તમે જિંદગીને ક્યારેય નજીકથી નિહાળી છે?

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
એમને સંભારવાથી બોલ, શું હાંસલ થયું? ઘા ઉપર ઘણ મારવાથી બોલ, શું હાંસલ થયું?
આશકા કે આશિકાની આગ પાવક હોય છે, આગ અમથી ઠારવાથી બોલ, શું હાંસલ થયું?
-પ્રણવ પંડયા

જિંદગી દરરોજ જીવાતી ઘટના છે, એટલે જ કદાચ આપણને એમાં કંઈ નવું લાગતું નથી. કામ અને વસ્તુઓની જેમ આપણે જિંદગી સાથે પણ યુઝ ટુ થઈ જતાં હોઈએ છીએ. આમ જુઓ તો નવું શું હોય છે? દરરોજ સવાર પડે છે, આપણે ઊઠીએ છીએ અને પછી રાત સુધી એ જ રોજિંદી ક્રિયાઓ. વચ્ચે થોડીક રજાઓ, કેટલાક તહેવારો, બર્થ – ડે, એનિવર્સરી અને બીજા કેટલાક પ્રસંગો આવી જાય છે. એ દિવસોમાં પણ આમ તો આપણે કરતાં હોય એ જ કરતાં રહીએ છીએ. થોડુંક હાસ્ય, થોડાંક આંસુ, થોડાંક આઘાત, થોડાંક આશ્ચર્ય, થોડાંક અણગમા, થોડીક નારાજગી, થોડાંક મિલન, થોડીક જુદાઈ, થોડીક તડપ, થોડીક તરસ, થોડોક ત્રાસ અને થોડીક હાશ. જિંદગીનો સરવાળો કરવા બેસીએ તો બીજું શું સમાવવું પડે?
જિંદગી એટલે શું? એવો પ્રશ્ન એક વખત એક માણસે એક સંતને પૂછયો. સંતે કહ્યું કે, જિંદગી એટલે ત્રણ કાળ વચ્ચે ઝૂલતો, ઝઝૂમતો અને થોડુંક ઝૂલતો માણસ. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં માણસનું અસ્તિત્વ પીસાતું કે પાંગરતું રહે છે. મોટા ભાગે તો લોકો ભૂતકાળ અને ભવિષ્યકાળ વિચ્ચે એવા દબાઈ ગયેલા હોય છે કે એને વર્તમાનનો અહેસાસ જ નથી થતો. કાં તો એ ગઈકાલમાં જીવે છે અને કાં તો આવતીકાલમાં. લોકો ગઈકાલે બનેલી ઘટના ભૂલી શકતા નથી અથવા તો આવતીકાલનાં સપનાંમાં રાચતા રહે છે અને એટલે જ આજે જે જીવવાનું હોય છે એ ભુલાઈ જાય છે.
તમે કોઈને પણ પૂછી જોજો કે તમારી જિંદગીની શ્રેષ્ઠ પળ કઈ હતી અથવા તો કયા દિવસને તમે લાઇફનો બેસ્ટ ડે માનો છો? તો એનો જવાબ આપવા માથું ખંજવાળવું પડશે. પ્રેમનો પહેલો અહેસાસ, લગ્નનો દિવસ, નોકરીનું જોઇનિંગ, સફળતાની ઘડી, પ્રમોશન,એવોર્ડ અથવા તો બીજી કોઈ ઘટનાને યાદ કરીને લોકો જવાબ આપશે કે મારી જિંદગીનો આ બેસ્ટ દિવસ હતો. તમે માર્ક કરજો આ દિવસ ચાલ્યો ગયો હશે તેને મહિનાઓ કે વર્ષો થઈ ગયાં હશે, એ પહેલાંના કે એ પછીના દિવસોનું શું? શું એ બધા જ નક્કામા અને માત્ર જીવવા ખાતર જીવવાના દિવસો હતા?
આપણે ઓલવેઝ ઇતિહાસમાં જ જીવતા હોઈએ છીએ અને ઇતિહાસ ક્યારેય વર્તમાન નથી હોતો. બચપણમાં આપણે નાદાન હોઈએ છીએ અને યુવાન થઈએ ત્યારે બચપનને મહાન ગણીને એ જ ગીત ગાઈએ છીએ કે વો કાગઝ કી કસ્તી, વો બારિશ કા પાની… બુઢ્ઢા થઈએ ત્યારે યુવાનીની સ્ટ્રગલ અને સફળતાની વાતો વાગોળીએ છીએ. સવાલ એ થાય કે વર્તમાનનું શું? આજનું શું? અત્યારે તમે ક્યાં છો? આજે તમારી પાસે જીવવા જેવું શું અને કેટલું છે?
એક માણસે સંતને પૂછયું કે તમારી જિંદગીની શ્રેષ્ઠ ઘડી કઈ ? સંતે કહ્યું કે અત્યારની. હું તમારી સાથે વાત કરું છું. તમે મારા માટે નવી વ્યક્તિ છો. મારા જીવનમાં અત્યારે કંઈ જ નવું અને જૂના કરતાં જુદું હોય તો એ તમે છો. હું તમારા દિલને સ્પર્શ કરી શકું છું?હું જો અત્યારે મારામાં હોઈશ તો જ હું તમારા સુધી પહોંચી શકીશ, પણ હું જ જો ભૂત કે ભવિષ્યકાળમાં હોઈશ તો હું તમારા સુધી પહોંચી જ નથી શકવાનો. તમે મને મળવા આવ્યા છો, પણ હું તમને મળવા માટે તૈયાર છું? ઈશ્વરે માણસને ભૂલવાની શક્તિ કદાચ એટલા માટે જ આપી છે કે જો ચલા ગયા ઉસે ભૂલ જા… પણ આપણે નથી ભૂલતા. બધું જ પકડી રાખીએ છીએ. યાદ રાખો, તમારે ભૂલવું હોય એ જ તમે ભૂલી શકો છો. તમે સતત યાદ જ રાખતા રહેશો તો એ ક્યારેય ભૂલી નહીં શકો. માણસે એ જ નક્કી કરવાનું હોય છે કે તેણે શું યાદ રાખવું છે અને શું ભૂલવું છે? આપણાં સ્મરણો પણ કેટલાં સુખદ હોય છે? મોટા ભાગે તો આપણે સ્મરણો, યાદો, અનુભવ અને અહેસાસને યાદ કરીને જૂના ઘા જ ખોતરતા હોઈએ છીએ.
તમે તમારી જિંદગીને ક્યારેય નજીકથી નિહાળી છે? કોશિશ કરી જોજો અને વિચારજો કે તમે ખરેખર મજામાં છો? જિંદગીને એન્જોય કરો છો? કે પછી આવતી કાલે શું થશે એની ચિંતા કરો છો? આપણી જિંદગીમાં બનેલી ન ગમતી ઘટનાઓ, પ્રસંગો અને અનુભવોને યાદ કરીએ તો એવું જ લાગવાનું છે કે જિંદગીમાં ઉપાધિ સિવાય કંઈ છે જ નહીં. એવો વિચાર કરીને પણ સરવાળે તો તમે ભૂતકાળને જ વાગોળતા રહો છો. જિંદગી એ જ છે જે અત્યારે જીવાય છે.
આમ તો ઘણા લોકોને જિંદગી જીવવાની અને જિંદગીને નજીકથી નિહાળવાની આદત અને આવડત હોય છે. પોતાના સુખથી પરિચિત હોય તેવા લોકો પણ હોય છે, પણ તમે તમારી સાથે જોડાયેલી વ્યક્તિઓની જિંદગીને ક્યારેય નજીકથી નિહાળી છે?આપણી સાથે રહેતા અને કામ કરતા લોકો કેવી મનોદશામાંથી પસાર થાય છે એનો કેટલો અહેસાસ આપણને હોય છે? પોતાની જિંદગીને નજીકથી નિહાળવા માટે એ પણ એટલું જ જરૂરી છે કે આપણી નજીકના લોકોની જિંદગીને આપણે નજીકથી ઓળખીએ,સમજીએ અને સ્પર્શીએ. આવો પ્રયાસ સરવાળે આપણને જ આપણી નજીક લઈ જતો હોય છે.
તમને ખબર છે કે તમારી પત્ની, તમારો પતિ, દીકરો કે દીકરી, મા કે બાપ, ભાઈ કે બહેન, પ્રેમી કે મિત્ર અત્યારે કઈ માનસિક સ્થિતિમાંથી પસાર થાય છે? આપણી જિંદગીનો જ હિસ્સો હોય છે. એની જિંદગીથી આપણે કેટલા પરિચિત હોઈએ છીએ? દીકરા કે દીકરીને સ્કૂલ કે કોલેજમાં મિત્ર કે બહેનપણી સાથે ઝઘડો થયો હોય છે, પત્નીને પિયરના લોકોની તબિયતની ચિંતા હોય છે, મિત્ર ક્યાંક મૂંઝાતો હોય છે. બધાના મનમાં કોઈ ને કોઈ ગડમથલ ચાલતી હોય છે, તેને તમે ક્યારેય સ્પર્શી છે. કોઈની વીણાના તાર ક્યારેક છંછેડી જોજો, જિંદગીના અનેક સૂરોનો અહેસાસ તમને થશે.
એક મિત્રની વાત છે. તેની ઓફિસના લોકો વિશે તેનો અભિપ્રાય ઓલવેઝ નેગેટિવ જ હોય છે. બધા જ બેદરકાર છે, કોઈને કંઈ પડી નથી, કોઈને કામ કરવું નથી, બધા વેઠ ઉતારે છે એવા જ ખ્યાલ તેના મનમાં હતા. એક કર્મચારી દરરોજ મોડો આવતો હતો. રોજ તેને ખખડાવવાનો. પેલો કર્મચારી દરરોજ સોરી કહીને પાછો કામે ચડી જતો. એક દિવસની વાત છે. રોજની જેમ એ કર્મચારી મોડો આવ્યો. મિત્રનો મૂડ એ દિવસે સારો હતો. મોડા આવનાર કર્મચારીને ખખડાવવાને બદલે તેણે કહ્યું કે બેસો, મારે આજે તમારી સાથે વાત કરવી છે. પ્લીઝ, તમે મને એ કહેશો કે તમારે રોજ કેમ મોડું થઈ જાય છે?
આટલી વાત સાંભળતાં જ એ કર્મચારીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. અવાજને સ્વસ્થ આકાર આપી તેણે કહ્યું કે, સર મારી નવ વર્ષની નાની બહેનને કેન્સર છે. મારી એકની એક બહેન છે. હું દરરોજ સવારે કેમોથેરાપી અપાવવા તેને કેન્સર હોસ્પિટલ લઈ જાઉં છું, ત્યાં બહુ લાઇન હોય છે. મારી નાની બહેન મારી લાડકી છે. કદાચ હું તેની સાથે હોઉં છું તો તેને દર્દમાં રાહત થાય છે. સર ખબર નહીં, હવે એની પાસે કેટલો સમય…. એ બોલી ન શક્યો, પણ એની આંખોમાંથી ટપકતાં આંસુ બાકીની બધી વાત કહી દેતાં હતાં. થોડાક સ્વસ્થ થઈને કહ્યું, પણ સર હું મારું કામ પૂરું કરીને જ ઘરે જાઉં છું. મિત્ર ઊભો થયો અને એ કર્મચારીને ગળે વળગાડીને કહ્યું કે સોરી યાર, મને ખબર ન હતી. મને એ વાતનો અહેસાસ ન હતો કે હું તમારા દર્દમાં કેવો વધારો કરી દઉં છું. મને કહો, હું તમારા માટે શું કરી શકું? પેલા કર્મચારીએ કહ્યું કે તમારે જે કરવું જોઈએ એ તમે કરી લીધું. તમારી સાથે વાત કરીને મને હળવાશ લાગી, એનાથી મોટું શું હોય?
મિત્રએ કહ્યું કે એ દિવસથી મને લાગ્યું કે હું મારી જિંદગીથી નજીક આવ્યો છું. મેં મારા બધા જ સાથી કર્મચારીઓની જિંદગી નજીકથી નિહાળવાનો પ્રયત્ન કર્યો. એક ગજબનો ફર્ક મેં મહેસૂસ કર્યો અને સૌથી વધુ તો મને મારામાં જ ચેન્જ લાગ્યો. કોઈની પીઠ પસવારવાથી કે કોઈનો ખભો થાબડવાથી જિંદગી કેટલી બદલી જતી હોય છે એ અનુભવ કરવા જેવો છે. આપણી સંવેદનાઓને મરવા દેવી ન હોય તો કોઈની સંવેદનાઓને પંપાળવી જોઈએ. તમારી સાથેના લોકોની સંવેદનાને સ્પર્શી જોજો. એક ગજબની ઋજુતાનો અહેસાસ થશે. કોઈને કંઈ જ જોઈતું હોતું નથી, થોડાક શબ્દો અને હળવા સ્પર્શથી કોઈની નજીક જઈ અને પછી તમારી જિંદગીને નજીકથી નિહાળજો, એક ગજબની હળવાશનો અહેસાસ થશે.
છેલ્લો સીન :
આપણી પાસે ચાહવા જેવું કશું ના હોય તો આપણે આપણી પાસે જે કાંઈ પણ હોય એને ચાહવું જોઈએ. -બુસ્સી રબુટીન
(‘સંદેશ’, તા.3 માર્ચ, 2013. રવિવાર. સંસ્કાર પૂર્તિ. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply