હિડન ફોલ્ડરના ફોટોગ્રાફ્સની જેમ જીવાતા થોડાક સંબંધો – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હિડન ફોલ્ડરના ફોટોગ્રાફ્સની

જેમ જીવાતા થોડાક સંબંધો

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હું શમણાંઓને ગાળું છું, એ ઘટનાઓને લૂછે છે,

હું શબ્દ બનીને સળગું છું, એ મૌન લખીને ઘૂંટે છે.

હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું જઇ પૂછ વિરહની રાતોને,

અહીં રોજ નિરાશા ફણગે છે, અહીં રોજ નિસાસા ઊગે છે.

-મિલિન્દ ગઢવી

સંબંધો એકરંગી નથી હોતા. સંબંધો અનેકરંગી હોય છે. થોડાક ગુલાબી, થોડાક લાલ, થોડાક ધોળા અને થોડાક કાળા. માણસ કેવો છે એ નક્કી કરીને આપણે એની સાથેના સંબંધોમાં રંગ પૂરીએ છીએ. ક્યારેક કોઇ રંગ ઘાટ્ટો બને છે તો ક્યારેક અમુક રંગ રેલાઇ જાય છે. આછા પડી ગયેલા રંગમાં સંબંધોનું ઝાંખું પ્રતિબિંબ ઉપસે છે. દરેક સંબંધ જુદી જુદી રીતે જીવાય છે. કોઇ આનંદ આપે છે, તો કોઇ આક્રોશ. વેદના એ સંવેદનાનું જ એક રૂપ છે. અમુક પીડાઓ પણ પંપાળવાનું મન થતું રહે એવી હોય છે. જે સ્પર્શ ટેરવાંને મખમલી લાગ્યો હોય એ જ ક્યારેક દઝાડે છે. અમુક સ્પર્શ, અમુક સંવાદ, અમુક સ્મરણો અને અમુક સાંનિધ્ય ‘ફ્રોઝન’ થઇ જાય છે. આપણે એને ભૂલવા હોતા નથી. આપણે એને બગડવા પણ દેવા હોતા નથી. આપણે તેને સાચવી રાખવા હોય છે. ‘ફ્રોઝન’ થઇ ગયેલા સંબંધો ક્યારેક ઓગળે છે અને આંખોમાંથી ટપકે છે. ક્યારેક હાસ્ય બની હોઠો પર છલકે છે. શ્વાસની ગતિ થોડીક વધે છે અને ધબકારા આપણને અતીતમાં ખેંચી જાય છે.

દિલમાં પણ એક ‘હિડન ફોલ્ડર’ હોય છે. યાદોના પાસવર્ડથી જ એ ફોલ્ડર ખૂલે છે. સંતાડીને રાખેલા સંબંધો એકાંતમાં જીવાય છે. થોડાંક ફૂલો અચાનક ઊઘડે છે. થોડીક ખુશબૂ ફેલાય છે. કેટલું બધું એકસાથે ઊમટી આવે છે. થોડાક શબ્દો ખૂલે છે. થોડાક અર્થો પ્રગટે છે. ક્યારેક ભ્રમમાં જીવવાની પણ મજા આવે છે. આપણે બધા જ થોડા થોડા ભ્રમમાં જીવતા હોઇએ છીએ. ભ્રમ ભ્રાંતિ સર્જે છે. જે હોતું નથી એ દેખાડે છે. જે બોલાતું નથી એ સંભળાવે છે. જેનું અસ્તિત્વ નથી એનો અહેસાસ કરાવે છે. વાસ્તવિકતા ત્યારે વામણી થઇ જાય છે. હકીકતની એને પરવા નથી હોતી. સત્ય, અસત્ય કે અર્ધસત્યની પાર પણ કોઇ તત્ત્વ હોય છે. એ દેખાતું નથી, અનુભવાય છે. શૂન્યવકાશ એટલે શું? સન્નાટાને ક્યાં કોઇ સ્વરૂપ હોય છે? અમુક વખતે સન્નાટો પણ સંભળાય છે. સન્નાટો અવાજ વગરના સુસવાટા સર્જતો હોય છે. ખાલીપામાં ખામોશી ઠાંસી ઠાંસીને ભરેલી હોય છે. હિડન ફોલ્ડરમાં બીજાં થોડાંક ફોલ્ડર આપોઆપ બની જાય છે. ખામોશીનું ફોલ્ડર, સન્નાટાનું ફોલ્ડર, સુસવાટાનું ફોલ્ડર, વલોપાતનું ફોલ્ડર અને વિવશતાનું ફોલ્ડર. આમ તો આવાં ફોલ્ડર ખોલવાનું મન નથી થતું, પણ એ આપણા હાથમાં ક્યાં હોય છે? જિંદગીની એક વેદના એ છે કે, મનમાં જે હોય એ હાથમાં નથી હોતું અને હાથમાં જે હોય છે એ મનમાં નથી રહેતું. ગમતું હોય છે એ હોતું નથી અને હોય છે એ ગમતું નથી. નથી હોતું એ કેમ નથી એવા સવાલના જવાબો નથી મળતા અને હોય છે એની સામે સવાલો ઊઠતા રહે છે.

એક છોકરાના એરેન્જ મેરેજ થયા. એની પત્ની સોફ્ટવેર એન્જિનિયર હતી. પતિના લેપટોપમાં એક હિડન ફોલ્ડર હતું. પતિએ કહ્યું કે, પ્લીઝ આ ફોલ્ડર ક્યારેય ન ખોલતી. પત્નીએ પૂછ્યું, એમાં શું છે? પતિએ નિખાલસતાપૂર્વક કહ્યું કે, એક છોકરી હતી, જેને હું પ્રેમ કરતો હતો. એ મને માત્ર દોસ્ત જ સમજતી હતી. મને પછી ખબર પડી. મેં પણ એને પ્રેમિકામાંથી પાછી દોસ્ત બનાવવાના પ્રયાસો કર્યા હતા. આ પ્રયાસોના થોડાક અવશેષો આ હિડન ફોલ્ડરમાં છે. પત્નીએ નક્કી કર્યું કે, આ ફોલ્ડર હું ક્યારેય નહીં ખોલું. ધરાર દબાવવાનો પ્રયાસ કરીએ એ ક્યારેક વેગ પકડે છે. પત્નીથી ન રહેવાયું. પત્નીએ એક દિવસ ફોલ્ડર ખોલ્યું. એક તસવીર હતી. થોડાંક ચિત્રો હતાં. એક આંસુ જે ગાલ પર અડધે સુધી આવીને થીજી ગયું હતું. એક ચિત્રનો આકાર સ્પષ્ટ થતો નહોતો, પણ ધ્યાનથી જોઇએ તો શ્વાસ જેવું કંઇક દેખાતું હતું. બાય બાય કરતો એક હાથ હતો, જેમાં રેખાઓની જગ્યાએ થોડાક પ્રશ્નાર્થો હતા. વાળની થોડીક લટો હતી, જેનો પડછાયો અંધકાર સર્જતો હતો. એક કાળું વાદળ હતું, જે સૂરજની આડે આવી ગયું હતું. એક પાંદડું હતું, જે નસીબને સંતાડી રાખતું હતું. પાલવનો એક ટુકડો હતો, જે ધીમે ધીમે ટિસ્યૂ બની જતો હતો. એક નિસાસો હતો, જે હજુ પૂરેપૂરો નીકળ્યો નહોતો. એક અધૂરા પ્રેમની આખેઆખી કહાની ફોલ્ડરના પડદા પર ઉપસી આવતી હતી.

પત્નીને થયું, આ ફોલ્ડર ખોલ્યું એ સારું કર્યું કે ખરાબ? તેણે વિચાર્યું કે, હવે ખોલ્યું જ છે તો લાવ હું પણ તેમાં કંઇક મૂકું. થોડાંક ચિત્રો. તેણે બે હોઠ મૂક્યા, જેમાં હાસ્ય હતું. બે હાથ મૂક્યા, જે ચપોચપ બિડાયેલા હતા. થોડાંક ટેરવાં મૂક્યાં, જેમાં પતિની તસવીર ઝળકતી હતી. ખાલીપામાં થોડાક રંગો પૂર્યા. સુસવાટામાં સંગીત પૂર્યું. સન્નાટામાં સ્નેહ રોપ્યો. જૂના દરેક ફોટાને રંગીન ફ્રેમ કરી. નીચે થોડુંક લખ્યું, હું છું તારી સાથે, તારો દરેક ખાલીપો પૂરવા માટે, આપણા અસ્ત્વિત્વને ઉજાળવા માટે, તને પ્રેમ કરવા માટે અને તને કોઇ જ કમી ન લાગવા દેવા માટે, તું છે ને મારી સાથે તો બધું જ છે. થોડોક ખૂલી જા! જરાયે ‘હિડન’ ન રહે! પત્નીએ આટલું કરીને હિડન ફોલ્ડરને ખુલ્લું મૂકી દીધું. બીજા દિવસે પત્નીએ જોયું તો એણે જે મૂક્યું હતું એ બધું જ સ્ક્રીન પર હતું! વોલપેપરમાં વર્તમાન તરવરતો હતો!

બધા સંબંધો ક્યાં જાહેર કરી શકાય છે? અમુક ખાનગી રાખવા પડતા હોય છે. જાહેર હોય એને ખાનગી રાખવા પડે ત્યારે દિલમાં એક ટીસ ઊઠે છે. એક બહેનને એનો ભાઇ લાંબા સમય પછી મળ્યો. બહેને ભાઇ સાથે એક સેલ્ફી લીધી. ભાઇએ કહ્યું, પ્લીઝ ક્યાંય અપલોડ ન કરતી કે કોઇને દેખાડતી નહીં! બહેને કહ્યું કે, હા મને ખબર છે. હું સાચવી રાખીશ. આમેય ઘણું ધરબાયેલું છે. આપણા અસ્તિત્વ સાથે ધરબાયેલું હોય એ પણ ક્યાં ઓછું ધબકતું હોય છે? પિતાની મરજી વિરુદ્ધ લવમેરેજ કર્યા પછી બધાને કહી દેવાયું હતું કે, કોઇએ એની સાથે સંબંધ રાખવાનો નથી. મરી ગઇ છે એ આપણા બધા માટે. ભાઇને તો કહેવાનું મન થઇ ગયું કે, બધા માટે મારવાનો અધિકાર તમને કોણે આપ્યો? તમારે તમારા માટે એને મારી નાખવી હોય તો મારી નાખો, હું તો એને મારામાં જીવતી રાખવાનો છું. મારી લાડકી બહેન છે. હાથમાં રાખડી ભલે કાયમ બાંધી રાખતો ન હોય, પણ એણે રાખડી બાંધી ત્યારે એના સુખ માટે કરેલી પ્રાર્થનાઓ એવી ને એવી યાદ છે. આપણા બધાનાં દિલમાં એવું કેટલું બધું જીવાતું હોય છે, જે દેખાડી શકાતું નથી. છૂપા, ખાનગી, ગુપ્ત, સિક્રેટ અને હિડન રિલેશનની સંવેદના સાવ જુદી હોય છે.

તમારા હિડન ફોલ્ડરમાં એવા ફોટા છે, જે તમે કોઇને બતાવ્યા નથી? તમને એ ફોટા કોઇને બતાવવાનું મન થાય છે? કેટલાક સંબંધો એવા પણ હોય છે જેને જાહેર કરતાં પહેલાં આપણે એ સંબંધ સાબિત કે સિદ્ધ થાય એની રાહ જોતા હોઇએ છીએ. એક છોકરીની આ વાત છે. તેને એક બોયફ્રેન્ડ હતો. બંને મળતાં હતાં. ફોટા પણ પાડતા હતા. છોકરી એ ફોટા તેના હિડન ફોલ્ડરમાં છુપાવી રાખતી. તેની એક ફ્રેન્ડને બધી વાતની ખબર હતી. તેણે પૂછ્યું કે, કેમ તું ફોટા સંતાડી રાખે છે? છોકરીએ કહ્યું, હજુ હું નક્કી કરી શકતી નથી કે તેની સાથે આગળ વધવું કે નહીં? કોઇ માણસ તરત જ ઓળખાતો નથી. અત્યારે તો અમે બંને ગુડ ટાઇમ એન્જોય કરીએ છીએ. બધું જ સારું લાગે છે સમય બદલવા દે. અમુક અઘરી પરિસ્થિતિમાં એ કેવી રીતે વર્તે છે એ મારે જોવું છે. માણસની સાચી ઓળખ કપરા સંજોગોમાં જ થતી હોય છે.

આપણે પણ ક્યાં બધા પાસે ખૂલતા હોઇએ છીએ? અમુક સિલેક્ટેડ વ્યક્તિ આપણું હિડન ફોલ્ડર હોય છે. આપણે એને બધી વાત કરતા હોઇએ છીએ. દરેકની જિંદગીમાં એવા એક-બે લોકો હોય છે, જેને પોતાની તમામ વાતો કરવામાં આપણને કોઇ ડર નથી લાગતો. વાત બહાર જવાની ચિંતામાં આપણે કેટલી બધી વાતો આપણા દિલમાં જ ધરબી રાખી હોય છે? જેની પાસે એવી વ્યક્તિ નથી, જેને બધી વાત કરી શકાય એ માણસ કમનસીબ છે. અંદર ને અંદર ધૂંધવાયેલા રહેવાની વેદના વસમી હોય છે. ક્યારેક તો આપણને કોઇનો ખરાબ અનુભવ થાય ત્યારે આપણે દિલના તમામ દરવાજાઓ બંધ કરી દઇએ છીએ. હવે કોઇને કંઇ વાત કહેવી નથી.

આપણે તો આપણાં સિક્રેટ્સ માટે પણ સિલેક્ટિવ થઇ ગયા છીએ. આપણે બધાને બધી વાત કરતા નથી. અમુકને અમુક વાતો જ કરીએ છીએ. પર્સનલ વાતો કરનાર વ્યક્તિ જુદી હોય છે અને પ્રોફશનલ સિક્રેટ્સ વળી બીજા સાથે જ શેર કરીએ છીએ. ઘણા લોકોના મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે, બધાને બધી વાત કરવાની ન હોય! દરેક સંબંધ અલગ અલગ ધરી ઉપર આપણે જીવવા લાગ્યા છીએ. સરવાળે સંબંધ સુખ આપવા જોઇએ. કોઇ સંબંધ જો પીડા આપતો હોય તો એના વિશે વિચાર કરવો જોઇએ. જે સંબંધો સાત્ત્વિક, સરળ, સહજ અને ટાઢક આપે એવા હોય એનું જતન કરજો. જિંદગીના માર્ગમાં અમુક મજબૂત મુકામ હોય તો મંજિલે પહોંચવામાં મુસીબત પડતી નથી.

છેલ્લો સીન :

ધરતીનો છેડો ઘર છે એમ સુખનો છેડો સંબંધ છે. માત્ર એક વ્યક્તિ આપણા સુખનું કારણ હોય છે, ક્યારેક દુ:ખનું કારણ પણ એક જ વ્યક્તિ હોય છે.                             -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 26 ફેબ્રુઆરી 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *