તું તારી ભૂલને હવે ભૂલી જા તો સારું!
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ, ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું
જોઈએ,
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં, જેમ પડતાં જાય એમ રમવું જોઈએ.
-ઉમર ખય્યામ (અનુવાદ ‘શૂન્ય’ પાલનપુરી)

દુનિયામાં એક એવો માણસ બતાવો જેણે
ક્યારેય ભૂલ ન કરી હોય. ભૂલ તો ભગવાને પણ કરી છે. ભૂલ થવી સ્વાભાવિક છે. ભૂલ એનાથી જ થતી હોય છે જે કંઈક કામ કરે છે. આપણે સો નિર્ણયો લઈએ તેમાં બે-ચાર ખોટા પણ પડે. અમુક કામોમાં ભૂલ પણ થાય. હા, એ વાત સો ટકા સાચી છે કે ભૂલોને ગંભીરતાથી
લેવી જોઈએ. ભૂલ વિશે એ પણ સમજવું જોઈએ કે ભૂલને કેટલી ગંભીરતાથી
લેવી. ભૂલને વાગોળ્યા રાખવાથી ભૂલ સુધરી જવાની નથી. અફસોસ કરવાની પણ એક હદ હોય છે. અફસોસ જ કર્યા રાખીએ તો અટકી જઈએ. ભૂલમાંથી શીખવાનું એટલું જ હોય છે કે એ ભૂલ ફરીથી ન
થાય. એક વખત ઉંબરા પર ઠેસ આવે પછી બીજી વખત આપણને એ ખબર હોવી
જોઈએ કે અહીં ધ્યાન રાખવાનું છે.
ભૂલ નાની હોય કે મોટી ભૂલ એ ભૂલ હોય
છે. ભૂલ વિશે એમ પણ કહેવાય છે કે જે નાની ભૂલોને ગંભીરતાથી
નથી લેતો એ મોટી ભૂલ કરી બેસે છે. ભૂલ જેવું કંઈ થાય ત્યારે આપણને રેડ
સિગ્નલ્સ મળતાં જ હોય છે. એક અણસાર આવી જતો હોય છે કે અહીં જોખમ
છે. જિંદગીના માર્ગ પર તકેદારી રાખવાનાં સાઇનબોર્ડ હોતાં
નથી. આગળ ખતરો છે એવું કોઈ કહેતું નથી. આપણે આગળના રસ્તાનો વિચાર કરી જોખમનું સ્થળ અને ખતરાનો
અંદાજ મેળવવાનો હોય છે. આપણે ગમે એટલી તકેદારી રાખીએ તો પણ
ક્યારેક તો ભૂલ થવાની જ છે. દરેક ભૂલ એટલી ગંભીર નથી હોતી કે તેનાથી
કોઈ મોટું નુકસાન થાય. ભૂલને એની કક્ષા મુજબ અને એના પૂરતી
જ ગંભીરતાથી લેવી જોઈએ.
ઘણાં લોકો ભૂલ સહન નથી કરી શકતા. મારાથી આવી ભૂલ થાય જ કેમ? હું આટલો બેદરકાર કેવી રીતે હોઈ શકું? આ સવાલના જવાબમાં એક મિત્રએ એવું કહ્યું કે, તારાથી ભૂલ એટલે થઈ છે કારણ કે તું માણસ છે. દરેક વખતે ભૂલ માટે આપણે જ જવાબદાર હોઈએ એવું જરૂરી નથી. આપણે ઘણી વખત બીજાની ભૂલનો ભોગ પણ બનવું પડે છે. અેક બાપ-દીકરાની વાત છે. રોજ સવારે બંને કારમાં સાથે પોતાની
ઓફિસે જાય. દીકરો કાર ડ્રાઇવ કરે. એક દિવસની વાત છે. કાર સ્પીડમાં હતી. અચાનક સ્પીડબ્રેકર આવ્યું. ગાડી ઊછળી. થોડી વારમાં કંટ્રોલ પણ થઈ ગઈ. આ ઘટના પછી પિતાએ કહ્યું કે, તું ડ્રાઇવિંગમાં ધ્યાન જ નથી રાખતો. ભૂલો જ કરે છે. દીકરાએ કહ્યું, હા ભૂલ થઈ. ગાડી ઊછળી. બધું સાચું, પણ રાતોરાત સ્પીડબ્રેકર બની જાય, તેના ઉપર પટ્ટા ન હોય કે સાઇનબોર્ડ પણ ન હોય તો હું
શું કરું? કાલે આ રસ્તે આવતી વખતે ગાડી ઊછળે તો મને કહેજો. દીકરાની વાત સાંભળીને પિતાએ કહ્યું કે, હા તારો વાંક ન હતો. છતાં ભૂલ તો તારી જ હતીને? આપણે સાવચેતી રાખવી જોઈએ. આ તો નાની ભૂલ છે. જિંદગીની દરેક ભૂલ માટે આપણે બીજા કોઈને જવાબદાર ન ઠેરવી શકીએ.
કઈ ભૂલ માણસને સૌથી અઘરી અને આકરી
લાગે છે? કામમાં ભૂલ થાય કે આર્થિક નુકસાન થાય તેવી ભૂલ માણસ
હજુ પણ ભૂલી શકે છે. માણસ સાથે થયેલી ભૂલ આપણને શાંતિ લેવા
દેતા નથી. અમુક ગિલ્ટ આપણને પજવતું રહે છે. માણસ પોતાને ગુનેગાર સમજવા માંડે છે. એક પ્રેમીની વાત છે. એક છોકરી સાથે તેને પ્રેમ હતો. સાથે જીવવા-મરવાના કોલ આપ્યા હતા. એ પછી ઘરમાં કેટલીક ઘટનાઓ એવી બની કે તે પ્રેમિકા સાથે
લગ્ન કરી શક્યો નહીં. તેણે બીજી છોકરી સાથે લગ્ન કરવાં પડ્યાં. મેં પ્રેમિકા સાથે ચિટ કર્યું છે. મેં દગો કર્યો. મેં દિલ દુભાવ્યું. મેં મારું વચન તોડ્યું. આવું ઘણી વાર બનતું હોય છે. આપણે ઇચ્છતા હોઈએ કંઈક અને થઈ જાય કંઈક. દરેક વખતે આપણો ઇરાદો ખરાબ નથી હોતો. સમય અને સંજોગ એવો તકાજો લઈને સામે આવી જાય છે કે આપણે ઇચ્છતા હોય એવું ન થાય
કે ન કરી શકીએ.
આ વાત તેની જૂની પ્રેમિકાને ખબર પડી. તેણે પોતાના પ્રેમીને મળવા બોલાવ્યો. પ્રેમીએ કહ્યું કે, મને તો સોરી કહેતાં પણ શરમ આવે છે. મને ખબર છે કે હું તારી પાસે માફી માગીશ એટલે તું મને માફ પણ કરી દઈશ. સવાલ તારી માફીનો નથી, સવાલ તો એ છે કે હું જ મારી જાતને માફ કરી શકતો નથી. મને એટલું કહે કે હું મને કેવી રીતે માફ કરું? પ્રેમિકાએ કહ્યું, મેં તો તને માફ કરી દીધો છે, હવે તું પણ તારી જાતને માફ કરી દે. તારી સાથે હવે બીજી વ્યક્તિ છે, એને પ્રેમ કર. અઘરું છે પણ અશક્ય નથી. બીજી વાત એ કે તારા ગિલ્ટની સજા તું
તારી પત્નીને શા માટે આપે છે? આપણે ઘણી વખત આપણી જાતને જ નહીં સાથોસાથ
આપણી સાથે જોડાયેલી વ્યક્તિઓને પણ કોઈ વગર ગુનો કર્યે સજા આપતા હોઈએ છીએ! તારામાં જીવ પરોવ અને તારી જિંદગી જીવ. કારણ કે તારી જિંદગી સાથે હવે બીજી વ્યક્તિ પણ જોડાયેલી
છે. રસ્તા ફંટાય પછી વારંવાર પાછળ વળીને જોવું પણ વાજબી
હોતું નથી.
દરેક ભૂલ સુધરી શકતી નથી. અમુક ભૂલો ભોગવવી પડતી હોય છે. દિલની ભૂલો પર કોઈ કલમ લાગતી નથી. કોઈ કાયદા હેઠળ કેસ ચાલતો નથી છતાં પણ ઘણી વખત આપણે
સજા ભોગવતા હોઈએ એવું લાગતું હોય છે. આપણે જ આપણામાં કેદ થઈ જઈએ છીએ. આપણે જ આપણાથી માનસિક મુક્તિ ઇચ્છીએ છીએ. દરેક ભૂલની સજા હોય છે. દરેક સજા પૂરી પણ થતી હોય છે. સજા પછી ઘણી વખત આપણે જ આપણી જાતને નિર્દોષ પુરવાર કરવા
પડતા હોય છે.
અમુક ભૂલો સુધારવાનો એક જ રસ્તો હોય
છે. આ રસ્તો છે માફી માગી લેવાનો. મારાથી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દે. માફી માગી લીધા પછી પણ જો કોઈ માફ
ન કરે તો એ એનો પ્રોબ્લેમ છે. ભૂલ થાય ત્યારે આપણું કામ માફી માગી
લેવાનું છે. હા, માફી માગવા ખાતર માગવાની નથી, માફી દિલથી માગવાની હોય છે. આપણે ઘણી વખત વાત પૂરી કરવા માટે અથવા તો કંટાળીને કહેતા હોઈએ છીએ કે, ભાઈસા’બ મારી ભૂલ થઈ ગઈ. હવે મને માફ કરી દો! આપણે માફી પણ હવે ફોર્માલિટી ખાતર માગવા લાગ્યા છીએ. માફી માગ્યા પછી અને માફી આપ્યા પછી એને ભૂલી જવાનું
જિગર હોવું જોઈએ.
આપણો એક પ્રોબ્લેમ એ પણ હોય છે કે
આપણને ખબર હોય કે ભૂલ થઈ ગઈ છે તો પણ આપણે ભૂલ સ્વીકારતા નથી. ભૂલથી બચવા આપણે બહાનાં કાઢીએ છીએ. મારો વાંક નથી, મારો ઇરાદો આવો ન હતો, મેં તો આ કારણે આવું કહ્યું હતું. ભૂલ છતી ન થઈ જાય એ માટે ઘણી વખત આપણે ખોટું પણ બોલી
દેતા હોઈએ છીએ. ભૂલ સ્વીકારવામાં પણ ખેલદિલી અને હળવાશ જોઈએ. ભૂલ ન સ્વીકારીને આપણે ઘણી વખત બીજી ભૂલ કરતા હોઈએ છીએ. આપણે જ ઘણી વખત કહેતા હોઈએ છીએ કે એણે ભૂલ કરી એની સામે
મને કોઈ વાંધો નથી, એ ભૂલ નથી સ્વીકારતો એની સામે પ્રોબ્લેમ
છે.
ભૂલને એટલું જ ઇમ્પોર્ટન્સ આપો કે
આપણે તેને સમજી શકીએ, સ્વીકારી શકીએ, તેમાંથી શીખી શકીએ અને એને ભૂલીને આગળ વધીએ. ભૂલને વળગી ન રહો, નહીં તો તમે જ એનાથી મુક્ત નહીં થાવ. આપણે મુક્ત હોતા નથી એટલે ઘણો ભૂતકાળ આપણને ચોંટેલો રહે છે. ભૂલને ન ભૂલીને આપણે ઘણી વખત એને જીવતી રાખતા હોઈએ છીએ. ભૂલમાંથી થોડુંક શીખે અેને ‘મોક્ષ’ આપી દેવાનો હોય છે. ભૂલોને પંપાળો નહીં, ભૂલોને ખંખેરી નાખો. અમુક ભાર એટલા માટે હટાવવા પડતા હોય છે, કારણ કે જો એ ન હટાવીએ તો આપણે જ એની નીચે દબાઈ જઈએ
છીએ.
છેલ્લો સીન:
જિંદગીને સહજ અને સરળ રાખવા માટે ઘણું
બધું ભૂલવું પડતું હોય છે, ભૂલોને પણ! -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 16 માર્ચ 2016, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)



Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: