શોપિંગને સંબંધ સાથે કેટલું લાગે-વળગે છે? : દૂરબીન

શોપિંગને સંબંધ સાથે

કેટલું લાગે-વળગે છે?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

શોપિંગને આપણી માનસિકતા સાથે સીધો સંબંધ છે.

શોપિંગની ઘેલછા ઘણી વખત

સંબંધો સામે સવાલો ખડા કરી દે છે.

શોપિંગ હવે માત્ર જરૂરિયાતો પૂરી કરવા નથી થતું

પણ શોખ પૂરા કરવા માટે થાય છે.

ખરીદી માટે સ્ત્રી અને પુરુષની

વૃત્તિ અને પ્રકૃતિ જુદી જુદી હોય છે?

જવાબ છે, હા! જોકે તેમાં અપવાદ હોઇ શકે.

 

 ચાલો, આજે લેખની શરૂઆત એક જોકથી કરીએ. એક ભાઇનું ક્રેડિટ કાર્ડ ચોરાઇ ગયું. એક મહિના પછી આ ભાઇ ક્રેડિટ કાર્ડ ચોરીની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા. પોલીસ ઇન્સ્પેક્ટરે પૂછ્યું, તમે ફરિયાદ કરવા આટલા મોડા કેમ આવ્યા? પેલા ભાઇએ કહ્યું, મારી વાઇફ એ ક્રેડિટ કાર્ડથી આડેધડ શોપિંગ કરતી હતી. ચોર એના કરતાં ઓછા રૂપિયા વાપરે છે! પોલીસમેને બીજો સવાલ કર્યો. તો હવે ફરિયાદ કરવા કેમ આવ્યા? પેલા ભાઇએ કહ્યું કે હવે મને લાગે છે કે ચોરની વાઇફ એ ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવા લાગી છે! શોપિંગ વિશે અનેક જોક્સ અને મજાક આપણે કહેતા અને સાંભળતા આવ્યા છે. શોપિંગ સાથે સાયકોલોજી જોડાયેલી છે. જોકે હમણાં એક વાત એવી બહાર આવી છે કે સંબંધો બગડવાનું અને તૂટવાનું એક કારણ શોપિંગ છે! વધુ પડતું, આડેધડ અને નક્કામું શોપિંગ હવે રિલેશનશિપ બગાડી રહ્યું છે.

 

લેડીઝ શોપિંગને એન્જોય કરે છે. મોટાભાગના જેન્ટ્સને શોપિંગ બોરિંગ લાગે છે. અલબત્ત તેમાં અપવાદ હોઇ શકે. શોપિંગમાં લેડીઝ માટે ઢગલાબંધ વરાઇટીઝ છે. પુરુષો માટે પેન્ટ, શર્ટ અને વધુમાં વધુ ટીશર્ટ. વરણાગી પુરુષોની પસંદગી થોડીક વધારે હોવાની, જોકે લેડીઝ જેટલી તો નહીં જ. શોપિંગમાં કંટાળો આવતો હોય તો પણ ઘણા પુરુષો બોલતા નથી અથવા તો બોલી શકતા નથી. ઘણા તો વળી ગર્વભેર એવું કહેશે કે હું તો કંઇ લેતો જ નથી, મારા માટે તો બધું મારી ઘરવાળી જ લઇ આવે. આપણને એની પસંદથી વધારે બીજું શું હોય? એને ગમે એટલે બસ. વાત માત્ર ખર્ચની કે રૂપિયાની નથી હોતી. પોસાતું હોય એને પણ મોલમાં જઇ શોપિંગ કરવામાં કંટાળો આવતો હોય છે. એ વાત જુદી છે કે ઘણા પતિઓ પત્ની ખુશ રહે એ ખાતર પત્ની સાથે શોપિંગમાં જાય છે. પતિ અને પત્ની બંનેને શોપિંગનો ક્રેઝ હોય એવા કિસ્સા બહુ ઓછા જોવા મળે છે. પુરુષો ફટ દઇને જે લેવું હોય એ લઇ લે છે. લેડીઝ ખરીદીમાં પૂરતો અને ક્યારેક વધુ પડતો સમય લે છે. કપડાં પુરુષો માટે જરૂરિયાત છે અને સ્ત્રીઓ માટે સુખનું કારણ છે. આખો વોર્ડરોબ ખચોખચ ભર્યો હોય તો પણ લેડીઝ એવું બોલી શકે છે કે મારી પાસે તો પ્રસંગમાં પહેરાય એવાં સારાં કપડાં જ નથી!

 

પત્ની માટે કપડાં કે બીજું કંઇ ખરીદવું એ પુરુષો માટે અઘરી ટાસ્ક છે. સરસ મજાનું કપડું લઇ ગયા પછી એવું સાંભળવાની તૈયારી રાખવી પડે છે કે આ શું ઉપાડી લાવ્યા? આવી ડિઝાઇનમાં તો હું બહુ જાડી લાગું છું. ફૂલ સ્લીવનો ડ્રેસ લાવે તો કહે કે તમારે મને સ્લીવલેસ પહેરવા જ નથી દેવું. સ્પેગેટી લઇ આવે તો કહે કે બધાની હાજરીમાં આવું થોડું પહેરાય! પતિ છેલ્લે પ્રેમથી એવું કહે  કે, કંઇ વાંધો નહીં, આપણે ફરવા જઇએને ત્યારે પહેરજે. વેલ, જરાક જુદી રીતે જુઓ તો પ્રેમ અને દાંપત્યની આ જ તો મજા છે!

 

એમ તો શોપિંગના ફાયદાઓ પણ છે. પ્રૂવ થયેલી વાત એ છે કે શોપિંગ ‘સ્ટ્રેસ બસ્ટર’ છે. ભાગદોડના જમાનામાં પોતાના માટે સમય નથી મળતો. શોપિંગ કરીએ ત્યારે પોતાના માટે કંઇક કર્યું હોય એવું લાગે છે. મોટાભાગે લોકો ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર વચ્ચે ઝૂલતા રહે છે. ઓફિસમાં પણ એ જ રૂટિન કામ હોય છે. હાઉસ વાઇફ ઘરમાંથી નવરી પડતી નથી. શોપિંગ રોજિંદી ઘટમાળામાં ચેન્જ આપે છે. શોપિંગથી આત્મવિશ્વાસ પણ વધે છે. નવું શું આવ્યું? શું ઇનથિંગ છે? એ જાણીને લોકોને એવો અહેસાસ થાય છે કે પોતે જમાના સાથે કદમ સે કદમ મિલાવે છે. લાંબા સમય પછી કોઇ શોપિંગ કરવા જાય ત્યારે તેને એવું લાગે છે કે આટલા સમયમાં કેટલું બધું નવું આવી ગયું! ખબર હોય ત્યારે પોતે અપડેટેડ અને લેટેસ્ટ ટ્રેન્ડ્સથી પરિચિત હોય એવું અનુભવે છે. કોઇ માટે શોપિંગ કરીએ ત્યારે તેની સાથેની ઇન્ટિમસી પણ વધે છે. માણસ થોડોક સંવેદનશીલ થાય છે. પોતાની વ્યક્તિને શું ગમશે કે શું સારું લાગશે એવું વિચારે છે.

 

લેડીઝ પોતાની અંગત ફ્રેન્ડ્ઝ સાથે શોપિંગ કરવા જાય છે. શોપિંગની સાથે સુખ-દુ:ખની વાતો થાય છે અને એ રીતે હળવાશ મળે છે. પોતાના માટે અથવા તો ઘર માટે નાની નાની ચીજવસ્તુઓ ખરીદવાનો આનંદ અનેરો હોય છે. જિંદગી જીવવાનાં કારણો નાનાં નાનાં પણ હોય છે. એક ફ્લાવરવાઝ પણ બગીચા જેટલો આનંદ આપી શકે છે. જોકે શોપિંગ જરૂરિયાત મુજબનું હોવું જોઇએ. નક્કામું અને આડેધડ શોપિંગ ઉપાધિ નોતરે છે.

 

ઘણા લોકો એવા હોય છે જે માર્કેટમાં જાય ત્યારે ઘણું બધું ઉપાડી આવે છે. ઘરે આવ્યા પછી સમજાય છે કે ખોટું આવી ગયું. ખોટો ખર્ચ કરી નાખ્યો. દેખાદેખીમાં પણ ઘણું લેવાઇ જાય છે. એણે લીધું તો હું પણ લઉં. મારે એની જરૂરિયાત છે કે નહીં એ વિચારવાનું બાજુએ રહી જાય છે! શોપિંગ થઇ જાય પછી ગિલ્ટ ફીલ થાય છે. મારો હાથ બહુ છુટ્ટો છે એવું લાગે છે. એ વાત સમજાય એ પહેલાં તો હાથ છૂટી ગયો હોય છે અને ઘણા રૂપિયા સરકી ગયા હોય છે. ઓનલાઇન શોપિંગ કે ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગમાં રોકડ હાથમાંથી જતી નથી. કેશલેસ શોપિંગ ક્યારે સેન્સલેસ શોપિંગ બની જાય છે એ સમજાતું નથી.

 

નક્કામું કે વધારે પડતું શોપિંગ કરવું એ એક માનસિક બીમારી છે. એ વાત બધાને ખબર છે. મેન્ટલ હેલ્થ સ્ટડીમાં એને ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડર કહે છે. માણસ પોતાની ભાવનાઓ ઉપર કાબૂ રાખી શકતો નથી. વાત માત્ર રૂપિયાની નથી પણ વાત માનસિકતાની છે. રૂપિયા હોય એટલે ગમે તે ખરીદી લેવાનું? તમે જે ચીજવસ્તુ ખરીદી લાવો છો. એમાંથી ખરેખર કેટલી ચીજવસ્તુઓ વાપરો છો? મોટાભાગની ચીજવસ્તુઓ ઘરમાં ઘૂસે એ પછી પડી પડી ધૂળ ખાય છે. જેની જરૂર હોય એ ચોક્કસ ખરીદો. આપણે જરૂરિયાતો પૂરી કરવા તો કમાઇએ છીએ. સવાલ એ જ પૂછવાનો કે ખરેખર મારે આની જરૂર છે ખરી?

 

શોપિંગ વિશેનો હમણાંનો એક અભ્યાસ એવું કહે છે કે શોપિંગના કારણે સંબંધોમાં તનાવ વધી રહ્યો છે. દંપતી વચ્ચે સર્જાતા ડિસ્ટન્સનું એક કારણ શોપિંગ છે. બેમાંથી કોઇ એક વ્યક્તિ ગમે એ ઉપાડી લાવતું હોય ત્યારે સાથેની વ્યક્તિને એવું ફીલ થાય છે કે આને કંઇ ગતાગમ જ નથી. લાંબો વિચાર કર્યા વગર ગમે તે ખરીદી લાવે છે. તમે કંઇ ખરીદતી વખતે વિચારો છો કે મારી વ્યક્તિને આ ગમશે કે નહીં? એને આ ખર્ચ વાજબી લાગશે કે નહીં? આવું વિચારવાનું તો દૂરની વાત છે, ઘણા લોકો તો એવી જીદ કરે છે કે એને આ જોઇએ જ છે. જીદ પૂરી થાય તો જ એવું સમજે છે કે એ મને પ્રેમ કરે છે!

 

શોપિંગના કારણે તમારે તમારી વ્યક્તિ સાથે ઝઘડા થતા નથી ને? મનદુ:ખ કે નારાજગીનું કારણ શોપિંગ તો નથી ને? જો આવું હોય તો ચેતી જજો. જરાક વિચાર કરજો કે શોપિંગ તમારી વ્યક્તિના પ્રેમ કે લાગણીથી વધુ છે? શોપિંગ ઓનલાઇન હોલ કે મોલમાં જઇને થતું હોય, ખોટા ખર્ચ ન થાય એ કાળજી લેવા જેવું કામ છે. વાત લોભ કરવાની નથી, વાત કરકસર કરવાની પણ નથી, વાત સંયમ જાળવવાની છે. વાત સંબંધને સાત્ત્વિક રાખવાની છે. આપણે ત્યાં કહેવાતું આવ્યું છે ને કે અતિ સર્વત્ર વર્જયતે. અંગ્રેજીમાં પણ કહ્યું છે કે, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઇઝન. પોષાતું હોય કે ન હોય, ખરીદી કામની જ થવી જોઇએ. બાકીનું બધું પોષાશે પણ સંબંધમાં ખટાશ આવે એ તો જરાયે નહીં પોષાય! જેને લિમિટની ખબર નથી હોતી એ સરવાળે પસ્તાતા હોય છે.

 

 

પેશ-એ-ખિદમત

કહર હૈ મૌત હૈ કજા હૈ ઇશ્ક,

સચ તો યે હૈ બુરી બલા હૈ ઇશ્ક,

અસર-એ-ગમ જરા બતા દેના,

વો બહુત પૂછતે હૈ ક્યા હૈ ઇશ્ક.

– મોમિન ખાં મોમિન.

(અસર-એ-ગમ/વિરહની વેદના)

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 12 ફેબ્રુઆરી 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: