હા, દોસ્તી નથી તો દુશ્મની પણ ક્યાં છે? : ચિંતનની પળે

હા, દોસ્તી નથી તો
દુશ્મની પણ ક્યાં છે?

40

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

બદલા ન અપને આપકો, જો થે વહી રહે, મિલતે રહે સભી સે, મગર અજનબી રહે,
ગુજરો જો બાગ સે તો દુઆ માંગતે ચલો, જિસમેં ખીલે હૈં ફૂલ, વો ડાલી હરી રહે.
-નિદા ફાઝલી.

માણસ સંબંધ વગર જીવી શકતો નથી. સમાજ એ સંબંધોનો જ સમૂહ છે. સંબંધ ‘સ્કેલ’થી મપાતા નથી. સંબંધ સ્નેહથી સચવાતા હોય છે. તમારા સંબંધોનું વર્તુળ કેવડું છે? કેટલાક સંબંધો અત્યંત અંગત હોય છે. અમુક સંબંધો કામ પૂરતા મર્યાદિત હોય છે. થોડાક સંબંધો સ્વાર્થ પૂરતા પણ હોય છે. કેટલાક સંબંધો બસ હોય છે. દરેક સંબંધને નામ હોય જ એવું જરૂરી નથી. કેટલાક સંબંધો ‘બેનામી’ કે ‘અનામી’ હોય છે. એ સંબંધો થોડોક સમય પૂરતા જ હોય છે, પણ હોય છે ત્યારે સજીવન હોય છે. કરિયાણાની દુકાનના વેપારી સાથેના સંબંધને તમે શું નામ આપશો? વાળ કાપી આપતા હેર ડ્રેસર સાથેના સંબંધનું કોઈ નામ હોય છે ખરું? ઉપરથી નીચે અને નીચેથી ઉપર લઈ જતો લિફ્ટમેન, આવતી અને જતી વખતે ગેટ ખોલીને સલામ ઠોકતો વોચમેન, દૂધવાળા, શાકવાળા કે અખબારવાળા વ્યક્તિ સાથેનો સંબંધ ભલે થોડીક ક્ષણોનો હોય, પણ એ હોય છે. આપણે ક્યારેય એ સંબંધને માર્ક કરીએ છીએ? એ સંબંધને જીવીએ છીએ?

આપણા ઘરે કામ કરવા આવતી બાઈ, ભાઈ, રામો કે ઘરઘાટી એક દિવસ ન આવે તો તરત જ એની ગેરહાજરી વર્તાય છે, પણ એ હોય ત્યારે આપણે એની હાજરીની નોંધ લઈએ છીએ ખરા? નાના નાના સંબંધો જીવવા અઘરા હોતા નથી, એ વાત જુદી છે કે આપણે એવું કરતાં નથી. કોઈની સાથે થોડુંક હસી દઈએ, કોઈના ખબર પૂછી લઈએ કે કોઈને શાબાશી આપી દઈએ તો શું ફેર પડી જવાનો છે? આપણા નાનકડા વર્તનથી સામેની વ્યક્તિને કેટલો બધો ફરક પડતો હોય છે, તેનો આપણને અંદાજ નથી હોતો.

એક લક્ઝરી બસમાં એક નાનકડી બેબી તેનાં માતા-પિતા સાથે ટ્રાવેલ કરતી હતી. જ્યાં પહોંચવાનું હતું એ શહેર આવી ગયું એટલે ત્રણેય બસમાંથી ઊતર્યાં. બાળકી થોડી દૂર બસના ડ્રાઇવર પાસે ગઈ. ડ્રાઇવરને કહ્યું કે, ‘અંકલ’ તમે બહુ જ સરસ રીતે બસ ચલાવી. મને તો ખબર જ ન પડી કે ક્યારે અમે પહોંચી ગયા. ડ્રાઇવરની આંખો ભીની થઈ ગઈ. તેણે પોતાના થેલામાંથી ચોકલેટ કાઢીને એ બેબીને આપી. એ ચોકલેટ તેણે પોતાની દીકરી માટે ખરીદી હતી. તેણે કહ્યું, થેંક્યૂ દીકરા, બસ ચલાવવામાં ક્યારેક કોઈ ભૂલ થઈ ગઈ હોય ત્યારે અનેક લોકોએ મને ખખડાવ્યો છે, પણ તારી જેમ ક્યારેય કોઈએ કહ્યું નથી કે તમે બસ સરસ રીતે હંકારી.

દરરોજ આપણે કેટલા લોકોની નજીકથી પસાર થતાં હોઈએ છીએ? એમાંથી આપણે કેટલાં લોકોનાં દિલ પર કોઈ છાપ છોડી જઈએ છીએ? સ્માઇલિંગ ફેસ એ સજીવન હોવાનો ઉત્કૃષ્ટ પુરાવો છે. સાંત્વનાભર્યા શબ્દો એ સંવેદનાની શ્રેષ્ઠ નિશાની છે. આપણે કોઈને તાકાત, હિંમત અને હૂંફ આપી શકવા સમર્થ છીએ. એ વાત જુદી છે કે આપણે આપણી આ શક્તિઓથી જ અપરિચિત હોઈએ છીએ. મોઢું ચડાવીને ફરવાથી કે ચહેરા પર મણ મણનો ભાર લઈને જીવવાનો કોઈ અર્થ હોતો નથી. આપણે બસ આપણી શક્તિઓને સાત્ત્વિક રાખવાની હોય છે.

એક શેઠ હતા. કંઈક સારું થાય ત્યારે એ દાન કરતા. બાળકોને ખુશ કરવાનું તેમને ગમતું. ઘણી વખત આપણે સારું કરતા હોતા નથી, પણ સારું કર્યું એવું મન મનાવતા હોઈએ છીએ. એ શેઠ પોતે કંઈ ન કરતા, પણ તેમના કર્મચારીને રૂપિયા આપીને કહેતા કે જાવ ગરીબ બાળકોને નવાં કપડાં લઈ આપો. એક વખત તેણે એવું કામ તેના એક કર્મચારીને સોંપ્યું.એ કર્મચારી એક ગરીબ પતિ-પત્ની અને તેના બાળકને લઈ મોલમાં કપડાં લેવા ગયો. બાળક સાથે કપડાં ખરીદવાનો રોમાંચ તેના ચહેરા પર હતો. બાળકની એક એક ખુશી એ ફીલ કરતો હતો.

ખરીદી પતી ગઈ અને જુદાં પડતાં હતાં ત્યારે બાળકનાં માતા-પિતાએ કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. આ વાત સાંભળીને પેલા કર્મચારીએ કહ્યું, હું તો માત્ર કપડાં અપાવવા આવ્યો છું. રૂપિયા તો શેઠે આપ્યા છે. બાળકની માતાએ કહ્યું, રૂપિયા ભલે શેઠે આપ્યા હોય, પણ રોમાંચ તો તમારો હતોને? નાણાં શેઠનાં હતાં, પણ નજાકત તો તમારી હતીને? ઘણી વખત આપણે નિમિત્ત હોઈએ છીએ, પણ એમાં જો ચિત્ત હોય તો અવસર તમારો થઈ જતો હોય છે. મારા દીકરાને તો તમારો ચહેરો જ યાદ રહી જવાનો છે. શેઠના રૂપિયા નહીં!

તમે કોઈને પણ મળો ત્યારે ખુલ્લા દિલે મળો છો? એક યુવાન બધા સાથે બહુ જ સારી રીતે રહેતો હતો. તેના મિત્રએ એક વખત તેને કહ્યું કે, તું તો બધાને એવી રીતે મળે છે, જાણે તારી એની સાથે દોસ્તી ન હોય! આ વાત સાંભળી યુવાને કહ્યું કે, હા, દોસ્તી કદાચ નથી, પણ દુશ્મનીય ક્યાં છે? મને એટલી ખબર છે કે હું જેને મળું છું એ માણસ છે. મારા જેવો જ માણસ. માણસ માણસ હોય છે અને માણસ સાથે માણસની જેમ વર્તવું એ જ માણસાઈ છે. દોસ્તી કે દુશ્મની સિવાયના સંબંધો પણ હોય છે. આપણને ખબર નથી હોતી. ટ્રેનમાં કે બસમાં અપડાઉન કરતી વખતે કેટલા બધા ચહેરાઓ દરરોજ આપણી સામે આવતા હોય છે?

એક યુવાન હતો. નોકરી માટે તે પોતાના શહેરથી બીજા શહેરમાં જવા માટે ટ્રેનમાં અપડાઉન કરતો. તેની સાથે ઘણા યંગસ્ટર્સ અપડાઉન કરતા હતા. થોડાક સાથે તેને દોસ્તી થઈ ગઈ. ટ્રેનની સફર પૂરતો જ આ સંબંધ હતો. સ્ટેશન આવે અને બધા છૂટા પડી જતા. ધીમે ધીમે એ યુવાનને પ્રમોશન મળતાં ગયાં. હવે એ ખૂબ આગળ વધી ગયો હતો. એક સમય એવો આવ્યો કે એ પ્લેનમાં અપડાઉન કરવા લાગ્યો. એક સમયે ટ્રેનમાં અપડાઉન કરનારો સફરનો સંગાથી તેને મળી ગયો. અપડાઉનની મજા વિશે વાતો થઈ. છૂટા પડતી વખતે યુવાને કહ્યું કે, હવે પ્લેનમાં અપડાઉન કરું છું. બીજા પણ એવા લોકો છે જે પ્લેનમાં અપડાઉન કરે છે, પણ એની સાથે તમારા જેવી દોસ્તી નથી. કદાચ એ ‘મોટા’ માણસો છે! પોતાને મોટા માનનારા ઘણી વખત બહુ નાના હોય છે.

સંબંધ સદીનો હોય કે ક્ષણોનો, એ સજીવન અને સશક્ત હોવો જોઈએ. કોઈનું દિલ જીતવા માટે થોડાક શબ્દો અને થોડાક સ્માઇલની જ જરૂર હોય છે. હોદ્દા, સ્થાન કે મોભાનું વજન ઘણી વખત આપણને ભારે બનાવી દેતું હોય છે. સંબંધોની કોઈ બાઉન્ડ્રી હોતી નથી. સંબંધોનું વર્તુળ તો જેટલું વિસ્તારવું હોય એટલું વિસ્તરી શકે. એના માટે કોઈ વિશેષ પ્રયાસની જરૂર હોતી નથી. આપણે બસ જ્યાં હાજર હોઈએ ત્યાં આપણી હાજરી હોવી જોઈએ. આપણે હાજર હોઈએ છીએ, પણ મોજૂદ હોતા નથી. આપણી ગેરહાજરી હોય છે. ઘણી વખત આપણી ગેરહાજરીથી પણ કોઈને ફેર પડતો હોતો નથી. હા, આપણી હાજરીથી ચોક્કસ ફેર પડતો હોય છે. જિંદગી જીવવાની મજા આવે એટલી હળવાશ પણ જરૂરી છે. હળવાશને ઘણી વખત આપણે જ સમેટીને કોઈ છાના ખૂણે સંઘરી રાખી હોય છે. જેને પણ મળો, જેટલા સમય માટે મળો અને જ્યાં પણ મળો એને દિલથી મળો, તમને પોતાને જ એવું ફીલ થશે કે હળવાશમાં જ જિંદગીની મીઠાશ છે. {

છેલ્લો સીન:
આપણું હાસ્ય આપણી હયાતીની નિશાની છે. આખી જિંદગી ‘હયાત’ રહેવાનું બહુ ઓછાને આવડતું હોય છે. -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 29 જુન, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

[email protected]

29 JUNE 2016 40

Krishnkant Unadkat

Krishnkant Unadkat

6 thoughts on “હા, દોસ્તી નથી તો દુશ્મની પણ ક્યાં છે? : ચિંતનની પળે

  1. સરસ સ્ટોરીઓ હોય છે, સર જીવનમાં કઇક સીખવી જાય છે. ક્યારેક તો પોતાના જ સાથે આવુ બન્યુ હોય એના જવાબો મળી જાય છે.

  2. ઘણીજ સરસ વાત છે પણ અમલ નથી થતો સાહેબ

  3. સર, હું તમારા દરેક લેખ વાંચું છૂં.મને એમાંથી ઘણું શિખવા મળ્યું છે.
    મિત્રતા ઉપર ની કોલમ બઉ ગમે છે.

Leave a Reply to રહીમ ઘાંચી Cancel reply

%d bloggers like this: