તને કેમ બધામાં કોઈ ને કોઈ પ્રોબ્લેમ દેખાય છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તને કેમ બધામાં કોઈ ને

કોઈ પ્રોબ્લેમ દેખાય છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

દુશ્મનો વાત ઉડાવે છે કે હું ફિલસૂઝ છું,

માત્ર જાણે છે ખુદા બહેતર કે એમાં શું ખરું?

માનવી રૂપે જનમ લીધો છે જો સંસારમાં,

‘કોણ છું હું’ એટલું યે શું વિચારી ના શકું?

-શૂન્ય પાલનપુરી

માણસ વિશે તમારા મનમાં ઓવરઓલ કેવી ઇમેજ છે? સરવાળે માણસ કેવો હોય છે? માણસ વિશે પણ આપણા મનમાં કેટલીક ગ્રંથિઓ થઈ ગઈ હોય છે. અમુક લોકો એવું જ માનતા હોય છે કે, માણસ સ્વાર્થી છે, માણસ મતલબી છે, પોતાનું કામ હોય ત્યારે માણસ કાલાવાલા કરે છે, બીજાને કામ પડે ત્યારે એ રોફ જમાવે છે, ઊંચો હોદ્દો ભોગવતા લોકો પોતાની જાતને સમથિંગ માને છે, સરવાળે માણસ જરાયે ભરોસાપાત્ર નથી! સાવ અજાણ્યા માણસ સાથે કોઈ કારણસર વાત કરવાનું થાય ત્યારે આપણું વર્તન કેવું હોય છે? દુનિયામાં આટલા બધા લોકો છે. આપણને બધા સાથે કંઈ લાગતુંવળગતું હોતું નથી. બહુ થોડા લોકો સાથે આપણને નિસ્બત હોય છે. જેમની સાથે રોજેરોજનો સંપર્ક કે સંવાદ હોય એવા લોકોની સંખ્યા તો ઘણી નાની હોય છે. આપણી આસપાસ જે લોકો હોય છે એની પણ આપણે એક ઇમેજ બનાવી રાખી હોય છે. આપણે મનમાં ગાંઠ વાળી લઈએ છીએ કે આ માણસ તો આવો જ છે!

એક છોકરીને નવી જોબ મળી. એ પહેલી વખત તેની ઓફિસે ગઈ. રિસેપ્શન એરિયામાં જઈને તેણે સામેથી આવતા એક યુવાનને સવાલ કર્યો. એચઆર ડિપાર્ટમેન્ટ ક્યાં આવ્યો? પેલા છોકરાએ એની સામે જોયું. ખૂબ જ તોછડાઈથી તેણે કહ્યું, અભણ છો? કંઈ સમજ નથી પડતી? આ સાઇન બોર્ડ છે એ નથી દેખાતાં? જરાક આજુબાજુમાં નજર તો કરો! અહીં એરો માર્યો જ છે કે એચઆર ડિપાર્ટમેન્ટ ક્યાં છે. મોઢું મચકોડીને એ યુવાન ચાલ્યો ગયો! પેલી છોકરીને થયું કે, અરે! આ માણસ તો વિચિત્ર છે! કારણ વગર જ ઉશ્કેરાઈ ગયો! જોબ ચાલુ થઈ ત્યારે તેને ખબર પડી કે, એ છોકરો પણ ઓફિસમાં જ નોકરી કરે છે. એ છોકરો જ્યારે પણ સામો મળે ત્યારે છોકરી મોઢું ફેરવી લે! આને વતાવવાનો કોઈ અર્થ નથી! મગજનો છટકેલ છે! એક વખત એવું થયું કે, ઓફિસના કામ માટે તેની સાથે જ વાત કરવાની હતી. એ છોકરી છોકરાના ડેસ્ક પાસે ગઈ. તેણે પૂછ્યું કે, આ કોરસ્પોન્ડ્સની ડિટેઇલ મારે જાણવી છે. છોકરીને હતું કે, આ હમણાં વાયડાઈથી વાત કરશે. છોકરાએ કહ્યું, બેસો. તેણે પોતાના કમ્પ્યૂટર પરથી નાનામાં નાની ડિટેઇલ સરસ રીતે સમજાવી! છોકરીએ જતી વખતે થેંક્યૂ કહ્યું! છોકરાએ કહ્યું, એક મિનિટ, મારા વિશે તમે મનમાં જે ગ્રંથિ બાંધી લીધી છે ને, એને હટાવી દો! હું તોછડો નથી! મારી વાત સાંભળીને તમે મને તોછડો સમજી લીધો, એવો કેમ ન સમજ્યો કે, આ માણસની વાત તો સાચી છે! હું ખોટો હતો? આપણે બધા એવું જ કરીએ છીએ. કોઈના વિશે અભિપ્રાય બાંધી લઈએ છીએ અને પછી એ અભિપ્રાય સાથે જ જીવીએ છીએ!

માણસ તો જેની સાથે એને પનારો ન હોય એના વિશે પણ માન્યતા બાંધી લે છે. સેલિબ્રિટીઝ વિશે પણ આપણા મનમાં એક ઇમેજ હોય જ છે! આ કલાકાર આવો છે, એ તેવો છે, સારા કે ખરાબના અનુભવો વગર આપણે દરેકના કપાળ ઉપર એક થપ્પો મારી દઈએ છીએ! માણસ માણસ વિશે પણ ઉદારતા કે વિશાળતાથી વિચારતો નથી! દુનિયાના દરેક માણસો ખરાબ નથી. બધા સારા પણ નથી. બધી જ જાતના લોકો આ દુનિયામાં છે. સવાલ એ હોય છે કે આપણે તેને કેવા ધારીએ છીએ! આપણા મનમાં માણસો વિશે કેવા કેવા વિચારો છે? આપણે દુનિયાને આપણી નજરથી જોઈએ છીએ. એટલે જ આપણે સહુથી વધુ વિચાર આપણી નજર પર કરવાનો હોય છે. આપણે જે કંઈ માનીએ, જે કંઈ વિચારીએ, જે કંઈ ધારીએ કે જે કંઈ કરીએ એની સૌથી વધુ અસર આપણા પર જ થવાની છે. આપણે કોઈના વિશે ઉકળાટ ઠાલવતા હોઈએ ત્યારે આપણે જ બળતા હોઈએ છીએ. સામાવાળા માણસને તો ઘણી વખત ખબર પણ નથી હોતી કે આ મારા વિશે આવું વિચારે છે!

જગત સરવાળે એવું જ રહે છે જેવું આપણે એને સમજીએ છીએ. સારા લોકોને બધું સારું લાગે છે. એનું કારણ એ હોય છે કે એ પોતે જ સારા હોય છે. વિચારવાની પણ એક આદત પડતી હોય છે. ઘણા લોકો બીજામાં વાંધા જ શોધતા હોય છે. વાંધા મળી પણ આવે છે. કોઈ સંપૂર્ણ નથી. બધામાં કોઈ ને કોઈ અધૂરપ કે ખામી હોવાની જ છે. એ સાથે કંઈક એવું પણ હોવાનું, જે ઉમદા, યુનિક અને અલૌકિક હોય. એક યુવતીની આ વાત છે. તે પતિ અને સાસુ-સસરા સાથે રહેતી હતી. યુવતીની એક બહેનપણી સમયે સમયે તેના ઘરે આવે. બહેનપણીનાં સાસુ સાથે પણ વાત થાય. એક વખત તેણે પોતાની બહેનપણીને કહ્યું કે, તારી સાસુ તો બહુ વિચિત્ર છે. બધી પંચાત કરે છે. શું કર્યું, બધું કેમ છે, એવા જાતજાતના સવાલો પૂછે રાખે છે! આ વાત સાંભળીને યુવતીએ કહ્યું, ના એવું નથી. મારાં સાસુ કોઈ ખટપટ કરવા કે જાણવા માટે કંઈ નથી કરતાં. એ તો તારી ચિંતા કરતાં હોય છે. મને અનેક વખત તેમણે પૂછ્યું છે કે, તારી બહેનપણી મજામાં છે ને? તું થોડા દિવસ ન આવી હોય તો પણ એ પૂછે છે કે, તારી બહેનપણી કેમ હમણાં નથી દેખાઈ? એ કોઈ પ્રોબ્લેમમાં નથી ને? તું એમના વિશે એવું ન વિચાર, એ બહુ સારાં છે. આપણા લોકો વિશે ક્યારેક કોઈ બોલે ત્યારે આપણો પ્રતિભાવ કેવો હોય છે? આપણા લોકોની ઇમેજ ન ખરડાય એ જોવાની પણ આપણી જવાબદારી છે. આપણે ઘણી વખત બીજાની વાતમાં હાએ હા કરતા હોઈએ છીએ. ક્યારેક ચૂપ રહીને મૂક સંમતિ આપી દઈએ છીએ. કોઈના વિશેની વાત હોય ત્યારે સાચી વાત કહેવી જોઈએ. ઘણા લોકોની ફિતરત જ બીજાનું બૂરું બોલવાની હોય છે.

ફ્રેન્ડ્સનું એક ગ્રૂપ હતું. આ ગ્રૂપના પાંચ-સાત ફ્રેન્ડ્સ રેગ્યુલરલી મળતા હતા. બધા ભેગાં થયા હોય ત્યારે કોઈકની વાત તો નીકળે જ. એક ફ્રેન્ડ કોઈની પણ વાત હોય એમાં નેગેટિવ જ બોલે! એક વખત એક ડોક્ટરની વાત ચાલતી હતી. એક ફ્રેન્ડે કહ્યું કે, એ ડોક્ટર બહુ હોશિયાર છે. સર્જરીમાં તો એની માસ્ટરી છે. એનો સક્સેસ રેટ બહુ ઊંચો છે. આ વાત સાંભળીને વાંકદેખા ફ્રેન્ડે કહ્યું, હા એ હશે, પણ એ બહુ કંજૂસ માણસ છે. ચમડી તૂટે પણ દમડી ન છૂટે! તેના ખિસ્સામાંથી એક રૂપિયો ન નીકળે! આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, તને કેમ બધામાં કોઈ ને કોઈ પ્રોબ્લેમ દેખાય છે? એ ડોક્ટર કંજૂસ હશે, પણ એણે કોઈનું કંઈ બગાડ્યું નથી. એ માણસ બધા સાથે સારી રીતે પેશ આવે છે. એ નેચર લવર પણ છે. તને બીજી કોઈ વાત યાદ ન આવી અને એની કંજૂસાઈ જ દેખાઈ? યાર, સારું શોધ, નહીંતર ખરાબ જ દેખાતું રહેશે! કોઈ જ વાંધો હોય અને વાંધો દેખાય તો હજુ બરાબર છે. આપણે તો કોઈનું ખરાબ બોલવા માટે જ કોઈ મુદ્દો કે કોઈ પોઇન્ટ શોધતા હોઈએ છીએ!

માણસને ઓળખવા માટે એ પણ જરૂરી છે કે એની ‘કૂથલી’ કેવી છે? એ કોની કૂથલી કરે છે? કેવી કૂથલી કરે છે? કૂથલી પણ નિર્દોષ હોવી જોઈએ. અંગત લોકો કે મિત્રો ભેગા થાય ત્યારે કૂથલી થવાની છે. આપણે કેવી કૂથલી કરીએ છીએ તેના પરથી પણ આપણું માપ નીકળતું હોય છે. આપણી ખટપટ, આપણી રમત, આપણા કાવાદાવા સરવાળે તો આપણી ફિતરત વ્યક્ત કરે છે.

આપણી વાત એ આપણું ‘સ્ટેટમેન્ટ’ છે. જોકે, બધી વાત આપણે ‘સ્ટેટમેન્ટ’ કરતા હોઈએ એ રીતે નથી કરતા! અંગત લોકો સાથે થતી વાતો અને જાહેરમાં કરાતી વાતોમાં ફર્ક હોય છે. એટલે જ માણસે બોલવામાં ધ્યાન રાખવું પડતું હોય છે. વાતના સંદર્ભ જુદા જુદા હોય છે. ઘણી વખત એવું પણ થતું હોય છે કે, આપણે વાત જુદા અર્થમાં કહી હોય અને એને અલગ જ મતલબમાં લઈ લેવામાં આવે છે. એમાં પણ જ્યારે કોઈના વિશેની વાત હોય ત્યારે એ થોડીક સંવેદનશીલ બની જાય છે. આપણા સંબંધો આપણા શબ્દોથી પણ બનતા કે બગડતા હોય છે. જે પોતાના લોકો છે એનું ઘસાતું બોલાઈ ન જાય એની તકેદારી કેટલા લોકો રાખતા હોય છે? આપણે જ્યારે આપણા જ લોકોની વાત કરીએ ત્યારે એ એટલા માટે મહત્ત્વની બની જાય છે કે આપણે એની સૌથી વધુ નજીક હોઈએ છીએ. એટલે જ ઘણા લોકો એવી ભૂમિકા બાંધીને વાત કરતા હોય છે કે, આ બીજા કોઈએ નહીં, પણ તેની સૌથી નજીકની વ્યક્તિએ વાત કરી છે. ઘણા લોકો તો પોતાના લોકોનું પણ સારું બોલી શકતા નથી. છેલ્લે એના વિશે પણ એવું જ બોલાતું હોય છે કે, આને તો કોઈ સારું લાગતું જ નથી! તમને કોણ કેવું લાગે છે? એ વિશે વિચાર કરજો! છેલ્લે તો આપણે જેવું બોલીએ છીએ એના ઉપરથી જ આપણે કેવા છીએ એ છતું થતું હોય છે!

છેલ્લો સીન :

બધા લોકો બધી વાત ‘કહેવા’ કે ‘સાંભળવા’ માટે લાયક નથી હોતા. બેવકૂફ લોકોને ડાહી વાત કરવી એ હાથે કરીને મૂરખ બનવા જેવું છે.                      -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 27 મે 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “તને કેમ બધામાં કોઈ ને કોઈ પ્રોબ્લેમ દેખાય છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply to jayesh Cancel reply

%d bloggers like this: