ગુરુ V/S ગૂગલ ગુરુ : બિન ગુરુ જ્ઞાન કહાં સે પાઉં? – દૂરબીન

ગુરુ V/S ગૂગલ ગુરુ : 

બિન ગુરુ જ્ઞાન કહાં સે પાઉં?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

ગુરુને ભગવાન કરતાં વિશેષ દરજ્જો

આપવામાં આવે છે. ગુરુના દરજ્જાને પ્રાપ્ત કરવા માટે

ગુરુએ પણ લાયકાત કેળવવી પડે છે.

આજે ખરેખર કેટલા ગુરુઓ વંદન

કરવાનું મન થાય એવા હોય છે?

 

લોકોની જિંદગીમાં આજે જે ખાલીપો જોવા મળે છે

એનું એક કારણ ગુરુના પ્રભાવનો અભાવ છે.

સાચો ગુરુ કમાતા નહીં, જીવતાં શીખવાડે છે.

 

આજે દુનિયા પાસે જિંદગી સરળ બને તેવું બધું જ છે, છતાં જિંદગી સહજ બની શકતી નથી. લેટેસ્ટ ટેક્નોલોજી છે, ફાસ્ટેસ્ટ વાહનો છે, હાઇટેક સાધનો છે, અલ્ટ્રામોડર્ન ચીજવસ્તુઓ છે, પળેપળનો હિસાબ રાખે એવાં ગેઝેટ્સ છે, હજુ રોજેરોજ કંઇક ને કંઇક નવું આવતું જ જાય છે. સવાલ એ થાય કે, બધું હોવા છતાં માણસ કેમ સુખી નથી? માણસના ચહેરા પરથી હાસ્ય કેમ લુપ્ત થતું જાય છે? દિવસે ને દિવસે આપણે કેમ વધુ ભારે ને ભારે થતાં જઇએ છીએ? એનું કારણ કદાચ એ છે કે આપણને જીવતાં આવડતું નથી! જીવતાં કોણ શીખવાડે? કદાચ એનો જવાબ છે, ગુરુ. પ્રોબ્લેમ એ છે કે હવે સાચા ગુરુ ગુમ થઇ ગયા છે. શોધવા પડે એમ છે. એવા ગુરુ જે આપણને કહે કે કેટલું દોડવું? ક્યાં પહોંચવું? કેવી રીતે પહોંચવું? કેટલો થાક ખાવો? કેટલો ગમ ખાવો? કેટલું હસવું? અને ઓવરઓલ કેવી રીતે જીવવું!

માણસ આજે વધારે સુખી છે કે આજથી સો વર્ષ પહેલાં હતો? પહેલાં સુખ, શાંતિ, સંબંધ અને સંવેદના છલોછલ હતાં એવું આપણે સાંભળતા આવ્યા છીએ. ડિપ્રેશન અને ફસ્ટ્રેશનનું પ્રમાણ ઘણું ઓછું હતું. આ સો વર્ષમાં ટેક્નોલોજી આટલી બધી આગળ વધી અને સરસ સાધનો ઉપલબ્ધ થયાં તો પછી સુખ પણ વધવું જોઇએ ને? નથી વધ્યું. સંબંધોનું પોત પાતળું થયું છે. શારીરિક કરતાં માનસિક રોગોનું પ્રમાણ વધ્યું છે. મોટાભાગના લોકો બેચેન, ઉદાસ, હતાશ, નારાજ અને નાસીપાસ છે. ચહેરા ઊતરી ગયેલા છે. એનાં ઘણાં કારણો છે પણ એક કારણ એ છે કે હવે જીવતાં શીખવાડે એવા ગુરુઓ નથી!

ચાણક્ય કહી ગયા છે કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો. કબૂલ-મંજૂર-એગ્રી. હવે માત્ર શિક્ષકોએ પોતાના દિલ ઉપર હાથ મૂકીને વિચારવાનું છે કે હું અસાધારણ છું? હું ચાણક્યએ જે શિક્ષકની વ્યાખ્યા આપી હતી એમાં ફિટ થાઉં છું? હું માત્ર નોકરિયાત તો નથી બની ગયો ને? પુસ્તકિયું ભણાવવા ઉપર મારા વિદ્યાર્થીની જિંદગી સુધરે એવું હું કેટલું કરું છું? હું મારા વિદ્યાર્થીને મોટિવેટ કરું છું? મારા વિદ્યાર્થીઓ મને આદર આપે છે ખરા? આદર આપતા નથી તો શા માટે નથી આપતા? શિક્ષકનું એક કામ વિદ્યાર્થીઓના સવાલોના જવાબો આપવાનું છે, જોકે એથી પણ મોટું કામ એણે પોતાના સવાલોના જવાબ પોતાની પાસેથી જ મેળવવાનું છે. આપણને આપણા વિશેના સાચા જવાબોની ખબર ન હોય ત્યારે આપણે બીજાના સવાલોના જવાબ ખોટા આપતા હોઇએ છીએ!

રોટલો કેમ રળવો તે નહીં પણ દરેક કોળિયાને વધુ મીઠો કેવી રીતે બનાવવો એ શીખવે એ સાચો શિક્ષક અને એ જ સાચું શિક્ષણ એવું જેમ્સ એન્જલ નામના વિદ્વાન કહી ગયા છે. હવેના ગુરુઓ માત્ર રૂપિયા કેમ કમાવવા એ શીખવે છે, એ કેવી રીતે વાપરવા એ નહીં! શિક્ષક હવે માત્ર ‘ભણાવે’ છે ‘ગણાવતા’ નથી! સારા ગુરુઓ પણ છે પણ એ લઘુમતીમાં છે, દિવસે ને દિવસે ઘટતા જ જાય છે. એલેક્ઝાન્ડરે એવું કહ્યું હતું કે મારો જન્મ મારાં માતા-પિતાને આભારી છે પણ મારું જીવન મારા શિક્ષકને આભારી છે. આજે કેટલા લોકો આવું કહે છે?

બધો વાંક ગુરુઓનો જ છે? તેનો ચોખ્ખો ને ચટ જવાબ છે, ના. ઘણો મોટો દોષ સ્ટુડન્ટ્સનો અને તેના વાલીઓનો છે. સમાજમાં શિક્ષક પ્રત્યેનો આદર કેવો અને કેટલો છે? શિક્ષકો જ્ઞાન પીરસવામાં ‘સીમિત’ થઇ ગયા તો એમાં સમાજનો વાંક પણ નાનોસૂનો નથી. આ લ્યો રૂપિયા અને હોશિયાર કરી દો મારા સંતાનને, રૂપિયાથી વિદ્યા ન મળે, જ્ઞાન ન મળે, જીવતા ન આવડે! એક વાત યાદ રાખવા જેવી છે કે દુનિયા ગમે એટલી આગળ વધે પણ ગુરુ વગર ચાલવાનું નથી! દિશા બતાવે એવા માર્ગદર્શકની જરૂર તો પડવાની જ છે!

આજના યૂથમાં એક ભ્રમ એ પણ ફેલાયેલો છે કે, ગમે તે જાણવું હશે તો ગૂગલ ક્યાં નથી? ગૂગલ ગુરુ ગોટે ચડાવી દે એવો છે. અત્યારના લોકો ઇન્ફર્મેશન અને નોલેજ વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. માહિતી એ જ્ઞાન નથી. તમને બધી ખબર હોય કે બધી માહિતી હાથવગી હોય એટલે તમે જ્ઞાની બની જતા નથી. નોલેજ સાવ જુદી જ ચીજ છે. ગૂગલ તમને પાણી વિશે જણાવી શકે પણ તરસ તો આપણને અનુભવે જ સમજાય! ટેક્નોલોજી માણસને જ્ઞાની નહીં પણ બુદ્ધુ બનાવતી જાય છે. જ્ઞાન તો ગુરુ પાસેથી જ મળવાનું છે.

ટેક્નોલોજી શિક્ષકનો પર્યાય ક્યારેય બની શકવાની નથી. જો એવું હોત તો પછી આપણે શાળા કે કોલેજ જવાને બદલે દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝ કેમ્બ્રિજ, ઓક્સફર્ડ કે આઇઆઇએમના નિષ્ણાત શિક્ષકોની સીડી અને રેકોર્ડેડ લેક્ચર્સથી જ ભણી લેતા હોત! આપણને એ નથી ફાવતું. ટીચર કે પ્રોફેસર નજરની સામે જોઇએ છે, આઇ ટુ આઇ કોન્ટેક્ટથી જ સાચી વાત સમજાય. સવાલો જાગે ત્યારે જવાબ મળે. આપણી ભાષા અને આપણી સંવેદનાને ગુરુ સમજે અને શીખવાડે. કંઇ ખોટું કરતા હોય તો રોકે, કોઇ ભૂલ કરતા હોય તો ટોકે અને કંઇ સારું કરીએ ત્યારે પીઠ થપથપાવે એ જીવતો જાગતો ગુરુ જ કરી શકે. ભણવા ઉપરાંત સ્કિલ ઓરિએન્ટેડ જે કળાઓ છે એ તો ગુરુ વગર શક્ય જ બનતી નથી. સંગીતમાં સૂર કેવી રીતે છેડવો, નૃત્યમાં પગની થાપ કેવી રીતે આપવી, પેઇન્ટિંગમાં પીંછીનો સ્ટ્રોક કેવી રીતે મારવો, રમતમાં હરીફની ચાલ કેવી રીતે સમજવી એ તો ગુરુ જ શીખવાડી શકે. હવે એવા ગુરુઓની તાતી જરૂરિયાત છે કે જે ભવિષ્ય માટે સારા ગુરુઓ તૈયાર કરે! જે સતત અપડેટ રહે, રોજ કંઇક નવું નવું શીખતા રહે અને નવી જનરેશનને શીખવાડતા રહે!

હે ગુરુજનો, તમે શ્રેષ્ઠ છો. તમે જિંદગીને ઘડો છે. તમારી શક્તિઓ અમાપ છે. તમારા ઉપર મોટી જવાબદારી છે. કોઇ પરિવર્તન લાવવું હશે તો તમે જ લાવી શકશો. તમે તમારા વિદ્યાર્થીઓ માટે મહાન છો. તમારી ક્ષમતાને ઓછી ન આંકો. તમારામાં તાકાત છે ભાવિના નિર્માણની, તમારામાં શક્તિ છે લોકોને જીવતા શિખવાડવાની, તમારામાં આવડત છે આખી દુનિયાને બદલવાની. આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે જગતના દરેક ગુરુઓને આદરપૂર્વક વંદન!

પેશ-એ-ખિદમત

મૈં કલ તન્હા થા ખિલ્કત સો રહી થી,

મુજે ખુદ સે ભી વહશત હો રહી થી,

મેરા કાતિલ મેરે અંદર છુપા થા,

મગર બદનામ ખિલ્કત હો રહી થી.

– મોહસિન નકવી.

(ખિલ્કત-દુનિયા / વહશત-ડર)

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 09 જુલાઇ 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply