દરેક માણસે ક્યારેક તો હતાશાનો સામનો કરવો જ પડતો હોય છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

દરેક માણસે ક્યારેક તો હતાશાનો

સામનો કરવો જ પડતો હોય છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગીમાં કોઇ ને કોઇ તબક્કે આપણને ખબર ન પડે

એ રીતે હતાશા ત્રાટકે છે. આપણને એવું લાગે, જાણે

બધું જ ખતમ થઇ ગયું છે. એ સમયે એટલી જ વાત યાદ

રાખવાની કે બધું ક્યારેય ખતમ થતું નથી

શક્તિશાળી માણસ એ જ છે જે હતાશાને હાવી થવા દેતા

નથી અને વહેલી તકે એમાંથી બહાર આવી જાય છે

આપણને બધાને એ વાતની ખબર છે કે, જિંદગી ક્યારેય એકસરખી ચાલતી નથી. જિંદગીમાં ઉતાર-ચડાવ આવતા જ રહે છે. આપણી જિંદગીમાં એવા તબક્કા પણ આવતા હોય છે જ્યારે આપણને લાગે કે, બધું ખતમ થઇ ગયું. કોઇ દિશા સૂઝે નહીં અને શું થઇ રહ્યું છે એ સમજાય નહીં. હતાશા અણધારી ત્રાટકે છે. જિંદગીમાં કંઇક એવું બને છે જેનાથી માણસ દિગ્મૂઢ બની જાય છે. હતાશાનાં કારણ ઘણાં હોય છે. ક્યારેક નિષ્ફળતા મળે, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે, ધંધામાં મોટી ખોટ જાય, જેને પોતાની વ્યક્તિ માનતા હોઇએ એ બેવફા નીવડે કે વિશ્વાસઘાત કરે, ક્યારેક બધાથી દૂર જવું પડે, કોઇ નજીકના સ્વજનનું અવસાન થાય, કોઇ બીમારી આવી પડે, ખૂબ મહેનત કરી હોય પણ ધાર્યું પરિણામ ન મળે, આવાં તો ઘણાં કારણો હોય છે, જે આપણને હતાશ અને નિરાશ કરી દે છે.

હતાશાનાં કારણો ઘણાં છે, પણ તેનું નિવારણ એક જ છે, કોઇપણ સંજાગોમાં નબળા ન પડવું. સારું થશે એવી આશા રાખવી જ જોઇએ, પણ સાથોસાથ ખરાબ પણ થઇ શકે છે એની તૈયારી રાખવી પડે છે. ક્રિકેટની દુનિયામાં આજકાલ વિરાટ કોહલીના નામની બોલબાલા છે. વિરાટે હમણાં કહ્યું કે, 2014માં મને એવું લાગ્યું હતું કે, દુનિયા ખતમ થઇ ગઇ. હવે હું કંઇ કરી શકીશ નહીં. ઇંગ્લેન્ડની ટૂરમાં મને નિષ્ફળતા મળી હતી. હું પાંચ ટેસ્ટ રમ્યો હતો. દસ ઇનિંગમાં 13.5ની સરેરાશથી મેં માત્ર 134 રન જ કર્યા હતા. આવી માનસિકતામાંથી બહાર આવવામાં મને બહુ તકલીફ પડી હતી. વિરાટે આવી વાત ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ગ્લેન મેક્સવેલે બ્રેક લેવાની કરેલી જાહેરાત સંદર્ભે કરી હતી. ગ્લેને એવું કહ્યું હતું કે, હમણાં હું ફોર્મમાં નથી. મારે બ્રેકની જરૂર છે. ગ્લેનની વાતને ઘણા લોકોએ નેગેટિવલી લીધી હતી. એવું પણ કહ્યું હતું કે, ગ્લેન હાથે કરીને પોતાના પગ ઉપર કુહાડો મારી રહ્યો છે. એના જેવા ખેલાડીએ તો પડકારનો સામનો કરવો જોઇએ. એ લોકો એ વાત સમજવા તૈયાર જ નહોતા કે બ્રેક લઇને એ પડકારનો સામનો જ કરી રહ્યો હતો. વિરાટે ગ્લેનની બ્રેક લેવાની વાતનાં વખાણ કર્યાં. તેણે કહ્યું કે, દરેક માણસે નિષ્ફળતાના તબક્કા વખતે તેમાંથી બહાર આવવા પોતાને ગમે એવા રસ્તાઓ અપનાવવા જોઇએ.

કોઇ પણ ક્ષેત્રની વ્યક્તિ હોય, એણે ક્યારેક તો બેડ ટાઇમ ફેસ કર્યો જ હોય છે. સૌથી વધુ વાતો સ્પોર્ટ્સ અને ફિલ્મી દુનિયાની થતી હોય છે. આપણા બોલિવૂડ ઉપર નજર નાખશો તો તમને એવા સેંકડો કિસ્સાઓ મળી આવશે, જેણે ખરાબ સમય જોયો હોય અને જીવ્યો પણ હોય. અમિતાભ બચ્ચનના સિતારાઓ ગર્દિશમાં હતા ત્યારે એને રાતના ઊંઘ નહોતી આવતી. તેની ફિલ્મો પિટાઇ ગઇ હતી એટલે કામ મળવાનું બંધ થઇ ગયું હતું. તેણે સ્થાપેલી કંપની એબીસીએલે ભયંકર ખોટ કરી. જે કંઇ હતું એ બધું વેચી દે તો પણ મેળ ન પડે એટલું દેવું થઇ ગયું હતું. મહોબ્બતે ફિલ્મથી તેમણે કમબેક કર્યું અને ધીમે ધીમે ડિપ્રેશનમાંથી બહાર આવ્યા. એક સમયના સુપરસ્ટાર રાજેશ ખન્નાએ તો હતાશામાં આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. દીપિકા પદુકોણે પણ પોતાના ડિપ્રેશનની વાત સરાજાહેર સ્વીકારી હતી. લેખકોને પણ ક્યારેક રાઇટર્સ બ્લોક આવે છે.

આ બધી તો થઇ સેલિબ્રિટીની વાતો. સેલિબ્રિટિઝને કંઇ થાય તો આખો દેશ અને દુનિયા તેની નોંધ લે છે, તેને હતાશામાંથી બહાર લાવવાવાળા પણ હાજર હોય છે. સામાન્ય માણસે તો પોતાની હતાશાનો સામનો એકલા હાથે કરવો પડે છે. આપણે ત્યાં હજુ લોકો સાઇકિયાટ્રિસ્ટની સલાહ કે સારવાર લેવાનું ટાળે છે. કોઇને ખુલ્લા દિલે વાત પણ કરતા નથી કે, મને કોઇ વાતે મજા નથી આવતી કે મને આ વાતનો ભય લાગે છે. સફળતા પણ ક્યારેક માણસને ખબર ન પડે એ રીતે હતાશા તરફ ઢસડી જાય છે. મારું જે નામ અને ઇજ્જત છે એ નહીં રહે તો? લોકો આજે મારી પાછળ ક્રેઝી છે એ મારાથી દૂર થઇ જશે તો? આ માન અને મોભો છે એ ચાલ્યો જશે તો? હતાશા ક્યાંથી અને કેવી રીતે આવશે એ કહેવું અઘરું છે.  

નિરાશામાં કેમ નીકળવું એના જાતજાતના રસ્તાઓ છે. મનોચિકિત્સકો માણસની પર્સનાલિટીને ચેક કરીને એને હતાશામાંથી બહાર કેમ નીકળવું એના રસ્તા સૂચવે છે. દરેક વખતે મોટી હતાશા જ આવે એવું જરૂરી નથી. અમુક હતાશાઓ થોડા સમયની પણ હોય છે. ક્યારેક એવું લાગે કે, ક્યાંય મજા નથી આવતી. કોઇની સાથે વાત કરવાનું મન નથી થતું. કોઇ દુ:ખ ન હોય તો પણ ક્યારેક મજા આવતી હોતી નથી. અમુક સમયે એવો ભય પણ લાગે છે કે, કંઇક ખરાબ બનવાનું છે. કાલ્પનિક ભય આપણને ઘેરી વળે છે. મહિલાઓને પુરુષોની સરખામણીમાં વધુ હોર્મોનલ ચેન્જીસ આવતા રહે છે. લેડિઝે માનસિક રીતે વધુ સ્વસ્થ રહેવું પડે છે. નબળો વિચાર પહેલી વાર આવે ત્યારથી જ સાવચેત થઇ એને ટાળવાનો પ્રયાસ કરો. બહુ મજા ન આવે તો નાનકડો બ્રેક લો. કંઇક ગમતું હોય એવું કરો. એક વાત યાદ રાખો, જિંદગીની છેલ્લા શ્વાસ સુધી સફળતાની શક્યતાઓ રહેતી હોય છે. તમારી જાત ઉપર વિશ્વાસ રાખો કે, સારું થવાનું જ છે. પોતાની જાતને પ્રોમિસ આપો કે, કોઇપણ સંજોગોમાં હું નબળો કે નબળી નહીં પડું. હતાશાની સ્થિતિમાં આપણા મિત્રો, સ્વજનો કે મનોચિકિત્સકો આપણને મદદ કરે, પણ છેલ્લે એ પરિસ્થિતિમાંથી બહાર તો આપણે જ નીકળવું પડે છે. જે માણસ જેટલો વધુ મક્કમ એ એટલી વધુ ઝડપથી હતાશામાંથી બહાર આવી શકે છે.

પેશ-એ-ખિદમત

જિસ તઅલ્લુક પે ફખ્ર થા મુજકો,

વો તઅલ્લુક ભી ઇક બબાલ હુઆ,

ગમ સે બિખરા ન પાયમાલ હુઆ,

મૈં તો ગમ સે હી બે-મિસાલ હુઆ.

– હસન નઇમ

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 24 નવેમ્બર 2019, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *