જિંદગીને સમજવા માટે ખરાબ અનુભવો પણ જરૂરી છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગીને સમજવા માટે

ખરાબ અનુભવો પણ જરૂરી છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એ જીવશે ને જિંદગીનો સાર નહીં મળે,

જેને કદીય પીઠ પર વાર નહીં મળે!

આનંદનું ગજું શું નિરંતર મળી શકે,

કે દર્દ પણ મળ્યું તો લગાતાર નહીં મળે!

-અલ્પેશ કળસરિયા

જિંદગીની સમજ કંઈ એમ જ આવી જતી નથી. ઘણી બધી ઠોકરો ખાવી પડતી હોય છે. કંઈક ખરાબ બને ત્યારે જ આપણને સારા અને નરસાનો ભેદ સમજાતો હોય છે. જિંદગી વળાંકો લેતી હોય છે. જિંદગીમાં ક્યારેક ચઢાણ આવે છે. ક્યારેક ઢાળ પણ આવે છે. ક્યારે ગતિ વધારવી અને ક્યારે સ્પીડ ઘટાડવી એ આપણને જિંદગી સિવાય બીજું કોણ શીખવી શકે? આપણને ક્યારેક એવો વિચાર આવે છે કે, બધું જ સારું હોત તો જિંદગી કેટલી ઉમદા હોત? ક્યાંય નફરત, ઈર્ષા, નારાજગી, ગુસ્સો, વેરઝેર કે દેખાદેખી ન હોત તો દુનિયા કેટલી બધી સારી હોત? આપણી કલ્પનાઓ મુજબનું ક્યારેય કશું હોવાનું નહીં. વાસ્તવિકતા સાવ જુદી જ હોય છે. બધા જ લોકો ક્યારેય સારા નહીં જ હોવાના. હોઈ જ શકે નહીં. સારી વાત એ છે કે, કુદરતે આપણને સારા અને નરસામાંથી પસંદગી કરવાની તક આપી છે. આપણાં સુખ અને આપણાં દુ:ખનો આધાર સરવાળે તો આપણી પસંદગી ઉપર જ હોય છે. આપણે માણસ છીએ. પસંદગીમાં પણ ક્યારેક થાપ ખાઈ જઈએ છીએ. જિંદગી પાછી એ ભૂલ સુધારવાની તક પણ આપે છે. આપણે ભૂલ સુધારવામાં ઘણી વખત મોડું કરીએ છીએ. ભૂલ સુધારવાને બદલે ભૂલનું પોસ્ટમોર્ટમ કરતા રહીએ છીએ. પોસ્ટમોર્ટમમાંથી જે નીકળે છે એ ફરિયાદો, આક્ષેપો અને અફસોસ જ હોય છે. પોસ્ટમોર્ટમથી મરી ગયું હોય એ જીવતું થવાનું જ નથી!

જિંદગીને સમજવા માટે ખરાબ અનુભવો પણ જરૂરી છે. આખરે તો ખરાબ અનુભવો, ખરાબ સમય અને અયોગ્ય વ્યક્તિનો ભેટો એ પણ જિંદગીનો જ એક ભાગ હોય છે ને? જે આપણી જિંદગીનો જ એક હિસ્સો હોય તેને કેમ અવગણી શકાય? એને પણ સ્વીકારવું જ પડે છે. આપણે બધા જ આમ તો સમજુ જ હોઈએ છીએ. આપણે જે કંઈ નિર્ણય કરીએ છીએ એ પૂરતો વિચાર કરીને જ કરીએ છીએ. જે સાચું, સારું અને યોગ્ય લાગે એને જ અનુસરીએ છીએ. ધાર્યું ન થાય, સફળતા ન મળે, દગો થાય, કોઈ છેતરી જાય ત્યારે આપણે દોષારોપણ કરવા લાગીએ છીએ.

એક ક્રિકેટર હતો. મેચ પૂરી થઈ જાય એ પછી તે પોતાની મેચનું આખું રેકોર્ડિંગ જુએ. તેના સાથીદારે પૂછ્યું, તું શું જુએ છે? કેવી રીતે આઉટ થયો એ? એવી ભૂલ ફરીથી ન થાય એ? પેલા ક્રિકેટરે કહ્યું, ના. હું ફક્ત એના માટે નથી જોતો. એ જોઉં તો તો મને આઉટ થવાનું જ મગજ પર સવાર રહે. હું તો એ જોઉં છું કે કયા શોટમાં સિક્સ લાગી હતી? કઈ કટમાં ફોર ગઈ હતી? આઉટ ન થવાની ટ્રિક કરતાં વધુ તો હું મારી ગેમ રમવા ઉપર ધ્યાન આપું છું. આઉટ તો થવાનું જ છે. આઉટ થવાની ચિંતા કરતો રહું તો રમી જ ન શકું. મોતની જ જે લોકો ચિંતા કરતા રહે છે એ જિંદગી જીવી જ શકતા નથી! નિષ્ફળતાથી જે ડરે છે એ સફળતાની શરૂઆત જ કરતા નથી! વિરહથી જેને ડર લાગે છે એ મિલનને માણી જ શકતા નથી!

અંધારું એ વાતની સાબિતી છે કે અજવાળું થવાનું છે. કુદરતની દરેક ક્રિયામાં એક રિધમ છે. રાત પછી દિવસ ઊગવાનો જ છે. ઓટ પછી ભરતી આવવાની જ છે. પાનખર પછી વસંતને આવવું જ પડે છે. જિંદગીની પણ એક રિધમ છે. ક્યારેક તો આપણે જેને દુ:ખ માની લેતા હોઈએ છીએ એ નવા સુખની શરૂઆત હોય છે. આપણે ખરાબને એટલું બધું ખરાબ માનવા લાગીએ છીએ કે સારાનો વિચાર જ કરી શકતા નથી. એક યુવાનની આ વાત છે. તેના મનમાં એક છાપ ઘર કરી ગઈ હતી કે બધા સ્વાર્થનાં જ સગાં છે. તેણે નક્કી કર્યું કે, દુનિયા જે રીતે ચાલતી હોય એ રીતે જ ચલાવવી. દુનિયા સ્વાર્થી છે ને, તો એના સ્વાર્થને સંતોષવો. એ પાર્ટીઓ કરે. બધાને બોલાવે. મોજમજા કરાવે. એ યુવાનને પછી પણ એવું જ થાય કે બધાને મજા કરવી છે એટલે જ મારી પાસે આવે છે. હું ખવડાવું-પીવડાવું છું એટલે જ બધાને ગમું છું. એ કોઈને વર્તાવા ન દે, પણ અંદરખાને તો એને એવું જ થાય કે, બધા પોતાના સ્વાર્થ માટે જ આવે છે.

એક વખત તે પોતાની ઓફિસે જતો હતો ત્યારે તેની કારનો એક્સિડન્ટ થયો. એ બેહોશ થઈ ગયો. ભાનમાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં હતો. આંખો ખૂલી ત્યારે એણે જોયું કે તેના તમામ મિત્રો પલંગ ફરતે ગોઠવાયેલા હતા. એની આંખો ખૂલી એ સાથે કેટલીય આંખો ભીની થઈ ગઈ. બે મહિના તેને હોસ્પિટલમાં રહેવું પડ્યું. દરરોજ મિત્રો આવતા. વાતો કરતા. હસાવતા. એનું દર્દ ઓછું થાય એવા પ્રયાસો કરતા હતા. તેને થયું હું તો ખોટું વિચારતો હતો. જો એક્સિડન્ટ થયો ન હોત તો કદાચ મને ક્યારેય ખબર જ ન પડત કે કેટલા બધા લોકો મને પ્રેમ કરે છે! હું તો એવું જ માનત કે બધાં સ્વાર્થનાં સગાં છે! શું આ એક્સિડન્ટ થયો ન હોત તો મને ક્યારે હકીકતનું ભાન જ ન થાત? આ એક્સિડન્ટ થયો એ સારું થયું? ખરાબ ઘટનાઓ આપણને સત્યનું ભાન કરાવતી હોય છે? હા, જિંદગીમાં એવું બનતું હોય છે.

માણસ પ્લેઝર કરતાં પેઇનમાંથી વધારે શીખતો હોય છે. આપત્તિ, સંકટ અને ઇમરજન્સી આપણને ક્યારેક એ શીખવવા માટે જ આવતી હોય છે કે આપણામાં એને ઓવરકમ કરવાની આવડત છે. એક યુવાન હતો. એક કંપનીમાં જોબ કરે. એક વખતે તેને અમુક કારણસર જોબમાંથી કાઢી મૂકવામાં આવ્યો. એને એટલી ખરાબ રીતે કાઢ્યો કે બીજી કોઈ કંપની તેને નોકરી આપવા જ તૈયાર ન થાય. ક્યાંય નોકરીનો મેળ પડતો ન હતો. તેને એવું લાગવા માંડ્યું કે આપણી કરિયર પતી ગઈ. જિંદગી ખતમ થઈ ગઈ. તેને ગિટાર વગાડતા આવડતું હતું. એક નાઇટ ક્લબમાં ગયો. તેણે કહ્યું કે, મને રાતે તમારે ત્યાં ગિટાર વગાડવા દો. તમારે જે આપવું હોય એ આપજો. હોટલવાળાએ તેને રાખી લીધો. પગાર તો બહુ હતો નહીં, પણ ગીત-સંગીત સાંભળીને ખુશ થતા લોકો તેને સારી એવી ટિપ આપતા. એનું ગાડું ગબડ્યે રાખતું. એક દિવસ એક મ્યુઝિશિયન એ હોટલમાં આવ્યો. એ યુવાન જે રીતે ગિટાર વગાડતો હતો એ જોઈને દંગ રહી ગયો. તેણે કહ્યું, મારા ગ્રૂપમાં આવીશ? એ જોઇન થઈ ગયો. સ્ટેજ શોમાં એનું પરફોર્મન્સ વખણાવવા લાગ્યું. ધીમે ધીમે એણે પોતે જ પોતાનું બેન્ડ બનાવ્યું. આખા દેશમાં તેની નામના થઈ ગઈ. એક દિવસે તેને જેણે કાઢી મૂક્યો હતો એની સાથે એનો ભેટો થઈ ગયો. એ તેને ભેટી પડ્યો. થેંક્યૂ કહ્યું. તેણે કહ્યું, તમે મને કાઢી ન મૂક્યો હોત તો કદાચ હજુ હું કોઈ ઓફિસમાં સામાન્ય નોકરી જ કરતો હોત. મેં તમને અને મારા ખરાબ સમયને બહુ ગાળો આપી છે. આજે સમજાય છે કે એ ઘટના કદાચ મારા સારા ભવિષ્ય માટે જ કુદરતે નિર્માણ કરી હશે.

આપણા બધાની જિંદગીમાં એવી ઘટનાઓ બની હોય છે, એ જ્યારે બની હોય ત્યારે જિંદગીની સૌથી મુશ્કેલ ઘડી લાગી હોય. એવું લાગે જાણે કંઈ બચ્યું જ નથી. સમય જતાં એ જ ઘટના સારી લાગે છે. એ ઘટના ઘટી ન હોત તો આજે હું છું એ ન હોત! આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે, બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. ક્યારેક ખરાબ બને ત્યારે આપણા વડીલો એવું કહે છે કે, જે થતું હશે એ સારા માટે થતું હશે. ત્યારે તો આપણને એમ જ થાય કે, શું ધૂળ સારા માટે થતું હશે? મારી તો હાલત ખરાબ થઈ ગઈ છે. જિંદગીની અમુક ઘટનાઓ ઘણા સમય પછી જ સમજાતી હોય છે. આપણી જિંદગીમાં આવનારા બૂરા લોકો પણ આપણને કંઈક શીખવી જતા હોય છે. છેલ્લે એ એટલું તો શીખવે જ છે કે કોનો ભરોસો કરવો અને કોનો ન કરવો! જિંદગીનું અંતિમ સત્ય એ છે કે, પોતાની જાત ઉપર તો ભરોસો ક્યારેય ઓછો ન થવા દેવો. ઘોર અંધારું હોય તો પણ યાદ રાખો કે હવે સૂરજ ઊગવાનો સમય નજીક આવી ગયો છે!

છેલ્લો સીન :

સમય ઉપર શ્રદ્ધા રાખો. સમયને પણ સારા સાબિત થવું હોય છે. એ શણગાર સજીને આવે એટલી રાહ તો જુઓ!            -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 08 મે 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *