બધું મૂકીને ક્યાંક ભાગી જવાનું મન થાય છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધું મૂકીને ક્યાંક ભાગી

જવાનું મન થાય છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે,

બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે,

ગયા’તાં, પાછા ત્યાં જ આવીને ઊભા,

જવું ક્યાં? ચારેકોર તડકો આવે છે.

-હર્ષદ ત્રિવેદી

દરેક માણસને જિંદગીમાં એક વખત તો એવો વિચાર આવ્યો જ હોય છે કે, આ બધી ઝંઝટનો અર્થ શું છે? બધું મૂકીને ક્યાંક ભાગી જવાનું મન થાય છે. જિંદગીમાં અમુક સમય એવો આવે છે જ્યારે જિંદગીનો પણ થાક લાગે છે. આપણે કરવું હોય એ આપણે કરી શકતા નથી. બીજાની અપેક્ષાઓ સંતોષે જ રાખવાની? જેના માટે બધું કરતાં હોય એના તરફથી પણ જ્યારે કોઈ પ્રતિસાદ ન મળે ત્યારે એવું પણ થાય છે કે, કોઈને કંઈ કદર નથી. સવારથી સાંજ દોડાદોડી કરીને આખરે મળે છે શું? જિંદગી, ખુશી, આનંદ, સંબંધ, દોસ્તી સહિત તમામ ફિલોસોફી નક્કામી લાગે છે. નબળાં વિચારો ક્યારેક આપણા પર હાવી થઈ જાય છે. આવા વિચારોને બને એટલા ઝડપથી ટાળવા જોઈએ.

ડિપ્રેશન ક્યારેય એક ઝાટકે નથી આવતું. એ આપણને સમજ ન પડે એ રીતે ધીમા પગલે આવે છે. એક નબળો વિચાર આવે છે. એ પછી નબળા વિચારોની વણજાર શરૂ થાય છે. આપણે નિરાશામાં ઊંડા ને ઊંડા ઉતરતા જઈએ છીએ અને ક્યારે તળિયું આવી ગયું તેનો આપણને અંદાજ પણ રહેતો નથી. જે માણસ વિચારોને સમજી શકે છે એ જ સુખી રહી શકે છે. ક્યારેક મજા ન આવે એ સમજી શકાય એવી સ્થિતિ છે, પણ જો સતત એવું લાગે કે ક્યાંય મજા નથી આવતી, કંઈ ગમતું નથી, કોઈ સાથે વાત કરવાની ઇચ્છા થતી નથી, કંઈ કામ કરવાનું મન થતું નથી, તો સાવચેત થઈ જવાની જરૂર હોય છે. આપણું મન પણ આપણને સચેત થવાના સિગ્નલ તો આપતું જ હોય છે. ક્યાં રોકાવવું, ક્યાં જવું, ક્યાં અટકવું, શું કરવું, શું ન કરવું એના અણસાર આપણું મન આપતું જ રહે છે. આપણે ઘણી વાર એને ગણકારતા નથી.

આપણે જેની સાથે રહેતા હોઈએ, જેની સાથે કામ કરતાં હોઈએ એની સાથે ક્યારેક તો કોઈ બાબતે નારાજગી થવાની જ છે. આપણી સૌથી નજીક હોય એ વ્યક્તિ પણ ક્યારેક નક્કામી લાગવાની છે. એ કંઈ સમજતો નથી કે એ કંઈ સમજતી નથી, એને મારી કોઈ પરવા જ નથી એવા વિચારો આવે છે. ક્યારેક એને છોડી દેવાનું પણ મન થઈ આવે છે. જોકે, એ ટેમ્પરરી હોય છે. એના વગર આપણને ચાલતું નથી. આપણને માણસની આદત પડી ગઈ હોય છે. આપણને આપણી વ્યક્તિનું વળગણ હોય છે. કંઈક એવું હોય છે જે આપણને જોડી રાખે છે. એક યુવાનની આ વાત છે. તેને જોબમાં બહુ પ્રેશર હતું. આખો દિવસ કામ કરી કરીને થાકી જતો હતો. એક વખત તેણે પત્નીને કહ્યું, આ બધું છોડીને ક્યાંક ભાગી જવાનું મન થાય છે. આ વાત સાંભળીને પત્નીએ કહ્યું, મને મૂકીને ક્યાંય ભાગી જવાનું મન થાય છે? પતિએ કહ્યું, ના તારી સાથે ક્યાંક ભાગી જવાનું મન થાય છે. તારા વગર તો હું ક્યાંય ન જાઉં!

માણસ ક્યારેય એકલો રહી શકતો નથી. જો એકલો રહી શકતો હોત તો કોઈને ક્યારેય પોતાનું વતન છોડવાની વેદના ન થાત. જે લોકો પોતાના ઘરથી દૂર રહે છે એને ક્યારેક પૂછી જોજો કે, તેને શું થાય છે? આંખોમાં ભેજ બાજી જાય એવી કથા સાંભળવા મળશે. દરેક માણસના અમુક મૂળિયાં હોય છે. માણસ ગમે ત્યાં હોય એના મૂળિયાં તરફ ખેંચાતો હોય છે. એક હત્યારાની આ સાવ સાચી વાત છે. તેના દુશ્મનનું ખૂન કરીને એ ભાગી ગયો હતો. પોલીસે ખૂબ મહેનત કરી છતાં એ પકડાયો નહીં. વર્ષો વીતી ગયા. પાંચ વર્ષ પછી અચાનક એવા ખબર આવ્યા કે, એ ખૂની પકડાઈ ગયો. આ ખૂનીને જે પોલીસમેને પકડ્યો હતો એને પૂછવામાં આવ્યું કે, તને કેવી રીતે એને પકડવામાં સફળતા મળી? તેણે કહ્યું કે, હું ક્યાંય તેની પાછળ દોડ્યો ન હતો. મેં બસ, તેના ઘર ઉપર જ નજર રાખી હતી. એક દિવસ એ તેની માને મળવા આવ્યો અને મેં તેને પકડી લીધો. ક્રિમિનોલોજી કહે છે કે, ગમે એવો ગુનેગાર હોય એ વહેલો કે મોડો તેના વતનમાં આવે જ છે. વતનમાં એના મા-બાપ કે પરિવારજનો હોય છે. માણસ ગમે ત્યાં હોય એનું મન ઘરે આવવા તડપતું જ હોય છે. પત્ની અને બાળકોને મૂકીને જે ભાગી ગયો હોય છે એ તનથી તો એનાથી દૂર થઈ જાય છે, પણ મનથી એ સતત ખેંચાણ અનુભવતો હોય છે. એ એના વિશે જાણવાનો કે એનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવાનો જ છે!

આપણને બધાને એ અનુભવ છે કે, ક્યારેક ક્યાંય ફરવા ગયા હોઈએ ત્યારે થોડાક દિવસો મજા આવે છે. જોકે, એક સમયે પાછા ઘરે જવાનું મન થઈ આવે છે. વધારે સમય ફરવા ગયા હોય એ એવું પણ બોલતાં જ હોય છે કે, હવે તો આ દિવસો પૂરાં થાય તો સારું. માત્ર ઘર કે વતનનો જ નહીં, કામનો પણ ઝૂરાપો લાગતો હોય છે. સાચી જિંદગી આમ તો ડેઇલીના રૂટિનની જ હોય છે. વચ્ચે જે આવે છે એ તો હોલિડે હોય છે. એક બ્રેક હોય છે. બ્રેક પછી ગાડી પાછી ચાલતી થાય એની જ રાહ જોવાની હોય છે. રજાની મજા તો જ છે જો કામ છે. આરામની મજા કામનો થાક જ છે. આરામ પણ એક હદથી વધારે સહન થતો નથી. માણસને કંઈક કામ તો જોઈએ જ છે. માણસ સાવ નવરો બેસી જ ન શકે. તમે પ્રયાસ કરી જોજો. એક દિવસ એવું નક્કી કરજો કે આજે કંઈ જ કામ નથી કરવું. કંઈ એટલે કંઈ જ નહીં. આપણને ગમતું હોય એવું કામ પણ નહીં કરવાનું! નહીં થઈ શકે. રજાના દિવસોમાં પણ આપણે કંઈક તો કરતાં જ હોઈએ છીએ. મ્યુઝિક સાંભળીએ છીએ, ફિલ્મો કે વેબ સિરિઝ જોઈએ છીએ, અમુક કામ પેન્ડિંગ હોય એ પતાવીએ છીએ, સાવ એમને એમ તો પડ્યા રહેતા જ નથી!

માણસની એક પ્રકૃતિ છે. જે કામ સતત કરવાનું હોય કે જેની સાથે સતત રહેવાનું હોય એનાથી અમુક સમયે અણગમો થાય છે. એવા સમયે બધું છોડી દેવાનું કે ભાગી જવાનું મન થાય છે. ક્યારેક કોઈક ભાગી પણ જાય છે, એટલે કે મનથી નક્કી કરી લે છે કે હવે આમ નથી કરવું. જોકે, એ થોડા જ સમયમાં હતો એવો ને એવો થઈ જાય છે. જો એવું ન થાય તો પણ આપણને સવાલ થાય છે. માણસ માત્ર હેપીલી કનેક્ટેડ જ નથી હોતા, ઘણાં લોકો પેઇનફુલ્લી કનેક્ટેડ પણ હોય છે! આપણે એવા કિસ્સા પણ જોયા છે કે, કોઈ કપલ દરરોજ ઝઘડતાં હોય, મારામારી પણ થતી હોય, પણ એ જુદા થવાનું નામ ન લે! એને આદત પડી ગઈ હોય છે! એક મનોચિકિત્સકે કહેલી આ સાવ સાચી વાત છે. તેની પાસે એક યુવતી સલાહ માટે આવી. આ યુવતીનો પતિ તેની સાથે રોજ ઝઘડતો. ક્યારેક તો હાથ પણ ઉપાડી લેતો. યુવતી કંઈ ભૂલ કરે એટલે એ એની ઉપર તૂટી પડતો. અચાનક એના પતિનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું. એ હવે ઝઘડતો નહીં કે ક્યારેય હાથ પણ ઉપાડતો નહીં. કામ સિવાય કોઈ વાત પણ ન કરે! પત્નીએ મનોચિકિત્સકને પૂછ્યું કે, એ એવું કેમ કરે છે? એ હવે ઝઘડતો કેમ નથી? શું હવે એને મારામાં કોઈ રસ રહ્યો નથી! માણસને જો માર કે વડચકાની પણ આદત પડી જતી હોય તો પછી પ્રેમની આદત તો પડી જ જાયને? દરેક માણસ પોતાની વ્યક્તિની કેર ઇચ્છતો જ હોય છે. પાણીનો ગ્લાસ હાથમાં આપે એનાથી પણ એક સાંનિધ્ય સર્જાતું હોય છે. આપણી વ્યક્તિ માટે કંઈ કરવું એ ગુલામી કે મજબૂરી હોતી નથી, એ પણ પ્રેમનો જ એક હિસ્સો હોય છે. ઓફિસમાં કે ધંધા પર ઓર્ડર ઠોકીને માણસો પાસે કામ કરાવનાર માણસ પણ પોતાની પત્નીને કહેતો હોય છે કે, તું બેસ, હું લઈ આવું છું. સંતાનો માટે તો એ બધું જ કરી છૂટે છે. ત્યાં એ ઘરનો વ્યક્તિ હોય છે!

ક્યારેય તમને જો ક્યાંય ભાગી જવાનું મન થાય તો એક નાનકડો બ્રેક લો. જે રોજ કરતાં હોય એનાથી કંઈક જુદું કરો. જિંદગીને પણ ક્યારેક ચેન્જ જોઈએ છે. લાઇફમાં પણ વરાઇટિઝ હોવી જોઈએ. માણસ ક્યાંય ભાગી શકતો નથી. ભાગવું પણ ન જોઈએ. જિંદગીમાં પડકારો તો આવવાના જ છે. ન ગમતું હોય એવું થવાનું જ છે. ક્યારેક નબળાં વિચારો પણ આવવાના છે. માણસે દરેક સ્થિતિને અતિક્રમીને આગળ વધવાનું હોય છે. જિંદગી ક્યારેક નીરસ લાગે તો તેને રસપ્રદ બનાવવાના રસ્તા શોધો. આપણું સુખ, આપણો આનંદ, આપણો ઉત્સાહ અને આપણી જિંદગીને કઈ તરફ લઈ જવી એ આપણા હાથની જ વાત હોય છે. આપણા રથના આપણે જ સારથી છીએ. મંઝિલ સુધી પહોંચવા આપણે જ તકેદારી રાખવાની હોય છે કે, સાચા રસ્તેથી ભટકી ન જઈએ અથવા તો ક્યાંય અટકી ન જઈએ!

છેલ્લો સીન :

જિંદગી આખરે તો પોતાના તરફ જવાની સતત ચાલતી યાત્રા જ છે. જે પોતાના સુધી પહોંચી શકતો નથી એ સતત ભટકતો રહે છે.      –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 13 નવેમ્બર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: