ચૂપ રહેવું એ મૌન નથી
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

બધું આ બ્હારથી તો ઠીક છે, બદલાવ તું ભીતર,
અરીસો આખરે બોલી ઊઠયો બ્હાર આવીને.
-ગૌરાંગ ઠાકર

તન અને મન એ બંને જુદી વસ્તુ છે. આ બંને સાથે ચાલતાં હોય ત્યારે જિંદગી જિવાતી હોય છે. તન એક તરફ ચાલે અને મન બીજા માર્ગે હોય ત્યારે જિંદગી ઢસડાતી હોય છે. માણસ જિંદગીમાં કેટલો સમય પોતાની સાથે હોય છે? આપણે જ્યાં ઉપસ્થિત હોઈએ ત્યાં હાજર હોઈએ છીએ? શરીર ક્યાંક હોય છે અને જીવ ક્યાંક હોય છે.

કેટલાં લોકો ‘આજ’માં જીવે છે? મોટા ભાગના લોકો કાં તો ગઈકાલમાં અથવા તો આવતીકાલમાં જીવે છે. કાલની ચિંતામાં લોકો આજનું ગળું રૃંધી નાખે છે. આપણે આપણી કેટલી ક્ષણોની ઠંડા કલેજે હત્યા કરીએ છીએ? ઘણા લોકો પોતાના જ કાતિલ હોય છે. પાંચ મિત્રો ભેગાં થયા. બધા મસ્તીથી વાતો કરતા હતા. એક મિત્ર વારંવાર ચૂપ થઈ જતો હતો. ક્યાંક ખોવાઈ જતો હતો. એક કલાક સુધી એ કંઈ બોલ્યો નહીં. એક મિત્રએ પૂછયું કે તું ક્યાં છે ? મિત્રએ જવાબ આપ્યો કે, તમારી સાથે જ છું.

મિત્રએ કહ્યું, ના તું હાજર છે પણ સાથે નથી. મિત્રએ કહ્યું કે કાલની ચિંતામાં ખોવાઈ ગયો હતો. મારે કાલે એક કામ કરવાનું છે. મિત્રએ કહ્યું કે કાલે કરવાનું છે ને? આજે અને અત્યારે તો નથી કરવાનું ને? તને ખબર છે? આ એક કલાક પૂરતો તો આપઘાત કરી લીધો હતો! આપણે કેટલી વાર આપણો જ કામચલાઉ આપઘાત અને આપણી જ કામચલાઉ હત્યા કરતાં હોઈએ છીએ? તું તારામાં જ ક્યાં છે? જે માણસ પોતાનામાં ન હોય તે ક્યારેય કોઈનો થઈ શકતો નથી.

એક માણસ જંગલમાં રહેતા સાધુ પાસે ગયો. સાધુને કહ્યું કે, હું આખી દુનિયાથી થાકી ગયો છું. બધા લોકો બદમાશ છે. કોઈનો ભરોસો કરવા જેવું નથી. મારે શાંતિ જોઈએ છે. મારે મૌન રહેવું છે. હું આખો દિવસ કંઈ નહીં બોલું. સાધુએ કહ્યું કે ભલે, જેવી તારી મરજી. એ માણસ ચૂપ બેઠો હતો. સાધુએ જોયું કે એ દાંત કચકચાવતો હતો, અને મુઠ્ઠીઓ પછાડતો હતો. સાધુએ કહ્યું કે તું ક્યાં મૌન રહી શકે છે? તું તો સતત મનમાં કંઈક બોલતો રહે છે. કોઈને ગાળો દેતો અને નફરત કરતો રહે છે.

ચૂપ રહેવું એ મૌન નથી. મૌન એટલે જીભ નહીં પણ મનની શાંતિ. તારા હોઠ નથી ફફડતાં પણ તારી અંદરનો ફફડાટ તો ચાલુ જ છે. તારે મૌન રહેવું હોય તો તારી અંદરથી મૌન રહે. હું જંગલમાં કોઈનાથી ભાગીને નથી આવ્યો. પણ હું તો મારી નજીક આવવા માટે જંગલમાં આવ્યો છું. તું કોઈનાથી ભાગીને આવ્યો છે પણ તું તારી નજીક નથી પહોંચ્યો. તું તો હજુ ત્યાં જ છે જ્યાંથી તું ભાગીને આવ્યો છે.

જેનું મન ધૂંધવાતું રહે એ ક્યારેય મૌન કે શાંત રહી શકતો નથી. આપણે ઘણી વખત બોલવું હોય છે પણ બોલી નથી શકતા, એ પણ મૌન નથી. આવી સ્થિતિ ઘણી વાર ચૂપ રહેવાની મજબૂરી હોય છે. આપણને ખબર હોય કે આપણું કોઈ માનવાનું નથી ત્યારે આપણે ચૂપ રહેતા હોઈએ છીએ. એ કદાચ ડહાપણની નિશાની હશે પણ મૌન નથી. મારી વાત જ કોઈ સમજતું નથી તો પછી મારે શા માટે બોલવું જોઈએ? એવું વિચારી ચૂપ રહેનારાનો મોટો વર્ગ છે.

આવું ચૂપ રહેવું પણ શાંતિ તો આપતું જ નથી. જ્યાં આપણી હાજરીની નોંધ લેવાતી ન હોય ત્યાં ગેરહાજર રહેવું એ પણ એક જાતનું મૌન છે. એક માણસે સરસ વાત કરી હતી કે હું એવી જગ્યાએ જતો નથી જ્યાં મારી હાજરીની નોંધ લેવાતી નથી. તમે જ્યાં જતાં નથી ત્યાં તમારી ગેરહાજરીની નોંધ લેવાય છે? માણસ જિંદગીમાં કેટલું બધું ધરાર કરતો હોય છે. જવું પડે, કરવું પડે, બોલવું પડે, કોઈને ખરાબ લાગે… આવા વિચારોમાં જ માણસ ઘણું બધું ધરાર કરતાં હોય છે. કોઈને સારું લગાડતો માણસ ક્યારેય એ નથી વિચારતો કે મને આ કેવું લાગે છે? મને આ શોભે છે?

મૌન પણ ધરાર ન રાખવું જોઈએ. ભૂલો પડેલો માણસ ક્યારેય પોતાનામાં ખોવાઈ શકતો નથી. આપણે કંઈ આખો દિવસ બોલ બોલ નથી કરતાં પણ તેનો મતલબ એ નથી કે આપણે મૌન હોઈએ છીએ? જો તમે ચૂપ હો ત્યારે મનથી મૌન હો તો મૌન પાળવાની કંઈ જરૂર નથી. કોઈના અવસાન વખતે એક કે બે મિનિટનું મૌન પાળવાની પરંપરા છે. આ સમયે આપણે મૌન હોઈએ છીએ કે પછી ઓમ શાંતિ શાંતિ બોલાઈ જાય તેની રાહ જોતા હોઈએ છીએ? મોટા ભાગે તો આપણે ભટકતાં જ હોઈએ છીએ.

જ્યાં હોવા જોઈએ ત્યાં હોતા જ નથી. બે મિત્રો એક સારું કામ કરવા જતાં હતા. ઓન વે હતા ત્યારે માર્ગમાં એક મંદિર આવ્યું. મિત્રએ કહ્યું કે બે મિનિટ રોક ને, હું દર્શન કરી આવું. એ ઝડપથી દોડીને મંદિરમાં ગયો, દર્શન કર્યાં અને પાંચ મિનિટમાં પાછો આવી ગયો. આવીને તેણે કારમાં બેસી રહેલા મિત્રને પૂછયું કે તેં આ પાંચ મિનિટ શું કર્યું ? મિત્રએ જવાબ આપ્યો કે, હું ભગવાન સાથે હતો. પછી એટલું બોલ્યો કે પ્રાર્થના માટે મંદિરની નહીં પણ આપણી હાજરીની જરૂર હોય છે.

માણસ ફોર્માલિટીઝમાં વધુ જીવતો થઈ ગયો છે. આપણે કેટલું બધું સારું લગાડવા માટે અથવા તો ખરાબ ન લાગે એટલા માટે કરતા હોઈએ છીએ? કોઈનું ખરાબ ન લગાડવું એ પણ જિંદગી જીવવાનો એક ઉત્તમ માર્ગ છે.

તમે કારણ વગર ખરાબ ન લગાડતા હો તો પણ તમે સજ્જન છો. હું તારે ત્યાં પાર્ટીમાં આવ્યો હતો તો તું કેમ ન આવ્યો? સંબંધો, પ્રેમ અને લાગણી જ્યારે ગિવ એન્ડ ટેઈકની પરંપરા થઈ જાય છ ત્યારે એ સોદાબાજી થઈ જાય છે. સંબંધોનું વિનિમય ન હોય. સંબંધો તોલી, માપી કે જોખીને ન રખાય. કોઈ મુઠ્ઠી ભરીને આપે તો આપણે ખોબો ભરીને આપવું જોઈએ. કોઈ ખોબો ભરીને આપે તો દરિયો બનીને આપો. ફૂટપટ્ટી અને વજનકાંટાની શોધ પ્રેમ અને લાગણી માટે નથી થઈ, બધું જ માપનારા સરવાળે કંઈ પામી શકતા નથી.

બે બાળકો વચ્ચે થયેલો એક જોક જિંદગી સાથે પણ લાગુ કરવા જેવો છે. મનુએ કનુને પૂછયું કે, તમને ખબર છે, દુનિયામાં કેટલા દેશ છે? આ પ્રશ્ન સાંભળીને કનુએ કહ્યું કે આખી દુનિયામાં એક જ દેશ છે, એ છે ઇન્ડિયા. બાકી બધા તો વિદેશ છે. આ જોક સાંભળતાં એક વડીલે કહ્યું કે આ જ સાચી વાત છે. જે આપણું છે એ જ આપણું છે. બસ, આપણને આપણાની કદર હોવી જોઈએ. આપણે આપણાને ગણકારતા નથી અને કોઈને સારું લગાડવા દોડતા હોઈએ છીએ. ઘરના લોકોને હર્ટ કરીને બહારના લોકોને વ્હાલા થવા જઈએ છીએ.

એક ક્લાસમાં ટીચરે બાળકોને કહ્યું કે, તમારું વ્યક્તિત્વ લોહચુંબક જેવું બનાવો. કોઈ તમારું વ્યક્તિત્વ જોઈને ખેંચાઈ આવે. આ વાત સાંભળીને એક બાળકે કહ્યું કે મારે લોહચુંબક જેવું નથી થવું, મારે તો પારા જેવું થવું છે. પારો પારાને મળે ત્યારે એકબીજામાં ભેગા થઈ જાય છે. મને મારા જેવા મળશે ત્યારે હું પારાની જેમ ઓતપ્રોત થઈ જઈશ. લોહચુંબક તો એકબીજાને જોડે છે, તેમાં પણ વચ્ચે તો તિરાડ હોય જ છે. પણ પારો તો એકમેકમાં ઓગળી જાય છે. આપણાં સંબંધો પારા જેવા હોવા જોઈએ.

જિંદગી કદાચ નાટયાત્મક હશે પણ જિંદગી નાટક નથી, કારણ કે જિંદગીમાં રિહર્સલ નથી હોતું. જિંદગીને ઝરણાંની જેમ વહેવા દો. ડેમની જેમ બાંધી ન રાખો. ઝરણું પોતાની જાત સાથે જીવે છે. ડેમમાં બંધિયારપણું છે. ઝરણું ખળખળ વહે છે. ઝરણામાં સંગીત છે. જે વહેતું રહે છે એ જ ખળખળ અને ખડખડાટ હોય છે, જિંદગી પણ.

છેલ્લો સીનઃ
જો તમારું હૈયું જ્વાળામુખી હોય તો તમે તમારા હાથમાં પુષ્પો પાંગરે એવી અપેક્ષા ક્યાંથી રાખી શકો?
-ખલીલ જિબ્રાન

kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply