તને કોઈ વાતથી રોમાંચ કેમ નથી થતો? – ચિંતનની પળે

તને કોઈ વાતથી રોમાંચ
કેમ નથી થતો?

47
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

હું સમજણની પાર સમજણ શોધવા મથતો રહ્યો,
ઝાંઝવાને માણવા રણ શોધવા મથતો રહ્યો,
હું કદી સમજી શક્યો ના જે પીડાના મૂળને,
એ જ પીડાનું નિવારણ શોધવા મથતો રહ્યો.
-ઉર્વીશ વસાવડા

જિંદગીનો મતલબ માત્ર જીવતા રહેવું નથી. જિંદગીનો મતલબ જિંદગીને સોળે કળાએ જીવવી એ છે. જિંદગીની સફર જન્મથી શરૂ થાય છે અને છેલ્લા શ્વાસ સુધી જિંદગી ચાલતી રહે છે. જિંદગી ધબકતી હોય છે ખરી? જિંદગી રણકતી હોય છે ખરી? આપણી લાઇફ વિશે આપણે કેટલું વિચારીએ છીએ? આપણી જિંદગી ‘ફુલ ઓફ લાઇફ’ છે ખરી? ફુલ તો શું ‘હાફ ઓફ લાઇફ’ પણ છે ખરી?

હમણાંની જ એક વાત છે. વરસાદ અચાનક આવી ચડ્યો. પલળી ન જવાય એટલે બધા સિટી બસના સ્ટેન્ડમાં ઘૂસી ગયા. વરસાદનાં ટીપાંથી બને એટલા બચવાનો બધા પ્રયાસ કરતા હતા. એક યંગ છોકરી પણ આ ટોળામાં હતી. એની આંખોમાં વરસાદની ચમક વર્તાતી હતી. અચાનક તેનો મૂડ બદલાયો. ઘડિયાળ અને મોબાઇલ પર્સમાં મૂક્યાં. પર્સ તેની ફ્રેન્ડને આપીને એ સ્ટેન્ડની બહાર નીકળી ગઈ. હાથ પહોળા કરી એ વરસાદને ફીલ કરતી હતી. એની રગરગમાં રોમાંચ હતો. ખોવાઈ જતાં બધાને આવડતું હોતું નથી. ક્યારેક માણસે પોતાનામાં પણ ભૂલું પડવું જોઈએ. એક સર્જકને એક વખત સવાલ કરવામાં આવ્યો કે તમે આટલું સરસ સર્જન કેવી રીતે કરી શકો છો? તેણે કહ્યું કે હું મારામાં જ ભૂલો પડી જાઉં છું. ભૂલો પડીને હું કંઈક શોધતો હોઉં છું. મને કંઈક મળી જાય છે. જે મળે છે એ જ મારું સર્જન છે. તમને તમારામાં ભૂલા પડતાં આવડે તો આગિયાના ઝબકારમાં પણ ચાંદનીનો પ્રકાશ દેખાય, પાણીનાં ટીપાંમાં આખો સાગર છલકાય, કૂંપળમાં પણ આખું જંગલ સર્જાય, તમે ક્યારેક તમારામાં ભૂલા તો પડો! હું મને મળવા માટે ખોવાઈ જાઉં છું. વરસાદમાં પલળતી છોકરીને જોઈને એક ભાઈ બોલ્યા કે, આને કહેવાય લાઇફ! આ શબ્દો સાંભળીને બાજુમાં ઊભેલા એક યુવાને કહ્યું, તમને કોઈ રોકે છે?

માણસ પણ હવે ‘વોટરપ્રૂફ’ થઈ ગયો છે! બાથરૂમ સિવાય પાણીનું ટીપું અડવું ન જોઈએ. વરસાદ વરસતો હતો. એક યુવાન કારમાં જતો હતો. તેના જેવડા જ બે યુવાનો વરસાદમાં નહાતા હતા. ગાડીની બ્રેક મારી એણે દૃશ્ય જોયું. દૃશ્ય જોઈને પણ એને ટાઢક થતી હતી. કેવી મસ્તીથી જીવે છે. દેખાવમાં તો ગરીબ લાગે છે. જૂનું ટી-શર્ટ, પેન્ટ અને પગમાં સ્લીપર જ છે. હું ગરીબ નથી. હું તો રૂપિયાવાળો છું. મેં મોંઘાદાટ બૂટ પહેર્યા છે. વરસાદમાં ભીંજાઉં તો બગડી જાય. મારી પાસે કીમતી મોબાઇલ છે, ઘડિયાળ પણ બહુ મોંઘી છે, આમ તો મોબાઇલ અને ઘડિયાળ વોટરપ્રૂફ છે, પણ એના ઉપર મેં ક્યારેય પાણીનું ટીપું પણ પડવા દીધું નથી! મેં પહેર્યો છે એ સૂટ પણ કંઈક સસ્તો તો નથી જ! આ બધું કાઢી બાજુની સીટ પર મૂકી હું પણ પેલા બેની જેમ ભીંજાવા જઈ શકું તેમ છું. એક વિચાર આવી જાય છે પલળીને પાછો આવીશ તો ભીના શરીરને કારણે કારની સીટ ગંદી થશે. હું કંઈ કરતો નથી. ગાડી ગિયરમાં નાખી પાછી હંકારી જાઉં છું. હું કંઈ પેલા બંને જેવો ગરીબ નથી. હું તો રૂપિયાવાળો છું. જોકે, પછી મારી અંદરથી જ એક સવાલ ઊઠે છે કે ખરેખર તું ધનિક છે? ના, તું ધનવાન નથી, તું તો ગરીબ છે, એવો ગરીબ કે તું તારામાંથી બહાર નીકળી શકતો નથી. આવા ‘ધનવાન ગરીબો’ની સંખ્યા કંઈ નાનીસૂની નથી!

તમારી વ્યક્તિમાં રોમાંચ જીવે છે? જવાબ હા હોય તો તમે નસીબદાર છો. ઘણાં પતિ-પત્ની સાથે રહેતાં હોય છે, પણ દાંપત્ય મરી ગયું હોય છે. રોમાંચ તરફડીને શ્વાસ છોડી દે છે, પછી માત્ર શ્વાસ ચાલતા હોય છે અને જિંદગી અટકી ગઈ હોય છે. પડ્યું પાનું નિભાવવું અને પડ્યું પાનું જીવવું એમાં ફરક છે. શ્વાસમાં સુગંધ નથી હોતી, પણ જિંદગી જો ખીલેલી હોય તો જીવન મહેકતું રહે છે. એક પ્રેમીયુલગ બગીચામાં બેઠું હતું. પતંગિયાની ઊડાઊડ છોકરીને રોમાંચિત કરતી હતી. પ્રેમીને કહ્યું, જો તો કેવું સરસ પતંગિયું છે, જાણે ઊડતી રંગોળી! ફૂલ ઉપર પતંગિયું બેસે ત્યારે એવું લાગે જાણે પ્રકૃતિને સુંદરતાનો સ્પર્શ થાય છે. પતંગિયું બેસે ત્યારે ફૂલ થોડુકં શરમાતું હોય એવું નથી લાગતું? ફૂલની પાંખડી થોડીક વધુ કુમાશ ધારણ નથી કરતી? પતંગિયાનો સ્પર્શ જાણે ફૂલમાં વધુ નજાકત બક્ષે છે! હું પતંગિયાને ફીલ કરું છું. ઘણી વખત મને સમજાતું નથી કે પતંગિયું મારામાં ઊતરી જાય છે કે પછી હું પતંગિયામાં હોઉં છું? પ્રેમીએ કહ્યું કે, એમાં વળી નવું શું છે? આ પતંગિયાં તો રોજ આમ જ ઊડતાં હોય છે! પ્રેમીકાએ કહ્યું, તને કેમ કોઈ વાતથી રોમાંચ થતો નથી? તને કેમ કંઈ સ્પર્શતું નથી? તારી સંવેદનાઓ કેમ સાવ સૂકી છે? હા, મને રોમાંચ થાય છે. દરરોજ થાય છે. પતંગિયાને જેટલી વાર જોઉં ત્યારે હું તેને ફીલ કરું છું. માત્ર પતંગિયાથી જ નહીં, મને કોયલના ટહુકાથી પણ રોમાંચ થાય છે. તળાવના પાણીમાં બતકને તરતું જોઉં ત્યારે હળવાશ થાય છે, હરણને છલાંગ મારતું જોઉં ત્યારે મારામાં તરવરાટ થાય છે, રાતે એવું થાય છે કે દિવસની પાંખડીઓ બંધ થઈ ગઈ છે, સૂરજમુખીને જોઉં છું ત્યારે એવો પણ વિચાર આવી જાય છે કે સૂરજ ઊગે એટલે સૂરજમુખી ખીલે છે કે પછી સૂરજમુખી ખીલે છે એટલે સૂરજ ઊગે છે? મેઘધનુષમાં મને સૂરજના સાત ઘોડા દેખાય છે. મારી અંદર બધું જીવે છે. તને આવતો જોઉં ત્યારે પણ હું ખીલી જાઉં છું. તારી આંખોમાં જોતી હોઉં ત્યારે હું તેમાં દેખાતી હોઉં છું. મને થાય છે જાણે હું આખેઆખી તારામાં સમાઈ જાઉં છું. તું ક્યાં હોય છે? જિંદગી ‘ફીલ’ કરવા માટે છે, ‘કીલ’ કરવા માટે નહીં. રોમાંચ તો અંદર હોય છે, બહાર તો માત્ર દૃશ્યો હોય છે. તું એ દૃશ્યોને જીવી શકે તો જ રોમાંચિત થઈ શકે. રોમાંચ ખતમ થઈ જાય તો જિંદગીમાં રહે શું? તું કશાયમાં કેમ ખોવાઈ શકતો નથી? ક્યારેક એવું પણ થાય છે કે તું મારામાં ખોવાઈ જાય, તું તો તારામાં પણ ખોવાઈ શકતો નથી તો પછી મારામાં તો કેવી રીતે ખોવાઈ શકે? જે પોતાનામાં ખોવાઈ ન શકે એ કશામાં પણ ખોવાઈ શકતો નથી.

જિંદગીને જીવવા જેવી રાખવી હોય તો રોમાંચને ઓસરવા ન દો. શાયર ગુલઝારને ક્યા ખૂબ કહા હૈ. એ ઉમ્ર, કુછ કહા મૈંને, પર શાયદ તૂને સુના નહીં, તૂ છીન સકતી હૈ બચપન મેરા પર બચપના નહીં! આપણે ઉંમરની સાથે બુઢ્ઢા થઈ જઈએ છીએ. એક યુવાનની વાત છે. એ પહેલી વખત પ્લેનમાં બેઠો હતો. એની રગેરગમાં રોમાંચ હતો. પ્લેન ઊડ્યું પછી એ સતત બારીમાંથી જોતો હતો. મકાન નાનાં નાનાં થઈ ગયાં અને પછી અલોપ થઈ ગયાં. વાદળો વચ્ચે પ્લેન આવી ગયું. એ જાણે રૂના પહાડોની વચ્ચે હોય એવું ફીલ કરતો હતો. તેણે ફરીથી પ્લેનની અંદર જોયું. તેની બાજુમાં જે માણસ બેઠો હતો તેનું મોઢું તરડાયેલું હતું. યુવાને તેને પૂછ્યું કે, તમને કોઈ રોમાંચ નથી થતો? પેલા માણસે કહ્યું, હું કંઈ પહેલી વખત વિમાનમાં નથી બેઠો. મને તો કંટાળો આવે છે કંટાળો! યુવાને કહ્યું કે પચાસમી કે સો વારમી વખત બેઠો હોત તો પણ મને તો કદાચ આવો જ રોમાંચ થાત. હું ટ્રેનમાં તો ઘણી વખત બેઠો છું, પણ હજુયે મને એવો જ રોમાંચ થાય છે. રોમાંચને મારી નાખવો કે જિવાડવો એ આપણા હાથની વાત છે. આપણે મોટા થઈએ છીએ પછી પણ રોદણાં રડવાનું, ફરિયાદો કરવાનું અને રડવાનું ભૂલતાં નથી તો પછી હસવાનું અને રોમાંચિત થવાનું શા માટે ભૂલી જઈએ છીએ?

એ માણસની ફીલિંગ્સ જ સાબૂત રહે છે, જે દરેક વાત, દરેક વસ્તુ અને દરેક ઘટનાને ફીલ કરી શકે છે. જિંદગી અદ્્ભુત છે, જો અનુભવો તો. ક્ષણો સુંદર બની જાય છે, જો સંવેદના જીવતી હોય તો! રૂંવાડાંને પણ ફરકવાનું મન થતું હોય છે, આંખોને પણ ચમકવાની ખેવના જાગતી હોય છે. શ્વાસને પણ ધડકવાની ઇચ્છા થતી હોય છે, આ બધા માટે એટલું જ જરૂરી છે કે આપણે ‘જીવતા’ હોવા જોઈએ, બાકી શ્વાસ તો બધાના ચાલતા હોય છે!

છેલ્લો સીન:
જીવનને સુંદર રીતે જીવતા આવડતું હોય એ જ ખરો જ્ઞાની, ડાહ્યો, સમજુ અને સારો માણસ છે. – કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા.17 ઓગસ્ટ, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

[email protected]

17 AUGUST 2016 47

Leave a Reply