લગ્ન પછી છોકરીએ અટક બદલવી જોઇએ કે નહીં? : દૂરબીન- કૃષ્ણકાંત ઉનડકટ

લગ્ન પછી છોકરીએ અટક

બદલવી જોઇએ કે નહીં?

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

*****

જાપાનમાં પતિ-પત્નીની એક જ અટક રાખવાના

કાયદાનો અંત આવવાનો છે. તમે શું માનો છો,

આપણે ત્યાં પણ લગ્ન પછી પત્નીની અટક

બદલવાની પ્રથા બંધ થવી જોઇએ?

*****

લગ્ન પછી છોકરીની લાઇફ ધરમૂળથી બદલી જાય છે.

સ્વીકાર સહજ હોય ત્યાં સુધી વાંધો નથી.

જબરજસ્તી સમસ્યાઓ સર્જે છે!

*****

વાતની શરૂઆત એક સાવ સાચી ઘટનાથી કરવી છે. એક કપલની સગાઇ થઇ હતી. થોડા જ દિવસોમાં છોકરીએ એના મા-બાપને કહ્યું કે, મારે સગાઇ તોડી નાખવી છે. મા-બાપે કારણ પૂછ્યું. છોકરીએ કહ્યું કે, મારો મંગેતર મને લગ્ન પછી સરનેમ બદલવાનું કહે છે, જે મને મંજૂર નથી. મા-બાપે કહ્યું કે, આટલી નાની અમથી વાતમાં કંઇ સગાઇ થોડી તોડી નખાય? છોકરીએ કહ્યું કે, હું આટલા વર્ષ આપણી સરનેમથી ઓળખાઇ છું. આજે મારી ઓળખ છે. મારે સરનેમ ન બદલવી હોય તો કોઇ મને ફોર્સ ન કરી શકે. છોકરાની પણ જીદ હતી કે, સરનેમ તો બદલવી જ પડશે. આખરે સગાઇ ફોક કરી દેવામાં આવી.

‘થ્રી ઇડિયટ’ ફિલ્મમાં કરીના કપૂરના મોઢે એક ડાયલોગ છે. ફિલ્મમાં આમીર ખાનનું નામ રણછોડદાસ ચાંચડ છે. કરીના બોલે છે કે, ચાંચડ? યક! મેં શાદી કે બાદ અપની સરનેમ ચેન્જ નહીં કરૂંગી. ફિલ્મના અંતે જ્યારે સાચી વાત બહાર આવે છે અને ખબર પડે છે કે, આમીરનું નામ રણછોડદાસ ચાંચડ નહીં પણ ફૂંગ શૂક વાંગડુ છે, ત્યારે પણ કરીના બોલે છે કે, વાંગડુ? એને વાગંડુ સામે પણ વાંધો હતો! આ વાતને જરાક જુદી રીતે પણ કહી શકાય કે, કરીનાને તેની અટક સહસ્ત્રબુદ્ધે વધારે પ્રિય હતી. લગ્ન પછી ઘણી છોકરીઓને પોતાની સરનેમ બદલવી નથી ગમતી.

જાપાનમાં પતિ અને પત્નીએ એક જ અટક રાખવી ફરજીયાત છે. હવે આ કાયદો બદલવાનો છે. જાપાનમાં એક સર્વે થયો હતો. જેમાં પૂછવામાં આવ્યું હતું કે, લગ્ન પછી પત્નીએ પતિની સરનેમ રાખવી જોઇએ કે નહીં? 70.6 ટકાએ કહ્યું હતું કે, મારા લાઇફ પાર્ટનરની સરનેમ બીજી હોય તો અમને કોઇ પ્રોબ્લેમ નથી. પત્ની ઇચ્છે તો ભલે પિયરની અટક રાખે. જાપાનના વડાપ્રધાન યોશિંદે સુગાએ આ સર્વે પછી કાયદો બદલવાની વાત કરી તો એના જ પક્ષનો લોકો નારાજ થયા. તેમણે કહ્યું કે, પતિ-પત્ની બંનેની અટક અલગ અલગ હોય તો પરિવારની એકતા પર અસર પડે છે! આપણે ત્યાં આવા સર્વે થતા નથી. આપણે ત્યાં લગ્ન બાદ પત્ની પોતાના નામ પાછળ પતિનું નામ અને સરનેમ સહજતાથી સ્વીકારી લે છે.

આપણા દેશમાં નામ અંગે દરેક વ્યકિતને પસંદગીનો અબાધિત અધિકાર છે. એડવોકેટ ભાસ્કરભાઇ તન્ના કહે છે કે, પત્નીએ પતિની સરનેમ જ રાખવી એવો કોઇ કાયદો નથી. પત્ની ઇચ્છે તો એને પિયરની સરનેમ રાખતા કાયદેસર રીતે કોઇ રોકી ન શકે. નામ ન ગમતું હોય તો પણ બદલવાની અને પોતાની પાછળ પિતાનું નામ રાખવું કે માતાનું નામ રાખવું એની પસંદગી કરવાની પણ દરેકને છૂટ છે. નામ બદલવા માટે જે પ્રોસિજર છે એને ફોલો કરવી પડે છે.

ઘણી છોકરીએ લગ્ન બાદ પિયરની જ સરનેમ રાખે છે. અમુક તો વળી પિયર અને સાસરીયાની બંને સરનેમ રાખે છે. આપણે ત્યાં મોટાભાગે લગ્ન બાદ પતિની સરનેમ એટલા માટે અપનાવી લેવામાં આવે છે, કારણ કે ઓળખના પુરાવામાં લોચા ન થાય. સરકારી અને બેંકિંગ કામો માટેના ડોક્યુમેન્ટસમાં મેરેજ સર્ટિફિકેટ આપવું પડે છે. રેશનિંગ કાર્ડથી માંડીને પાસપોર્ટ સુધીના દસ્તાવેજોમાં નામના કારણે ઘણા બધા ઇસ્યૂઝ ઊભા થાય છે.

સરનેમ રાખવામાં ફાયદા અને ગેરફાયદા પણ જોવામાં આવે છે. ખાસ તો રાજકારણમાં સરનેમનો ટેક્ટફૂલી ઉપયોગ કરવામાં આવે છે. સ્વ. વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ પિતા નહેરુ દેશના પહેલા વડાપ્રધાન હતા છતાં નહેરુ સરનેમને બદલે પતિની સરનેમ ગાંધી રાખવાનું જ પસંદ કર્યું હતું. પ્રિયંકા હજુ પણ પોતાને વાડ્રા તરીકે નહીં પણ ગાંધી તરીકે જ ઓળખાવે છે. આપણે ત્યાં નહીં પાકિસ્તાન સહિત બીજા અનેક દેશોમાં પણ રાજકારણીઓએ માતા કે નાનાની સરનેમ વાપરી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. બેનઝીર ભુટ્ટોએ આસીફ અલી ઝરદારી સાથે લગ્ન કર્યા હતા. તેમનો દીકરો બિલાવલ પિતાની નહીં પણ માતા-નાનાની સરનેમ ભુટ્ટો જ વાપરે છે. સ્વાભાવિક છે કે, એ સરનેમથી એને ફાયદો થવાનો છે. બોલિવૂડમાં પણ મોટા ભાગની હીરોઇનો મેરેજ પછી પોતાની જૂની સરનેમ જ ચાલુ રાખે છે. કરીના કપૂર, માધુરી દીક્ષિત સહિત અનેક હીરોઇનો પોતાની અને પતિની એમ ડબલ સરનેમ લખે છે.

આપણે ત્યાં અગાઉ એવી પણ ચર્ચાઓ થયેલી છે કે, આખરે સરનેમની જરૂર જ શું છે? સરનેમના કારણે ઓળખ છતી થઇ જાય છે. આપણે એવા ઘણાયે કિસ્સા જોયા છે કે, કોઇ નામ પૂછે અને આપણે ખાલી નામ કહીએ તો બીજો સવાલ કરે કે, સરનેમ? આવું પૂછીને એને આપણી નાત અને જાતની જાણકારી મેળવવી હોય છે. દરેક સરનેમની પાછળ કોઇને કોઇ કથા હોય છે. આપણને ગમે કે ન ગમે આપણે આપણી સરનેમ ફોલો કરવી પડતી હોય છે, કારણ કે એ આપણને વારસામાં મળી હોય છે. અલબત્ત, આપણે ત્યાં માણસ ઇચ્છે તો સરનેમ પણ બદલી શકે છે. અમિતાભની સરનેમ બચ્ચન હતી જ નહીં, એમની મૂળ સરનેમ તો શ્રીવાસ્તવ છે. બચ્ચન તો અમિતાભના પિતા હરિવંશરાય શ્રીવાસ્તવનું તખલ્લુસ હતું. બચ્ચન સરનેમની શરૂઆત જ હરિવંશરાયથી થઇ છે. અમિતાભની પુત્રવધૂ ઐશ્વર્યા હજુયે ઐશ્વર્યા રાય-બચ્ચન જ લખે છે. સરનેમ બદલવા વિશે એક યુવતીએ સરસ વાત કરી કે, લગ્ન પછી છોકરીની જિંદગીમાં ઘણું બધું બદલી જતું હોય છે. અમુક જ્ઞાતિઓમાં તો લગ્ન પછી નામ પણ બદલી નાખવામાં આવે છે. આપણે ત્યાં કાયદા કરતા પરંપરાના નામે ઘણું બધું ચાલતું રહે છે. સાચી વાત એ છે કે, છોકરી સહજતાથી સ્વીકારે એમાં કોઇ પ્રોબ્લેમ ન હોવો જોઇએ, હા એના ઉપર નામ કે અટક બદલવાની જબરજસ્તી ન થવી જોઇએ. માથામાં સિંદૂર પૂરવું જોઇએ એવું કોઇ કાયદો નથી કહેતો. પ્રેમ હોય ત્યાં બધું સહજ હોવું જોઇએ, સખત નહીં!

————–

પેશ-એ-ખિદમત

યારો કિસી કાતિલ સે કભી પ્યાર ન માંગો,

અપને હી ગલે કે લિએ તલવાર ન માંગો,

સચ બાત પે મિલતા હૈ સદા જહર કા પિયાલા,

જીના હૈ તો ફિર જીને કા ઉઝહાર ન માંગો.

-કતીલ શિફાઇ

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 06 ડિસેમ્બર 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: