તારે વધારે પડતા સારા થવાની કંઈ જરૂર નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તારે વધારે પડતા સારા

થવાની કંઈ જરૂર નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

દર્દને પણ ક્યાં સુધી છુપાવવાનું! તમે જ કહો,

આંખને પણ શું કહી સમજાવવાનું! તમે જ કહો,

આંધળી આ દોટમાં રસ્તો અને ઘર થયાં ગાયબ,

કોણ મારી આ દિશા બદલવાનું? તમે જ કહો.

-રશ્મિ શાહ

આખી દુનિયામાં જો કંઈ સૌથી વધુ અનપ્રિડિક્ટેબલ હોય તો એ માણસ છે. માણસ વિશે કાયમ માટે કોઈ આગાહી થઈ શકતી નથી. માણસ ક્યારે શું કરે એનું કોઈ અનુમાન બાંધી શકાતું નથી. સમય અને માણસની એક ગજબની ફિતરત છે, બંને સતત બદલતા રહે છે. સારો માણસ ક્યારે ખરાબ વર્તન કરી બેસે એનું કંઈ નક્કી નહીં. આખી દુનિયા જેને ખરાબ માણસ તરીકે ઓળખતી હોય એ પણ ક્યારેક સારું વર્તન કરતો હોય છે. માણસનો મૂડ, માનસિકતા, દાનત, ઇચ્છા, ઇરાદા, સંજોગો, પરિસ્થિતિ સતત બદલતાં રહે છે. આપણે કહીએ છીએ કે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. આપણી અંદર થતા પરિવર્તનથી આપણે કેટલા સભાન હોઈએ છીએ? તમે ક્યારેય માર્ક કર્યું છે કે તમારામાં કેવાં પરિવર્તનો આવ્યાં છે? કોઈ સારું કે ખરાબ વર્તન કર્યા પછી કે થઈ ગયા પછી તમે એવો વિચાર કરો છો કે, તમે એવું વર્તન શા માટે કર્યું? ક્યારેક કોઈ અયોગ્ય વર્તન થઈ જાય પછી આપણને આપણી ભૂલ સમજાતી હોય છે. આપણે એવું પણ કહીએ છીએ કે, સોરી યાર મારો મૂડ બરાબર નહોતો. મૂડ કેમ બરાબર નહોતો? મૂડ સ્વિંગ થતો રહે છે. મૂડને સરખો રાખવો એ જ સમજદારી છે! જેનું વાતે વાતે છટકે છે એ છેલ્લે એકલો જ ભટકે છે.

માણસ ક્યારેક સારો થાય છે, ક્યારેક ખરાબ થાય છે. ક્યારેક વાયડો થાય છે, ક્યારેક ક્રેઝી થાય છે. ક્યારેક મસ્તીમાં, ક્યારેક ઉદાસીમાં, ક્યારેક હવામાં, ક્યારેક વિચારોમાં રહેતો માણસ ખરેખર કેવો હોય છે? મૂડ કે વર્તન ભલે બદલતાં રહેતાં હોય, પણ દરેક માણસનો એક મૂળભૂત સ્વભાવ હોય છે. કંઈક ‘બેઝિક’ હોય છે. જે બેઝિક હોય એ બદલતું નથી. મકાન બની ગયા પછી આપણે દીવાલોમાં ફેરફારો કરતા રહીએ છીએ, રંગરોગાન કરાવીએ છીએ, પણ પાયો એનો એ જ હોય છે. એ પાયો જ ઘરને ટકાવી રાખે છે. દીવાલમાંથી ભલે પોપડાં ખરે, પણ પાયામાં પરિવર્તન થતું નથી. આપણે ઉપરથી ભલે વર્તન બદલતા હોઈએ, પણ આપણો પાયો, આપણું બેઝિક, આપણું વજૂદ અંદરથી એકસરખું જ હોય છે. સારા છે એ સારા જ રહે છે, બદમાશ હોય એ બદમાશ જ રહે છે. આપણી અંદર જે ‘કાયમી’ છે એ જ આપણી ઓળખ છે, આપણી પ્રકૃતિ છે અને એ જ આપણે કેવા છીએ એની ખાતરી છે!

એક પતિ-પત્ની હતાં. બંને વેલ-ટુ-ડુ હતાં. જરૂર પડે ત્યારે આખા પરિવારને મદદ કરે. પતિ નજીકની એક વ્યક્તિને હંમેશાં મદદ કરે. અમુક માણસો અહેસાન ફરામોશ હોય છે. એના માટે તમે ગમે તે કરો તો પણ એને ક્યારેય કદર નહીં હોવાની. પત્નીને ખબર પડી કે, પતિ જેને મદદ કરે છે એ તો બધાના મોઢે ખરાબ જ બોલે છે. એ માણસે પતિ પાસે વધુ એક વખત મદદ માંગી. પત્નીએ પતિને કહ્યું કે, હવે એને કંઈ મદદ કરવી નથી. તારે હવે વધારે પડતા સારા થવાની કંઈ જરૂર નથી. તું સારો થાય છે અને એ તારું ખરાબ જ બોલે છે. આ વાત સાંભળીને એના પતિએ કહ્યું, મનેય ખબર છે કે એ સારું બોલતો નથી. એ એની ફિતરત છે. એ પોતાની ફિતરત ક્યારેય બદલવાનો નથી. જો એ એની ફિતરત બદલતો ન હોય તો હું શા માટે મારી ફિતરત બદલું? એ જે કરે છે એ એને કરવા દે, આપણે જે કરવું જોઈએ એ આપણે કરીએ!

આપણે મોટાભાગે સામેનો માણસ જે કરતો હોય એવું કરીએ છીએ. આપણે એવું કરીને એના જેવા જ થઈએ છીએ. આપણે આપણા જેવા રહેવાનું હોય છે. કોઈ વાદળું આડું આવી જાય તો સૂર્ય પ્રકાશ આપવાનું બંધ કરતો નથી. સૂર્યનું કામ સૂર્ય કરે છે. વાદળનું કામ વરસાદનું છે. વાદળને એનાથી ફેર પડતો નથી કે એ જંગલ ઉપર વરસે છે કે રણ ઉપર વરસે છે. અમુક માણસની પ્રકૃતિ પણ વાદળ જેવી હોય છે. એને વરસતા જ રહેવું હોય છે! રણની પ્રકૃતિ સૂકી છે. સૂકા હોય એની ફિતરત શોષી લેવાની જ હોય છે! વાદળ ક્યારેય એવું કહેતું નથી કે, તું તો મારું પાણી શોષી લે છે, તારા પર નથી વરસવું! તમારી પ્રકૃતિ કેવી છે? વરસવાની કે તરસવાની?

જેનામાં અભાવ નથી એનો જ પ્રભાવ પડતો હોય છે. અભાવ કે પ્રભાવ એ છેવટે તો સ્વભાવને જ પ્રગટ કરે છે. તમારો પ્રભાવ બીજા પર કેવો પડે છે? એક માણસની આ વાત છે. એ પોતાના કામ માટે પોતાના શહેરથી સો કિલોમીટર દૂર આવેલા શહેરમાં અપડાઉન કરતો હતો. પોતાની કારમાં સવારે જાય અને રાતે પાછો આવી જાય! ઘરેથી નીકળે ત્યારે પત્ની રોજ એને ટિફિન ભરી આપે. એક સવારે ઘરેથી ટિફિન લઈને એ નીકળ્યો. હાઇવે પર ગયો ત્યારે એને યાદ આવ્યું કે, આજે તો ઓફિસમાં મિટિંગ પછી બધાની સાથે જમવાનું છે. પત્નીએ જે ટિફિન આપ્યું છે એ તો પડ્યું રહેશે અને રાત પડ્યે બગડી જશે. આ વિચાર ચાલતો હતો ત્યાં જ હાઇવે પર એણે એક પાગલ માણસને જોયો. વિખરાયેલા વાળ, વધેલી દાઢી, ફાટેલાં કપડાં અને લઘરવઘર હાલતમાં એ ખેતરના શેઢે બેઠો હતો. પાગલને જોઈને એ માણસ ઊભો રહ્યો. ટિફિન લીધું. એ પાગલ માણસ પાસે બેસીને એને જમાડ્યો. પાણી પીવડાવ્યું. પેલો પાગલ માણસ એની મસ્તીમાં ડોલતો ડોલતો જેટલું આપ્યું એ બધુ ખાઈ ગયો. પાગલે જમી લીધું પછી એ માણસ કારમાં બેસીને ચાલ્યો ગયો! પાગલને જમાડીને એને એક અદ્્ભુત લાગણી થઈ. એને મજા આવી!

રાતે ઘરે આવીને પત્નીને વાત કરી. છેલ્લે એટલું કહ્યું કે, ડિયર એ પાગલને તો શું થયું હશે એની મને ખબર નથી, પણ મને એને જમાડીને બહુ સારું લાગ્યું. વાત પૂરી થઈ. બીજા દિવસે પતિ કામ પર જવા માટે નીકળ્યો હતો ત્યારે પત્નીએ એકને બદલે બે ટિફિન આપ્યાં. પતિને કહ્યું કે, આ લે, જતી વખતે પેલા પાગલને જમાડતો જજે! પતિને આશ્ચર્ય થયું. તમારી સંવેદના જ્યારે તમારી વ્યક્તિને સ્પર્શે ત્યારે સાંનિધ્ય પણ સાર્થક થતું હોય છે. એ ઘરેથી નીકળ્યો. હાઇવે પર પેલો પાગલ મળ્યો. પેલા માણસે એને જમાડ્યો. આ ઘટના તો રોજિંદી થઈ ગઈ. રોજ બે ટિફિન લઈને નીકળવાનું અને પાગલને જમાડવાનો!

એક દિવસ આ ભાઈ ટિફિન લઈને નીકળ્યા. પાગલ ઊભો રહેતો એ જગ્યાએ પહોંચ્યા. એણે જોયું કે, પાગલ તો આજે નથી. બેએક મિનિટ એ ઊભો. એવામાં સામેથી એક માણસ આવ્યો. એને જોઈને એની આંખો પહોંળી થઈ ગઈ! અરે! આ તો એ જ પાગલ! પણ આજે તો સરસ કપડાં પહેરીને આવ્યો છે. દાઢી કઢાવી નાખી છે. વાળ પણ સરસ રીતે કાપ્યા છે. પાગલનાં તો એકેય લક્ષણ નથી! એ માણસ નજીક આવ્યો. કારવાળા માણસને ગળે વળગી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો! તેણે કહ્યું, હું પાગલ નથી! હું સામાન્ય માણસ જેવો જ માણસ છું. મને મારી આખી જિંદગીમાં ખરાબ અનુભવો જ થયા છે. કોઈએ મારી સાથે સારું વર્તન કર્યું નથી. બધાએ દગો, નફરત અને બેવફાઈ કરી છે. ખરાબ અનુભવો પછી મેં નક્કી કરી નાખ્યું હતું કે, હવે માણસની જેમ નહીં, પાગલની જેમ જીવવું છે! એટલે હું પાગલની જેમ જ રહેતો હતો. તમારું રોજનું વર્તન જોઈને સમજાયું કે, દુનિયામાં બધા લોકો ખરાબ નથી હોતા, સારા પણ હોય છે. તમારા સારાપણાએ મને સારો માણસ બનાવ્યો છે! તમને ભવિષ્યમાં મળું કે ન મળું, તમને જિંદગીભર યાદ રાખીશ. તમે યાદ આવશો ત્યારે મને એવો અહેસાસ થશે કે દુનિયામાં સારા માણસોની કમી નથી!

તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી અસર કોના પર કેવી થાય છે? જો એક માણસની જિંદગી પણ તમે બદલી શકો તો જિંદગી સાર્થક છે. તમારું વર્તન જો કોઈને એવું વિચારવા પ્રેરે કે દુનિયામાં સારા માણસો પણ છે તો એનાથી મોટી કોઈ વાત નથી! આપણે દુનિયા વિશે અભિપ્રાયો બાંધીએ છીએ, પણ એવું ક્યારેય વિચારતા નથી કે મારા વિશે લોકોનો અભિપ્રાય શું છે, કેવો છે અને શા માટે છે? જિંદગી એ અંધારામાં દીવો કરવા જેવી જ ઘટના છે. કાળું ડિબાંગ અંધારું હોય ત્યારે આપણા હાથમાં જો દીવો હોય તો આપણા પૂરતું અજવાળું મળતું રહે છે. હાથમાં દીવો લઈને ચાલો તો પ્રકાશ પણ તમારી સાથે ચાલતો રહે છે. આપણે પ્રકાશ આપણા હાથમાં રાખવાનો હોય છે. જેનામાં પ્રકાશ હોય એ જ બીજાને રોશની આપી શકે. જ્યોતથી જ જ્યોત જલે, અધારું જ હોય તો કાળાશ જ મળે! આપણે સારા રહીએ એ જ પૂરતું છે. આપણે છેલ્લે તો આપણા જેવા જ રહેવાનું હોય છે! બસ, હું કેવો છું એ જ વિચારવાનું અને નક્કી કરવાનું હોય છે!

છેલ્લો સીન :

આપણા સંસ્કારો જ છેવટે આપણી ઓળખ બનતા હોય છે, કુસંસ્કારોનું પણ એવું જ હોય છે!             -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 05 ફેબ્રુઆરી 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *