આપણને આવતાં સપનાં પાછળ કોઇ કારણ હોય છે ખરું? – દૂરબીન

આપણને આવતાં સપનાં પાછળ

કોઇ કારણ હોય છે ખરું?

 

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 સપનાં આપણને જુદી જ દુનિયામાં લઇ જાય છે.

ઘણી વખત તો સપનાં એવાં હોય છે

જેનો આપણે સપનામાં પણ

ક્યારેય વિચાર કર્યો ન હોય!

 

નબળાં, ડરામણાં અને અડધી રાતે

ઝબકીને જગાડી દેતાં સપનાં

એ માનસિક નબળાઇ છે?

 

તમને સપનાં આવે છે? આનો જવાબ ‘હા’ જ હોય છે. દરેક વ્યક્તિને સપનાં આવતાં જ હોય છે. હા, એવું શક્ય છે કે આપણને સપનાં યાદ ન રહે. સવાર પડે એટલે આપણે સીધા જ આપણી વાસ્તવિક દુનિયામાં આવી જઇએ છીએ. રાત ઘણી વખત આપણને અલૌકિકથી માંડી અગોચર વિશ્વ સુધી ખેંચી જાય છે. આંખો મીંચાઇ જાય પછી એક નવું જ જગત ઊઘડે છે. રાતનું સપનું આપણને દિવસે સવાલો કરતું રહે છે. મને આવું સપનું કેમ આવ્યું? સપના પાછળ કોન્સિયસ અને સબકોન્સિયન્સ માઇન્ડની થીયરીઓ આપવામાં આવે છે. આમ છતાં એક હકીકત એ છે કે સપનાને સાયન્સ પણ હજુ પૂરેપૂરું સમજી શક્યું નથી. અસંખ્ય અભ્યાસો થયા છે, અનેક પ્રયોગો પણ ચાલી રહ્યા છે, છતાં કોઇ છાતી ઠોકીને સપના વિશે આ જ સાચું છે એમ કહી શકતું નથી. સપના સમજની બહાર છે અને કદાચ સપનાની મજા પણ એ જ છે!

 

સપના વિશે એવું કહેવાય છે કે આપણી જિંદગીમાં દિવસ દરમિયાન બનતી ઘટનાઓનું આછું-પાતળું પ્રતિબિંબ આપણાં સપનાઓમાં ઊપસે છે. આપણા વિચારો, લાગણીઓ, ઇચ્છાઓ, અપેક્ષાઓ, આઘાતજનક કે આનંદદાયક બનાવો, ભવિષ્યની કલ્પનાઓ, બાળપણના અનુભવો જેવું ઘણું બધું આપણાં સપનાઓ સાથે જોડાયેલું હોય છે. આપણને ઘણી વખત એવું લાગે કે આપણને તર્કબદ્ધ સપનાઓ આવે છે, હકીકત એ છે કે સપનાને તર્ક સાથે કંઇ લાગતું વળગતું નથી. સપનામાં તર્ક હોતા નથી. તર્ક તો આપણે ઘડી કાઢેલા હોય છે. અરે, વાત તો ત્યાં સુધી છે કે સપનાં સળંગ વાર્તા કે ઘટના જેવાં પણ હોતાં નથી. મને કેવું સપનું આવ્યું હતું એવું આપણે કોઇને કહીએ ત્યારે આપણે એક વાર્તા ઘડી કાઢીએ છીએ, બાકી સપનાં તો ત્રૂટક ત્રૂટક ઘટનાઓ અથવા તો ફ્લેશના સ્વરૂપમાં આવતાં હોય છે.

 

સારાં સપનાં આપણને ખુશી આપે છે. થોડોક સમય આપણે એ સપનાં વાગોળીએ છીએ અને પછી ભૂલી જઇએ છીએ. આપણને જાગતી અવસ્થામાં જો કંઇ ડિસ્ટર્બ કરતું હોય તો એ છે ઊંઘમાં આવતાં ખરાબ સપનાઓ. તમને ક્યારેક તો એવો અનુભવ થયો જ હશે કે, કોઇ એવું ખરાબ સપનું આવ્યું હોય જેનાથી તમે ઝબકીને જાગી ગયા હોય. ક્યારેક તો એવાં સપનાઓ આવે છે કે માણસ આખો ધ્રૂજતો હોય અથવા તો તેના આખા શરીરે પરસેવો વળી ગયો હોય. જાગીએ અને ભાન થાય કે આ તો એક સપનું હતું ત્યારે હાશ થાય છે.

 

બિહામણું કે ડરામણું સપનું આવે ત્યારે માણસ ઊંઘમાં કણસવા લાગે છે, ઘણા સંજોગોમાં ચીસો કે બૂમબરાડા પણ પાડવા લાગે છે. નજીક સૂતેલી વ્યક્તિ જાગી જાય એવો અવાજ પણ ઘણા કરે છે. એ જગાડીને આપણને પૂછે કે શું થયું? સપનું આવ્યું? દરેકને ખરાબ સપનાં ક્યારેક તો આવ્યાં જ હોય છે. ખરાબ સપનાં ક્યારેક આવે તો કંઇ વાંધો નહીં પણ જો દરરોજ અને સતત ખરાબ સપનાઓ આવતાં હોય તો એ નાઇટમેર ડિસઓર્ડર એટલે કે એક પ્રકારનો માનસિક વિકાર છે.

 

મેન્ટલ હેલ્થ વિશેનો અભ્યાસ કહે છે કે જો તમને નિયમિત રીતે ખરાબ સપનાઓ ડરાવતાં હોય તો માનસિક સારવાર લેવી જોઇએ. કાઉન્સેલિંગ કે સાઇકોથેરપીથી આવાં સપનાઓથી મુક્તિ મળી શકે છે. આ અંગે સાઇકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણી કહે છે કે વારંવાર ખરાબ સપનાઓ આવે તો અમુક તબક્કે માણસને ઊંઘવાનો પણ ડર લાગવા માંડે છે. ઊંઘ ન થાય એની સીધી અસર દિવસ પર પડે છે. કેટલાંક સપનાઓ આપણા વિચારો પર હાવી રહે છે.

 

ખરાબ સપનાઓ આવતાં હોય તો માણસે તેના વિચારો અને દિનચર્યા પર નજર કરવી જોઇએ અને એ ટાળવાનો પ્રયાસ કરવો જોઇએ. આપણને ઘણી વખત જે વિચારો આવતા હોય તેવાં સપનાં આવે છે. ઘણી વખત તો આપણને જ સપનાનું કારણ સમજાઇ જાય છે કે આવું થયું હતું ને તેના કારણે આવું સપનું આવ્યું. જોકે ઘણી વખત એવાં સપનાં આવે છે જેની સાથે આપણને સીધી કે આડકતરી રીતે કંઇ જ લેવા-દેવા હોતી નથી. પૂરતી ઊંઘ ન લેવાથી, વધુ પડતી હોરર કે ક્રાઇમ હોય એવી મૂવી જોવાથી, અમુક પ્રકારનાં વધુ પડતાં વાંચનથી પણ બિહામણાં સપનાઓ આવી શકે છે.

 

ઘણી વખત અજુગતા કે સંસ્કારથી વિરુદ્ધ સપનાં આવે ત્યારે માણસ પોતાની જાતને જ કોસવા માંડ એવું પણ બની શકે. મને કેમ આવું સપનું આવ્યું? હું આવી વ્યક્તિ નથી! મને આવું સપનું ન આવવું જોઇએ. જો કે સપના ઉપર કોઇનો કાબૂ હોતો નથી. એ તો બસ આવે છે. ખરાબ સપનું આવે એટલે કોઇ માણસ ખરાબ થઇ જતો નથી. સારાં સપનાં આવે એટલે સારાં પણ થઇ જતાં નથી. માણસ કેવો છે એ તો જાગૃત અવસ્થામાં જ તેના વિચાર-વર્તનથી વર્તાતો હોય છે.

 

સ્ટુડન્ટ્સનાં સપનાઓ પણ વિચિત્ર હોય છે. જેને પરીક્ષાનું ટેન્શન રહે છે તેને એવાં સપનાઓ આવતાં રહે છે કે, તે પરીક્ષા આપી રહ્યો છે, લખવાનું ઘણું બાકી છે અને સમય પૂરો થવાનો બેલ વાગી જાય છે. આ સિવાય એવાં સપનાં પણ આવે છે કે પોતે જે વિષયની તૈયારી કરીને ગયો હોય, એ નહીં પણ બીજા જ વિષયનું પેપર આપવામાં આવે. જેને એક્ઝામની બહુ ચિંતા હોય એને એવું સપનું પણ આવે છે કે તે આકાશમાંથી સતત નીચે પડે છે અને નીચે ધરતી જ નથી. આવું સપનું આવે એટલે એ ઝબકીને જાગી જાય છે.

 

વહેલી સવારે આવેલાં સપનાં સાચાં પડે છે એવું માનવામાં આવે છે, જોકે આ માત્ર એક માન્યતા જ છે. સપનું સપનું હોય છે એ અડધી રાતે આવે, વહેલી સવારે આવે કે બપોરે ઊંઘતા હોય ત્યારે, એને હકીકત સાથે નયાભારનો સંબંધ હોતો નથી.

 

તમને ખબર છે સપનાઓ વિશે જાણીને સારવાર પણ કરવામાં આવે છે. ડો. પ્રશાંત ભીમાણી કહે છે કે, સપનાઓ અચેતન મન સુધી પહોંચવાનો રાજમાર્ગ છે. સપનાઓનું વિશ્લેષણ નિદાનમાં સહાયરૂપ થાય છે. આપણી અંદર દબાયેલી લાગણીઓ સપના દરમિયાન બહાર આવવાની કોશિશ કરે છે. સપનામાં માણસ રડતો હોય તો ઘણી વખત તેની આંખમાં ખરેખર આંસુઓ પણ આવે છે. તમને તમારાં સપનાઓ સતાવે છે? તો એક વાત યાદ રાખો. સપનાને પકડી ન રાખો. સવાર પડે એટલે તેને તમારા મનમાંથી ખંખેરી નાખો. ઊંઘમાં આવેલાં ખરાબ સપનાઓને જો તમારા ઉપર હાવિ થવા દેશો તો જાગતી આંખે તમે જોયેલાં સપનાઓને પૂરાં કરવામાં બાધારૂપ બનશે. જે આપણને અટકાવતું કે ડરાવતું હોય તેને ભૂલી જવામાં જ માલ છે!

 

પેશ-એ-ખિદમત

ભૂલા ના પાયા ઉસે જિસ કો ભૂલ જાના થા,

વફાઓં સે મેરા રિશ્તા બહુત પુરાના થા,

દરીચે માજી કે ખૂલને લગે તો યાદ આયા,

યહીં કહીં કિસ ડાલી પે આશિયાના થા.

– હૈદરઅલી જાફરી.

(દરીચે-બારી/માજી-ભૂતકાળ)

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 05 ફેબ્રુઆરી 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: