણ જુદા થવાના જ છેને. પંખી જાયને ત્યારે માળો પણ જતો હોય છે અને માળો જાય ત્યારે ઝાડને પણ થોડોક ખાલીપો વર્તાતો હોય છે!

જિંદગીમાં વેદના પણ થવી જ જોઈએ. આપણને દરેક વસ્તુની, દરેક વાતની, દરેક વર્તનની, દરેક સાથની, દરેક સંગાથની અસર થતી હોય છે. ફૂલ ખરે એ સાથે થોડીક સુગંધ પણ ચાલી જતી હોય છે. ગેરહાજરી થોડોક શૂન્યવકાશ તો સર્જવાની જ છે. દુ:ખી, ડિસ્ટર્બ, ઉદાસ, હતાશ થવું પણ જરૂરી હોય છે. બસ, સમય આવ્યે એને પાર કરીને પોતાની સાથે થઈ જવાનું હોય છે. કોઈના જવાથી કંઈ અટકતું હોતું નથી, પણ થોડુંક ખટકતું તો હોય જ છે. એ ખડકાટ ખમીને આગળ નીકળી જવું એ જ જિંદગી છે.

છેલ્લો સીન :

અફસોસનો પણ અંત આવવો જોઈએ. અફસોસ લંબાઈ જાય તો આઘાત બની જાય છે અને આઘાત આપણા અસ્તિત્વને અવરોધે છે. અફસોસ અને આઘાતને અતિક્રમીને અસ્તિત્વને ધબકતું રાખવું જિંદગી માટે જરૂરી છે.             –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 07 માર્ચ 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “બ્રેકઅપ થયું છે તો વેદના તો થવાની જ ને! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply to Krishnkant Unadkat Cancel reply

%d bloggers like this: