તારી એ વાત સાથે હું સંમત નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તારી એ વાત સાથે હું સંમત નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
પૈમાના અપને આપ હી ભર જાયેગા તેરા, ઔરોં કી તિશનગી મેં કભી ડૂબકે તો દેખ,
મુમકિન હૈ, જિંદગી કા યે અંદાજે-ઈશ્ક હો, તૂ ઉસકી બેરૂખી મેં કભી ડૂબકે તો દેખ.
(તિશનગી-તરસ)                                         – રાજેશ રેડ્ડી
સુખ, શાંતિ, સંબંધ અને સાનિધ્ય માટે સૌથી વધુ મહત્ત્વનું એ હોય છે કે આપણે કોઈની સાથે કેટલા અનુકૂળ થઈ શકીએ છીએ. બે વ્યક્તિ ક્યારેય એકસરખી નહીં હોવાની. દરેકનું પોતાનું એક આગવું વ્યક્તિત્વ હોય છે. પોતાના ગમા અને અણગમા હોય છે. પોતાની માન્યતાઓ હોય છે. આદતો હોય છે. પોતાની સમજ પણ હોય છે અને ગેરસમજ પણ હોય જ છે.
માણસ સાચો પણ હોઈ શકે અને ખોટો પણ હોઈ શકે. ઘણી વખત આપણે જેને ખોટો માનતા હોઈએ એ એની જગ્યાએ સાચો પણ હોય છે. સવાલ એ જ હોય છે કે જ્યારે બંને પોતાની જગ્યાએ સાચા હોય ત્યારે શું? આવા સમયે જ સંબંધ અને સમજદારીની કસોટી થતી હોય છે. જિંદગીમાં આવી પરીક્ષા આવે ત્યારે પરિણામ એવું આવવું જોઈએ કે બેમાંથી કોઈ નાપાસ ન થાય. બંને ફુલ્લી પાસ થઈ જાય. એક ફેઈલ થાય અને બીજો પાસ થાય ત્યારે એક પાછળ રહી જતો હોય છે. સાથે રહેવું હોય તો સમાધાન જ શ્રેષ્ઠ માર્ગ બનતો હોય છે.
એક પિતા-પુત્ર હતા. બંનેના વિચારોમાં આસમાન જમીનનો ફેર હતો. ઘણા મુદ્દે બંનેને વાંધા પડતા. દીકરાના મેરેજનો સમય આવ્યો. પિતા એકના એક દીકરાના ધામધૂમથી મેરેજ કરાવવા ઇચ્છતા હતા. દીકરાએ કહ્યું કે હું આવા તમાશાઓમાં નથી માનતો. મને કોઈ દેખાડા કરવાનો મોહ નથી. મારી એટલી ત્રેવડ પણ નથી કે હું આટલો બધો ખર્ચ કરી શકું. ખર્ચ કરી શકતો હોત તો પણ હું આવું કરત નહીં, કારણ કે મને એ નથી ગમતું. પિતાએ કહ્યું કે પણ તારે ક્યાં ખર્ચ કરવાનો છે? ખર્ચ તો હું આપીશ. દીકરાએ કહ્યું,મારે તમારા રૂપિયાથી લગ્ન કરવાં નથી. તમે મને મોટો કર્યો. ભણાવ્યો-ગણાવ્યો. તમારે જે કરવું જોઈએ એ બધું કર્યું છે. હવે બસ. દીકરાએ કહ્યું કે તમે મને કહો જોઈએ, હું ક્યાં ખોટો છું? મારી લાઈફ છે. મને મારી રીતે જીવવાનો અધિકાર છે. પિતાએ કહ્યું કે તું સાચો છે પણ હું ક્યાં ખોટો છું એ મને કહે? આખરે પિતાએ કહ્યું કે, ચાલ, તું તારું સત્ય છોડી દે, હું મારું સત્ય છોડું છું. આપણે બંને સાથે મળીને એક ત્રીજું સત્ય શોધીએ. એવું સત્ય જે તારા સત્યથી પણ નજીક હોય અને મારા સત્યની પણ થોડુંક પાસે હોય. આખરે બંનેએ નક્કી કર્યું કે બહુ ભપકો પણ નહીં અને સાવ સાદું પણ નહીં. જીત મેળવવા માટે ઘણી વખત જીદ છોડવી પણ પડતી હોય છે.
અમુક વખતે આપણે કોઈ વચલો રસ્તો કાઢવાની વાત કરીએ છીએ. વચલો રસ્તો શોધીએ તો કદાચ મળી પણ જાય. એના માટે જરૂરી એ હોય છે કે આપણામાં આપણો રસ્તો છોડવાની તૈયારી હોવી જોઈએ. બાંધછોડ કરવાની કોઈ તૈયારી જ ન હોય તો કંઈ બંધાતું નથી, છૂટતું જ હોય છે. એક પતિ-પત્ની હતાં. બંને એક શહેરમાં અલગ અલગ સ્થળે જોબ કરતાં હતાં. પત્નીને પ્રમોશન મળ્યું. આ પ્રમોશન માટે તેણે શહેર બદલવું પડે એમ હતું. પતિને વાત કરી. પતિને પોતાનું શહેર બહુ ગમતું હતું. શહેર છોડવાની એની ઇચ્છા ન હતી. પત્નીને સમજાવી કે અહીં આપણા પરિવારજનો છે, ફ્રેન્ડ્સ છે, આપણું પોતાનું ઘર છે. બધું ઈઝીલી ચાલે છે. તારું પ્રમોશન જતું કર.આપણે ક્યાંય નથી જવું. પત્ની મહત્ત્વાકાંક્ષી હતી. મારે પ્રમોશન જતું નથી કરવું. આ વખતે જતું કરીશ તો મારી કરિયરને બ્રેક લાગી જશે. હું તને ફોર્સ નથી કરતી. તારે અહીં રહેવું હોય તો રહે. હું તો જઈશ. બંને ઝઘડે એવાં ન હતાં. ઈનફ મેચ્યોર હતાં. એકબીજાના વિચારો અને આઝાદીને સન્માન કરે એવાં હતાં. પત્નીએ પ્રમોશન સ્વીકારી લીધું. પતિને કહ્યું કે મને મારા નિર્ણયનું સન્માન કરવા દે. બીજા દિવસે પતિએ પત્નીને એક લેટર બતાવ્યો. તેણે પોતાની કંપનીમાં ટ્રાન્સફરની માગણી કરી હતી. આ ટ્રાન્સફરનો ઓર્ડર હતો. પત્ની વળગી પડી. તેણે કહ્યું કે, મારા માટે મારી જીદ કરતાં તારો સાથ વધુ જરૂરી છે. મારી પાસે બે ચોઈસ હતી. આખરે મારા દિલે કહ્યું એ ચોઈસ મેં સ્વીકારી. હા, વચલો રસ્તો હતો કે આપણે બંને આપણી રીતે કામ કરીએ અને વીકએન્ડ પર મળીએ. મને આ રસ્તો મંજૂર ન હતો એટલે મેં મારો રસ્તો છોડી દીધો. પત્નીએ કહ્યું, તને એવું લાગે છે કે મેં મારી જીદ ન છોડી? પતિએ કહ્યું ના, હું એને તારી જીદ તરીકે નથી જોતો. હું એને તારી ઇચ્છા તરીકે જોઉં છું. તારી ઇચ્છાનું સન્માન કરું છું. હું એવું પણ જતાવવા નથી ઇચ્છતો કે મેં તારા માટે જતું કર્યું છે. મેં તો મારા માટે જતું કર્યું છે. મારે તારા વગર રહેવું નથી.
માણસ પાસે ચોઈસ હોય ત્યારે એ કઈ ચોઈસને પસંદ કરે છે તેના પરથી તેની સમજદારી અને માનસિકતા છતી થાય છે. સ્વાભિમાન અને ઈગોમાં ફર્ક છે. ઘણી વખત આપણે એ બંને વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. સંમતિમાં મતિ છે. તમે બીજાના વિચારોનું સન્માન કરો છો? બીજાની માન્યતાને આદર આપો છો? એક કંપનીમાં બે મિત્રો એકસરખા હોદ્દા પર જ કામ કરતાં હતા. કંપની એક નવો પ્રોજેક્ટ શરૂ કરવાની હતી. બોસે આ બંનેને પોતપોતાની રીતે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનું કહ્યું. બંનેએ આખા પ્રોજેક્ટની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી. એક મિટિંગમાં બંનેએ બોસ સમક્ષ પોતપોતાનો રિપોર્ટ રજૂ કર્યો. બંનેનો રિપોર્ટ એકબીજાથી તદ્દન જુદો હતો. બંનેએ પોતાના પ્રોજેક્ટ વિશેની દલીલો આપી. બંનેને પોતાનો રિપોર્ટ જ બેસ્ટ લાગતો હતો. બોસે પ્લસ-માઇનસ વિચારીને એકનો પ્રોજેક્ટ સિલેક્ટ કર્યો અને બીજાનો રિજેક્ટ કર્યો. જેનો પ્રોજેક્ટ રિજેક્ટ થયો એેને માઠું લાગ્યું. તેણે મનોમન નક્કી કર્યું કે હું એનો પ્રોજેકટ સફળ થવા નહીં દઉં. એને ખોટો સાબિત કરીશ. કંપનીને પસ્તાવો થશે કે આ પ્રોજેકટ ક્યાં પસંદ કર્યો. હું સાચો હતો એ સાબિત કરવા માટે એને ખોટો પાડવો જ પડશે.
મિત્રનો પ્રોજેક્ટ નિષ્ફળ બનાવવા તેણે સાથે જ કામ કરતાં ત્રીજા મિત્રનો સાથ માંગ્યો. એ મિત્રએ કહ્યું કે, તું શું સાબિત કરવા ઇચ્છે છે? એ પણ મિત્ર જ છે. તારો પ્રોજેક્ટ પસંદ થયો હોત તો આવું કરત કે નહીં એની મને ખબર નથી પણ તું આવું કરે છે એનું આશ્ચર્ય જરૂર છે. એનો પ્રોજેક્ટ પસંદ થયો છે તો હવે એનું સન્માન કર એમાં જ તારું ગૌરવ છે. મારે શું કરવું એ હું નક્કી કરીશ. તારે શું કરવું એ તું નક્કી કરી લે. બીજા દિવસે જેનો પ્રોજેક્ટ પસંદ થયો હતો એ મિત્ર પાસે જઈને કહ્યું કે, હું તારા આ પ્રોજેક્ટમાં તારી સાથે છું. હા, હું એ પ્રોજેક્ટ સાથે સંમત નથી પણ તારો પ્રોજેક્ટ સફળ થાય એ માટે મારાથી બનતાં તમામ પ્રયત્ન કરીશ.
કોઈ તમારી સાથે સંમત ન થાય ત્યારે એ વિચારજો કે આપણે પણ ક્યાં બધા સાથે સંમત થઈ શકીએ છીએ? ઝઘડો, વિખવાદ અને હિંસાનું એક કારણ એ પણ હોય છે કે આપણને બીજાના વિચારોનો આદર નથી અને આપણો જ કક્કો સાચો માનીએ છીએ. આપણી વાત સાચી હોય ત્યારે એટલું પણ વિચારવાનું હોય છે કે સામેની વ્યક્તિની વાત એની જગ્યાએ કેટલી સાચી છે? તમારા સત્યનું સન્માન એ જ છે કે તમે બીજાના સત્યને આદર આપો.
છેલ્લો સીન : 
બીજા સાથે અસંમત હોય ત્યારે ઘણી વખત આપણે આપણી સાથે જ સંમત હોતા નથી!      -કેયુ
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 15 માર્ચ, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *