એક હદથી વધારે સમય પણ કોઈને ન આપો! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એક હદથી વધારે સમય

પણ કોઈને ન આપો!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તમને સમય નથી અને મારો સમય નથી,

કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.

-બાપુભાઈ ગઢવી

સમયની ફિતરત સતત સરકતા રહેવાની છે. સમય એક રિધમમાં સતત ચાલતો રહે છે. આપણો સમય સારો કે ખરાબ હોઈ શકે, પણ સમયને કંઈ સારું કે ખરાબ નથી હોતું. સમય માટે સમય કાયમ માટે એકસરખો જ છે. આપણો સમય જ્યારે સારો હોય ત્યારે એ ઝડપથી પસાર થઈ જતો હોય એવું લાગે છે. સમય ખરાબ હોય ત્યારે એક એક ક્ષણ ભારે લાગે છે. ક્યારેક સમયને પાંખો લાગી જાય છે, તો ક્યારેક સમયના પગ પણ ખોડંગાતા હોય છે. સમય સાથે બધા તાલ મિલાવી શકતા નથી. સમય સાથે તાલ ન મિલાવી શકનારના હાલ ખરાબ થઈ જાય છે. આપણે ઘણી વખત સમયને ઓળખી શકતા નથી. સમય આપણને થાપ ખવડાવી દે છે. સમય સતત સંતાકુકડી રમતો રહે છે. સમય આપણને ક્યારે આઉટ કરી દે છે એની ઘણી વખત તો ખબર પણ પડતી નથી!

સમય અચાનક કરવટ બદલે છે. આપણને ખબર ન પડે એ રીતે સમય આપણાથી મોઢું ફેરવી લે છે. આપણને એવું થાય કે, આ સમય પસાર થઈ જાય તો સારું. ક્યારેક એવું પણ થાય કે, આ સમય રોકાઈ જાય તો સારું. સમય આમ તો આપણું ક્યાં માનતો હોય છે? સમય આપણો હોવા છતાં આપણો હોતો નથી. સમય ક્યારેક દોસ્ત જેવો લાગે છે તો ક્યારેક દુશ્મન જેવો બની જાય છે. અલગ અલગ રૂપ ધરીને એ સામે આવતો રહે છે. સમય તો રંગ બદલવામાં કાચીંડાને શરમાવી દે એવો ચાલાક હોય છે.

એક યુવાન ફિલોસોફર પાસે ગયો. તેણે કહ્યું કે, ક્યાંય મજા નથી આવતી. હમણાં મારો સમય જ ખરાબ ચાલે છે. ફિલોસોફરે કહ્યું કે, આપણી કોઈ વસ્તુ ખરાબ થાય ત્યારે આપણે શું કરીએ છીએ? કાં તો એને સાફ કરીએ છીએ અને કાં તો એને રિપેર કરીએ છીએ! આવું જ સમયની બાબતમાં કરવાનું હોય છે. તને થશે કે સમય કંઈ થોડી કંઈ વસ્તુ કે મશીન છે? એને સાફ કે રિપેર કેવી રીતે કરવા? સમય આપણી અંદર છે. આપણી અંદર એક મેકેનિઝમ હોય છે. આપણી અંદર જ રિપેરિંગની એક સિસ્ટમ ઇનબિલ્ટ હોય છે. એને એક્ટિવ કરવી પડે છે. મજા ન આવે ત્યારે મજાને પણ પેદા કરવાની હોય છે. તારા ટૂલને કામે લગાડ. મજા નથી આવતી એ તને ખબર છે તો પછી મજા કેમ નથી આવતી એની પણ તને ખબર જ હશે. એના વિચારો ટાળ અને મજા આવે એવા વિચારો કર. સુખ કે દુ:ખ, આનંદ કે ઉદ્વેગ એ મોટાભાગે તો વિચારોનું જ પરિણામ હોય છે. મજા નથી આવતી એવું જ વિચારીશ તો મજા આવવાની જ નથી! પાણીમાં પડ્યા રહીએ અને પછી કહીએ કે હું સૂકો થતો જ નથી એના જેવી જ આ વાત છે. સૂકા થવા માટે પાણીમાંથી બહાર નીકળવું પડે!

તમને ખબર છે કે, તમારી પાસે કેટલો સમય છે? આપણને ખબર નથી હોતી! જોકે, એટલી તો ખબર હોય જ છે કે, એક દિવસ સમય ખૂટવાનો છે. આયુષ્ય એ સમયનો એક એવો હિસ્સો છે જે જન્મ સાથે જ આપણને મળે છે. જેમ જેમ જિંદગી આગળ વધે છે એમ એમ સમય ઘટતો જાય છે. સમય કિંમતી છે. કિંમતી વસ્તુ આપણે સાચવીને રાખીએ છીએ અને સમજી વિચારીને જ વાપરીએ છીએ. સમય તો પાછો એવો છે જેને સંઘરી શકાતો નથી. એને તો વાપરવો જ પડે છે. સમય વેડફાઈ ન જાય એની તકેદારી પણ રાખવી પડે છે. આપણે કોઈની પાછળ આપણો સમય ખર્ચતા હોઈએ છીએ. તમે કોની પાછળ તમારો સમય ખર્ચો છો? આપણે ઘણી વખત એવું કરતાં હોઈએ છીએ કે, જેને સમય આપવો જોઈએ એને આપતા નથી અને જેને સમય ન આપવો જોઈએ એની પાછળ સમય વેડફતા હોઈએ છીએ. આપણી આજુબાજુમાં જે લોકો હોય છે એની લાયકાત તપાસીને એને આપણો સમય આપવો જોઈએ. અમુક વ્યક્તિઓ એવી પણ હોય છે જેના માટે સમયની કોઈ પરવા હોતી નથી. આપણો સમય જ નહીં આપણી જિંદગી જ એના માટે હોય છે. આવી વ્યક્તિ માટે કોઈ હિસાબ-કિતાબ કે કોઈ ગણતરી હોતી નથી. એક મિત્રએ તેના ફ્રેન્ડને ફોન કરીને પૂછ્યું, ક્યારે મળવા આવું? ફ્રેન્ડે કહ્યું કે, તારું મન થાય ત્યારે! બધાને આવું કહેવાનું ન હોય. અમુક લોકોને તમે સમય આપો ત્યારે એ તમારા સમયને પણ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોય છે. એક યુવાન પાસે જોબ ન હતી. એક ભાઈએ કહ્યું, તારી પાસે ક્યાં કંઈ કામ છે? આ વાત સાંભળીને એ યુવાને કહ્યું કે, હું બેકાર છું, પણ નવરો નથી! મારી પાસે બીજા ઘણા કામો છે જે હું કરું છું. દુનિયા એવા કામોને જ કામ ગણવા લાગી છે જેનાથી રૂપિયા મળે! કમાણીને જ આપણે કામ કહીએ છીએ!

સમય માટે એવું પણ કહેવાતું આવ્યું છે કે, આપણો સમય આપણો જ છે! સાચી વાત છે, પણ આપણે ક્યારેય એવું વિચારીએ છીએ કે, આપણે આપણો સમય આપણા માટે કેટલો વાપરીએ છીએ? આપણને મજા આવે એવું કેટલું કરીએ છીએ? નોકરી એ બીજું કંઈ નથી, માત્ર આપણા સમયનું વળતર છે. આપણે આપણો સમય વેચીએ છીએ. સમયના સદ્્ઉપયોગ અંગે બધાની પોતપોતાની માન્યતાઓ હોય છે. સમયના દુરોપયોગને પણ દરેક પોતપોતાને રીતે મૂલવે છે. એક વ્યક્તિનો એક નક્કામા માણસે એક કલાક બગાડ્યો. એ ચાલ્યો ગયો. પછી એ વ્યક્તિએ કહ્યું કે, મને અફસોસ થાય છે કે, એણે મારો એક કલાક બગાડ્યો. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, હવે અફસોસ કરવામાં તારો સમય ન બગાડ. જે બગડી ગયું એનો અફસોસ કરવામાં આપણે વધુ સમય બગાડતા હોઈએ છીએ. અમુક સંબંધો પણ એવા હોય છે એ જ્યારે તૂટે ત્યારે આપણને એમ થાય કે, તેની સાથે મેં જિંદગીનો અમૂલ્ય સમય વેડફ્યો! જોકે, એનો અફસોસ નહીં કરવાનો! જિંદગીમાં એ પણ નક્કી કરવાનું હોય છે કે, શું વાગોળવું અને શું ભૂલી જવું!

એક યુવાનની આ વાત છે. એ રૂપિયા કમાવવા પાછળ જ લાગેલો હતો. એક વખત તેના મિત્રએ કહ્યું કે, તું તારા લોકોને તારો સમય જ નથી આપતો! આ વાત સાંભળીને એ યુવાને કહ્યું કે, તને ખબર છે ને કે સમય માટે એવું કહેવાય છે કે, ટાઇમ ઇઝ મની. આ વાતને મેં જરાક જુદી રીતે સમજી છે. મારા લોકોને હું મારા ટાઇમને બદલે મારી મની આપું છું. એ મારા મનીથી ખુશ છે એટલે હું એને મારો ટાઇમ આપતો નથી! રૂપિયાથી પતતું હોય ત્યાં સમય શા માટે ખર્ચવો? એક ભાઈ વિદેશમાં રહેતા હતા. દેશમાં એક પ્રસંગ હતો. આ પ્રસંગમાં જવું કે નહીં એનો એ વિચાર કરતો હતો! કેટલા દિવસો જશે, કેટલું કામ બગડશે એનો એણે હિસાબ માંડ્યો. એને થયું કે હું જાઉં એના કરતાં એને રૂપિયા જ મોકલી દઉં. એનો પ્રસંગ પતી જશે! તેણે રૂપિયા મોકલાવી આપ્યા અને સોરી કહી દીધું! એ યુવાને હસીને કહ્યું કે, રૂપિયા મોકલી આપ્યા એનાથી પણ છેલ્લે મને તો ફાયદો જ થયો છે!

આપણી હાજરીની જ્યાં નોંધ લેવાતી હોય ત્યાં જ જવું જોઈએ. દુનિયા પણ કેવી છે, આપણી ગેરહાજરીની નોંધ રાખે છે, પણ આપણી હાજરીની પરવા કરતાં નથી! ક્યાં જવું અને ક્યાં ન જવું એની સમજણ પણ જિંદગી માટે જરૂરી છે. આપણા જવાથી કોઈને ફેર પડતો હોય તો આપણે ચોક્કસ જવું જોઈએ. જો કોઈ ફેર પડવાનો ન હોય તો ત્યાં ન જવામાં કંઈ જ ખોટું નથી. એક યુવાને તેના મિત્રને ફોન કર્યો. શું કરે છે? તેના મિત્રએ કહ્યું, કંઈ નહીં. બસ, બેઠો છું. મિત્રએ કહ્યું કે, બેઠો છે તો ચાલને પેલાને ત્યાં જઈએ? મિત્રએ ના પાડી. બેઠો છું, ફ્રી છું, પણ મને બેસવાની મજા આવે છે. મારે નથી આવવું! મને એને ત્યાં મજા નથી આવતી. ક્યારેક આપણે ક્યાંક ફસાઈ જઈએ છીએ, ગયા પછી એવું લાગે કે, ખોટા આવી ગયા છીએ. આવી સમજણ પડે એટલે તરત જ ત્યાંથી નીકળી જવું. જે સમય વેડફાયો એ તો વેડફાયો, વધુ શા માટે વેડફવો?

ઘણા લોકો એની પાસે સમય હોય એટલે એ બીજાનો સમય પણ બગાડે છે. આવા નવરા લોકો પણ આપણી જિંદગીમાં આવતા હોય છે. એવા લોકોથી સાવચેત રહેવાનું હોય છે. આવા લોકો આપણા સમયની કતલ કરી નાખે છે. સમયની બાબતમાં પણ ‘ના’ પાડતા આવડવું જોઈએ. સાથોસાથ આપણે પણ કોઈના સમયની કદર કરવી જોઈએ. કોઈ આપણને સમય આપે ત્યારે એટલી સમજ હોવી જોઈએ કે, એ માણસે આપણા માટે સમય ફાળવ્યો છે. જે માણસને સમયનો આદર કરતા નથી આવડતું એ માણસ અનાદરનો ભોગ બનતો રહે છે. તમે સારી જિંદગી ઇચ્છો છો તો સમયને ઓળખતા અને માણતા શીખો, કારણ કે જિંદગી અંતે તો સમયની જ બનેલી છે. આપણા સમયનું ગૌરવ આપણે જ જાળવવું પડે છે. જો તમે તમારા સમયનું ગૌરવ નહીં સમજો તો લોકો પણ તમારા સમયને માન નહીં આપે. જે દિલથી નજીક છે એના માટે સમયની પરવા ન કરો. સમય બદલતા બદલાઈ જાય એવા લોકોને ઓળખવાની પણ આવડત હોવી જોઈએ. સમયને સમજી વિચારીને વાપરો, સમયને વાપરતા ન આવડે તો જિંદગી ખોટી રીતે ખર્ચાઈ જાય છે. જિંદગી જીવવા માટે છે એટલે જ સમયને સમજીને વાપરવાનો હોય છે. જેમાં જીવતા હોઈએ એવું લાગે ત્યાં જ સમય વાપરવો સાર્થક છે.

છેલ્લો સીન:

તમારો સમય એને જ આપો જે એના માટે લાયક છે. આપણો સમય કંઈ વધારાનો નથી કે ગમે તેને આપી દઈએ.             -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 06 નવેમ્બર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: