તું જિંદગીને એક હદથી વધારે સિરિયસલી ન લે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું જિંદગીને એક હદથી

વધારે સિરિયસલી ન લે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કાલ કરતાં વિચાર જુદો છે, આજ થોડોક પ્યાર જુદો છે,

સામસામે ફૂલો જ ફેંકેલાં, પણ પછીનો પ્રહાર જુદો છે,

હું જે સમજુ છું તે અલગ છે ને, તું કહે એનો સાર જુદો છે,

લોહી નીકળે તો સૌને દેખાડું, પણ અહીં મૂઢમાર જુદો છે.

-ભરત વિંઝુડા

જિંદગીને તમે કેટલી સિરિયસલી લો છો? કોઈ તમને આવો સવાલ પૂછે તો તમે શું જવાબ આપો? જિંદગી વિશે દરેક માણસોને સવાલો થતા હોય છે. મારી જિંદગી બરાબર ચાલે છે? જિંદગીને હું ફીલ કરું છું? મારા સંબંધો, મારી કરિયર, મારી હેલ્થ અને મારું કામ બરાબર ચાલે છે? જિંદગી દરેક વખતે આપણી કલ્પના મુજબ જિવાતી નથી. દરેક વખતે જિંદગી આપણી પકડમાં નથી હોતી. જિંદગી ક્યારેક હાથમાંથી સરકી જાય છે. જિંદગી ક્યારેક આપણને સવાલ કરતી રહે છે. જિંદગી સાથે દરરોજ એડજસ્ટ થવું પડતું હોય છે. જિંદગીની મજા જ એ છે કે, એ એકસરખી રહેતી નથી. કાયમ એક જેવી જ રહેતી હોત તો કદાચ જિંદગી જીવવાની મજા પણ ન આવત!

જિંદગી માત્ર ઉંમરના જુદા-જુદા પડાવ નથી. જિંદગીને તો માણસે અલગ-અલગ તબક્કાઓમાં વહેંચી છે. બચપણ, કિશોરાવસ્થા, યુવાની, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા ઉપર કોઈનો કંટ્રોલ નથી. જુદી-જુદી અવસ્થા તો આવતી અને જતી રહે છે. જિંદગી તો સતત વહેતી જ રહે છે. શ્વાસની સાથે એક-એક ક્ષણ જિંદગીમાં ઉમેરાતી રહે છે. ઉંમરની સાથે માત્ર શરીરમાં જ નહીં, આપણા વિચારોમાં અને આપણી માનસિકતામાં ફેરફારો થતા રહે છે. ઉંમર વધે એમ જિંદગી વધુ સમજાતી જાય છે. જિંદગી વિશે પણ બધાની સમજ એકસરખી હોતી નથી. દરેક પોતાની રીતે જિંદગીને સમજે છે.

એક ચેસ પ્લેયરની આ વાત છે. નાનો હતો ત્યારથી એને ચેસનો ભારે શોખ. પ્યાદાં એને બહુ ગમતાં. ક્યારેક હારતો તો ક્યારેક જીતતો. એક વખત એ એક ચેમ્પિયનશિપ જીત્યો. તેને સવાલ કરવામાં આવ્યો કે, જીત તમને કેવી લાગે છે? તેણે કહ્યું કે, જીત કેવી લાગે છે તેનો આધાર એના પર છે કે, તમને હાર કેવી લાગે છે. હાર જો સહજ લાગે તો જીત પણ સારી લાગે. ચેસ પર પ્યાદાં મારવાં એ એક વાત છે અને જિંદગીમાં જ્યારે પડકાર આવે ત્યારે એનો સામનો કરવો બીજી વાત છે. નાનો હતો ત્યારે ચેસ રમતો હતો. રાજા, વજીર, હાથી, ઘોડાને ચાલતો હતો. મોટો થયો ત્યારે સમજ પડી કે, જિંદગીમાં પણ તમારે સમજી-વિચારીને ચાલ ચાલવી પડે છે. આપણા જ માણસો ક્યારેક પ્યાદાં બનીને સામે આવી જાય છે. ચેસ તો અમુક ચોકઠાઓ સુધી મર્યાદિત રહે છે. જિંદગી અમર્યાદિત છે. એમાં માત્ર કાળાં-ધોળાં ચોકઠાં નથી હોતાં, જુદા-જુદા રંગનાં ચોકઠાં હોય છે. લાલ, પીળા, લીલા, ગુલાબી અને બીજાં ઘણાં બધાં. આ ચોકઠાઓ પાછા એવાં હોય છે કે, માંડ-માંડ સમજાય ત્યાં એના રંગ જ બદલાઈ જાય છે! જિંદગીની બાજી તો રોજ સવારે નવી મંડાય છે. આપણા જ લોકો રંગ બદલે ત્યારે રંગીન નહીં, પણ ગમગીન બની જવાય છે. જિંદગીની રમતમાં દર વખતે જીતવાની મજા નથી, ક્યારેક હારવાની પણ મજા આવે છે. કોઈને જીતતા જોવાનો પણ એક આનંદ હોય છે.

એક પતિ-પત્ની હતાં. બંનેને પત્તાં રમવાનો શોખ. પતિ રમતમાં પાવરધો હતો. જોકે, એ ક્યારેક હાથે કરીને હારી જવાય એવું રમતો હતો. પત્નીએ એક વખત કહ્યું કે, તું ઇરાદાપૂર્વક હારે છે ને? પતિએ કહ્યું, હારું છું એવું તો તને લાગે છે, હકીકતે તો હું તને જીતું છું! આપણે જિંદગીમાં હાથે કરીને ઘણું હારતા હોઈએ છીએ. હારીને પણ જીતવાનો આનંદ મળે એવું માત્ર જિંદગીમાં જ બને. દરેક માણસ નાના બાળક સાથે રમતી વખતે ક્યારેક તો ઇરાદાપૂર્વક હાર્યો જ હોય છે. હાથ જોડીને રમાતી રમત ‘ભજિયું’ અથવા તો ‘ટપ માખી મારો’ રમતી વખતે બાળકના હાથ ઇરાદાપૂર્વક મારવા દીધા હોય છે. બાળકના ચહેરા ઉપર જે હાસ્ય ફરી વળે એ જીતથી ક્યાં કમ હોય છે? એવી વખતે હારનો પણ ક્યાં કોઈ ગમ હોય છે? સવાલ એ છે કે, એ જ બાળક મોટું થઈ જાય પછી એ મજા ક્યાં ચાલી જાય છે? સાથોસાથ એ પણ સવાલ છે કે એ મજા કેમ ચાલી જાય છે? આપણે જિંદગીને વધુ સિરિયસલી લેવા માંડીએ છીએ એટલે?

જિંદગીને ચોક્કસપણે ગંભીરતાથી લેવી જોઈએ. જિંદગીને સાવ રેઢી પણ મૂકી શકાય નહીં. આપણને બસ ગંભીરતાની હદ ખબર હોવી જોઈએ. જિંદગીને જડની જેમ વળગાડી રખાય નહીં. જિંદગીને પણ ‘રિસેસ’ જોઈતી હોય છે. વધારે પડતી ગંભીરતા પણ ગૂંગળામણ સર્જે છે. એક યુવાનની આ વાત છે. એ બહુ જ સિન્સિયર. બચપણથી જ તેણે નક્કી કરી રાખ્યું હતું કે, જિંદગીમાં આટલું તો કરવું જ છે. એ સખત મહેનત કરતો. એનું શિડ્યુલ એકદમ ટાઇટ હતું. ઘડિયાળના કાંટે એ જિંદગી જીવતો. તેની લાઇફમાં એક છોકરી આવી. એ પણ સિન્સિયર હતી. એક દિવસ છોકરીએ તેને પૂછ્યું, તારું કાલનું શિડ્યુલ શું છે? છોકરાએ આખા દિવસનું ટાઇમટેબલ કહી દીધું. છોકરીએ પૂછ્યું, ઓકે. પરમ દિવસે શું કાર્યક્રમ છે? છોકરાએ ફરીથી એ જ કાર્યક્રમ કહ્યો. સવારે આટલા વાગ્યે ઊઠવાનું, યોગા કરવાના, ચા-નાસ્તો, પછી રીડિંગ, ત્યાંથી ઓફિસ, સાંજે જિમ જવાનું, રાતે વાંચવાનું. આ સાંભળીને છોકરીએ માત્ર એટલું જ કહ્યું કે, તો પછી જીવવાનું? આમાં તેં જીવવાનો તો કોઈ સમય જ બાકી નથી રાખ્યો!

તમારી જિંદગીમાં જીવવાનો સમય કેટલો છે? ઘણાને તો એ પણ ખબર નથી હોતી કે, જીવવું એટલે શું? સવારે ઊગતા સૂરજને જોઈને તમને ખીલવાની અનુભૂતિ થાય તો તમે જીવો છો. પક્ષીના ટહુકા સાંભળીને દિલમાં જરાકેય કલરવ અનુભવાય તો તમે જીવો છો. દરિયાની ભીની રેતી પર ખુલ્લા પગે ચાલીને અસ્તિત્વમાં ટાઢકનો અહેસાસ થાય તો તમે જીવો છો. પોતાની વ્યક્તિનો હાથ હાથમાં લેતી વખતે ધબકારા થોડાકેય વધી જાય તો તમે જીવો છો. કોઈ બાળકને ઠેસ લાગે અને તમારા મોઢામાંથી હાય નીકળી જાય તો તમે જીવો છો. સાયરન મારતી એમ્બ્યુલન્સ નજીકથી પસાર થાય ત્યારે અંદર સૂતેલા અજાણ્યા દર્દીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના થાય તો તમે જીવો છો. કોઈ ગરીબનું પેટ ભરીને તમને ઓડકાર આવે તો તમે જીવો છો. કૂંપળને ફૂટતી જોઈને પ્રકૃતિને વંદન કરવાનું મન થાય તો તમે જીવો છો. ક્યારેક એકલા બેસીને પોતાની સાથે વાત કરવાનું મન થાય તો તમે જીવો છો. કડવી યાદોને ખંખેરી નાખીને ભૂલી જવાય તો તમે જીવો છો. ભૂલ કરનારને માફ કરી દેવાનું મન થાય તો તમે જીવો છો. કંઈક વાંચતી વખતે દિલના એક-બે તાર ઝણઝણી જાય તો તમે જીવો છો. ક્યારેક કોઈ મસ્તીમાં પોતાને પણ ભૂલી જવાય તો તમે જીવો છો. ક્યારેક કોઈની પાછળ ‘મરવાનું’ પણ મન થાય તો તમે જીવો છો.

આપણે બહુ બધું પકડી રાખીએ છીએ. આપણે આપણાથી જ છૂટતા નથી. કોઈ આપણું ધાર્યું ન કરે તો આપણને લાગી આવે છે. એને તો મારી કંઈ પડી જ નથી. કોઈને મેસેજ કર્યા પછી જવાબ ન મળે તો પણ આપણે ચિડાઈ જઈએ છીએ. આપણે નાની-નાની વાતોમાં ઇરિટેર થઈ જઈએ છીએ. રોડ પર જતા હોઈએ અને કોઈ હોર્ન મારે તો પણ આપણાં ભવાં તંગ થઈ જાય છે. બધા બેવકૂફ છે. કોઈને કંઈ સમજ જ નથી પડતી! આપણે જાત જાતનાં સ્ટેટમેન્ટ કરી દઈએ છીએ. બે ઘડી માની લઈએ કે, કોઈને કંઈ ખબર નથી પડતી, બધા બેવકૂફ છે. તમે એને સુધારી શકવાના? જેની સાથે કંઈ જ લાગતુંવળગતું ન હોય એનાથી ઇરિટેટ થઈએ ત્યારે આપણે આપણો જ મૂડ બગાડતા હોઈએ છીએ!

દુનિયા જેવી છે એવી જ રહેવાની છે. તમે એને બદલી નથી શકવાના. આપણે આપણી જિંદગીની ચિંતા કરવાની હોય છે. સુખ અને દુ:ખ, સ્વર્ગ અને નર્ક આપણી અંદર જ છે. આપણે જ આપણું સ્વર્ગ કે નર્ક સર્જી શકીએ. બધી વાતો એટલી બધી સિરિયસલી ન લો કે તમે જ સિરિયસ થઈ જાવ!

પોતાની જાત પ્રત્યે પણ થોડાક ફ્લેક્સિબલ રહો. ઘણા લોકો એવા પણ હોય છે જે જડ રીતે એવું માને છે કે, મારાથી કંઈ ભૂલ ન થવી જોઈએ. એક યુવાનની આ વાત છે. એનાથી કામમાં એક ભૂલ થઈ ગઈ. તેને થયું કે, મારાથી ભૂલ થઈ? મારાથી ભૂલ થાય જ કેમ? તેના એક મિત્રએ કહ્યું કે, થાય. ભૂલ ક્યારેક થઈ પણ જાય! ભૂલને તું વધુ પડતી ગંભીરતાથી કેમ લે છે? ભૂલને પણ ભૂલતા ન આવડે તો જિંદગી ભારે બની જાય છે. દરેક માણસે થોડોક એ વિચાર કરવો જોઈએ કે, મને મારી જિંદગીમાં હળવાશ લાગે છે ખરી? મને જીવવાની મજા આવે છે ખરી? જો મજા ન આવતી હોય કે હળવાશ ન લાગતી હોય તો માનવું કે, જિંદગીને આપણે જે રીતે સમજવી જોઈએ એ રીતે સમજ્યા નથી! જોકે, એનો પણ અફસોસ કરવાની જરૂર નથી. જિંદગીને આજથી જ જીવવાનું શરૂ કરી દો! જિંદગીની મજા એ પણ છે કે, એ રોજ આપણને આપણી રીતે જીવવાની તક આપે છે! આપણે બસ એ તક ઝડપી લેવાની હોય છે!

છેલ્લો સીન :

તક બારણું ખખડાવે, પણ દરવાજો તો આપણે જાતે જ ખોલવો પડે. જિંદગી તો રાહ જ જુએ છે, જીવવાનું આપણે શરૂ કરવું પડે.             –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 18 ડિસેમ્બર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “તું જિંદગીને એક હદથી વધારે સિરિયસલી ન લે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

  1. khub j saras, hu try karis ke life ne etli badhi pn seriously nai levani, aa article ma mane mari bhulo pn thodi mali, so hu try karis ene dur karvani……

Leave a Reply

%d bloggers like this: