એકબીજામાં ઓતપ્રોત થવા બંનેએ પોત ઓગાળવું પડે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એકબીજામાંઓતપ્રોતથવા

બંનેએપોતઓગાળવુંપડે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કંઇક અંદર મરી ગયું છે, પ્રેમ બળતણ ઠરી ગયું છે,

સ્પર્શની લાગણી ના રહી, ટેરવું પણ ડરી ગયું છે,

જે જવાનું હતું તે ગયું, આંસુ આંખે ભરી ગયું છે,

જીવવાની ઇચ્છા જુઓ, ડૂબતું જણ તરી ગયું છે.

-સપના વિજાપુરા

માણસની સૌથી મોટી ખૂબ છે કે, દરેક માણસ અલગ છે. આપણી આદત, દાનત, ટેવ, ગમા, અણગમા, માન્યતા, વિચારસરણી, વાણી, વર્તનથી માંડી હસવા, બોલવા અને ચાલવા સુધીની રીતભાત બીજાથી જુદી પડે છે. આપણે બધાં જુદાં છીએ એટલે આપણને સૌને એડજસ્ટ થવાની જરૂર પડે છે. એક જગ્યાએ જોઇ રહેલી બે વ્યક્તિની દૃષ્ટિ જુદી જુદી હોઇ શકે છે. કુદરતના દરેક અંશમાં વિવિધતા છે. ધરતીનું પોત ધરાએ ધરાએ જુદું છે. આકાશનો રંગ બદલાતો રહે છે. શ્વાસની ગતિ વધઘટ થતી રહે છે. ચહેરાના હાવભાવ બદલાતાં રહે છે. ક્યારેય કંઇ એકસરખું રહેતું નથી. આપણે પણ ગઇ કાલે હતા એવા આજે નથી. આજે જેવા છીએ એવા કાલે રહેવાનાં નથી. મૂડથી માંડીને મેન્ટાલિટી રોજેરોજ બદલાતી હોવાથી લાઇફને રીફ્રેશ કરતી રહેવી પડે છે.

સંબંધોને સમજવા અને સ્વીકારવા માટે આપણામાં દરરોજ આવતા પરિવર્તનને જાણવા જોઇએ. માણવા માટે જાણવું અને જાણતાં રહેવું આવશ્યક છે. જેમ આપણે દરરોજ બદલાઇએ છીએ તેમ આપણી સાથે જોડાયેલા લોકોમાં પણ બદલાવ આવતો રહે છે. બે વ્યક્તિમાં ડિસ્ટન્સ આવવાનું એક કારણ હોય છે કે બંનેમાં જે બદલાવ આવે છે જુદી જુદી દિશાનો હોય છે. ધીમે ધીમે હાથ સરકતો જાય છે અને આપણને અણસાર સુધ્ધાં નથી આવતો. ધીમે ધીમે વ્યક્તિ દૂર થતી જાય છે અને એક તબક્કે દેખાતી બંધ થઇ જાય છે. એક છોકરીની વાત છે. પાંચ વર્ષથી એક છોકરા સાથે રિલેશનશિપમાં હતી. અચાનક એક દિવસ તેને લાગ્યું કે, હવે રિલેશનશિપમાં કંઇ રહ્યું નથી. તેણે બ્રેકઅપ કરવાનું નક્કી કર્યું. તેની ફ્રેન્ડે પૂછ્યું કે, કેમ આમ અચાનક જુદું થવાનું નક્કી કર્યું? છોકરીએ કહ્યું કે, ના, અચાનક નથી. આપણને જે અચાનક લાગતું હોય છે અચાનક હોતું નથી. એની શરૂઆત તો ઘણા સમય પહેલાંથી થઇ ગઇ હોય છે. ધીમે ધીમે કંઇક સૂકાતું હોય છે. જે તડપ હોય છે ઘટતી જાય છે, જે તરસ હોય ઓસરતી જાય, ઉત્કટતામાં ઘસારો લાગે છે. પહેલા જુદો હતો. એનામાં એક ઝનૂન હતું. અવાજમાં એક રણકો હતો. એક તરવરાટ અને તત્પરતા હતાં. જે દોડીને થતું હતું હવે ચાલીને પણ થતું નથી. તેની ફ્રેન્ડે કહ્યું, તારા તરફથી પણ કંઇક સુકાયું હોય એવું બને? છોકરીએ કહ્યું કે, હા, એવું બનવાજોગ છે. સંબંધમાં મહત્ત્વની વાત છે કે, બંનેમાંથી એકમાં જો કંઇ સૂકાતું લાગે તો બીજો ભરી દે, એક દૂર જતું લાગે તો બીજો હાથ પકડી લે, સંબંધમાં જરૂરી છે કે એકબીજામાં જે બદલાવ આવે તેની ઓળખ હોય! આંખના ઇશારામાં બધું સમજાઇ જતું હોય જ્યારે કહેવાથી પણ સમજાય ત્યારે સમજવું જોઇએ કે, હવે એકબીજાથી દૂર થઇ રહ્યાં છીએ. આપણે રોજ પાણી પાઇએ તો છોડ પણ સૂકાઇ જાય છે. પ્રેમને પણ સીંચતો રહેવો પડે છે.

પ્રેમ, દાંપત્ય અને સંબંધો ઉપર દરરોજ નજર રાખવી પડતી હોય છે, કારણ કે રોજ નવા હોય છે. એક વૃદ્ધ કપલ હતું. બંને વચ્ચે ખૂબ પ્રેમ. એક વખત એક યંગ કપલે તેમને પૂછ્યું, તમે કેવી રીતે દરરોજ એકસરખા રહો છો? વૃદ્ધ કપલે હસીને કહ્યું, કોણ કહે છે કે અમે દરરોજ એકસરખા રહીએ છીએ? અમે અમારા જેવા રહીએ છીએ. બસ, કાળજી એટલી રાખીએ છીએ કે, હું રોજ થોડોક એનાં જેવો થાઉં છું અને રોજ થોડીક મારા જેવી થાય છે. આપણી વ્યક્તિ માટે આપણે આખેઆખા બદલાવાની જરૂર હોતી નથી, થોડાક એના જેવા થવાની જરૂર હોય છે. આવું કરતાં કરતાં અમે બંને ક્યારે એક જેવાં થઇ ગયાં અમને ખબર પડી! વૃદ્ધને રોજ સવારે શરીર દુખવાનું શરૂ થયું. પત્ની થોડા દિવસ તો કંઇ બોલી. આખરે એક દિવસ તેણે પતિને કહ્યું કે, મારી એટલી બધી ચિંતા કરો કે તમને રોજ શરીર દુ:ખે! પત્નીએ પછી દિલની વાત કરી, આજકાલ તમે રાતના પડખાં બદલતા નથી. તમને ખબર છે કે, પડખું બદલીશ તો આની ઊંઘ ઊડી જશે. મારી ઊંઘ ઊડે એટલે તમે એક પડખે સૂતાં રહો છો! શરીર એટલે દુ:ખે છે! તમને ખબર છે? પડખું બદલે અને જેની ઊંઘ ઊડી જતી હોયને એના માટે એની વ્યક્તિ પડખું બદલે તો પણ ફડકો પેસી જતો હોય છે! આણે આજે કેમ પડખું ફેરવ્યું? પોતાની વ્યક્તિ માટે માણસ ઊંઘમાં પણ થોડો થોડો જાગતો હોય છે. ઠંડી હોય ત્યારે કોઇ જાતના પ્રયાસ વગર ઓઢાડી દેવાતું હોય છે.

પ્રેમ હોય ત્યાં બધું બહુ સહજતાથી થતું હોય છે. પ્રયાસ કરવા પડે તો પણ પ્યારા લાગે છે. સંબંધ ટકાવવા માટે આપણે પ્રયાસો તો કરતાં હોઇએ છીએ. આપણે પ્રેમી, પત્ની કે પતિ માટે કેટલું બધું કરીએ છીએ? આપણને ગમતું હોય છે. ગમતું હોય ત્યાં ગણતરીઓ હોતી નથી. અણગમાની શરૂઆત થાય ત્યારે એવો સવાલ થાય છે કે, મેં એના માટે કેટલું કર્યું હતું? પ્રેમમાં આપણે આપણી વ્યક્તિ માટે કંઇ કરતાં હોઇએ ત્યારે પણ એવું લાગે છે કે, આપણે આપણા માટે કરીએ છીએ! પ્રેમ ગણિત અને ગણતરીઓને અતિક્રમી જાય છે. પ્રેમનું શાસ્ત્ર સાવ અલગ છે. પ્રેમ હોય ત્યારે આપણી વ્યક્તિનું સાંનિધ્ય આપણી ભૂગોળ હોય છે, એની સાથેના સ્મરણો ઇતિહાસ હોય છે, ગણતરી વિનાનું ગણિત હોય છે, અર્થ વગરનું અર્થશાસ્ત્ર હોય છે, શ્વાસની કેમેસ્ટ્રી પણ મળતી આવે છે. પ્રેમમાં પ્લસ પ્લસ માઇનસ થતાં નથી, પણ બે પ્લસ ઓગળીને એક થઇ જાય છે. આપણે એવું બોલવા લાગીએ છીએ કે, આપણે બેઉ એકલાં! બે અને એકલાં? હા, જ્યારે બે વ્યક્તિ એક થઇ જાય ત્યારે એકલાં થઇ શકાય છે, આપણે બે એકલાં!

ક્યારેક આપણી જિંદગીમાં એવા લોકો આવે છે જેની રીતભાત અને રહેણીકરણી જોઇને આપણને એવું થાય કે, આપણે એની જેમ રહી શકીએ! આપણે બીજાની જેમ નહીં, પણ આપણી જેમ રહેવાનું હોય છે. બીજાની જેમ રહેવાની જરૂર પણ નથી હોતી. એક છોકરીની સગાઇ થઇ. સગાઇ પછી તેના ફિયાન્સને મળતી. એના ઘરે રહેવા પણ જતી. છોકરી જુદી રીતે ઉછરી હતી. થોડા સમય પછી છોકરીએ તેના પિતાને કહ્યું કે, મને નથી લાગતું કે હું એની સાથે રહી શકું. આપણે એની જેમ રહી શકીએ! પિતાએ કહ્યું, તને એવું લાગે છે? તો તું વાત તારા ફિયાન્સને કર! જો તો ખરી કે એનો રિસ્પોન્સ કેવો છે? છોકરીએ વાત ફિયાન્સને કરી કે, હું તું જે રીતે રહે છે એવી રીતે રહી શકું! ફિયાન્સે કહ્યું, સાચી વાત છે. મને પણ એવું લાગ્યું હતું કે, તું જેમ રહે છે એમ હું રહી શકું! આપણી પાસે હવે બે રસ્તા છે. બેમાંથી તું કહે પસંદ કરીએ. એક રસ્તો છૂટા પડી જવાનો છે. બીજો રસ્તો થોડોક જુદો છે. આપણને બંનેને એવું લાગે છે ને કે, આપણે રીતે રહી શકીએ. આપણે બંને થોડા થોડા એકબીજાની જેમ રહેવા લાગીએ તો વાંધો નહીં આવે. ચેન્જ તો થવું પડશે. થોડુંક તારે અને થોડુંક મારે. મારી સાઇડથી તને પ્રોમિસ આપું છું કે હું થોડોક બદલાઇશ. તારું તું નક્કી કર! છોકરીએ એના ફિયાન્સની આંખોમાં આંખ પરોવીને કહ્યું કે, હું પણ બદલાઇશ! તારી વાત મને ગમી. તારી વાત સાચી છે. એના માટે બદલાવું પડે તો ચોક્કસ બદલો જે તમારા માટે બદલાવા તૈયાર છે. ઘણી પત્નીઓ એવું કહેતી હોય છે કે, હું આવી નહોતી, પણ આની સાથે રહીરહીને આવી થઇ ગઇ! આવી એટલે કેવી? એના જેવી! પ્રેમની મજા કોઇ પણ જાતના પ્રયાસ વગર એકબીજા જેવા થવાની છે. એકબીજાનાં થવા માટે એકબીજા જેવાં થવું પડતું હોય છે! પ્રેમનો બદલાવ સહજ હોવો જોઇએ, ધરાર કે બળજબરીવાળો નહીં! એકબીજા જેવા થઇ ગયા પછી પણ પોતાના જેવા ત્યારે લાગીએ, જ્યારે એકબીજામાં ઓતપ્રોત થઇ ગયાં હોઇએ! બંને પોતાનું પોત ઓગાળે ત્યારે ઓતપ્રોત થવાતું હોય છે!   

છેલ્લો સીન :

ગમતી વ્યક્તિનું બધું ગમવા લાગે પ્રેમની સૌથી મોટી ખૂબી છે. વાંધાઓ શોધવાની શરૂઆત થાય ત્યારથી અંતર આવવાનો આરંભ થાય છે.       -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 03 ફેબ્રુઆરી 2021, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “એકબીજામાં ઓતપ્રોત થવા બંનેએ પોત ઓગાળવું પડે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply to Janki Cancel reply

%d bloggers like this: