ચાલો, ‘બુક ડે’ની ઉજવણી એકાદું પુસ્તક વાંચીને કરીએ! – દૂરબીન

ચાલો, ‘બુક ડે’ની ઉજવણી

એકાદું પુસ્તક વાંચીને કરીએ!

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

આજે વિશ્વ પુસ્તક દિવસ છે.

પુસ્તકોની વાત નીકળે ત્યારે

બધા સારી સારી વાતો અને વખાણ કરે છે પણ

પુસ્તક વાંચવાનો સમય કોઇ પાસે નથી!

મોબાઇલ કે કોઇપણ ગેઝેટમાં

અને કોઇપણ ભાષામાં

બુક વાંચો, વાંચવાની મજા કંઇક ઓર જ છે!

 

તમે છેલ્લે કયું પુસ્તક વાંચ્યું હતું? આ સાથેનો જ એક બીજો સવાલ પણ છે કે તમે છેલ્લું પુસ્તક ક્યારે વાંચ્યું હતું? જે લોકો રેગ્યુલર વાંચે છે એ તો વાંચે જ છે, બાકીના લોકો માટે પુસ્તક વાંચવાની પરંપરા લુપ્ત થતી જાય છે! પુસ્તકની વાત નીકળે ત્યારે ઘણા લોકો એવા ઉદ્ ગાર કાઢે છે છે કે યાર, વાંચવાનું મન તો બહુ થાય છે પણ સાલ્લો સમય જ નથી મળતો. લાઇફ એવી હેકટિક થઇ ગઇ છે ને કે શ્વાસ લેવાની ફુરસદ પણ નથી મળતી. જોકે જેને સમય કાઢવો છે એને સમય મળી રહે જ છે. બહાનાં કાઢવાં હોય અને બચાવ કરવો હોય તેને પણ પૂરતાં કારણો મળી રહે છે.

હમણાં વોટ્સએપ પર એક મિત્રએ એક કાર્ટૂન મોકલ્યું. એક છોકરી પ્લેનમાં બુક વાંચી રહી હતી. બાકીના બધા જ પેસેન્જર એ છોકરીની તસવીર ખેંચતા હતા! આવી દુર્લભ તસવીર ફરી મળે ન મળે! એક સમય હતો જ્યારે તમે બસ, ટ્રેન કે પ્લેનમાં મુસાફરી કરતા હોવ તો તમને એવા ઘણા લોકો જોવા મળતા જે પુસ્તક વાંચતા હોય, હવે આવાં દૃશ્યો ભાગ્યે જ જોવા મળે છે. હા, બધાના હાથમાં મોબાઇલ ચોક્કસ હોય છે.

મોબાઇલ હોય તેમાં પણ વાંધો નથી. તમે ઇચ્છો તો મોબાઇલમાં પણ પુસ્તક વાંચી જ શકો છો ને! સવાલ વસ્તુનો નથી, પ્રશ્ન દાનતનો છે. તમને વાંચવાની મજા આવવી જોઇએ. ટેક્નોલોજી બદલી છે પણ જેને વાંચવું છે એ વાંચે જ છે. પુસ્તકો આજે પણ એટલાં જ વેચાય છે અને ઓનલાઇન પુસ્તકો વાંચનારો પણ બહુ મોટો વર્ગ છે. એક સમયે તો તમારે અમુક પુસ્તકો વિદેશથી લઇ આવવાં પડતાં હતાં અથવા તો કોઇની પાસે મંગાવવાં પડતાં હતાં, હવે તો બધું જ હાથવગું અને ટેરવાવગું છે. મોબાઇલ કે ટેબ્લેટમાં તમે શું જુઓ છો અને શું વાંચો છો એ મહત્ત્વનું છે.

સોશિયલ મીડિયા જરાયે ખરાબ નથી. એનો કેટલો અને કેવો ઉપયોગ કરવો એની સાવચેતી રાખવાની જ જરૂર છે. તમારો સમય તમારો છે, તમારે એનો કેવી રીતે ઉપયોગ કરવો એની પસંદગીની આઝાદી પણ તમને જ છે. માત્ર સમય આપ્યા પછી એવું ન લાગવું જોઇએ કે મારો સમય વેડફાયો. સમય આપ્યા પછી એટલું વિચારો કે મને આટલા સમયમાં કોઇ ફાયદો થયો? મારા નોલેજમાં જરાયે વધારો થયો? મને નવું થોડુંકેય કંઇ શીખવા મળ્યું?

મોબાઇલ અને બીજાં ગેઝેટ્સ આવ્યાં પછી લોકોના થિંકિંગમાં થોડુંક પરિવર્તન જોવા મળી રહ્યું છે. લોકો માહિતી અને જ્ઞાન વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. ઇન્ફર્મેશન અને નોલેજને સમજવાની જરૂર છે. અત્યારનો સમય માહિતીના વિસ્ફોટનો છે. ચારે તરફથી માહિતીઓ ઠલવાઇ રહી છે. થાય છે એવું કે એ માહિતી જાણીને લોકો એવું સમજવા લાગ્યા છે કે એને બધી ખબર છે, એ લેટેસ્ટ ટ્રેન્ડ સાથે તાલ મિલાવે છે. બધી જાણકારી હોય એ માહિતી જરૂર છે પણ એ જ્ઞાન નથી. જ્ઞાન તો તમને તમારા અનુભવ, સંસ્કાર કે વાંચનથી જ મળવાનું છે. જ્યારે કોઇ નિર્ણય કરવાનો હોય કે કોઇ પડકારભર્યા સમયનો સામનો કરવાનો હોય ત્યારે માહિતી નહીં, જ્ઞાન જ કામ લાગતું હોય છે અને એ સમયે જે નિર્ણય કે વર્તન થાય છે એ અંદરથી જ આવતું હોય છે. ગૂગલ તમને માહિતી આપી શકે, જ્ઞાન નહીં! ગૂગલ પાણી શું છે તે કહી શકે પણ તરસ તો અનુભવે જ સમજાય! ઇમોશન્સની વ્યાખ્યા આવડી જવાથી સંવેદના જીતી શકાતી નથી, એના માટે તો કોઇના ઉપર મરવું પડે!

બુક રીડિંગ વિશે એવું કહેવાય છે અને જેને વાંચવાનો શોખ છે એને એનો અહેસાસ પણ છે કે જ્યારે તમે વાંચતા હોય ત્યારે તમે તમારી સાથે હોવ છો. બધું જ ભૂલીને તમે શબ્દોમાં ખોવાઇ જાવ છો. એક નવી જ દુનિયા તમારી સામે ખૂલતી હોય છે. વાંચવામાં ઘણાની સ્પીડ સ્લો હોય છે તો ઘણા ફાસ્ટ રીડર હોય છે, જોકે મજા તો સરખી જ હોય છે. ઘણા લોકોને એવી આદત હોય છે કે એ વાંચતા હોય ત્યારે પેન સાથે રાખે અને પુસ્તકમાં જે લાઇન્સ ગમે તેની નીચે લીટી દોરે! સામાપક્ષે અમુક લોકો એવા પણ છે જે કહે છે કે, આપણે વાંચીએ તો છીએ પણ યાદ નથી રહેતું!

કોઇપણ પુસ્તક વાંચો ત્યારે એને યાદ રાખવાની ચિંતા ન કરો. રીડિંગને બસ ફીલ કરો. એન્જોય કરો. વાંચન છે એ આપણામાં ક્યાંક ને ક્યાંક રોપાઇ જતું હોય છે. અમુક વાત કે અમુક વર્તન વખતે એ એવી રીતે બહાર આવી જાય છે કે આપણને એની ખબર જ નથી પડતી કે આ તો આપણે જે વાંચી ગયા છીએ તેની જ અસર છે. તમને ક્યારેક સારા વિચાર આવે કે કોઇ સારું વર્તન થાય ત્યારે તમને એવો વિચાર આવે છે કે આવું મેં કેમ ન કર્યું? આવું મારાથી કેમ થઇ ગયું? એ બધી સમજની અસર હોય છે અને પુસ્તકનું વાંચન એના માટે ઘણું અસરકારક સાબિત થતું હોય છે.

વાંચનનું પણ એવું છે કે જેમ જેમ વાંચન વધે એમ એમ રીડિંગ પણ મેચ્યોર થતું હોય છે. અમુક પુસ્તક વાંચવું અઘરું લાગે. ભાષા ભારેખમ છે કે સમજાતી નથી એવું પણ લાગે. એનો ઉપાય એ છે કે તમને ગમે એવું વાંચો. કવિતા ગમતી હોય તો કવિતા, લલિત નિબંધો ગમતા હોય કે પ્રવાસ વર્ણવો, ટૂંકી વાર્તા ગમતી હોય કે નવલકથા, જે ગમતું હોય એ વાંચો, ધીમે ધીમે તમે જ મેચ્યોર રીડિંગ તરફ દોરવાતા જશો. ગમે એ વાંચો, પણ વાંચતા રહો.

અત્યારે ભલે એવું લાગતું હોય કે બુક્સનું વાંચન ઘટ્યું છે પણ યાદ રાખજો, એક સમયે આવશે જ્યારે લોકો પાછા બુક્સ રીડિંગ તરફ વળશે. કંઇક તો જોઇશે જ માણસને ડેપ્થ માટે અને જિંદગી જિવાય છે એવું ફીલ કરવા માટે! બુક રીડિંગ જેવો બેસ્ટ ઓપ્શન બીજો કોઇ નથી. આજે બુક ડે છે, આજના દિવસનું સેલિબ્રેશન એકાદ બુક વાંચીને કરો, મજા આવશે! પુસ્તક જ સરવાળે તમને તમારી સાચી ઓળખ આપશે. હેપી વર્લ્ડ બુક ડે!

પેશ-એ-ખિદમત

અંદાજ કુછ ઔર નાજ-ઓ-અદા ઔર હી કુછ હૈ,

જો બાત હે વો નામ-એ-ખુદા ઔર હી કુછ હૈ,

પૂછી જો દવા હમ ને તબીબો સે તો બોલે,

બીમારી નહીં હૈ યે બલા ઔર હી કુછ હૈ.

– નઝીર અકબરાબાદી

 

(આગરાના શાયર નઝીર અકબરાબાદીનું ઇ.સ. 1830માં 70 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. મીર તકી મીરના સમકાલીન શાયર નઝીરે ભારતીય સંસ્કૃતિ, તહેવારો અને ભગવાન શ્રીકૃષ્ણ ઉપર અદ્ ભુત નઝમો લખી છે.)

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 23 એપ્રિલ 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

2 Comments

  1. ખુબજ સુંદર અને સરસ લેખ, વાંચીને ખુબજ આનંદ થયો.

Leave a Reply