હું સાચું બોલીશ તો 
તને ખોટું લાગી
જશે
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
જે હતા સાથે, હજી સાથે જ છે, તોય એકલવાયું તો લાગે જ છે,
જોઉં છું નારાજ થઈ જ્યારે ઉપર, એ શરમ બે આંખની રાખે જ છે,
ધ્યાન દઈને સાંભળો ભૂતકાળને, એક જણ તમને બૂમો પાડે જ છે,
હાલ મારા એને કહેતો હોઉં છું, જે બધું મારા વિશે જાણે જ છે!
– ભાવેશ ભટ્ટ ‘મન’
સંબંધો અને શ્વાસ ક્યારેય એકસરખા ચાલતા
જ નથી. કાર્ડિયોગ્રામ મશીનમાં ધ્રૂજતી રેખાની જેમ શ્વાસ અને
સંબંધો ઉપરથી નીચે અને નીચેથી ઉપર ઝૂલતા જ રહે છે. સંબંધો ઘણી વાર સવાલો ખડા કરે છે. રિલેશનમાં પણ બધાને રિફ્લેક્શન જોઈએ છે, એ ન જોવા મળે તો રિલેશનમાં પણ રિજેક્શન આવે છે. હામાં હા પુરાવે એ સંબંધી, હામાં ના પુરાવે એ પ્રતિદ્વંદ્વી, એવી વ્યાખ્યા કરનારાઓ સંબંધોમાં પણ ફાયદો અને ગેરફાયદો
જોતા રહે છે. સંબંધોનું સત્ત્વ એ હોવું જોઈએ કે બંને વચ્ચેનો સ્નેહ
સાત્ત્વિક હોય. સાચું કહી શકાતું હોય અને સાચું સહી શકાતું હોય. સહન ન થાય ત્યાં સાચું કહેવાતું નથી. સત્ય વજનદાર હોય છે, એને ખળવું….
પડતું હોય છે. સત્ય તીક્ષ્ણ હોય છે એને ઝીલવું પડતું હોય છે. સત્ય ઉઝરડો પાડે પણ એમાં ઇરાદો હકીકતનો અહેસાસ કરાવવાનો
હોય છે. જૂઠ જ્યારે આપણી તરફ આવે ત્યારે એ શરીર પર પીંછું ફરતું
હોય એવું મીઠું લાગે છે, પણ હકીકત જ્યારે સામે આવે ત્યારે એ
જોખમી હોય છે. મોઢામોઢ અને સાચેસાચું કહેનારાઓની સંખ્યા ઘટતી જાય છે, કારણ કે બધાને સંબંધોમાંથી કંઈક મેળવવું છે. સંબંધને પણ દાવ પર લગાડીને સાચું કહેનારા ખરા બપોરના
અજવાળામાં પણ શોધ્યા જડતા નથી. લોકોને હવે સાચું નહીં, પણ સારું કહેનારા જ સાચા સંબંધીઓ લાગે છે!
કેવું છે, આપણે સાચા હોવાનું કન્વિન્સ કરવા માટે સમ ખાવા પડે છે. આપણે મા-બાપથી માંડી ભગવાન સુધીના સમ ખાઈ લેતાં હોઈએ છીએ. શ્રદ્ધાનો અભાવ હોય ત્યારે સમ ખાવા પડતા હોય છે. મારા માથે હાથ મૂકીને કહે કે તું સાચું બોલે છે. આપણને સત્ય ઉપર સૌથી વધુ શંકા જતી હોય છે. અદાલતમાં ગીતા ઉપર હાથ મૂક્યા પછી કેટલા લોકો સાચું બોલતા હોય છે? ખોટું બોલતી વખતે આપણે આપણી જાતને છેતરતા હોઈએ છીએ. બીજાને છેતરવામાં જેને કોઈ ફેર પડતો નથી એને પોતાની
જાતને છેતરતાં પણ શરમ આવતી હોતી નથી.
કોઈને ખોટું લાગી જાય એ માટે ઘણી વખત
આપણે સાચું બોલતા નથી. ખોટું છાતી ઠોકીને બોલી શકાય છે. સાચું બોલવા માટે ભૂમિકા બાંધવી પડે છે. પ્લીઝ, તું ખોટું ન લગાડતો પણ સાચી વાત આ છે. એવા આપણે ખુલાસા કરવા પડતા હોય છે. એક વખત એક મિત્રએ તેના બીજી વ્યક્તિ સાથેના સંબંધો વિશે તેના મિત્રને પૂછ્યું. એ મિત્રએ કહ્યું કે, બેટર એ છે કે તું મને પૂછ નહીં,  કારણ કે હું જો સાચું બોલીશ તો તને
ખોટું લાગી જશે. આમ તો આટલી વાત કર્યા પછી પૂછનારો તેનો જવાબ મળી ગયો
હોય છે છતાં પણ એ સ્પષ્ટતા માગે છે. ના ના, તું મને તારા મનની વાત કરી દે, મને ખોટું નહીં લાગે.
આપણને જ્યારે કોઈનું ખોટું લાગે છે
ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે એ માણસ સાચું તો બોલ્યો. એ મારી પાસે ખોટું પણ બોલી શક્યો હોત. બે બહેનપણીની વાત છે. એક બોયફ્રેન્ડ વિશે તેણે પોતાની બહેનપણીને
પૂછ્યું. એ માણસ કેવો છે? બીજી બહેનપણીએ તેને જે ખબર હતી એ વાત સાવ સાચેસાચી કહી દીધી. બીજી બહેનપણી નારાજ થઈ ગઈ. સાચું બોલનારી બહેનપણીને તેની બીજી બહેનપણીએ કહ્યું કે તારે સાચું બોલવાની શું
જરૂર હતી? આવી મોટી હરિશચંદ્રની દીકરી! હવે તારા એની સાથેના સંબંધો બગડી જશે. આ વાત સાંભળીને બહેનપણીએ કહ્યું કે, સંબંધ બગડવા હોય તો ભલે બગડે, જે વ્યક્તિ આપણી સાચી વાત સ્વીકારી કે સમજી ન શકે એવા
સંબંધ શું કામના? દોસ્તીનો  મતલબ એ પણ હોય છે કે આપણે સાચી વાત
ખુલ્લા દિલે કહી શકીએ. જૂઠના આધારે ટકતી દોસ્તીમાં દંભ હોય
છે અને મને એવો દંભ મંજૂર નથી.
હમણાં એક જોક વાંચવા મળ્યો. એક ફ્રેન્ડે તેના બીજા ફ્રેન્ડને પૂછ્યું, તને ખબર છે રાજા હરિશ્ચ્રંદ્રનું સત કેમ ટક્યું? કેમ એણે ક્યારેય ખોટું બોલવું ન પડ્યું? કારણ કે એની પત્નીએ તેને ક્યારેય પૂછ્યું ન હતું કે
હું કેવી લાગું છું! તમારી પત્ની કે બીજું કોઈ તમને પૂછે
કે કેવી કે કેવો લાગું છું ત્યારે તમે ખરેખર સાચો જવાબ આપો છો? તમે ક્યારેય કોઈને એવું કહ્યું છે કે સાવ ભંગાર લાગે
છે! શોપિંગમાં ગયા હોઈએ, કોઈ ચેન્જરૂમમાંથી આવીને પૂછે કે આ ડ્રેસ કેવો લાગે છે ત્યારે આપણે સાચો જવાબ
જ આપતા હોઈએ છીએ? એક પતિ-પત્નીની વાત છે. પત્ની શોપિંગ વખતે ડ્રેસ ચેન્જ કરીને
આવે ત્યારે પતિને પૂછે કે કેવો લાગે છે? પતિ ઓલવેઝ એવો જ જવાબ આપે કે ફાઇન લાગે છે. પતિનું આવું વર્તન જોઈને તેના મિત્રએ પૂછ્યું કે તું આવું કેમ કહે છે?  પતિએ કહ્યું કે અંતે એ પોતાને ગમતું હશે એ જ લેવાની છે. હા, હું ઘણી વખત એવું કહું છું કે, ઓકે છે, બહુ સારું નથી લાગતું, પણ સાવ ખરાબેય નથી લાગતું, તને ગમતું હોય તો લઈ લે. એક વખત તો તેણે મારા ઉપર એવો આક્ષેપ પણ કર્યો હતો કે તારે મને લઈ નથી દેવું
એટલે તું એવું કહે છે કે તને સારું નથી લાગતું! કોઈ આપણી સામે સાચું બોલતું ન હોય અથવા તો બોલી શકતું ન હોય ત્યારે પ્રોબ્લેમ
એનામાં નહીં, પણ આપણામાં હોય છે.
માણસ નાની નાની વાતમાં ખોટું બોલતો
હોય છે. મોબાઇલ ફોન એ જુઠ્ઠું બોલવાનું સૌથી મોટું સાધન બની
ગયું છે. હું મિટિંગમાં છું, બહાર છું, બિઝી છું. આપણે સાચું બોલીએ તો કંઈ ફેર પડતો હોતો નથી, છતાં આપણે સાચું બોલતાં હોતા નથી. એક વખત એક મિત્રએ તેના ફ્રેન્ડને ફોન કર્યો. મિત્ર વાત શરૂ કરે એ પહેલાં જ તેના મિત્રએ કહ્યું કે, યાર મને વાત કરવાનો જરાયે મૂડ નથી, તું મને પછી ફોન કરજે. નો પ્રોબ્લેમ, એમ કહી મિત્રએ ફોન પૂરો કર્યો. બીજા મિત્રએ કહ્યું કે, એનો મૂડ ન હતો તો તારે પૂછવું જોઈતું હતુંને કે શું થયું. મને વાત કર. મિત્રએ કહ્યું કે ના, એ મારો મિત્ર છે. હું એને ઓળખું છું. કોઈ એવી વાત હોત તો એણે મને ચોક્કસ કરી હોત. હું કોઈ બાબતમાં એન્ક્રોચમેન્ટ કરવા માગતો નથી. લીવ મી અલોન એવું કહે પછી પણ આપણે કોઈને છોડીએ છીએ ખરાં? કોઈને એકાંત ઉપર અતિક્રમણ કરવું એ એક જાતનું દુષ્કૃત્ય
જ છે. કોઈ તમને ડિસ્ટર્બ ન કરે એવું તમે ઇચ્છતાં હોવ તો તમારે
પણ કોઈના જીવનમાં ખલેલ ન પહોંચાડવી જોઈએ.
આપણે ખોટું બોલતા હોઈએ ત્યારે આપણને
એ વાતનો જરાયે અંદાજ હોય છે કે તેનાથી આપણી સાથે જે લોકો હોય છે એના ઉપર આપણી ઇમ્પ્રેશન
પડતી હોય છે. મોબાઇલ પર તમે એવું બોલો કે હું બિઝી છું ત્યારે સાથે
ગપ્પા મારતા બેઠેલા મિત્રો એટલું તો સમજતા જ હોય છે કે આ માણસ કેટલી આસાનીથી ખોટું
બોલી શકે છે. એક ભાઈને એવી ટેવ હતી કે એ ક્યારેય એનાં સંતાનોની હાજરીમાં
ખોટું બોલતા ન હતા. એક વખત તેણે છોકરાંવ હતા ત્યારે તેના
મિત્રને એવું કહ્યું કે, હું ક્યારેય મારાં બાળકોની હાજરીમાં
ખોટું બોલતો નથી. આવી વાત કહીને એ પોરસાતા હતા, પણ ત્યાં જ એના દીકરાએ આવીને કહ્યું કે ડેડી, તમે અમારી ગેરહાજરીમાં ખોટું બોલો છો? તમે એમ કેમ નથી કહી શકતા કે હું ખોટું બોલતો નથી?
આપણે જેવું બોલતા હોઈએ એવું જ આપણા
લોકો બોલતા હોય છે. સંસ્કારો વર્તનથી જ રોપાતા હોય છે. તમે ખોટું બોલતાં હોવ અને સંતાનોને એવી સલાહ આપો કે
સાચું જ બોલવું જોઈએ તો એ સલાહ લાંબી ટકતી નથી. એ તમને સાંભળીને જેટલું શીખે એના કરતાં વધુ એ તમે શું કરો છો અને કેવું કરો
છો એ જોઈને શીખતાં હોય છે. વારસો વર્તનથી પણ મળતો હોય છે. સંપત્તિ ઓછી હશે તો ચાલશે, પણ સત્યનો વારસો ઓછો હશે તો જિંદગીમાં સતત કંઈક ખૂટતું રહેશે.
સાચું બોલી શકતો હોય એ જ સાચું સાંભળી
શકતો હોય છે. સાચું બોલો પછી પણ તમારી વ્યક્તિને તેનું ખોટું ન લાગે
તો સમજજો કે એનામાં સત્યનો અંશ સજીવન છે. એક ભાઈએ એવું કહ્યું કે, આપણાથી કોઈની ખોટી વાત સહન થતી નથી. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે તારાથી તો સાચી
વાત પણ ક્યાં સહન થાય છે. ખોટી વાત સહન કરવા કરતાં સાચી વાત
સહન કરવામાં વધુ હિંમત જોતી હોય છે. દરેક વ્યક્તિએ એક વાત યાદ રાખવાની
હોય છે કે તમે જેવું બોલો છો એવી જ તમારી છાપ ઊપસતી હોય છે. ખોટું બોલીને સારી ઇમ્પ્રેશન જમાવવાનો પ્રયાસ કરનાર
વ્યક્તિ પોતે જ ખોટા ભ્રમમાં જીવતી હોય છે!
છેલ્લો સીન :
સત્ય સરવાળે ફાયદાકારક છે, કારણ કે અસત્ય જ્યારે પકડાય છે ત્યારે તેની મોટી કિંમત
ચૂકવવી પડતી હોય છે. -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 02 માર્ચ 2016, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

email : kkantu@gmail.com



Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: