વેદનાને મહેસૂસ કરવી એ પણ સંવેદના જ છે : ચિંતનની પળે

વેદનાને મહેસૂસ કરવી

એ પણ સંવેદના જ છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ઊંઘ આવે તોય જાગે છે બધા,

સ્વપ્ન પાછાં રોજ માગે છે બધાં.

સાવ પોલા વાંસ જેવાં થઈ ગયાં,

સહેજ અડકો ત્યાં જ વાગે છે બધાં.

-દિનેશ કાનાણી

 

ક્યારેક તો આંખો ભીની થવાની જ છે. દિલ ક્યારેક એકાદ ધબકારો ચૂકી જ જવાનું છે. અમુક સમયે આપણને મૂંઝારો થવાનો જ છે. વેદના, પીડા, દર્દ, વિરહ, મૂંઝારો, તડપ અને તરસ એ વાતનાં જીવતાં જાગતાં ઉદાહરણો છે કે આપણામાં સંવેદનાઓ છલોછલ ભરેલી છે. કોઈ માણસ એટલો જડ હોઈ જ ન શકે કે એને કંઈ જ સ્પર્શતું ન હોય. દરેકમાં કંઈક તો જીવતું જ હોય છે. દરેકમાં કોઈક તો વસેલું જ હોય છે. કોઈ રાત તો એવી હોય જ છે જ્યારે આપણને ઊંઘ નથી આવતી. દિલ ક્યારેક તો બેચેન હોય જ છે. મન ક્યારેક તો ઉદાસી ઓઢી જ લેતું હોય છે. આંખોના ખૂણા ક્યારેક તો ભીના થતા જ હોય છે. ડૂમો દેખાતો નથી, પણ એ ક્યારેક તો ગળામાં બાઝી જ જતો હોય છે. ઉદ્ ગાર માત્ર ‘વાહ’ના નથી હોતા, ‘આહ’ના પણ હોય છે.

માત્ર સુખ નહીં, દુ:ખ પણ જિંદગીનો જ એક ભાગ છે. દુ:ખ ક્યારેક ને ક્યારેક તો આવવાનું જ છે. સુખથી ભાગી જતા નથી તો દુ:ખથી પણ છટકી શકાતું નથી. ગાઢ મિલન પછી જ તીવ્ર વિરહ વર્તાતો હોય છે. આપણે જે કંઈ અનુભવીએ છીએ એ સરવાળે તો આપણી સંવેદનાની તીવ્રતા જ હોય છે. પ્રેમમાં તડપતા પ્રેમીને જોઈને એમ જ બોલી જવાય છે કે, કેટલો બધો પ્રેમ કરે છે નહીં! પ્રેમ વર્તાઈ જતો હોય છે અને વિરહ પણ ચાડી ખાતો હોય છે. પ્રેમમાં આંખોમાં ચમક હોય છે અને વિરહમાં આંખ કાળું કુંડાળું પહેરી લે છે. પ્રેમ પાતાળ જેવો હોય એનો જ નિસાસો ખૂબ ઊંડો હોય! છીછરા માણસો છલકી ન શકે. સૂકું વાદળ વરસતું નથી.

સુખની મજા જ દુ:ખ પછી છે. ઓટ પછી સૂકી ભઠ્ઠ થઈ ગયેલી રેતી ભરતીના પહેલા મોજે જ તરબતર અને લથબથ થઈ ચમકતી હોય છે. પાનખર પછી ઊગતું પાંદડું થોડુંક વધુ કુમળું લાગતું હોય છે. એરપોર્ટ પરની એક ઘટના છે. એક પ્રેમિકા એના પ્રેમીની રાહ જોતી હતી. અરાઇવલના ગેટ પર મંડાયેલી આંખો ઇંતજારની ઉત્કટતા વ્યક્ત કરતી હોય છે. પ્રેમી આવ્યો કે તરત જ એની પ્રેમિકા વળગીને રડવા લાગી. પ્રેમીએ કહ્યું, હવે તો હું આવી ગયો. હવે આ રડવું? પ્રેમિકાએ કહ્યું, બહુ રડી છું તને યાદ કરીને, આજે તને જોઈને એમ જ રડી પડાયું. કેટલાંક આલિંગન એવાં હોય છે જ્યારે આપણને એવું લાગે જાણે બધું જ મળી ગયું. હવે મોત આવી જાય તો પણ અફસોસ નથી. જ્યારે એવો અહેસાસ થાય કે મને બધું જ મળી ગયું એ ક્ષણ જિંદગીની બેસ્ટ ક્ષણ હોય છે. એવી ક્ષણો બહુ ઓછી આવતી હોય છે. આવો અહેસાસ થાય ત્યારે એને દિલમાં કાયમ માટે કેદ કરી લેવો જોઈએ. અમુક સંવેદનાઓ જિંદગીમાં અમુક વખતે જ સોળે કળાએ ખીલતી હોય છે. એ ક્ષણ હોય ત્યારે એને સંપૂર્ણ રીતે મહેસૂસ કરો. કંઈ જ ન બોલો, ફક્ત એને માણો. ભરી લો એને તમારી અંદર, ફરીથી કદાચ એ ક્ષણ મળે ન મળે!

દુ:ખના સમયે યાદ આવતી સુખની ઘટના ઘણી વખત આપણને ટકાવી રાખતી હોય છે. એક પતિ-પત્નીની વાત છે. બંને વચ્ચે નાની-નાની વાતે ઝઘડાઓ થતા. કોઈ સિરિયસ ઇસ્યૂ ન હતો. છતાં બંને વચ્ચે નારાજગી છવાઈ રહેતી. વાતને વાળતાં ન આવડે ત્યારે વાત વણસી જતી હોય છે. આ બંનેના કિસ્સામાં પણ એવું જ થતું. લવમેરેજ હતા, પણ પછી લવ ક્યાંક ગાયબ થઈ ગયો હતો. એક વખતે પત્ની નારાજ થઈને પિયર ચાલી ગઈ. પિતા દીકરીના મૂડ અને મિજાજને સારી રીતે સમજતા હતા. એક-બે દિવસ ગયા પછી દીકરીને બોલાવીને પિતાએ વાત શરૂ કરી. આ તારું ઘર છે. તું કાયમ માટે આવી જા તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અમારી લાગણી એવી ને એવી રહેવાની છે. મને તો બસ તારી સાથે થોડીક જૂની વાતો શેર કરવાનું મન થાય છે.

મને યાદ છે એ દિવસ. ઘરમાં તારા મેરેજ વિશે વાત થતી હતી. તને પૂછવામાં આવ્યું ત્યારે તેં સ્પષ્ટ અને મક્કમ રીતે કહી દીધું હતું કે તું એક છોકરાને પ્રેમ કરે છે. સાવ સાચું કહું તો હું તારાથી થોડોક નારાજ થયો હતો. તને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેં પણ શાંતિથી એ વાત કરી હતી કે તું એને કેટલો પ્રેમ કરે છે. એ તારી કેટલી કેર કરે છે. તેં તો ત્યાં સુધી કહી દીધું હતું કે, મેરેજ કરીશ તો એની સાથે, બીજા કોઈનો હું વિચાર પણ ન કરી શકું. ક્યાં ગઈ એ ફીલિંગ? શું ખૂટી ગયું છે? અમે હા પાડી પછી તમે બંને જે રીતે રહેતાં હતાં એ જોઈને અમને પણ એમ થતું હતું કે, તમે બંને મેઇડ અને મેડ ફોર ઇચ અધર છો.

તું મારી દીકરી છો. તને રગેરગથી હું જાણું છું. તું ડાહી છે, પણ થોડીક જિદ્દી પણ છે. એ પણ થોડોક જિદ્દી છે. હવે બેમાંથી એકે તો જતું કરવું પડશેને? મારી અને તારી મમ્મી વચ્ચે ગેરસમજ નથી થતી? થાય છે. ઝઘડા, નારાજગી અને ગેરસમજ તો થતી જ રહેવાની. યાદ રાખવા જેવી વાત એટલી જ હોય છે કે એ તારી વ્યક્તિ છે અને તું એની. મને એટલું કહે, તું એના વગર રહી શકવાની છે? ડિવોર્સ લઈને બીજાં લગ્ન કરી શકવાની છે? નહીં ને? તો પછી એકબીજાને સમજવાનો પ્રયાસ કરોને. તને એની અમુક આદતો અને વર્તન સામે પ્રોબ્લેમ છેને? હશે. એને પણ તારી સામે આવી જ ફરિયાદ હશે. મારે એટલું જ કહેવું છે કે તું એને સુધારવાનો પ્રયાસ ન કર. એને સમજવાની કોશિશ કર. તું એનામાં બદલાવ ઇચ્છે એ પણ વાજબી છે, પણ પહેલાં તું તો થોડીક બદલ. તું તારા જેવી જ  રહીશ તો એ એના જેવો જ રહેશે. બંને થોડા એકબીજા જેવાં થશો તો જ એકબીજાનાં થઈ શકશો. તારી વેદનાને સમજ અને તારા પ્રેમને યાદ કર. તમે બંને એકબીજાને મળવા માટે મરવા પણ તૈયાર હતાં, હવે મળી ગયાં છો તો તમારા સમયને માણો

જિંદગીની દરેક ક્ષણ ખૂબ જ મહત્ત્વની હોય છે. એ પછી પ્રશંસાની હોય કે પડકારની, એ સંઘર્ષની હોય કે સફળતાની, એ વિકટની હોય કે વિજયની, દરેક ક્ષણ આપણામાં કંઈક ઉમેરતી રહેવી જોઈએ. કપરી સ્થિતિ ભુલાતી નથી. એ યાદ આવતી રહે છે. એક કપલની આ વાત છે. પત્નીને ફિલ્મ જોવાનો શોખ. આમ તો બંને ખુશ રહેતાં. સરસ બંગલો હતો. સારી કાર હતી. ઘરમાં બધી જ વસ્તુઓ હતી. સ્માર્ટ ટીવી અને વીસીડી પણ હતું. આમ છતાં પત્ની-પતિને એવું કહેતી રહેતી કે ચાલને મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જઈએ. પતિ પાસે સમયનો અભાવ હતો. એ ટાળતો રહેતો. એક દિવસ પત્ની અને પતિ વાતો કરતાં બેઠાં હતાં. પત્નીએ કહ્યું કે, સાચું કહું તું ખૂબ મહેતનુ છે. તેં મહેનત કરીને બધું મેળવ્યું છે. તને યાદ છે આપણે મેરેજ કર્યા ત્યારે આપણી પાસે કંઈ જ ન હતું. આપણે નાનકડા ભાડાના ઘરમાં રહેતાં હતાં. તું ખખડધજ એસ.ટી. બસમાં અપ-ડાઉન કરતો હતો. સૂવા માટે સારો પલંગ ન હતો અને જમવા માટે ડાઇનિંગ ટેબલ પણ ન હતું.

પતિએ કહ્યું, હા યાર, આપણી પાસે કશું ન હતું. આજે બધું જ છે. જોકે, એ સમયે પણ આપણે તો મસ્તીથી જ રહેતાં હતાં. ખુશ હતાં. બહુ ગાંડા કાઢ્યાં છે. આપણે મન થાય ત્યારે રખડવા ચાલ્યાં જતાં. પત્નીએ પતિનો હાથ પકડીને કહ્યું, એક વાત મને યાદ આવે છે. મેં તને ફિલ્મ જોવા લઈ જવા કહ્યું હતું. તારી પાસે પૂરતા રૂપિયા ન હતા. એક ફ્રેન્ડ પાસેથી ઉછીના લઈને તું મને ફિલ્મ જોવા લઈ ગયો હતો. વળતી વખતે આપણે સ્ટ્રીટ ફૂડની મોજ માણી હતી. રોડ પરની પેલી લારી તને યાદ છે? પતિએ કહ્યું, હા, મને બધું જ યાદ છે. તારી સાથેની તમામ ક્ષણો મને સાવ તાજી છે. પત્નીએ પછી પ્રેમથી કહ્યું, તો અત્યારનો સમય કેમ ભૂલી જાય છે. અત્યારે ફિલ્મમાં જવાનું કહું તો તું ટાળી દે છે. હવે તો બધું જ છે. સાચું કહું, ફિલ્મ જોવા જવાનું કહું ત્યારે મારે માત્ર ફિલ્મ જ જોવી હોતી નથી. ફિલ્મ તો હું ઘરે પણ જોઈ શકું છું. તને કહું તો તું મને એક રૂમમાં નાનું થિયેટર પણ બનાવી દે એમ છે. મારે ફિલ્મ નથી જોવી હોતી, મારે તો એ જૂનો સમય ફરીથી જીવવો હોય છે. તારામાં ખોવાઈ જવું હોય છે. ફાઇવસ્ટારમાં નથી જવું, ફરીથી એ સ્ટ્રીટ ફૂડની ઇચ્છા થાય છે. આપણે ‘મોટાં’ થઈ ગયાં એટલે જીવવાનું પણ બદલી નાખવાનું?

સુખ અને દુ:ખ તો આવતાં-જતાં રહેવાનાં. એને તમે અટકાવી ન શકો. એ પણ ફીલ થવાં જોઈએ. એનો પણ અહેસાસ થવો જોઈએ. સારા સમયમાં સંઘર્ષ જ યાદ આવતો હોય છે. જૂની વાતો વાગોળતા હોય ત્યારે મોટાભાગના લોકો એવું ચોક્કસ બોલશે કે યાર, એ દિવસો તકલીફવાળા હતા, પણ સાચી મજા એ જ સમયમાં આવતી હતી. આપણે જેને દુ:ખ માનતા હોઈએ એ ખરેખર દુ:ખ હોય છે કે કેમ એ પણ સવાલ હોય છે. મોટાભાગે તો આપણે અમુક પરિસ્થિતિ કે અમુક સંજોગોને દુ:ખ માની લેતાં હોઈએ છીએ. સંબંધમાં જ્યારે કંઈક અવરોધ ઊભા થાય ત્યારે વેદના થાય છે. કોઈ દૂર જાય ત્યારે પીડા થાય છે. ક્યારેક કોઈ કારણ વગર ક્યાંય ગમતું નથી. આપણે એનાથી ક્યાંય ભાગી શકતા નથી.

દુ:ખ, પીડા કે વેદનાને પણ મહેસૂસ કરો. ખ્યાલ માત્ર એટલો રાખો કે આપણે ભાંગી ન પડીએ, તૂટી ન જઈએ. આપણને વેદના થાય છે, કારણ કે આપણે માણસ છીએ. આપણને મૂંઝારો થાય છે, કારણ કે આપણે માણસ છીએ. ઉદાસી પણ ક્યારેક ઘેરી વળે છે, કારણ કે આપણે માણસ છીએ. માણસ હોવાની એ જ નિશાની છે કે આપણને બધું સ્પર્શે છે. આનંદથી ચિચિયારી પણ પડી જાય અને દુ:ખમાં ચીસ પણ નીકળી જાય એ જ જિંદગી છે. કંઈ દબાવો નહીં, ક્યાંક ભાગવાનો પ્રયાસ ન કરો, દરેક સ્થિતિને ફીલ કરો. સંવેદનાને સુકાવા ન દો. સંવેદના તો વહેતી રહેતી જોઈએ. ખડખડાટ હાસ્યમાં પણ અને છલકતી આંખમાંથી પણ.

છેલ્લો સીન :

તમે તમારા લોકોની ભૂલોને છૂટછાટ ન આપો તો તમે જાત સાથે જ દગો રમો છો.    -સાયરસ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 03 મે, બુધવાર. ચિંતનની પળે કોલમ)

[email protected]

 

2 Comments

Leave a Reply