એક અંગત ‘વીલ’ બનાવીએ કે જિંદગી પૂરેપૂરી જીવી લેવી છે – દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

એક અંગત ‘વીલ’ બનાવીએ કે

જિંદગી પૂરેપૂરી જીવી લેવી છે

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

*****

કોરોના કાળમાં લોકોએ વીલ બનાવવાના બહુ કામ કર્યા.

એક ભાઇએ કહ્યું કે, મેં એક અંગત વીલ પણ બનાવ્યું છે કે,

હવે મારે મારી જિંદગી દિલથી જીવવી છે

*****

ક્યારેક ઠોકર પણ જિંદગી જીવવાનું કારણ પૂરું પાડતી હોય છે.

કોરોનાના કારણે આપણી જિંદગીમાં

કેટલું અને કેવું પરિવર્તન થયું છે?

*****

જિંદગીની દરેક ઘટના આપણને કંઇક શીખવી જતી હોય છે. જો આપણે કંઇક શીખવું હોય તો! છેલ્લા છ મહિનાથી આખી દુનિયા ક્યારેય કલ્પના પણ કરી ન હોય એવા કપરા કાળમાંથી પસાર થઇ રહી છે. અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે પણ કોરોનાનો ખતરો તો એવોને એવો બરકરાર છે. હા, થોડા સમયમાં વેક્સિન શોધાઇ જશે. બધું સારું નરવું થઇ જશે. આપણે બધા ન્યૂ નોર્મલમાંથી ફરીથી ઓલ્ડ નોર્મલમાં સરી જશું. સવાલ એટલો છે કે, કોરોનાથી આપણામાં કશો ફેર પડ્યો છે ખરો? કોરોના વિશે એક વાત એવી થાય છે કે, હવે કોઇપણ વાતનું મૂલ્યાંકન બિફોર કોરના અને આફટર કોરોનાના આધાર પર થશે. આફટર કોરોના પછી લાઇફ કેવી હશે? કોરોનાના સમયમાં બનેલી એક-બે સાવ સાચી વાત સાંભળવા જેવી છે. આપણે બધાએ એક વાત બહુ સાંભળી છે કે, આ સમયમાં ઘણા લોકોએ વીલ બનાવી લીધા. પોતે ન હોય તો કોને શું આપવાનું? એક ભાઇએ તેની સાથે જરાક જુદું પણ વિચાર્યું કે, પોતે હોય તો જિંદગી કેવી રીતે જીવવી?

કોરોના પહેલા એ ભાઇ રૂપિયા કમાવવામાંથી નવરા ન પડતા. આખો દિવસ કામમાં જ રચ્ચા પચ્યા રહેતા. પોતાને જે કરવું હતું એના વિચાર આવે ત્યારે એવું વિચારતા કે, આરામથી કરીશ. અચાનક તેઓ કોરોના સંક્રમિત થયા. દવાખાને દાખલ થયા. વેન્ટિલેટર સુધી જઇને પાછા આવ્યા. તેણે પોતાનું વીલ બનાવ્યું. વીલ બનાવતી વખતે તેણે એના મિત્રને કહ્યું કે, એક અંગત વીલ પણ બનાવ્યું છે. એ વીલમાં એવું છે કે, હવે મારે મારી જિંદગી પૂરેપૂરી જીવવી છે. દવાખાનામાં હતો ત્યારે એ જ વિચાર આવતો હતો કે, મરી જઇશ તો? એની સાથે હું એ પણ વિચાર કરતો હતો કે, જીવી જઇશ તો? તો મારી જિંદગીને ભરપૂર જીવીશ. મારા લોકો સાથે સમય પસાર કરીશ. ફરવા જઇશ અને જે ગમે એ કરીશ. હવે બચી ગયો છું ત્યારે એ વીલનો અમલ કરવો છે.

મોત જ્યારે નજર સામે આવે ત્યારે જ કદાચ જિંદગીના સૌથી વધુ વિચારો આવતા હોય છે. ક્યારેક ઠોકર પણ જિંદગી જીવવાનું કારણ પૂરું પાડે છે અને સાચો રસ્તો બતાવે છે. ઠોકર કહે છે કે, તું ખોટા રસ્તે હતો. હવે તક મળી છે. હવે તો સાચા રસ્તે આવી જા! વાત મોતથી ગભરાવવાની નથી. વાત જિંદગી જીવવાની છે. બીજી એક સાચી ઘટના પણ યાદ રાખવા જેવી છે. એક ભાઇને કોરોના થયા પછી દવાખાનામાં ખસેડવામાં આવ્યા. તેની હાલત નબળી પડતી જતી હતી. વીડિયો કોલથી એ ઘરના લોકોના સંપર્કમાં હતા. એક વખત તેણે વીડિયો કોલમાં વાત કરતી વખતે કહ્યું કે, મને નથી લાગતું કે હું બચું! તેણે એક નિઃસાસો નાખીને કહ્યું કે, મારી આજુબાજુમાં સારવાર લેતા લોકોમાંથી રોજ બે-ચાર મરી જાય છે. આ વાત સાંભળીને તેના એક સ્વજને કહ્યું કે, તારી આજુબાજુમાં કેટલા મરી જાય છે એ ન જો, એ જો કે કેટલા લોકો સાજા થઇ જાય છે? કેટલા લોકો હેમખેમ ઘરે જાય છે? મરી જવાના વિચાર ન કર, જિંદગી જીવવાના વિચાર કર! આ એક વાતથી એ ભાઇમાં પરિવર્તન આવી ગયું. એ બહાર આવ્યા ત્યારે કહ્યું કે, હવે પછી આખી જિંદગી મોત નહીં પણ જિંદગીના જ વિચારો કરીશ.

આ સમય જિંદગી જીવવાના કેટલા બધા પાઠ પૂરા પાડે છે? એક વધુ ઘટના જોઇએ. કોરોનાના પ્રારંભમાં જ્યારે સખત લોકડાઉન હતું ત્યારે એક ભાઇ બીમાર પડ્યા. એને કોરોના નહોતો પણ બીજી બીમારી હતી. ઘરના લોકો કોરોનાના કારણે અપસેટ હતા. ઘરમાં બીમારીના કારણે પણ વાતાવરણ બોઝિલ હતું. બીમાર વ્યક્તિના પલંગની સામેની દીવાલમાં એક ઘડીયાળ હતી. થયું એવું કે, એ ઘડીયાળ બંધ પડી ગઇ. એ ભાઇએ તેના સનને કહ્યું કે, ઘડીયાળ ચાલુ કરી દે. ઘડીયાળનો સેલ પૂરો થઇ ગયો હતો. ઘરમાં બીજો સેલ નહોતો. બહાર તો બધું બંધ હતું એટલે સેલ લઇ આવવાનો સવાલ નહોતો. દીકરાએ કહ્યું કે, સેલ તો નથી. બીમાર પિતાએ કહ્યું કે, તો એક કામ કર, ઘડીયાળ દીવાલ પરથી ઉતારીને કબાટમાં મૂકી દે! દીકરાએ પૂછ્યું કે, એવું કરવાનું કેમ કહો છો? પિતાએ કહ્યું, એટલા માટે કે મારે ઘડીયાળને બંધ નથી જોવી. મારે એ ફીલ કરવું છે કે, સમય ચાલે છે અને આ સમય પણ ચાલ્યો જવાનો છે. મારે મારી નજર સામે સમયને ચાલતો જોવો છે, અટકેલો નહીં!

કોરોનાના કારણે જિંદગી જીવવાના નજરિયામાં જો કંઇ ફેર ન પડે તો સમજવું કે, આ સમય એળે ગયો છે. આપણે આમ તો આખી જિંદગી રોદણાં રડવામાંથી જ નવરા પડતા નથી. હજુયે કોરોનાના નામના રોદણાં જ રડીએ છીએ કે, નવરાત્રિ બગડી અને હજુ દિવાળી પણ સારી જાય એવું લાગતું નથી. કોરોના તો વહેલો કે મોડો ચાલ્યો જશે પણ આપણામાં જે બદલાવ આવશેને એ કાયમી રહેવાનો છે. આ ચેન્જ, આ પરિવર્તન પોઝિટિવ હોવું જોઇએ. એવું જે આપણને આપણી નજીક લઇ જાય, આપણને જિંદગીની નજીક લઇ જાય! આપણે કહીએ છીએ કે, જાન હૈ તો જહાન હૈ, સાચી વાત પણ જાન હોવા છતાં આપણે જીવીએ છીએ કેટલું? કેટલી હાયવોય કરીએ છીએ? એક હિંદી ભાષી મિત્રએ કહ્યું કે, કોરોના કા રોના છોડ દીયા હૈ, ઔર હસના શીખ લીયા હે! દિલ પર હાથ રાખીને વિચારજો કે, કોરોનાથી આપણે ખરેખર કંઇ શીખ્યા છીએ ખરા? એક અંગત વીલ બનાવો, જેમાં પોતાની મરજી મુજબ જીવવાનું લખો અને સમય બગાડ્યા વગર જિંદગી જીવવાનું શરૂ કરી દો!

————–

પેશ-એ-ખિદમત

મુદતોં સે હમ ને કોઇ ખ્વાબ ભી દેખા નહીં,

મુદતોં ઇક શખ્સ કો જી ભર કે દેખે હો ગયે,

બસ તેરે આને કી ઇક અફવાહ કા એસા અસર,

કૈસે કૈસે લોગ થે બીમાર અચ્છે હો ગયે.

-નૌમાન શૌક

—————-

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 11 ઓકટોબર 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: