મોતનો અનુભવ કરાવીને કોઇને આપઘાતથી બચાવી શકાય? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

મોતનો અનુભવ કરાવીને કોઇને

આપઘાતથી બચાવી શકાય?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ચીનમાં લી તૈજી નામની 32 વર્ષની યુવતી ડેથ સ્કૂલ ચલાવે

છે. તે આપઘાત કરવાનું વિચારતા લોકોને

મોતનો અનુભવ કરાવીને તેમને આપઘાતથી બચાવે છે!

આ થોડુંક વિચિત્ર નથી લાગતું?

આપઘાત કરવાનું વિચારતા હોય એવા લોકો

મોટા ભાગે ઇશારો આપતા હોય છે.

એ ઇશારાને સમજવાની સમજણ હોવી જોઇએ.

આપઘાત બિહામણો શબ્દ છે. આપઘાત કરનાર તો પોતાની જિંદગી પર પોતાના હાથે પૂર્ણવિરામ મૂકી દે છે, પણ એના પરિવારજનો પછી આખી જિંદગી એનો ભાર વેંઢારે છે. પોતાની વ્યક્તિએ આપઘાત કર્યો હોય એની વેદના કેવી કારમી હોય છે એ તો એનાં સ્વજનોને પૂછો તો ખબર પડે. પોતાની વ્યક્તિના કુદરતી કે અકસ્માતે થયેલા મોતની કળ હજુ વળી જાય છે, પણ આપઘાતની કળ ઘડીકમાં વળતી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા મુજબ દુનિયામાં દર વર્ષે આઠ લાખ લોકો આપઘાત કરે છે. ભારતના જે આંકડા મળે છે એ મુજબ 2016માં 2,30,314 લોકોએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી હતી. આપઘાત રોકવા માટે દુનિયાના દરેક દેશમાં ખૂબ જ પ્રયાસો થાય છે. એનજીઓ પણ આપઘાત રોકવા માટે ઉમદા પ્રયાસો કરે છે. જોકે, તો પણ આપઘાતનો આંકડો ઘટવાના બદલે સતત વધતો જ રહે છે.

આપઘાત કરનારને કેવી રીતે રોકી શકાય એ સૌથી મોટો સવાલ છે. ચીનમાં થતા એક વિચિત્ર પ્રયાસની વાત જાણવા જેવી છે. 32 વર્ષની લી તૈજી ડેથ સ્કૂલ ચલાવે છે. આપઘાત કરવાનું વિચારતા લોકો આ સ્કૂલ જોઇન કરે છે અને ગ્રેવ ક્લાસરૂમ એટેન્ડ કરે છે. લી તેને મોતનો અહેસાસ કરાવે છે અને એ રીતે જિંદગી અણમોલ છે તેની શીખ આપે છે. એક મેદાનમાં કબર ખોદીને લોકોને સુવડાવવામાં આવે છે અને પછી મોતનો વિચાર કરવાનું કહેવામાં આવે છે. તમે મરી જાવ પછી તમારા પરિવારજનોની હાલત વિશે વિચારો, એ લોકો પર શું વીતશે તેની કલ્પના કરો. લોકોને કબરમાં દાટી દેવામાં આવે છે. એ લોકો જ્યારે બહાર નીકળે છે ત્યારે ધ્રૂસકે ને ધ્રૂસકે રડતા હોય છે. મોતને ભૂલીને એ લોકો જિંદગી તરફ પાછા વળે છે. આવી રીતે કેટલી કારગત નીવડે એ એક સવાલ છે. લીનો એવો દાવો છે કે, આ રીતે તેણે ઘણાને આપઘાત કરવાથી બચાવ્યા છે.

લી તૈજીની પોતાની એક કથા છે. તેણે પણ આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. તેને પછી જે વિચારો આવ્યા એણે તેને જીવવાની હિંમત આપી એટલે એણે પોતાના વિચારો મુજબ આ ડેથ સ્કૂલ શરૂ કરી. લી તો કબરમાં સુવડાવવાની ઘટનાને ‘ગ્રેવ યાર્ડ મેડિટેશન’ કહે છે. લી 19 વર્ષની હતી ત્યારે તેના મેરેજ થઇ ગયા હતા. 21 વર્ષની વયે તો એ એક બાળકની માતા બની ગઇ હતી. 30 વર્ષની થઇ ત્યારે તેને અને તેના પતિ વચ્ચે પ્રોબ્લેમ થયો. લીના ડિવોર્સ થઇ ગયા. એ પછી તેને આપઘાતના વિચારો આવતા હતા. તેમાંથી જ ડેથ સ્કૂલનો જન્મ થયો. આપઘાતથી કોઇને બચાવવાની આ રીત થોડીક વિચિત્ર જરૂર છે, પણ તેનાથી જિંદગી જીવવાનો એક મેસેજ તો મળે જ છે.

આપણે ત્યાં જીવવા જેવી ઉંમરે જિંદગી ટૂંકાવનારાની સંખ્યા બહુ મોટી છે. આજના યંગસ્ટર્સ સામે ચેલેન્જીસ વધી ગઇ છે. તેની સામે કરિયર અને સક્સેસના સવાલો છે. નોકરી કે ધંધો કરીને રૂપિયા કમાવવાનો પડકાર છે. એ ઉપરાંત સૌથી વધુ રિલેશનશિપના ઇસ્યૂઝ છે. ફેમિલીની હૂંફમાં ઘટાડો એ આપઘાત માટે દોરનારું સૌથી મોટું કારણ છે. આત્મીયતા હોય તો આત્મહત્યા રોકી શકાય છે. મનોચિકિત્સકોના મતે જે માણસ આપઘાત કરવાનું વિચારતો હોય એ ઇશારાઓ આપતો હોય છે. એના ઇશારાઓ પકડી શકે એવા સંબંધો રહ્યા નથી એટલે એ અંતિમ પગલા સુધી પહોંચી જાય છે. કેટલા લોકો પોતાની વ્યક્તિના મૂડમાં ચેઇન્જ આવે એ પારખી શકતા હોય છે? આપણને કેટલી ખબર હોય છે કે, ઘરનો આ સભ્ય કે આપણો મિત્ર મૂંઝાઇ રહ્યો છે. તેની કેર કરવાની જરૂર છે. તેના વિચારો ડાઇવર્ટ કરવાની જરૂર હોય છે.

કોઇ માણસ પહેલા જ વિચારમાં આપઘાત કરી લેતો નથી. પહેલાં તો એને જિંદગી સામે સવાલો થાય છે. આ જિંદગીનો કોઇ મતલબ નથી, હું કાંઇ કરી શકું એમ નથી, મારી કોઇને પડી નથી, હું ન હોઉં તો કોઇને કંઇ ફેર પડવાનો નથી એવા વિચારો આવે છે. ધીમે ધીમે આ વિચારો વધતા જાય છે અને છેલ્લે એ મરવાનું નક્કી કરે છે. એ વ્યક્તિને એવો અહેસાસ આપવાની જરૂર હોય છે કે, તું અમારા બધા માટે મહત્ત્વનો છે. એકાદ વખત નિષ્ફળ જવાથી કંઇ ખતમ થઇ જતું નથી. અપ-ડાઉન એ જિંદગીનો એક ભાગ જ છે. તું તારી જાતને નબળી ન પડવા દે. કમનસીબી એ છે કે આવું થતું નથી. પોતાના લોકોને પણ એટલો સમય નથી કે કોઇના મૂડ સ્વિંગને પકડી શકે.

હવે થોડોક સુધારો એ આવ્યો છે કે, પોતાનું સ્વજન જો નબળા વિચારો કરે તો તેને મનોચિકિત્સક પાસે લઇ જવાય છે. જોકે, હજુ એનું પ્રમાણ જોઇએ એટલું તો નથી જ. આપઘાત કરનાર એક વ્યક્તિના પરિવારજનોએ એવું કહ્યું કે, અમને તો અણસાર પણ ન આવ્યો કે એ આવું કરશે. આપણે એવું તો કહીશું જ નહીં કે અમે એને સમજવામાં થાપ ખાઇ ગયા. આપણે ત્યાં આપઘાત કરવાનું વિચારતા લોકો માટે કાઉન્સેલિંગની સિસ્ટમ છે. હવે એમાં થોડાક પરિવર્તનની જરૂર છે. લોકોને એ સમજાવવાની જરૂર છે કે, તમારી પોતાની વ્યક્તિની ઉદાસી, હતાશા, નારાજગી અને નિષ્ફળતાના ભયને કેવી રીતે ઓળખવા. આ કામ બહુ અઘરું નથી, બસ એના માટે પ્રેમ, લાગણી, પોતાના વ્યક્તિની કેર અને પોતાના લોકો માટે ફાળવવાના સમયની જરૂર હોય છે. કરુણતા એ વાતની પણ છે કે, આપણે બધા આપણી વ્યક્તિ ચાલી જાય એ પછી પાછળથી રોઇએ છીએ, એ હોય ત્યારે એને હસાવવાની દરકાર કરતા નથી.  

પેશ-એ-ખિદમત

કુર્બત ભી નહીં દિલ સે ઉતર ભી નહીં જાતા,

વો શખ્સ કોઇ ફેંસલા કર ભી નહીં જાતા,

દિલ કો તેરી ચાહત પે ભરોસા ભી બહુત હૈ,

ઔર તુજસે બિછડ જાને કા ડર ભી નહીં જાતા.

(કુર્બત- નજીક)        – અહમદ ફરાઝ

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ, તા. 19 મે 2019, રવિવાર)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *