બ્રેકઅપની વેદના : દિલ કી નાજુક રગે તૂટતી હૈ! – દૂરબીન

બ્રેકઅપની વેદના : દિલ કી

નાજુક રગે તૂટતી હૈ!

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

લવ અને બ્રેકઅપ વચ્ચે ઝૂલતા માણસની

હાલત સૌથી વધુ કફોડી હોય છે.

માણસને જીવનમાં સૌથી વધુ પીડા, અફસોસ

અને વેદના બ્રેકઅપને કારણે થાય છે!

 

એક સર્વે દરમિયાન એવું બહાર આવ્યું છે કે

જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ બ્રેકઅપ થાય છે.

બ્રેકઅપ માણસને ભાંગી નાખે છે.

 

પ્રેમ થવો બહુ સહેલો છે. કોઈ અચાનક જ ગમવા લાગે છે.  એક વ્યક્તિ ગમે છે, તેની સાથે સાથે દુનિયા પણ અગાઉ કરતાં થોડી વધારે ગમવા માંડતી હોય છે. શરૂઆતમાં બધું સારું લાગે છે. હિંદી ફિલ્મોનાં દૃશ્યો સર્જાતા હોય એવી અનુભૂતિ થાય છે. ધીમે ધીમે રિયાલિટી તળિયેથી બેઠી થઈ સપાટી ઉપર આવવા માંડે છે. થોડાક સવાલો ઊભા થાય છે. આની સાથે ફાવશે તો ખરું ને? લાઇફ પાર્ટનર તરીકે એ પરફેક્ટ છે કે કેમ? મેં ક્યાંક ઉતાવળ તો કરી નાખી નથી ને? મારાથી કોઈ ભૂલ તો થઈ ગઈ નથી ને? દિલ તો મળી ગયાં હોય છે, પણ દિમાગ વચ્ચે મેળ ખાતો નથી. પ્રેમ અને બ્રેકઅપ વચ્ચે માણસ ઝૂલવા લાગે છે. નક્કી કરી શકતો નથી કે, મેં ઇધર જાઉં કે ઉધર જાઉં? લાંબી ગડમથલ કરીને એ નિર્ણય પર આવે છે કે આની સાથે લાંબું ખેંચી શકાય એમ નથી. જોકે, જેટલું ખેંચાયું હોય છે એનું શું? બ્રેકઅપ થાય છે. બ્રેકઅપની સાથે અફસોસ અને પીડાની પણ શરૂઆત થાય છે. એવી વેદના જે વેઠવી અઘરી પડે છે. પોતાની જાત જ સંભાળી શકાતી નથી! ભ્રમ તૂટે ત્યારે માણસ ભાંગી જતો હોય છે.

એવું ભલે કહેવાતું અને મનાતું હોય કે આજનો યંગસ્ટર્સ બહુ પ્રેક્ટિકલ છે. બ્રેકઅપને એ બહુ લાઇટલી લે છે. લાઇફમાં છોકરો કે છોકરી તો આવે ને જાય, એ લોકો મૂવ ઓન થઈ જાય છે. બ્રેકઅપ પાર્ટીઝ યોજે છે અને મોજથી છૂટાં પડે છે. અલબત્ત, સાવ એવું નથી હોતું. જ્યાં લાગણીના તંતુઓ જોડાઈ ગયા હોય છે એ તંતુઓ તૂટે ત્યારે દિલની થોડીક નાજુક રગો પણ તૂટતી હોય છે. વેદના થતી હોય છે. બધા સાવ ઇઝીલી બહાર નીકળી શકતાં નથી. કરિયરની ચેલેન્જીસ તો આજનો યંગસ્ટર્સ ઝીલી લે છે, પણ ઇમોશનલ સ્ટ્રગલ સામે લડી શકતો નથી. એ લોકો કદાચ ધીમે ધીમે મન મનાવી લેતા હશે, પણ મનને મનાવવાની મથામણ મૂંઝવી નાખે એવી હોય છે. ઇમોશનલ ક્રાઇસિસ એ આજના યંગસ્ટર્સ સામેની સૌથી મોટી ચેલેન્જ છે. એ બધા અત્યંત સંવેદનશીલ છે. પોતાના પ્રેમને પણ સમજે છે અને ગમને પણ જાણે છે.

હમણાં એક ઓનલાઇન કંપનીનો જુદા જ પ્રકારનો સર્વે વાંચવા મળ્યો. એ વાંચીને અમેરિકાની ઇલીનોઇસ યુનિવર્સિટીનો બીજો સર્વે યાદ આવી ગયો. પહેલા ઓનલાઇન કંપનીના સર્વેની વાત કરીએ. આ સર્વે એવું કહે છે કે, જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ બ્રેકઅપ થાય છે! એનું કારણ પણ આપવામાં આવ્યું છે. નવું વર્ષ શરૂ થાય ત્યારે માણસ અમુક રિઝોલ્યુશન કરે છે. આ વખતે ઘણા યંગસ્ટર્સ એવું વિચારે છે કે આ રિલેશન મારા માટે હવે ભારરૂપ બની ગયું છે. મારે મારી કલ્પના, મારી સફળતા અને મારા સુખ સુધી પહોંચવું હશે તો મારે એનાથી મુક્તિ મેળવવી પડશે. આખરે તે અમુક સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકી દે છે. આમ તો બ્રેકઅપ ત્યારે જ થતાં હોય છે જ્યારે એવું લાગે કે આ તલમાં કંઈ તેલ જેવું નથી. એના માટે કોઈ સમય નિર્ધારિત હોતો નથી. સમય કરતાં સમજ અહીં વધુ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે.

હવે અમેરિકાની ઇલીનોઇસ યુનિવર્સિટીના સર્વેની વાત. માણસને સૌથી વધુ અફસોસ કઈ વાતનો થાય છે? એ જાણવા માટે આ સર્વે કરવામાં આવ્યો હતો. માણસ જિંદગીમાં એકસાથે કેટલી બધી લડાઈ લડતો હોય છે? ફેમિલીના પ્રશ્નો, કરિયરના પડકાર, આર્થિક સ્થિતિ સામેની લડાઈ, હેલ્થના ઇસ્યુ, પેરેન્ટિંગના પ્રોબ્લેમ્સ અને બીજી ઘણી સમસ્યાઓ સામે માણસ લડતો રહે છે. કંઈ ન કરી શકે ત્યારે માણસને અફસોસ થાય છે. આ સર્વેમાં એવું બહાર આવ્યું કે સૌથી વધુ અફસોસ માણસને દિલ તૂટવાનો, લવ લોસ્ટનો અને કોઈનાથી જુદા પડવાનો થાય છે. સૌથી વધુ 18.1 ટકા લોકોએ એવું કહ્યું કે, કોઈનો હાથ છૂટે એવી વેદના બીજી કોઈ નથી. એ અફસોસ આખી જિંદગી સતાવતો રહે છે.

આ સિવાયના અફસોસની વાત કરીએ તો ફેમિલીના કારણે 13.1 ટકા, કરિયરના કારણે 12.2 ટકા, ફાઇનાન્સ 9.9 ટકા, પેરેન્ટિંગ 9 ટકા, હેલ્થ 6.3 ટકા, ફ્રેન્ડ્સ 3.6 ટકા, સ્પિરિચ્યુલ 2.3 ટકા અને અન્ય કારણોસર 5.6 ટકાને અફસોસ થાય છે. આ સર્વેથી એક વાત એ પણ બહાર આવે છે કે, આજે પણ માણસ માટે પ્રેમ અને પરિવાર એ કરિયર કરતાં આગળ છે. જે લોકો કરિયર પાછળ પાગલ છે એ લોકોએ સમજવું જોઈએ કે પ્રેમ અને પરિવારને વધુ પ્રાધાન્ય આપવાની જરૂર છે. એ છૂટે ત્યારે થતો અફસોસ વધુ આકરો અને અઘરો હોય છે.

બ્રેકઅપથી માણસને તન અને મન એમ બંન્ને રીતે ગંભીર અસર થાય છે. માણસને ક્યાંય ગમતું નથી. બધું છૂટી ગયું હોય એવું લાગે છે. માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય છે. નબળું મન સીધું જ શરીરને અસર કરે છે.  મન સ્વસ્થ હોય તો માણસ ગમે તેવી બીમારી સામે ઝીંક ઝીલી લે છે, પણ મન માંદું પડે ત્યારે શરીરમાં જાત જાતની સમસ્યાઓ ઊભી થાય છે. સ્વસ્થ રહેવા માટે સુદૃઢ સંબંધો હોય એ પણ અત્યંત જરૂરી છે.

બ્રેકઅપ થતાં હોય છે. કોઈ એક નહીં પણ અનેક કારણોસર સાથ છૂટતો હોય છે. એક ટીસ દિલમાં ઊઠે છે, હા કંઈ અટકતું નથી પણ સતત કંઈક ખટકતું તો રહે જ છે. કતીલ શિફાઇનો પેલો શેર યાદ આવી ગયો… યે ઠીક હૈ નહીં મરતાં કોઈ જુદાઈ મેં, ખુદા કીસી સે કીસી કો મગર જુદા ન કરે.

પેશ-એ-ખિદમત

ફરિશ્તો સે ભી અચ્છા મૈં બુરા હોને સે પહેલે થા,

વો મુજસે ઇંતિહાઈ ખુશ ખફા હોને સે પહેલે થા,

કિયા કરતે થે બાતે જિંદગી-ભર સાથ દેને કી,

મગર યે હૌંસલા હમ મેં જુદા હોને સે પહેલે થા.

(ઇંતિહાઈ-અતિશય)     -અનવર શઉર

 (‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 03 ડિસેમ્બર 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: