એ તો મને મારા સંસ્કાર આડે આવે છે! – ચિંતનની પળે

એ તો મને મારા સંસ્કાર આડે આવે છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
વીજના ચમકાર જેવું હોય છેઆયખું પળવાર જેવું હોય છે
લે,કપાયા દુઃખના દાડા બધાજો સમયને ધાર જેવું હોય છે,
સત્યનાં શસ્ત્રો ઉગામી તો જુઓજૂઠ ખાલી વાર જેવું હોય છે,
છેડવાથી શક્ય છે રણકી ઊઠેમન વીણાના તાર જેવું હોય છે.
મકરંદ મુસળે
દરેક માણસની એક ફિતરત હોય છે. દરેકે પોતાના મનમાં મર્યાદાની એક રેખા આંકેલી હોય છે. આ હદ, આ લાઇન કે આ બોર્ડર દેખાતી નથી પણ માણસના વર્તનમાં વર્તાતી હોય છે. માણસ અમુક હદથી સારો થઈ શકતો નથી. માણસ અમુક હદથી ખરાબ પણ બની શકતો નથી. દરેક માણસમાં કંઈક ‘ઇનબિલ્ટ’ હોય છે. તે માણસને અમુક વર્તન કરવા પ્રેરે છે. એ જ અમુક વર્તન કરતાં રોકે છે. માણસને વિચાર તો ઘણા આવતા હોય છે. દરેક વિચારને માણસ અનુસરતો નથી. ના, મારાથી આવું ન થાય. હું આવું કરી શકું નહીં. મને એ ન શોભે. હું આવું કરું તો તો પછી એનામાં અને મારામાં ફર્ક શું? એ શું હોય છે જે માણસને રોકી રાખે છે? એ સંસ્કાર હોય છે. એ સમજણ હોય છે. એ આવડત હોય છે. તમે ધારો તોપણ અમુક વાત, અમુક વર્તન, અમુક કૃત્ય કરી જ ન શકો.
એક યુવાનની વાત છે. એ હંમેશાં એવું ઇચ્છતો કે તેના પરિવારમાં બધા ખૂબ પ્રેમથી રહે. જોકે, પરિવારના અમુક સભ્યોનો સ્વભાવ વિચિત્ર હતો. માંડ શાંતિ થાય ત્યાં એ લોકો કંઈક એવું કરે કે દરેક સંબંધની સામે સવાલ ઊભા થઈ જાય. ખર્ચ બાબતે એક દિવસ એક સભ્ય સાથે બોલાચાલી થઈ ગઈ. યુવાન સાચો હતો. એ કંઈ જ ન બોલ્યો. સાંભળી લીધું. સહન કરી લીધું. તેના મિત્રને આ વાત ખબર પડી એટલે તેણે કહ્યું કે તારે પણ મોઢામોઢ કહી દેવાની જરૂર હતી. તેં શા માટે સાંભળી લીધું? યુવાને કહ્યું કે મને પણ વિચાર તો એવો જ આવી ગયો હતો કે એેને ચોપડાવી દઉં. મને મારા સંસ્કાર આડે આવે છે. હું જ મને રોકી લઉં છું. હું ડરતો નથી. બીજા મિત્રએ કહ્યું, એ જ તો ફર્ક છે. તું સાચો છે. તું પણ એના જેવો થઈ શક્યો હોત. તું એના જેવો નથી. આ વાત જ તને એનાથી જુદો પાડે છે. મહત્ત્વની વાત એ છે કે તું તારી આઇડેન્ટિટી ગુમાવતો નથી. જ્યારે આપણે એક રસ્તે ચાલી શકીએ એમ ન હોય ત્યારે આપણે આપણો રસ્તો બનાવી લેવાનો હોય છે. વહેતું પાણી જ માર્ગ બનાવી શકતું હોય છે. ખાબોચિયાનું પાણી કિનારાની બહાર નીકળી શકતું નથી. આ પાણી ગંધાઈ જાય છે. વહેતું પાણી જ નિર્મળ હોય છે. તું વહેતો રહે, માર્ગ થઈ જશે.
બોલી દેવું બહુ સહેલું છે. સાંભળવું અઘરું છે. જે સાચું ન હોય એ સાંભળવું વધારે આકરું હોય છે. ઘણી વખત આપણે સાંભળી લઈએ છીએ. એટલા માટે નહીં કે આપણે ખોટા હોઈએ છીએ. ઘણી વખત આપણે સાચા હોઈએ છતાં સાંભળી લેતા હોઈએ છીએ. એક માણસને ખોટા આક્ષેપો મૂકી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. બોસે એને બેફામ રીતે ખખડાવ્યો. એ માણસ એક શબ્દ ન બોલ્યો. બોસે છેલ્લે પૂછયું કે, તમારે કંઈ કહેવું છે? એ યુવાને એક જ શબ્દમાં કહ્યું, ના. એ ચાલ્યો ગયો. એને ખબર હતી કે ત્યાં કંઈ કહેવાનો મતલબ ન હતો. બીજું એ કે તેની સાથે આ છેલ્લી મુલાકાત હતી. જે થયું એ ખોટું હતું એની પણ એને ખબર હતી. તેને એની પણ સમજ હતી કે દરેક વખતે સાચું જ થાય એવું જરૂરી હોતું નથી. આપણી સામે અમુક અયોગ્ય, ખોટું અને ગેરવાજબી થતું હોય છે. આપણું શાણપણ જ્યાં કામ લાગે એમ ન હોય ત્યાંથી ખસી જવું એ પણ એક આવડત જ છે. હા, આપણને એમ થાય કે આપણે કંઈ કરી ન શક્યા. મને અન્યાય થયો છે. જોકે, આવું થાય ત્યારે એવું જ સમજવું જોઈએ કે અન્યાય પૂરો થયો. હવે મારે નવી મંજિલ તરફ ગતિ કરવાની છે.
સારા થવું અઘરું છે. સારાપણાનો પણ થાક લાગતો હોય છે. મારે જ બધાનું ધ્યાન રાખવાનું? દરેક વખતે મારે જ ફાયર ફાઇટરનું કામ કરવાનું? હા, કરવું પડતું હોય છે. અમુક માણસનું સર્જન જ અમુક કર્તવ્ય માટે થયું હોય છે. એને ગમે કે ન ગમે એણે સારા બની જ રહેવું પડતું હોય છે, કારણ કે એ ખરાબ થઈ શકતાં જ નથી. તમે જે થઈ શકો એમ ન હોવ એ થવાનો તમારે પ્રયત્ન પણ ન કરવો જોઈએ. એક માણસ ફિલોસોફર પાસે ગયો. તેણે કહ્યું કે હું તંગ આવી ગયો છું. મારી સમજ જ બોજ બની ગઈ છે. હું ડાહ્યો છું એનો મતલબ એવો કે બધા મન ફાવે એમ જ કરે? ફિલોસોફરે કહ્યું, તું પણ તને મન ફાવે એમ કરને! પેલા માણસે કહ્યું કે હું એવું નથી કરી શકતો! ફિલોસોફરે કહ્યું કે તો પછી તું જે કરે છે એ જ કરતો રહે. સારાપણાની પણ ફરિયાદ ન કર. તું બદલી નથી શકવાનો. કોઈ બદલી શકતું નથી. હું પણ ક્યાં બદલી શકું છું. હું જે કરું છું એના સિવાય બીજું કંઈ ન કરી શકું.
દરેક માણસ જે કામ કરતો હોય છે એ છોડીને એને બીજું કામ કરવાનું મન થતું જ હોય છે. નોકરી કરતા હોય એને ધંધો કરવાનું મન થતું હોય છે. બિઝનેસ કરતા હોય એને એવું થતું હોય છે કે આના કરતાં નોકરી સારી. નોકરીનો સમય પતે એટલે ખંખેરીને ઊભા થઈ જવાનું. આવા વિચાર કરીને ઘણા લોકો જોખમ પણ કરતાં હોય છે. અમુક લોકો સફળ પણ થાય છે. જોકે, આવા લોકોની ટકાવારી બહુ ઓછી હોય છે. મોટાભાગે તો છેલ્લે એને એવું જ થતું હોય છે કે જે કરતા હતા એ જ સારું હતું. એક મિત્રએ સરસ વાત કરી કે, મેં નક્કી કર્યું છે કે હું જે કરું છું, એ જ કરતો રહીશ, કારણ કે મને બીજું કંઈ આવડતું નથી. જે આવડતું નથી એ નવેસરથી શીખવા કરતાં અત્યારે જે આવડે છે એ જ કરું એ બહેતર છે. ઘણાં બધાં એવાં તત્ત્વો હોય છે જે આપણા લોહીમાં હોય છે. આપણા જિન્સ સાથે એ જડાઈ ગયા હોય છે. એનો મતલબ જરાયે એવો નથી કે કોઈ સાહસ ન કરવું કે જે આવે એ બધું સહન કરી લેવું. વિચાર એટલો જ કરવાનો કે જે થઈ રહ્યું છે એ મારી પ્રકૃતિને માફક આવે એવું છે? માણસ પોતાની પ્રકૃતિ વિરુદ્ધ કરવા જાય ત્યારે એ થાપ ખાઈ જતો હોય છે. તમારી ભૂમિકા તમે નક્કી કરો અને તેને વળગી રહો. તમે તમારી જાતમાં જ જુઓ કે તમારી અંદર શું ઇનબિલ્ટ છે. જે ન હોય એ કરવા ન જાવ. સંસ્કાર પણ તમારી અંદર એવા સ્થપાઈ ગયા હોય છે જેને તમે છોડી શકતા નથી. એને છોડવાના પ્રયત્નો પણ ન કરો.
તમારા સંસ્કાર, તમારી સમજણ અને તમારી આવડત જ્યારે પણ આડી આવતી હોય ત્યારે એને આવવા દો. એ જ તમને ખોટા માર્ગે જતાં રોકશે. દુનિયા એવી છે કે આપણને ક્યારેક એવું લાગે કે સારા થવાનો કોઈ મતલબ નથી. સારાનો જમાનો જ નથી. સારા થઈને મેં શું મેળવી લીધું? સારા થઈને આપણે શું મેળવ્યું તેનો આપણને અંદાજ નથી હોતો. આપણે ઘણું મેળવ્યું હોય છે. આપણે જે મેળવ્યું હોય છે એની દુનિયાને તો ખબર હોય જ છે. બીજું કંઈ નહીં તો બધાને એટલી તો જાણ હોય જ છે કે એ સારો માણસ છે. તમારાથી કોઈ ડરે નહીં તો કંઈ નહીં પણ તમારી શરમ રાખે અથવા તો તમને આદર આપે તો માનજો કે તમે ઘણું મેળવ્યું છે. સાચી તાકાત, ખરી શક્તિ અને યોગ્ય સત્તા એ જ છે જે આપણને લોકોની નજરોમાં ઉપર ઉઠાવે. આદરપાત્ર થવાનું બધાના નસીબમાં નથી હોતું. સંસ્કાર જ માણસને સજ્જન બનાવતા હોય છે. ટૂંકા રસ્તા હંમેશાં જોખમી હોય છે. લાંબા રસ્તે ચાલવું વધુ પડે છે પણ જ્યારે મંજિલે પહોંચીએ છીએ ત્યારે આપણા રસ્તે ચાલ્યાના આનંદનો અદ્ભુત અહેસાસ થતો હોય છે.
છેલ્લો સીન : 
કોઈ પણ સ્થિતિમાં હતાશ ન થાવ. ક્યારેક ક્યારેક ચાવીના ઝૂડામાંની છેલ્લી ચાવી તાળું ખોલી દે છે. અજ્ઞાાત
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 8 માર્ચ, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
email : kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: