તમને આડા-તેડા આઇડિયા આવે છે? તો તમે જિનિયસ છો! : દૂરબીન

તમને આડા-તેડા આઇડિયા આવે

છે? તો તમે જિનિયસ છો!

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

દુનિયાને દરરોજ કંઈક નવું જોઈએ છે.

તમે કંઈક જુદું, કંઈક નવું, સમથિંગ ડિફરન્ટ

અને કોઈએ ન વિચાર્યું હોય એવું વિચારો છો?

તો તમારી પાસે ઊડવા માટે આખું આકાશ છે.

 

હવે ઇન્ટરવ્યૂમાં તમારી કલ્પનાશક્તિ

કેટલી કામ કરે છે એ જાણવા વિચિત્ર પ્રકારના

પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે!

 

ચલો, એક પ્રશ્નનો જવાબ આપો. પેન્સિલના લખવા અને સ્કેચ દોરવા સિવાયના બીજા કેટલા ઉપયોગ થઈ શકે? ગમે એટલા કલ્પનાના ઘોડા દોડાવવાની છૂટ છે.

થોડાક જવાબો આ રહ્યા. ટેબલ પર પેન્સિલને ગોળ ગોળ ફેરવીને રમવા માટે, કાનમાં ખંજવાળ આવતી હોય તો પેન્સિલનો પાછળનો ભાગ કાનમાં ઘુસાડીને ખંજવાળવા માટે, દાંતમાં કંઈ ભરાઈ ગયું હોય તો પેન્સિલની અણીથી તેને દૂર કરવા, કોઈ વાયડું થતું હોય તો પેન્સિલની અણી તેને ખૂંચાડવામાં, પેન્સિલની અણીથી કાગળ ઉપર તીનું પાડવામાં, હવે એવી કેસેટ આવતી નથી, પણ જો જૂની કેસેટની પટ્ટી ચડી જાય તો તેને સરખી કરવામાં, કોઈનું ધ્યાન દોરવું હોય તો તેના પર પેન્સિલનો છૂટો ઘા કરવામાં, પંખો ફરતો ન હોય તો પેન્સિલથી પાંખિયાને ધક્કો મારવામાં, ચાના મગ પર જામી ગયેલી મલાઈ સાઇડમાં કરવા જેવા પેન્સિલના ઉપયોગ થઈ શકે છે. તમે હજુ વધારે ઉપયોગ વિચારી શકો છો? જસ્ટ ટ્રાય ઇટ. મજા આવશે. તમારી કલ્પનાશક્તિનો પણ તમને અંદાજ આવશે. આજકાલ આવા ચિત્ર-વિચિત્ર સવાલો ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે. તેના આધારે એ ચેક કરવાનો પ્રયાસ થાય છે કે તમારામાં નવા આઇડિયા આપવાની કેટલી ત્રેવડ છે?

અત્યારનો જમાનો એવો છે જ્યાં લોકોને દરરોજ કંઈક નવું જોઈએ છે. કંપનીઓએ ટકવા માટે કંઈક ને કંઈક નવું આપતાં રહેવું પડે છે. જરાયે મોડું કરો તો તમે ફેંકાઈ જાવ છો. નોકિયા, બ્લેકબેરી અને બીજી અનેક કંપનીઝ તેવાં ઉદાહરણ છે. હવે કંપનીઓને થોડાક ક્રેઝી લોકોની જરૂર છે જે બધાથી જુદું વિચારી શકે. આજની યંગ જનરેશન ગજબની ક્રિએટિવ છે. એક આઇડિયા તમારી દુનિયા બદલી શકે છે.

ગૂગલ, એપલ, ઇન્ટેલ, માઇક્રોસોફ્ટ અને બીજી વેલનોન કંપનીઝ હવે તમે શું જાણો છો એવું ઇન્ટરવ્યૂમાં નથી પૂછતી, પણ તમારી ઇમેજિનેશન કેટલી પાવરફુલ છે તે જાણવાનો પ્રયાસ કરે છે. એક સવાલ એવો પુછાયો હતો કે, તમારે તમારી ઘડિયાળને તોડવી છે, તમે ઘડિયાળ તોડવાનો મોસ્ટ ઇનોવેટિવ આઇડિયા કહો જોઈએ! બાય ધ વે, તમારે ઘડિયાળ તોડવી હોય તો કેવી રીતે તોડો? ખાંડણી દસ્તો લઈને ચટણી બનાવતાં હોય એ રીતે? એક છોકરાને એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે, અમે તમારી પસંદગી શા માટે ન કરીએ?

હવે એક બીજું ઉદાહરણ જુઓ, જેમાં પ્રેઝન્સ ઓફ માઇન્ડ ચેક કરવાનું હતું. એક છોકરીનો ઇન્ટરવ્યૂ હતો. આ છોકરી કુંવારી હતી. તેને કોઈની સાથે હજુ પ્રેમ પણ થયો ન હતો. આ છોકરીને સીધો જ એવો સવાલ કરાયો કે તમને અત્યારે જ ખબર પડે કે તમે પ્રેગ્નન્ટ છો તો તમે શું કરો? એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર પેલી છોકરીએ ફટ દઈને કહ્યું કે હું તરત જ મારા લવરને ફોન કરીને કહું કે, હું આપણા બાળકની મા બનવાની છું, એક સુંદર મજાના બાળકનું તારું સપનું હતું ને એ હવે સાકાર થવાનું છે! તમને ભલે આ જવાબ ઇઝી લાગતો હોય, પણ જેની લાઇફમાં કોઈ પુરુષ ન હોય એને તરત જ આ જવાબ સૂઝી આવે એ નાની-સૂની વાત નથી!

આવો જ એક બીજો કિસ્સો મમળાવવા જેવો છે. એક છોકરાનો ઇન્ટરવ્યૂ ચાલતો હતો. ઇન્ટરવ્યૂ લેનાર અને આપનારની વચ્ચે એક ટેબલ હતું. ઇન્ટરવ્યૂ લગભગ અડધે પહોંચ્યો હતો ત્યાં એક પ્યૂન એક કોફી લઈ આવ્યો. કોફીનો મગ તેણે ટેબલની બરાબર વચ્ચે મૂક્યો. એક વાત પૂરી થઈ એટલે ઇન્ટરવ્યૂ આપનાર યુવાને અત્યંત સલુકાઈથી પૂછ્યું, સર હવે હું આ કોફી પી શકું!

ઇન્ટરવ્યૂ લેનારે સવાલ કર્યો કે, આ કોફી તમારા માટે મંગાવી છે એવું તમે કેવી રીતે માની લીધું? યુવાને તરત જ કહ્યું કે, એ મગનું જે હેન્ડલ છે એ મારા તરફ રખાયું છે, તમને એ ઊંધું પડે. હકીકતે, આવું ચેક કરવા માટે જ પ્યૂનને બરાબર વચ્ચે અને એક જ મગ મૂકવાનું કહેવામાં આવ્યું હતું. એક સમય હતો જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપવા બેસો ત્યારે જ તમને માપવામાં આવતાં. હવે એવું નથી. તમે કંપનીની પ્રિમાઇસીઝમાં એન્ટર થાવ ત્યારથી સીસીટીવી પર તમારી બોડી લેંગ્વેજ પર નજર હોય છે. તમારું નાનું-નાનું વર્તન માર્ક થતું હોય છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયાના તમારા એકાઉન્ટ પર પણ નજર ફરી ગઈ હોય છે! ફેસબુક પર તમે શું અપલોડ કરો છો અને ટ્વિટર પર તમે શું લખો છો એ પણ ચેક કરવામાં આવે છે.

એક છોકરીના ઇન્ટરવ્યૂની આ વાત છે. ઇન્ટરવ્યૂ બહુ જ સરસ રહ્યો. છોકરીએ બધા જ જવાબ કોન્ફિડન્ટલી આપ્યા હતા. છેલ્લે ઇન્ટરવ્યૂ લેનારે કહ્યું કે, સોરી અમે તમને પસંદ નથી કરતા! છોકરીએ સામો સવાલ કર્યો કે શું હું જાણી શકું કે મારામાં તમને શું ખામી લાગી? ઇન્ટરવ્યૂ લેનારે કહ્યું કે, નાઉ યુ આર સિલેક્ટેડ. અમારે એ જ જોવું હતું કે તમે કારણ પૂછો છો કે નહીં? તમારામાં એ પૂછવાની હિંમત અને તમારી ખામી જાણવાની ઉત્સુકતા છે કે નહીં? જો તમે આ પૂછ્યું ન હોત તો અમે તમને સિલેક્ટ ન કરત!

યંગસ્ટર્સ પર થતો એક સર્વે એવું કહે છે કે, આજનો યંગસ્ટર્સ ખૂબ જ હોશિયાર છે. પ્રોબ્લેમ એ છે કે ઘણી વખત એ પોતાના ક્રેઝી વિચાર કે આઇડિયા કહેતો નથી. કેવું લાગશે? મારા વિશે શું વિચારશે? એવું વિચારીને બેસી રહે છે. કોઈ એ આઇડિયા આપી દે પછી એને થાય છે કે યાર આવો વિચાર તો મને પણ આવ્યો હતો! તમે સ્ટડી કરતાં હોવ, કોઈ પ્રોજેક્ટ્સ પર કામ કરતાં હોવ કે કોઈ જોબ કરતાં હોવ, તમારા આઇડિયા શેર કરવાનું ક્યારેય ચૂકતા નહીં.

એક વાત તો બહુ જાણીતી છે. એક ટૂથપેસ્ટની કંપનીએ તેનું સેલ વધારવું હતું. કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી કામ લાગતી ન હતી. શું કરવું એ સમજાતું ન હતું. આ દરમિયાનમાં એક કર્મચારીએ કહ્યું કે, પેસ્ટ નીકળે છે એ હોલ થોડુંક મોટું કરી દો! લોકો દરરોજ લેતાં હશે એનાથી થોડી વધુ પેસ્ટ લેવા લાગશે અને કોઈને ખબર ન પડે એમ વેચાણ વધી જશે! એક મહિને ખાલી થતી હોય એ પેસ્ટ વીસ દિવસમાં ખાલી થઈ જશે!

તમારા વિચારને તમે રિસ્પેક્ટ નહીં કરો તો બીજું કોઈ નહીં કરે. મનમાં કંઈ દબાવી ન રાખો, એક્સપ્રેસ કરી દો. આઇડિયા આપી દો. શાયર ઝફરખાન નિયાઝીનો આ શેર યાદ રાખવા જેવો છે, કોઈ સૂને ના સૂને, કોઈ દાદ દે કે ના દે, યહી બહૂત હૈ, ખયાલાત મેરે અપને હૈ!

પેશ-એ-ખિદમત

અબ નહીં લૌટ કે આનેવાલા,

ઘર ખુલા છોડ કે જાનેવાલા,

લાખ હોંઠો પે હંસી હો લેકિન,

ખુશ નહીં ખુશ નજર આનેવાલા.

-અખ્તર નાજમી.

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 26 માર્ચ 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

[email protected]

Leave a Reply