બંધ મુઠ્ઠી જેવા માણસો ક્યારેય ખૂલતા જ નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બંધ મુઠ્ઠી જેવા માણસો

ક્યારેય ખૂલતા જ નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જીત જેવું કંઈ નથી ને હાર જેવું કંઈ નથી,

આપણી વચ્ચે હવે તકરાર જેવું કંઈ નથી,

જિંદગી તારા વગર કેવી છે? સાચું કહું તને!

વારતા લાંબી છે કિન્તુ સાર જેવું કંઈ નથી.

-શૌનક જોષી

માણસ કેવો હોય છે? તમે, હું અને આપણે કેવા છીએ? કેટલાક માણસો સાવ સહેલા હોય છે. એ તરત જ સમજાઈ જાય છે. તરત જ સ્વીકારાઈ જાય છે. કેટલાક માણસો બહુ અઘરા હોય છે. ઘડીકમાં સમજાતા નથી. અઘરા માણસને સમજવાની કોઈ ‘ગાઇડ’ અવેલેબલ હોતી નથી. એને પાક્કા કરવા માટે એને ગોખવા પડે છે. અઘરા માણસો પણ ‘આવડી’ જાય પછી સહેલા બની જતા હોય છે. બહારથી બધા માણસો સરખા જ હોય છે. એને બે હાથ, બે પગ, માથું અને ધડ હોય છે. અંદરથી દરેક માણસ જુદો હોય છે. દરેકની અંદર કંઈક ચાલતું હોય છે. એ દેખાતું નથી, અનુભવાતું હોય છે. અનુભૂતિ એમ ને એમ નથી થતી. અનુભૂતિ માટે ઓગળવું પડે છે, ઓતપ્રોત થવું પડે છે. સ્પર્શ માત્ર આંગળાના ટેરવાથી નથી થતો, આત્માના અહેસાસથી થાય છે. આત્મા આત્મીયતાનો અહેસાસ કરાવે છે.

કોઈ માણસ કોઈ કારણ વગર ગમવા માંડે છે. પોતાનો લાગવા માંડે છે. એવું લાગે છે કે, એની સાથે કોઈ ભવનું લેણું કે દેણું છે. એ જિંદગીનો હિસ્સો બની જાય છે. દિલની ડિક્શનરી બહુ પોતીકી હોય છે. થોડાંક પાનાં એવાં તરબતર હોય છે, જે આપણને જિંદગીભર ટાઢક આપતાં રહે છે. એક છોકરી હતી. યુવાનીમાં તેને પ્રેમ થયો. એણે કહ્યું, અત્યાર સુધી તું ક્યાં હતો? આ ધરતી પર જ હતો તો મને અત્યાર સુધી કેમ ન મળ્યો? ઋણાનુબંધ પણ શું અમુક વર્ષે જ ઊઘડતું હશે? કોઈ તમારા વિચારોમાં કેવી રીતે આવી જતું હશે? તું મારા અસ્તિત્વનું એવું તત્ત્વ છે, જે મને સત્ત્વ અર્પે છે. તારું સાંનિધ્ય મને સાત્ત્વિકતાનો અહેસાસ કરાવે છે. બધું જ બદલાઈ ગયું હોય એવું લાગે છે. હું પણ હું નથી રહી. તું મારી પ્રાર્થનાઓમાં સમાઈ ગયો છે. એકલી હોઉં તો પણ હું તારી સાથે વાત કરતી હોઉં છું. તારી સાથે હોઉં ત્યારે મૌન હોઉં તો પણ સંવાદ ચાલતો હોય એવું લાગે છે. દરેક વખતે સંવાદને શબ્દોની જરૂર નથી પડતી.

એક પતિ-પત્નીની આ વાત છે. આખો દિવસ બંને ભેગાં હોય તો પણ બહુ ઓછી વાત કરે. બંને વચ્ચે ગાઢ પ્રેમ. એનો પ્રેમ શબ્દોનો મહોતાજ નહોતો. એક વખત એનું મિત્ર કપલ ઘરે રોકાવવા આવ્યું. પતિ-પત્નીને ઓછું બોલતાં જોઈને તેણે સવાલ કર્યો. તમે બહુ ઓછી વાત કરો છો! મિત્રએ કહ્યું, સાચી વાત છે. અમે બહુ ઓછું બોલીએ છીએ. એની પાછળ એક મજાનું કારણ છે. મારાં માતા-પિતા અને મારી પત્નીનાં માતા-પિતા મિત્રો છે. અમારાં બંનેનાં માતા-પિતા બહેરાં-મૂંગાં છે. નાનાં હતાં ત્યારથી અમે એ બંને સાથે જીવ્યાં છીએ. બસ, એટલે જ અમને મૌનની ભાષા આવડી ગઈ છે! સંવેદનાની ભાષા શબ્દોને અતિક્રમી જાય છે. અમે ઇશારાની ભાષા સમજીએ છીએ. અમારાં માતા-પિતા બોલતાં નહોતાં, સાંભળતાં નહોતાં, તો પણ સંવાદ તો કરતાં જ હતાં! આંખોની ભાષા એને પૂરેપૂરી સમજાતી હતી. એક ઘટના મને યાદ આવે છે. એક વખત મારા પિતા મારી માતા માટે ફૂલ લાવ્યા. મારી માનું ધ્યાન બીજે હતું. સાવ નજીક જઈ ખભો થપથપાવીને એવો ઇશારો કર્યો કે, આમ જોતો. મારી માતાનું ધ્યાન હાથમાં રહેલા ગુલાબના ફૂલ પર ગયું. એ થેંક્યૂ કે લવ યુ બોલી શકે એમ નહોતી, પણ મેં અનુભવ્યું કે, ગુલાબના ફૂલની પાંદડીઓનો ગુલાબી અહેસાસ એના ગાલ પર ઉભરાઈ આવ્યો છે. એ ગાલોની ગુલાબી ઝાંય મારા પિતાની આંખોમાં પણ તરવરતી હતી. એ વખતથી મને સમજાયું કે, સંવાદ માટે શબ્દો નહીં, સ્નેહની જરૂર હોય છે.

આપણે બધા કેટલું બોલીએ છીએ? આખા દિવસમાં આપણે કેટલા શબ્દો બોલતા હોઈશું? કેટલા શબ્દો રિપીટ કરતા હોઈશું? દરેક માણસનો પોતાના પૂરતો એક શબ્દકોશ હોય છે. આજના હાઇટેક યુગમાં આપણે કેટલું ચાલ્યા, કેટલું દોડ્યા, કેટલું ખાધું, એ બતાવી આપતી જાતજાતની એપ અવેલેબલ છે. કાશ, એવી પણ એપ આવે જે આપણે કેટલું જીવ્યા એ બતાવી આપે! રોજ કેટલું મર્યા એનો પણ હિસાબ આપે. આપણને ખબર તો પડે કે જિંદગી ફાયદામાં જાય છે કે ખોટમાં? 24 કલાકમાં આપણે કેટલી મિનિટ બોલતાં હોઈશું? કેટલો સમય ચૂપ રહેતા હોઈશું? આમ તો કેટલું નહીં, પણ કેવું બોલીએ છીએ એ જ મહત્ત્વનું હોય છે. બોલવાનો હિસાબ આપતી એપ આવે તો એમાં પણ જુદાં-જુદાં ખાનાં હોવાં જોઈએ કે, આપણે આટલું સારું બોલ્યા અને આટલું ખરાબ, આટલું બોલવા જેવું બોલ્યા અને આટલું ન બોલવા જેવું બોલ્યા, આવું બોલવાથી આપણે આપણા લોકોથી નજીક ગયા અને આવું બોલવાથી દૂર થઈ ગયા! શબ્દો ગતિશીલ છે. એ આપણને નજીક પણ લઈ જાય છે અને દૂર પણ હડસેલી દે છે. શબ્દોની તાકાતનો જેને અહેસાસ છે એ એનો સમજીને ઉપયોગ કરે છે.

બધા માણસો ખૂલી નથી શકતા. એ બંધ મુઠ્ઠી જેવા હોય છે. એને ખૂલવું નથી એવું હોતું નથી. એને પણ ખૂલવું હોય છે. એને પરત દર પરત ખોલી શકે એવી નજાકત જોઈતી હોય છે. બધા પાસે બોલવાનો મતલબ પણ ક્યાં હોય છે? બધાને આપણા શબ્દો ક્યાં સ્પર્શે છે? પથ્થર જેવા લોકો પાસે શબ્દો અથડાઈને પાછા ફરી જાય છે. એવા શબ્દો ઇજા પામે છે. તરફડે છે. એ બોલનારને દોષ પણ આપે છે કે, કેમ ગમે ત્યાં મારો ઉપયોગ કરે છે? હું તારા મોઢેથી સરકું છું. તું એટલું તો ધ્યાન રાખ કે હું કોઈને સ્પર્શું. જ્યાં બોલવા જેવું ન લાગે ત્યાં નહીં બોલને! મારી એક ગરિમા છે. મારો એક ગ્રેસ છે. હું જીવંત છું. હું વાગું છું. હું સ્પર્શું છું. હું આશ્વાસન આપું છું. હું સાંત્વના છું. હું કોઈની આંખો ભીની કરી શકું છું. કોઈના દિલ પર છરકો પાડી શકું છું. તું મને વાપરતા પહેલાં થોડોક વિચાર કર કે તું મારી સાથે શું કરી રહ્યો છે? છેલ્લે તો તું મારી સાથે જે કરે છે એ જ તારી સાથે કરે છે. તું મને અપમાનિત કરીશ તો તારુંયે અપમાન થવાનું છે.

ઓછું બોલતા હોય એના વિશે એવું માનવાની જરાયે જરૂર નથી કે એને બોલવું નથી. સાંભળવાવાળાની લાયકાત જોઈને એ બોલતા હોય છે. એના દિલ સાથે કોઈ ‘પાસવર્ડ’ મેચ થવો જોઈએ. ઘણી વખત આપણે એવા લોકોની વચ્ચે આવી જઈએ છીએ જ્યારે આપણને સમજાતું નથી કે, અહીં મારે શું બોલવું? ક્યારેક તો વળી એવો સવાલ પણ થાય છે કે, શા માટે બોલવું? બોલવાનો અર્થ કે બોલવાની જરૂર ન હોય ત્યાં મૌન રહેવું એ પણ ડહાપણની નિશાની છે. ઘણા લોકો સતત બોલતા હોય છે. કોઈ પૂછે કે ના પૂછે, કોઈ સાંભળે કે ન સાંભળે, કોઈ માને કે ન માને, એ બસ બોલતા રહે છે. બોલીને એ લોકોને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરે છે. શબ્દોનો ઉપયોગ કોઈને આંજી દેવા માટે પણ ન કરવો જોઈએ. કોઈને ઇમ્પ્રેસ કરવા માટે તો મૌનનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. તમે બોલો કે મૌન રહો, લોકો તમને માપી લેતા હોય છે. લોકો માપે એનો વાંધો નથી, વાંધો આપણે મપાઈ જઈએ એનો હોય છે. આપણું માપ આપણા હાથમાં હોય છે. આપણો પનો કેવડો છે એ આપણા લોકો પામી શકે તો પૂરતું છે.

અમુક લોકો બહુ ‘પેક’ હોય છે. એ એના મનમાં શું ચાલે છે એ કળાવા નથી દેતા. એવા લોકો ‘ભેદી’ હોય છે. દરેક બંધ મુઠ્ઠી ભરેલી જ હોય એવું જરૂરી નથી, કેટલીક ખાલી પણ હોય છે. અમુક મુઠ્ઠીને ખૂલવું હોય છે, એને હળવા હાથની તલાશ હોય છે, જે નજાકતથી એને ખોલી આપે. અમુક મુઠ્ઠીઓ તો તમે ગમે એટલું જોર કરો તો પણ ન જ ખૂલે. ક્યારેક આપણે એ પણ વિચારવું જોઈએ કે, આ મુઠ્ઠી બંધ કેમ થઈ ગઈ? ક્યારેક આપણને એવા અનુભવો થાય છે, જેનાથી આપણે નક્કી કરી લઈએ છીએ કે, હવે કોઈને કંઈ કહેવું નથી. ક્યારેક તો આપણે જેની પાસે ઉઘડ્યા હોઈએ છીએ એની સાથે જ બંધ થઈ જઈએ છીએ.

એક છોકરો અને છોકરી દોસ્ત હતાં. બંને મળતાં. ભાગ્યે જ બોલતો છોકરો ધીમે-ધીમે પોતાની બધી વાત એની દોસ્તને કહેવા લાગ્યો. અમુક લોકો એવા હોય છે જ્યાં આપણે દિલના બધા દરવાજા ખોલી નાખીએ છીએ. અમુક લોકોને આપણે એવી છૂટ આપીએ છીએ કે એ ગમે ત્યારે દિલમાં અને અસ્તિત્વમાં આવ-જા કરી શકે. થોડા સમય બાદ છોકરાએ પોતાની અંગત વાતો કરવાનું બંધ કરી દીધું. એક દિવસ છોકરીએ પૂછ્યું કે, તું હવે કેમ કંઈ વાત કરતો નથી? છોકરાએ કહ્યું, બસ એમ જ! તેને કહેવાનું મન થયું કે, હવે મને મારા શબ્દો ઝિલાતા હોય એવું લાગતું નથી. જ્યારે કંઈ ફેર પડતો ન હોય ત્યારે શબ્દોને સંકોચી લેવામાં જ શાણપણ છે! જોકે, એ એવું બોલ્યો નહીં. ખુલાસાઓ પણ ત્યાં જ કરવા જોઈએ જ્યાં ખુલ્લાપણું હોય!

આપણી વ્યક્તિની વાત સમજવી એ પણ પ્રેમની નિશાની છે. દરેક વખતે માણસ ચૂપ થઈ જતો નથી. એ સિલેક્ટિવ થઈ જાય છે. નક્કી કરી લે છે કે, કઈ વાત કરવી અને કઈ વાત ન કરવી. પોતાની વ્યક્તિ હોય એ સમજી જાય છે કે, જે વાતો કરવી જોઈએ એ હવે આ નથી કરતો કે નથી કરતી! મુઠ્ઠી એની પાસે ખોલી દેજો, જે હથેળીની રેખાઓને અનુભવી શકે, જે હથેળીની ભીનાશમાં ભીંજાઈ શકે અને જે હાથ સાથે હાથ મિલાવી શકે! માણસે માણસ માટે પણ સિલેક્ટિવ રહેવું જોઈએ. પોતાના લાગે એની સાથે જીવવાથી જ જિંદગીનું પોત પાક્કું લાગે છે!

છેલ્લો સીન :

સંવાદ એટલે માત્ર વાતો કરવી નહીં, સંવાદ એટલે એકબીજાની વાતને સાંભળવી, સ્વીકારવી, માણવી અને જીવવી! સોળે કળાનો સંવાદ જ સજીવન રહે છે!                 -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 11 ડિસેમ્બર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: