સફળતા પાછળ દોડવામાં તું સુખને ભૂલી ગયો છે – ચિંતનની પળે

સફળતા પાછળ દોડવામાં

તું સુખને ભૂલી ગયો છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જાતની સાથે જ સોબત થઈ ગઈ,

એકલા રહેવાની આદત થઈ ગઈ.

એમણે પીડા વિશે પૂછ્યા પછી,

કેટલી પીડામાં રાહત થઈ ગઈ.

-ઉર્વીશ વસાવડા

 

દોડો નહીંતર તમે પાછળ રહી જશો. સફળતા માટે સંઘર્ષ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. જમાનો ગળાકાપ હરીફાઈનો છે. તમારે જીતવું હોય તો તમારે સતત લડતા રહેવું પડશે. તમે ટોચ ઉપર પહોંચી ગયા હોવ તો ત્યાં ટકી રહેવા માટે પણ તમારે સતત પ્રયત્નો કરતા રહેવા પડશે. તમારા ગોલ ઉપર ફોકસ કરો. તમારા ટાર્ગેટને એકદમ ક્લિયર રાખો. ચારેય તરફથી આવી વાતો આપણા કાને અથડાતી રહે છે. નો ડાઉટ, આ બધી વાતો સાચી છે, પણ એ જિંદગીનું અંતિમ સત્ય નથી. સફળતા જરૂરી છે, પણ સફળતા સર્વસ્વ નથી. જિંદગીનું અંતિમ સત્ય તો સુખ છે.

સફળતા અને સુખ વચ્ચે કેટલા લોકો બેલેન્સ રાખી શકતા હોય છે? તમે સફળ થાવ ત્યારે તમારી સફળતાથી ખુશ થવાવાળું પણ કોઈ હોવું જોઈએ. ટોચ ઉપર હોઈએ ત્યારે કોઈનો હાથ હાથમાં હોય તો જ સફળતાની મજા છે. ટોચ ઉપર એકલા હોઈએ અને છેક તળેટી સુધી કોઈ નજરે ન પડે તો એ સફળતા વાંઝણી છે. સુખને જન્મ આપે એ જ સફળતા સાચી હોય છે.

સફળતા કાયમી હોતી નથી. સુખ પરમેનન્ટ હોય છે. સફળતાનો નશો લાંબો ટકતો નથી. કોઈ પણ અચીવમેન્ટ આજીવન આનંદ આપી શકતું નથી. સફળતા મળે ત્યારે વાહ વાહ થતી હોય છે. આપણું નામ ગાજતું હોય છે, પણ ધીમે ધીમે એ સફળતા ભુલાતી પણ જાય છે. સફળતા જરૂરી નથી એવું જરાયે નથી. સફળતાનું જીવનમાં મોટું મૂલ્ય છે. જતે દહાડે એ જ આપણને આપણા અસ્તિત્વનો સંતોષ આપતી હોય છે. મેં કંઈક કર્યું છે. મેં મારી જિંદગી વેડફી નથી એવું આપણે કહી શકીએ છીએ. જરૂરી એટલું જ છે કે સફળતા પાછળની દોડમાં બીજું બધું છૂટી ન જાય એની તકેદારી રાખવી પણ જરૂરી છે.

એક પતિ-પત્નીની આ સાચી વાત છે. અત્યારે બંનેની ઉંમર પંચાવન કરતાં વધુ છે. આ કપલને જ્યારે પણ મળવાનું થાય છે ત્યારે પતિ એક જ વાત કરે કે કંપનીને ઊંચે લાવવા માટે તેણે કેટલી મહેનત કરી હતી. સફળતા માટે મેં રાત કે દિવસ જોયા નથી. આજે મારી ઇન્ડસ્ટ્રીમાં મારું નામ છે. પતિની આવી વાત સાંભળી પત્ની દરેક વખતે એ જ રિસ્પોન્સ આપે કે તમે અમારું ક્યાં કંઈ ધ્યાન જ રાખ્યું છે. આપણે કેટલી વખત ફરવા ગયાં? બાળકોને તમે કેટલો સમય આપ્યો? તમારી પાસે કંપનીની વાતો કરવા માટે તો ઘણું છે, પણ આપણી વાતો કરવા માટે કેટલું છે? તમે મારી સાથેની કઈ ક્ષણો વાગોળી શકો તેમ છો? હવે ઉંમર થઈ ગઈ. જ્યારે ફરવા જવાની એઈજ હતી ત્યારે તમે તમારા કામમાં મશગૂલ હતા. તમને તમારી સફળતા જ દેખાતી હતી. ક્યારેય વિચાર્યું છે કે, તમે જિંદગીમાં મેળવ્યું શું અને ગુમાવ્યું શું?

મોટિવેશન, પ્રોત્સાહન, પ્રેરણા, ધગશ, સખત મહેનત અને સંઘર્ષ બધું જ સાચું, પણ એની સાથોસાથ જિંદગી પણ જીવાતી રહેવી જોઈએ. જિંદગીને હરામ કરીને મેળવેલી સફળતા સરવાળે અફસોસ પણ બની જતી હોય છે. આપણી સામે એવા ઘણા મહાન કલાકારોનાં ઉદાહરણો છે જે જતી જિંદગીએ સાવ એકલા હતા. એનું એક કારણ કદાચ એ હોય છે કે એ જ્યારે સફળતાના શિખરે હતા ત્યાં સુધી પોતાના સિવાય કોઈ તરફ નજર જ નાખતા ન હતા. મહેનતનું ફળ સુખ હોવું જોઈએ.

એક પતિ ઘરમાં સમય આપતો ન હતો. પત્નીને એ મુદ્દે પતિ સાથે ઝઘડા થતા. પતિ કહેતો કે હું આખો દિવસ ગધેડાની જેમ કામ કરું છું. આ બધું હું કોના માટે કરું છું? તમારા માટે તો કરું છું. આ વાત સાંભળીને પત્નીએ એક વખત કહ્યું કે, તમે મને ક્યારેય પૂછ્યું છે કે, આ બધું હું તારા માટે કરું કે નહીં? જો તમે આ બધું મારા માટે કરતા હોવ તો આજથી નહીં કરતા. મને જ અવગણીને મારા માટે કંઈ પણ કરવાનો મતલબ શું? મારા માટે કરવું હોય તો મને ગમે એવું કરો. મને સમય આપો. તમારે મોટો બંગલો લેવો છે. મને બંગલાનો મોહ નથી. ભલે આપણો નાનો ફ્લેટ હોય, બંને આરામથી બેસીને વાતો કરી શકીએ તો બસ. સુખની વ્યાખ્યા તું તારી રીતે ન ઘડી કાઢ. તારા સુખની વ્યાખ્યા મારા સુખ સાથે મેચ નથી થતી. સફળતા પાછળ દોડવામાં તું સુખને ભૂલી ગયો છે.

સફળતા માટેના સંઘર્ષમાં પોતાની વ્યક્તિનો સાથ હોય તો સંઘર્ષનો થાક લાગતો નથી. કોઈએ એટલા ક્યારેય ભાગવું ન જોઈએ કે તમારી સાથે રહેલા લોકો પાછળ રહી જાય. ખૂબ દોડીને આગળ નીકળી જઈએ અને જ્યારે પાછળ જોઈએ ત્યારે કોઈ ન હોય તો આગળ હોઈએ તો પણ એકલું લાગવા માંડે છે. સફળતા અને સુખ વચ્ચે ઘણો ફરક છે. ઘણા લોકો સફળતાને સુખ માની લેતા હોય છે.

દરેક સફળ માણસ સુખી હોય એવું જરૂરી નથી. દરેક સુખી માણસ એની જિંદગીને જીવી જાણવામાં તો સફળ હોય જ છે. સફળતા બહારથી મળે છે. સુખ અંદરથી મળે છે. સુખને સફળતા કે નિષ્ફળતા, અમીરી કે ગરીબી, ઊંચ કે નીચ અથવા તો બીજા કશા સાથે કંઈ પણ લેવાદેવા નથી. દરેક માણસ મહાન બની શકતો નથી, પણ દરેક માણસ ધારે તો સુખી ચોક્કસપણે થઈ શકે. એક વૃદ્ધ માણસને પૂછવામાં આવ્યું કે તમે જિંદગીમાં શું મેળવ્યું? તેણે કહ્યું કે જે મેળવવા જેવું હતું એ બધું જ! મને મારા લોકોનો પ્રેમ મળ્યો છે. નાના લોકોનો આદર મળ્યો છે. હા, મને કોઈ એવોર્ડ કે ઇનામ નથી મળ્યાં, પણ મારાં સંતાનોએ મને એવું ચોક્કસ કહ્યું છે કે તમે અમને સાચા સંસ્કારો આપ્યા છે અને જિંદગી જીવવાનો ખરો માર્ગ બતાવ્યો છે. મારી પત્ની કહે છે કે તમે મને કાયમ ખુશ રાખી છે. મારા પરિવારજનો કહે છે કે, અમને જ્યારે જરૂર હતી ત્યારે તમે હાજર હતા. આ શું નાની વાત છે? આ જો નાની વાત હોય તો મેં કંઈ નથી મેળવ્યું. જોકે, મને તો લાગે છે કે મેં જે મેળવ્યું છે એ જ સાચું છે. આખું જગત ઓળખે અને પરિવારજનો જ તમારાથી દૂર હોય ત્યારે મહાનતા પણ પોકળ અને છેતરામણી સાબિત થતી હોય છે.

તમે શેના માટે બધું કરો છો એ વિચારીને જે કંઈ કરતા હોવ એ કરો. તમે જે કરો છો એનાથી તમને જે જોઈએ છે એ મળે છે ખરું એના ઉપર પણ થોડોક વિચાર કરો. ભાવનગરના વૈષ્ણવાચાર્ય ગોસ્વામી આનંદબાવાએ એક સરસ વાત કરી. તેમણે કહ્યું કે એક વખત હું અમેરિકા ગયો હતો. અમેરિકાના એરપોર્ટ પર એક ઇમિગ્રેશન ઓફિસરે મને રોક્યો. મને પૂછ્યું, તમે શું કરો છો? તેને કહ્યું કે, હું ગુરુ છું. પેલાએ કહ્યું, ઓહ યુ મીન મોટિવેશન ગુરુ? આનંદાબાવાએ કહ્યું કે ના હું મોટિવેશન ગુરુ નથી, હું તો ડિમોટિવેશન ગુરુ છું. હું તો બધાને થોડાક ડિમોટિવેટ કરું છું. બધાને કહું છું કે બહુ ભાગો નહીં, થાકી જશો. શ્વાસ લો. તમારી જાતને ફીલ કરો. તમારા સંબંધને જીવો. તમારી જિંદગીને સમજો. ભાગી ભાગીને તમારે ક્યાં પહોંચવું છે? ત્યાં પહોંચ્યા પછી શું મળવાનું છે? આજના યુવાનોમાં તો મોટિવેશન અંગે પણ ઘણા ભ્રમો ફેલાયેલા છે. બધાને બસ સફળ થઈ જવું છે. એ લોકો એવું માની બેઠા છે કે સફળ થઈ જશું તો અમે સુખી થઈ જશું. હું તો બધાને થોડા સ્લો થવાનું સમજાવું છું!

સફળતાની દોડ માટે તમારી સ્પીડ કેટલી છે? સ્પીડ વાજબી હોય ત્યાં સુધી વાંધો નથી. હા, સ્પીડ એટલી બધી ન વધારી દેતા કે સુખ બહુ પાછળ રહી જાય. સફળતા પાછળ દોડવામાં તમારી સંવેદના સુકાઈ ન જાય અને તમારા સંબંધો મૂરઝાઈ ન જાય એની તકેદારી રાખજો. એકલા પડી જઈએ પછી તમામ સફળતાઓ નિરર્થક લાગતી હોય છે. સફળતાની મજા તો જ છે જો સંબંધો અને સંવેદના સજીવન હોય, સરવાળે સફળતા કોઈ સાથે હોય તો જ સાર્થક લાગતી હોય છે. આપણી તાળીઓ આપણને આનંદ ન આપી શકે, કોઈ આપણા માટે તાળીઓ પાડે ત્યારે જ સફળતા સાકાર થતી હોય છે.

 

છેલ્લો સીન :

જીવનમાં બે જ વસ્તુ ઇચ્છવા યોગ્ય છે. પહેલાં તો આપણે જે જોઈએ છે એ મેળવવું અને પછી એનો આનંદ લેવો. માત્ર ડાહ્યા લોકો જ બીજી વાતને સમજી શકતા હોય છે.     -લોગન સ્મિથ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 19 એપ્રિલ 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

[email protected]

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “સફળતા પાછળ દોડવામાં તું સુખને ભૂલી ગયો છે – ચિંતનની પળે

Leave a Reply to Nitin dhandha Cancel reply

%d bloggers like this: