દુઃખ પણ જવા માટે જ આવતું હોય છે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ.
 ફૂલો કા ખેલ હૈ, કભી પત્થર કૈ ખેલ હૈ, ઈન્સાન કી જિંદગી તો મુકદર કા ખેલ હૈ,
હમ જિસકો ઢૂંઢતે હૈ ઝમાને મેં ઉમ્રભર, વો જિંદગી તો અપને હી અંદર કા ખેલ હૈ..
– રાજેશ  રેડ્ડી
એક શહેનશાહ હતો. દુઃખ હોય કે સુખ, એને સતત ભય લાગતો હતો કે હવે શું થશે? સુખમાં હોય ત્યારે એને થતું કે આ સુખ ચાલ્યું જશે તો? દુઃખમાં હોય ત્યારે ડર લાગતો કે આ દુઃખ ક્યારેય ખતમ જ નહીં થાય તો? આ ઉપાધિનું શું કરવું એની શહેનશાહને સમજ પડતી ન હતી. આખરે તેને વિચાર આવ્યો કે મારા દરબારમાં કેટલાં બધાં બુદ્ધિરત્નો છે, એ ક્યારે કામ આવશે? ચાલો તેને જ કહું કે મને આ મુશ્કેલીનો માર્ગ શોધી આપે.
દરબાર ભરીને શહેનશાહે ફરમાવ્યું કે મને એક એવી વીંટી જોઈએ છે જે દુઃખમાં મને દિલાસો આપે અને સુખમાં મને છકી જતા રોકે, આવી વીંટી ક્યાંથી લાવવી? બધા દરબારીઓ મૂંઝાયા. કોઈને કંઈ રસ્તો સૂઝતો ન હતો. એવામાં જ એક ફકીર ફરતો ફરતો દરબારમાં આવી ચડયો. બધાને દ્વિધામાં જોઈ તેણે કારણ પૂછયું. વીંટીની વાત નીકળી તો એ હસવા લાગ્યો. તેણે કહ્યું કે બસ આટલી જ વાત છે? તે શહેનશાહ પાસે ગયો અને કહ્યું કે તમારી વીંટી આપો. શહેનશાહે હાથની આંગળીમાંથી વીંટી કાઢીને આપી. ફકીરે આ વીંટી ઉપર કંઈક લખ્યું અને પાછી શહેનશાહને પહેરાવી દીધી. વીંટીમાં માત્ર એટલું જ લખ્યું હતું કે આ પણ વહ્યું જશે.
ફકીરે કહ્યું કે સુખ કે દુઃખ કંઈ જ કાયમી નથી. સુખ હોય ત્યારે વિચારજો કે આ પણ ચાલ્યું જવાનું છે એટલે તમે છકી નહીં જાવ અને દુઃખ હોય ત્યારે પણ વિચારજો કે આ પણ ચાલ્યું જવાનું છે એટલે તમે હતાશ નહીં થાવ. માણસ ગમે તે સ્થિતિમાં હોય, એ ભય હેઠળ જ જીવતો રહે છે. ખાસ તો દુઃખ આવે કે તરત જ માણસ ફફડી જાય છે. હાય હાય હવે શું થશે? મને તો કોઈ રસ્તો જ સૂઝતો નથી. કંઈ જ સારું થશે એવું લાગતું જ નથી. હા, જિંદગીમાં એવો સમય આવતો હોય છે જ્યારે માણસનું ક્યાંય ધ્યાન પડતું નથી. એવા સમયે ટકી રહેવા માટે માત્ર એક જ સૂત્ર અકસીર છે કે આ પણ ચાલ્યું જવાનું છે.
આપણે સુખને સાહજિક ગણી લઈએ છીએ પણ દુઃખને સહજ રીતે લઈ શકતા નથી. સુખને આપણે આપણો અધિકાર સમજીએ છીએ અને દુઃખનાં રોદણાં રડીએ છીએ. કેટલાંક દુઃખ કુદરતી હોય છે, જેમાંથી માણસે પસાર થવું જ પડે છે. દુનિયાનો દરેક માણસ ક્યારેક તો આવી અવસ્થા ભોગવતો જ હોય છે. તમે એ દુઃખનો કેવી રીતે સ્વીકાર કરો છો તેના પરથી જ તેની તીવ્રતા અને અસરકારકતા નક્કી થતી હોય છે. માથે હાથ દઈને રડવાથી કોઈ દુઃખ ચાલ્યું નથી જવાનું. જો એ વાત સાચી હોય કે દરેક દુઃખ ચાલ્યું જ જવાનું હોય છે તો પછી માથે હાથ દઈને રડવું શા માટે ? હસતા મોઢે એનો સામનો શા માટે ન કરવો?
દુઃખથી છૂટવાનાં ફાંફાં ઘણી વખત માણસને વધુ દુઃખ આપતાં હોય છે. શાણા લોકો કહે છે કે ખરાબ સમયને શાંતિથી પસાર થઈ જવા દેવો. કાચબો કેવું કરે છે? જ્યારે એને ભય લાગે ત્યારે તેનાં અંગો સંકોરી લે છે. આપણે સંકોરીએ છીએ? ના, આપણે તરફડીએ છીએ. માથાં પછાડીએ છીએ અને આપણા દુઃખને ગાયા રાખીએ છીએ. દુઃખને પસાર થઈ જવા દો. વાવાઝોડું આવે ત્યારે આપણે બહાર નીકળવાનું ટાળીને ઘરમાં બેસી રહીએ છીએ. વાવાઝોડાને પસાર થવા દઈએ છીએ. આપણને એ ખબર જ હોય છે કે આ વાવાઝોડું પૂરું થવાનું જ છે. દુઃખ પણ પૂરું થવાનું જ હોય છે. એ પસાર થવા માટે જ આવે છે, આપણે બસ એ ચાલ્યું જાય ત્યાં સુધી રાહ જોવાની હોય છે.
કુદરતી દુઃખ તો કુદરતી રીતે જ દૂર થઈ જતાં હોય છે પણ બધાં દુઃખ કુદરતી નથી હોતાં, કેટલાંક દુઃખો તો આપણે હાથે કરીને ઊભાં કરેલાં હોય છે. આ દુઃખથી દૂર રહેવા અને આવી પડયું હોય તો ટાળવા માટે જ સમજદારીની જરૃર રહે છે. આવા સમયે પણ માણસ છેવટે તો પોતાના નસીબને અથવા તો પોતાના લોકોને દોષ દેવાની વૃત્તિ જ રાખતા હોય છે. દુઃખ માટે બે વસ્તુ સૌથી જરૃરી છે, એક તો કોઈને દોષ ન દો અને બીજું કોઈ વાતનો અફસોસ ન કરો, કારણ કે આ બંનેથી કંઈ જ ફર્ક પડવાનો નથી.
માણસ સૌથી વધુ શેનાથી દુઃખી થાય છે? એક તો સરખામણી કરીને અને બીજું અપેક્ષાઓ રાખીને. તેની પાસે આટલું છે અને મારી પાસે નથી, એ આટલું બધું કરી શક્યો અને હું તો કંઈ કરી જ ન શક્યો. ઘણા તો પોતાની મેળે જ પોતાની જિંદગીને વ્યર્થ સમજી લ્યે છે. યાદ રાખો, કંઈ જ નકામું કે ફોગટ નથી. તમારી જિંદગીનો મતલબ છે અને તમારું સુખ તમારે જ નક્કી કરવાનું છે. અપેક્ષા ન રાખો, કારણ કે જેટલી તમે વધુ અપેક્ષા રાખશો એટલા જ વધુ દુઃખી થશો.
અત્યારે મોટા ભાગના દુઃખી લોકોનું જો કોઈ સૌથી મોટું કારણ હોય તો એ છે કે મેં બધાનું કર્યું પણ મારી કોઈને પડી નથી. મેં કર્યું એ બધા જ ભૂલી ગયા છે અને મને રેઢો મૂકી દીધો છે. એક બહેનની વાત છે એ ઘરમાં મોટી હતી. એક અકસ્માતમાં મા-બાપ ચાલ્યાં ગયાં. ભાઈ નાનો હતો. બધી જવાબદારી બહેન પર આવી પડી. તેને ભણવું હતું પણ જો ભણે તો ઘર કેમ ચાલે? ભાઈના ભવિષ્યનું શું? આખરે તેણે નક્કી કર્યું કે હું ભણવાનું છોડી કામ કરીશ. ભાઈને કહ્યું કે તું ભણ, હું તારા માટે મહેનત કરીશ. ભાઈને ભણાવ્યો. ભાઈની ખુશીથી જ એને આનંદ મળતો. ભાઈને સરસ નોકરી મળી ગઈ. ભાઈનાં લગ્ન થયાં. ભાઈ-ભાભી એની જિદગીમાં વ્યસ્ત થઈ ગયાં.
બહેનનાં પણ સામાન્ય ઘરમાં લગ્ન થયાં. જોકે બહેન પછી એક જ ફરિયાદ કરે કે મેં મારા ભાઈ માટે કેટલું બધું કર્યું અને હવે એ પોતાની જિંદગીમાં મસ્ત થઈ ગયો, મારો ભાવ પણ પૂછતો નથી. એક સમય તો એવો આવ્યો કે ભાઈનું સુખ પણ તેનાથી સહન નહોતું થતું. એ જલસા કરે છે અને અમે માંડ માંડ પૂરું કરીએ છીએ. બહેનનો પતિ સમજુ માણસ હતો. એક દિવસ તેણે કહ્યું કે તેં જે કર્યું એનું તને ગૌરવ કેમ નથી? તું તો ઊલટું અફસોસ કરે છે. અરે, ભાઈના સુખ માટે તો તેં બલિદાન આપ્યું હતું અને હવે એ સુખી છે તો તારાથી સહન કેમ નથી થતું? તારે તો ખુશ થવું જોઈએ કે તારે જે કરવું હતું એ તું કરી શકી. તારા ભાઈને શા માટે દોષ દે છે? આપણા પડકારો આપણા છે અને આપણે તેનો સામનો કરીશું. દુઃખી થઈને તો તું તારા ભાઈનું પણ ભલું ઇચ્છી નથી શકતી અને તું પોતે પણ ખુશ નથી રહી શકતી. આવું કહીને તો તું તેં જે કર્યું છે એના ઉપર પણ પાણી ફેરવે છે.
બદલા કે વળતરની અપેક્ષા ઓલવેઝ દુઃખી કરે છે. દરેક પાસે પોતાના સુખ પૂરતું હોય જ છે, કમનસીબી એ જ છે કે આપણું સુખ ક્યારેય આપણને પૂરતું લાગતું નથી. મોટાભાગે તો દુઃખ હોતું જ નથી, આપણે જ તેને ઓઢીને ફરતાં હોઈએ છીએ અને હા, દુઃખ હોય તોપણ ડરો કે ડગો નહીં, કારણ કે કંઈ જ કાયમી નથી. તમે ધારો તો સુખને કાયમી રાખી શકો. સવાલ એ છે કે તમે દરેક પરિસ્થિતિમાં તમારી જાતને સુખી સમજો છો? જો હા તો તમને કોઈ જ કે કંઈ જ દુઃખી કરી શકશે નહીં. બસ એટલું જ નક્કી કરો કે મારે દુઃખી નથી થવું.
છેલ્લો સીન :

રાતે સૂર્ય ગુમાવવા બદલ તમે આંસુ વહાવશો તો તમે તારા પણ ગુમાવશો. -રવીન્દ્રનાથ ટાગોર.
 (‘સંદેશ’, તા. 7મી એપ્રિલ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ, ચિંતનની પળે કોલમ)

Be the first to comment

Leave a Reply