કાશ એવું કોઈ હોત, જે મને સમજી શકે! : ચિંતનની પળે

કાશ એવું કોઈ હોત,
જે મને સમજી શકે!

51
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

બસ હવે તો મોજ છે વિશેષ કંઈ નથી,
રોજ રોજેરોજ છે વિશેષ કંઈ નથી,
શસ્ત્ર સૌ ખૂટ્યાં છતાં ન યુદ્ધ ખૂટતું,
સામસામે ફોજ છે વિશેષ કંઈ નથી.
-વારિજ લુહાર

મૂડની નજાકત, સંવેદનાની સલ્તનત અને વિચારોની ફિતરત સમજનાર કોઈ હોય તો જિંદગીને પાંખો લાગી જાય છે. કોઈ આપણને સમજતું ન હોય ત્યારે જિંદગી ખોડંગાતી રહે છે. સુખની એક વ્યાખ્યા એ પણ છે કે આપણી પાસે એવી વ્યક્તિ હોય જે આપણને સાંગોપાંગ સમજી શકતી હોય. રૂંવાડું ફરકે તેનો પણ તેને અહેસાસ થાય, આહ નીકળે તેની પણ થોડીક વેદના થાય, આંખ ચમકે અને થોડુંક તેજ તેના ચહેરા પર પણ ઝબકી જાય, ચીસ નીકળે અને તેના દિલમાં પણ છરકો પડે, હું નાચું અને એના અસ્તિત્વમાં સંગીત સર્જાય, મારી ખુશીને જે ખુશકિસ્મતી સમજે, હું બોલું અને એના મનમાં મહેફિલ મંડાય, મને વિચાર આવે અને એ સમજી જાય, મને ઊંઘ ન આવતી હોય તો એની આંખમાં ઉજાગરો અંજાઈ જાય અને મારી હાજરી તેના માટે સુખનું સરનામું બની જાય!

એના માટે પ્રેમની વ્યાખ્યા એટલે હું. પ્રકૃતિનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે હું. સૌંદર્યનું અંતિમ સત્ય એટલે હું. સ્પર્શનો લીલોછમ અહેસાસ એટલે હું. એના ટેરવાની ઝંખના હું. એના શ્વાસની સુગંધ હું. એની નજરમાં હું, એની કદરમાં હું, એની અસરમાં હું. પ્રેમ માણસને થોડોક સ્વાર્થી બનાવી દે છે. દરેકને એવી તલાશ છે જે પોતાને સમજી શકે. ‘સોલ મેટ’નું સત્ય બધાને પામવું હોય છે. એવો કે એવી સોલમેટ જે મારા પાછળ મેડ હોય, જેને હું ફીલ કરી શકું. આંખ મીચું અને તેનો ચહેરો ઊપસી આવે. એની યાદ આવે અને રૂવે રૂવે રોનક બાઝી જાય. એનું બધું જ ગમે. તારા ઠસ્સાથી ગર્વિત થાઉં છું અને તારી સાદગીથી પણ પુલકિત થાઉં છું. એટલી હદે એકબીજામાં ઓતપ્રોત રહીએ કે મને ખુદને લાગે કે હું હું નથી પણ તું છે!

તમને કોનાથી ફેર પડે છે? કોણ હોય તો એવું લાગે છે જાણે બધું જ મળી ગયું. ફેસબુક પર સ્ટેટસ અપલોડ કર્યા પછી તમે કોની લાઇક કે કમેન્ટની રાહ જોતા હોવ છો? કોનું પ્રોફાઇલ પિક્ચર તમને વારંવાર જોવાનું મન થાય છે? વોટ્સએપ પર મેસેજ મૂક્યા પછી તમે કેટલી વાર ચેક કરો છો કે તેણે મેસેજ વાંચી લીધો કે નહીં? ટાઇપિંગ વાંચીને એમ થતું રહે છે કે શું લખાતું હશે? એની તસવીરને લાઇક કર્યા પછી એમ થાય છે કે આ લાઇક કેમ એક જ વખત થઈ શકે છે? કોણ ન હોય તો તમને ઉદાસી લાગે? એક સરસ શેર છે, દિલ ધડકને કા તસવ્વુર હી ખયાલી હો ગયા, એક તેરે જાને સે સારા શહર ખાલી હો ગયા! તમારી લાઈફમાં આવી વ્યક્તિ હોય તો એને સાચવી રાખજો. અમુક વ્યક્તિ આપણા નસીબનો પર્યાય હોય છે. એ હોય તો જ સુખ છે, એ ન હોય તો કશાનો કોઈ મતલબ રહેતો નથી!

એક કપલની આ વાત છે. બંનેએ લવમેરેજ કર્યા હતા. પ્રેમમાં હતાં ત્યારે એકબીજામાં પૂરેપૂરાં પાગલ હતાં. મેરેજ કરવા માટે ઘણા બધા પડકારો હતા. પોતાના લોકોને સમજાવી પટાવી અને જરૂર લાગી ત્યારે થોડાક ડરાવીને પણ બધાને મનાવી લીધા. શરૂ શરૂમાં તો બંને બહુ ખુશ રહેતાં હતાં, પણ સમય પસાર થયો એમ ઉષ્મા અને ઉત્કટતા ઓસરવા લાગી. પ્રેમ ક્યારેય એક ઝટકે સુકાઈ જતો નથી. એ ઘણી વાર ધીરે ધીરે ઓસરતો રહે છે. આ ઓસરવાને આપણે ઓળખી ન શકીએ તો પ્રેમ પણ સુકાઈ જાય છે. આપણને ઘણી વખત તો એવું સમજાય છે પણ ખરાં કે હવે અમારા વચ્ચેનો પ્રેમ ઓસરી રહ્યો છે. સ્નેહનો જે જબરજસ્ત અહેસાસ હતો એ હવે ઓગળી રહ્યો છે. આવા સમયે સ્નેહના સુકાતા ઝરણાને ફરીથી સજીવન કરવું પડે છે. આવું ન થાય તો પછી જિંદગીના પટમાં પણ હેતને બદલે રેત જ રહે છે.

આ બંનેની જિંદગીમાં પણ એવું જ થયું હતું. ધીમે ધીમે બંને પોતપોતાનામાં બિઝી થવા લાગ્યાં. આપણે ક્યારેય એટલા પણ એકલા થઈ જવું ન જોઈએ કે આપણી વ્યક્તિને જ આપણી સંગતમાં કોઈ રંગત ન લાગે. એ યુવાનને એક દિવસ તેના મિત્રએ પૂછ્યું કે લાઇફ કેવી ચાલે છે? એણે કહ્યું કે, બસ ચાલે છે. લગ્નનાં દોઢ-બે વર્ષમાં જ જાણે બધું બદલાઈ ગયું છે. અમે એકબીજા સાથે મરવા તૈયાર હતાં અને હવે એકબીજા સાથે કેટલાં જીવીએ છીએ એ સવાલ છે. મને ધીરે ધીરે એવું લાગવા માંડ્યું કે એને હવે મારી કંઈ ખાસ પડી નથી. એની જોબ અને એનો શોખ જ એના માટે મહત્ત્વનો બની ગયો છે. એના વિચારમાં હવે હું ક્યાંય છું કે નહીં એ જ હવે તો મને સવાલ થાય છે. અલબત્ત, અમે ઝઘડતાં નથી. સારી રીતે રહીએ છીએ, પણ જે ડેપ્થ અને જે ઇન્ટિમસી પહેલાં હતી એ હવે મિસિંગ લાગે છે.

એ એના કામમાં પરોવાતી ગઈ એમ મેં પણ નક્કી કર્યું કે હું પણ હવે મારી મસ્તીમાં રહીશ. ક્યારેક એવું પણ થઈ આવે છે કે એને કંઈ ફેર નથી પડતો તો મને શું ફેર પડે છે? આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, અરે યાર! ખોટું એ નથી કરતી, ખોટું તો તું કરે છે. એ તો કદાચ અજાણતાં આવું વર્તન કરતી હશે, પણ તું તો ઇરાદાપૂર્વક આવું કરે છે. માન કે એનામાં ચેન્જ આવ્યો, પણ તું શા માટે બદલાઈ ગયો? તું જે પ્રેમ કરતો હતો એમ પ્રેમ કરતાં તને કોણ રોકે છે? કદાચ તારા વર્તન પરથી એને પણ એવું લાગ્યું હશે કે હવે તને પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી. એ તને નથી સમજતી એવું તું કહે છે, પણ તું એને પૂરેપૂરી સમજે છે ખરાે? તને એના વર્તનના જ વિચાર આવે છે, પણ તેં તારા વર્તન ઉપર ક્યારેય વિચાર કર્યો છે? ઘણી વખત આપણને કોઈની સાચી વાત પણ માઠી લાગે છે. એવું પણ થાય છે કે મારો વાંક દેખાય છે, બીજું કંઈ ધ્યાનમાં નથી આવતું. જોકે, મિત્રની વાતે તેને વિચારતો તો કરી જ દીધો હતો.

એક દિવસ ઓફિસે આવ્યા પછી તેણે પત્નીને મેસેજ કર્યો. આઈ લવ યુ. મોસમ કેટલી મસ્ત છે. બસ તું યાદ આવી ગઈ. લવ યુ. થોડી જ વારમાં તેની વાઇફનો મેસેજ આવ્યો. બિલીવ મી, મને હમણાં આવો જ વિચાર આવ્યો અને યસ, ઘણા લાંબા સમય પછી તારો મેસેજ વાંચીને મજા આવી. પ્રેમમાં હતો ત્યારે ધડાધડ મેસેજ કરતો હતો. કેટલા લાંબા સમય પછી મેસેજ કર્યાે! મને આ મુદ્દે ઘણી વાર તારી સાથે ઝઘડવાનું પણ મન થતું. જોકે, પછી મન મનાવી લેતી કે તને કામમાં ડિસ્ટર્બ નથી કરવો. જોકે, એક વાત કહું. મને બહુ ગમ્યું. આજે એવું લાગ્યું કે બધું હજુ એવું ને એવું જ છે. લીલુંછમ અને મધમધતું.

આપણે માની લઈએ કે આપણે ધારી લઈએ એવું ઘણી વાર હોતું નથી. જે હોય છે એના માટે ઘણી વખત આપણે જ કારણભૂત હોઈએ છીએ. તમને કોઈ ત્યારે જ સમજી શકે જ્યારે તમે એને સમજી શકતા હોવ. તમે જેવો પ્રેમ ઇચ્છતા હોવ એવો પ્રેમ પહેલાં કરો. કોઈ આપણી સંવેદના ઝીલે એવું આપણે સતત ઇચ્છતા હોઈએ છીએ, પણ એની સંવેદનાની આપણને દરકાર હોતી નથી. દરેક માણસ થોડોક સંવેદનશીલ તો હોય જ છે. કોઈ માણસ બિલકુલ જડ હોઈ જ ન શકે. કદાચ કોઈ એવો હોય તો એ એવો થઈ ગયો તેની પાછળ પણ કારણો હોય છે. તમને એવું લાગે છે કે તમારી વ્યક્તિ તમને નથી સમજતી? તો પહેલું કામ તમે તેને સમજવાનું કરો. તમને તમારી વ્યક્તિના ગમા-અણગમાની કેટલી ખબર છે?

એક પ્રેમી-પ્રેમિકા હતાં. બંનેમાં ઘણો તફાવત હતો. લાઇકિંગ થોડાક અલગ હતા. છોકરીને ગઝલ સાંભળવી ગમતી અને છોકરો નવી ફિલ્મનાં ગીતોને પસંદ કરતો. વેલેન્સટાઇન ડે આવ્યો. બંને વિચારતાં હતાં કે ગિફ્ટ શું આપવી. બંને એકબીજા માટે ગિફ્ટ લાવ્યાં. બંનેએ એકબીજા સામે જ ગિફ્ટ ખોલી. પ્રેમી એની પ્રેમિકા માટે ગઝલની સીડી લાવ્યો હતો અને પ્રેમિકા તેના યાર માટે લેટેસ્ટ ફિલ્મનાં ગીતોની સીડી. પ્રેમિકાએ પૂછ્યું, તને ક્યારથી ગઝલ ગમવા માંડી? પ્રેમીએ કહ્યું કે, જ્યારથી તને નવી ફિલ્મોનાં ગીતો ગમવા માંડ્યાં છે ત્યારથી?

પ્રેમ, લાગણી, સ્નેહ, દોસ્તી અને સંબંધ માટે એ જરૂરી છે તમને તમારી પસંદ, તમારા ગમા, તમારી ઇચ્છા અને તમારી ખુશી કરતાં તમારી વ્યક્તિની પસંદ, ગમા, ઇચ્છા, ખુશી અને તેના સુખની પરવા હોય. પ્રેમ મેળવવાની પહેલી શરત પ્રેમ આપવાની તૈયારી છે. એ તમારા સુધી પહોંચે એવું ઇચ્છતા હોવ તો પહેલાં તમારે એના સુધી પહોંચવું પડે છે. આપણે ઘણી વખત પ્રેમ ઇચ્છતા જ રહીએ છીએ. પ્રેમ ક્યારેય વન-વે ન ચાલે, બંને તરફ આગ એકસરખી લાગેલી હોવી જોઈએ. તમને એવું થાય છે કે કાશ એવું કોઈ હોય જે મને સમજી શકે? તો થોડુંક એવું વિચારી જુઓ કે એવું કોણ છે જેને તમે સમજી શકો છો? પ્રેમ કરો, પ્રેમ આપોઆપ મળશે.

છેલ્લો સીન:
પ્રેમ ‘માપવા’ જશો તો ક્યારેય ‘પામવા’ નહીં પામો. – કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા.14 સપ્ટેમ્બર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

14 SEPTEMBER 2016 51

Krishnkant Unadkat

Krishnkant Unadkat

7 thoughts on “કાશ એવું કોઈ હોત, જે મને સમજી શકે! : ચિંતનની પળે

  1. Best article. The way you express the things is unbelievable. I have read all your article but this is something more touchy.

  2. Dear Krishnakantjee,

    Thank you very much for providing such a beautiful articles. I always read your articles in epaper Divyabhasker as I am leaving in The Netherlands. Sometimes your articles in news papers are not readable in terms of font’s clarity but now I can reach to your articles by way of this website. Me and my wife both are fan of your articles. Once we met your wife in Baroda “Crossword”. Me and my wife both were impressed with her. Once again thank you very much for providing such a touching Gujarati Sahitya. Jivo Hajaro sal Krishnakant bhai.

  3. Dear sir,
    Sometimes you write something
    Is just a stuff which we can just feel ……….no comment sir
    You are simply the best

Leave a Reply to Raju Patel Cancel reply

%d bloggers like this: