ક્રિમિનલ સાઇકોલોજી : વિકાસ દુબે જેવા ખૂંખાર ગુનેગારો કેમ પાકે છે? : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

ક્રિમિનલ સાઇકોલોજી : વિકાસ દુબે

જેવા ખૂંખાર ગુનેગારો કેમ પાકે છે?

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

*****

આઠ પોલીસમેનનો હત્યારો વિકાસ દુબે

આખરે પોલીસના હાથે જ માર્યો ગયો.

હાર્ડકોર ક્રિમિનલ વિકાસની નસેનસમાં ખૂન્નસ હતું.

વિકાસ આવો ગુનેગાર બન્યો કઇ રીતે બન્યો?

*****

આપણે ત્યાં વિકાસ જેવા સાઇકો ક્રિમિનલ

ફિલ્મ અથવા તો વેબ સિરીઝના વિષય બને છે પણ

ક્રિમિનલ સાઇકોલોજીના એક કેસ તરીકે

તેનો અભ્યાસ કરવામાં આવતો નથી

*****

‘બધા પોતપોતાનાં હથિયારો લઇને ઘરે આવી જાવ, આજે લડી લેવાનું છે’. ઉત્તર પ્રદેશના ખૂંખાર ગુનેગાર વિકાસ દુબેને જ્યારે ખબર પડી કે, તેના ઘરે આજે રાતે પોલીસ ત્રાટકવાની છે ત્યારે તેણે પોતાની ગેંગના તમામ લોકોને ઘરે બોલાવી લીધા હતા. રાતે પોલીસ આવી ત્યારે વિકાસ અને તેના માણસોએ અંધાધૂંધ ફાયરિંગ કરીને આઠ પોલીસમેનને મારી નાખ્યા. આ ઘટના પછી દરેકને એવો વિચાર આવે એ સ્વાભાવિક છે કે, આ તે કેવો માણસ છે! એને ખબર નહીં હોય કે, આઠ આઠ પોલીસમેનની હત્યાનું પરિણામ કેવું આવી શકે છે? જોકે, એને એવો વિચાર કદાચ નહીં આવ્યો હોય! એનું કારણ એ છે કે, જે માણસે પોલીસ ચોકીમાં ઘૂસીને મિનિસ્ટર દરજ્જાના એક નેતાને મારી નાખ્યો હોય, કોલેજમાં ઘૂસીને પ્રિન્સિપાલની હત્યા કરી હોય, તેને એવું જ લાગે કે આવું તો કરાય! હાર્ડકોર ક્રિમિનલો જરાક જુદી રીતે વિચારતા હોય છે. મારો કોઇ વાળ વાંકો કરી શકે એમ નથી, એવા ભ્રમમાં એ રાચતા હોય છે. ઉજ્જૈનમાં પણ વિકાસે એવા પ્રયાસો કર્યા કે, તેનું એન્કાઉન્ટર ન થાય. અલબત્ત, પોલીસે એને ઠાર માર્યો. પોલીસ એન્કાઉન્ટર સાચું હતું કે ખોટું, એ એની જગ્યાએ છે. એન્કાઉન્ટરને દરેક વ્યક્તિ પોતાની રીતે મૂલવે છે. કોઇ કહે છે કે વિકાસ એ જ લાગનો હતો. આપણી કાનૂની પ્રક્રિયા ખૂબ ધીમી અને જટિલ છે. ગુનેગારો ક્રાઇમ કરીને થોડા સમયમાં આરામથી ફરતા થઇ જાય છે અને વધુને વધુ ખતરનાક બનતા જાય છે. સામા પક્ષે આવાં એન્કાઉન્ટરનો વિરોધ કરનારા કહે છે કે, આવું કરવું વાજબી નથી. સુપ્રસિદ્ધ એડવોકેટ ઉજ્જવલ નિકમે એવી વાત કરી કે, જો આવું જ ચાલ્યું તો ન્યાય અદાલતને બદલે પોલીસ કરતી થઇ જશે. ખેર, જે થવાનું હતું એ થઇ ગયું. વિકાસ થોડા જ સમયમાં ભુલાઇ જશે. ભવિષ્યમાં વિકાસ જેવો કોઇ બીજો પાકશે ત્યારે એક રેફરન્સ તરીકે વિકાસની નોંધ લેવાશે.

વિકાસનાં કાળાં કરતૂતોની ખૂબ વાતો થઇ. સાવ સામાન્ય ઘરના છોકરામાંથી વિકાસ આટલો મોટો ગુનેગાર કેવી રીતે બની ગયો? એની લાઇફમાં એવું તે શું બન્યું હતું કે,એ લોહીનો તરસ્યો બની ગયો? ક્રાઇમ એને પ્લેઝર આપતું હતું? કે પછી એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખતરનાક ઘટનાઓને અંજામ આપતો હતો? આ બધા વિષય ક્રિમિનલ સાઇકોલોજીના છે. આપણે ત્યાં વિકાસ જેવો ગેંગસ્ટરો, માફિયાઓ કે ક્રિમિનલો પાકે ત્યારે મોટા ભાગે એ ફિલ્મ કે વેબ સિરિઝના વિષયો બને છે. ભાગ્યે જ આપણે આવા ગુનેગારોને ક્રિમિનલ સાઇકોલોજીના એક કેસ સ્ટડીની જેમ જોઇએ છીએ અને તેનો અભ્યાસ કરીએ છીએ. કોઇ માણસ એમ જ ગુનેગાર નથી બનતો, એની પાછળના કારણો હોય છે. એમેઝોન પ્રાઇમ ઉપર હમણાં આવેલી વેબ સિરિઝ બ્રિધની બીજી સિરિઝ બ્રિધ : ઇનટુ ધ શેડોઝમાં અવિ ઉર્ફે અભિષેક બચ્ચન કેવી રીતે ગુનેગાર બન્યો એની વાત કહેવામાં આવી છે. સતત ઝઘડતા માતા-પિતા, અકસ્માતમાં માતાનું મોત, સ્વજનો દ્વારા અવગણના, એકલવાયી જિંદગી અને જિંદગીમાં બનેલી બીજી ઘટનાઓએ અવિને ક્રિમિનલ બનાવી દીધો હતો.

ગુનાનું મનોવિજ્ઞાન રસપ્રદ વિષય છે. ગુનેગારોની માનસિકતા રહસ્યમય હોય છે. એનો અભ્યાસ થાય તો એને સારી રીતે સમજી શકાય છે. એક સવાલ એવો પણ થાય કે, ખતરનાક ગુનેગારોને સમજીને શું કરવું છે? આવા લોકોને તો પકડીને જેલ ભેગા કરવા જોઇએ. હત્યારાઓને ફાંસીને માંચડે ચડાવી દેવા જોઇએ. આવું કહેવું બરાબર નથી. અભ્યાસ કરવામાં આવે તો અમુક ગુનેગારોને વધુ ખતરનાક બનતા રોકી શકાય છે. અમેરિકા અને યુરોપના દેશોમાં તો ગુનેગારો માટે રિહેબિલિટેશન સેન્ટર અને મેન્ટલ અસાઇલમ હોય છે. નાનાં હોય અને પહેલો ગુનો કરે ત્યારે જ તેની સારવાર કરવામાં આવે છે. આપણે ત્યાં જેલને સારી ભાષામાં સુધારણા કેન્દ્ર કહેવામાં આવે છે, એ વાત જુદી છે કે જેલમાં ગુનેગારો સાથે જે થાય છે એ સુધારવા કરતા બગાડવાનું કામ વધુ કરે છે. ગુનેગારો કોઇને કોઇ માનસિક બીમારીથી પીડાતા હોય છે. સાઇકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણી કહે છે કે, ક્રાઇમ એગ્રેસન જિનેટિકલ પણ હોય છે. ખુન્નસ વારસામાં મળ્યું હોય એને પછી ગુનાનું વાતાવરણ મળે તો માણસ ગુનેગાર બની જાય છે. ખરાબ બચપણ, માતા-પિતાનું ઝઘડાળું દાંપત્ય, નાના હોય ત્યારે એબ્યૂઝનો શિકાર, બદમાશો સાથે દોસ્તી, નશાની લત સહિત અનેક કારણો માણસને ગુનાની દુનિયા તરફ ધકેલે છે. માણસ પાસે તાકાત સિવાય કંઇ ન હોય ત્યારે એ પોતાનાં બળને જોરે બાજી જીતવાનો પ્રયાસ કરે છે. એક વાર લોકો ડરે કે કોઇ લાભ થાય એ પછી એ એવું જ માનવા લાગે છે કે, આમ જ હોય અને આવું જ કરાય! અમુક લોકોને તો મોતનો પણ ડર હોતો નથી. એ લોકો એવું જ માનતા હોય છે કે, જીવવું તો દાદાગીરીથી જીવવું! એ વાત જુદી છે કે, મોત જ્યારે સામે આવે ત્યારે એના તમામ ગાત્રો શિથિલ થઇ જતા હોય છે.

દરેક ગુનાનો કોઇ મોટિવ હોય છે. અમુક માણસને ગુનો કરવો હોતો નથી, એનાથી ગુનો થતાં થઇ જાય છે, ક્યારેક ગુસ્સામાં તો ક્યારેક બીજા કોઇ કારણસર એ ગુનો કરી બેસે છે. હાર્ડકોર ગુનેગારોનો તો સ્વભાવ જ ગુનો કરવાનો હોય છે. એને તો થોડા દિવસમાં કંઇ ન કરે તો મજા આવતી નથી. નાનાં બાળકોનાં બિહેવિઅર ઉપર નજર રાખવામાં આવે અને કંઇ ડાઉટફુલ લાગે તો એને ક્રિમિનલ બનતાં રોકી શકાય છે. કમનસીબે, બાળકોને સમજવા માટે આપણી પાસે નથી એટલો સમય કે નથી એવી દાનત!

—————

પેશ-એ-ખિદમત

દરિયા હો યા પહાડ હો ટકરાના ચાહિએ,

જબ તક ન સાંસ ટૂટે જિએ જાના ચાહિએ,

યૂં તો કદમ કદમ પે હૈ દીવાર સામને,

કોઇ ન હો તો ખુદ સે ઉલઝ જાના ચાહિએ

-નિદા ફાજલી

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 19 જુલાઇ 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: