જિમ V/S ઘરકામ : આપણે ખોટનો ધંધો કરીએ છીએ? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

જિમ V/S ઘરકામ : આપણે

ખોટનો ધંધો કરીએ છીએ?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

જિમમાં પૈસા દઇ પરસેવો પાડવા કરતા

ઘરનું કામ કરવામાં અનેક ફાયદા છે એવું એક

સર્વે કહે છે. એ વાત જુદી છે કે આપણને

ઘરનું કામ કરવામાં ઘણું બધું નડે છે!

મહિલાઓ તો હજુ પણ ઘરનું કામ કરે

છે, પુરુષો તો જિમમાંથી આવીને પાણીનો

ગ્લાસ પણ પત્ની પાસેથી માંગશે!

તમે આખા દિવસમાં કેટલો શારીરિક શ્રમ કરો છો? દિવસ દરમિયાન કેટલો પરસેવો પાડો છો? ફિઝિકલ અવેરનેસ વધી છે એટલે કંઇક તો કરતા જ હશો. કેલેરીનો હિસાબ પણ રાખતા હશો. હેલ્થ માટે કદાચ ડિજિટલ બેલ્ટ કે વોચનો પણ ઉપયોગ કરતા હશો. એકાદી એપ્લિકેશન પણ મોબાઇલમાં ડાઉનલોડ કરી હશે. બીએમઆઇ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ પણ મેઇન્ટેન કરવાનો પ્રયાસ કરતા હશો. સારી વાત છે, કરવું જ જોઇએ. હવે એક સવાલનો જવાબ આપો, તમે ઘરકામ કેટલું કરો છો? તમારો જવાબ કદાચ એવો હશે કે ઘરકામ શા માટે કરીએ? માણસો છે ને! કસરત કરવા માટે અમે જિમ જઇએ છીએ ને! જો તમે આવું વિચારતા હોય તો તમે ખોટનો ધંધો કરો છો. વાત માત્ર રૂપિયા ખર્ચવાની નથી. સવાલ છે સ્ટ્રેસ બસ્ટરનો અને જિંદગી પરનું જોખમ ઘટાડવાનો!

આપણી લાઇફ સ્ટાઇલ બદલાઇ છે. લેડિઝ હોય કે જેન્ટ્સ, હવે લોકો ઘરકામ કરવાનું ટાળે છે. ઘરકામ કોણે કરવું જોઇએ એ સવાલ અંગે આપણે ત્યાં ચર્ચાઓ થતી રહે છે. જેન્ટ્સ આજે પણ ઘરકામ કરવાનું પસંદ નથી કરતા. મહિલાઓ પણ હવે વાસણ, કચરા-પોતાં અને ઘરનાં બીજાં કામો કામવાળી કે કામવાળા પાસે કરાવતા થયાં છે. રસોઇ માટે મહારાજ રાખવાનું ચલણ પણ વધતું જાય છે. હવે લેડિઝ પણ કામ કરતી થઇ ગઇ છે. સ્વાભાવિક રીતે તેને એવું થાય કે ઓફિસથી આવીને તેને બધું તૈયાર મળે. આમ જુઓ તો એમાં કંઇ ખોટું નથી પણ એક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે જિમ જવા કરતાં ઘરનું કામ કરવું હેલ્થ અને વેલ્થ માટે સારું છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં કામવાળા પોસાતા નથી. ત્યાં બધું કામ જાતે કરવું પડે છે. કાર ધોવા માટે પણ સમય કાઢવો પડે છે. એ દેશોમાં સ્ત્રી અને પુરુષ બંને ઘરકામ કરે છે. ઘરનું કામ લેડિઝના કપાળે જ લખાયેલું હોતું નથી.

કેનેડાના હેમિલ્ટનમાં આવેલી મેકમાસ્ટર યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે જિમ જવા કરતાં ઘરનું કામ કરવું અનેક રીતે બહેતર છે. 17 દેશોના એક લાખ 30 હજાર લોકો પર આ સર્વે કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં લોકોની લાઇફ સ્ટાઇલ, ઇકોનોમિકલ કન્ડિશન, મેડિકલ હિસ્ટ્રી, વજન, લંબાઇ, કમર અને નિતંબની સાઇઝ સહિત અનેક પાસાંઓને આવરી લેવામાં આવ્યાં હતાં. સંશોધકોએ જે પરિણામો આપ્યાં છે તે જાણવા જેવાં છે. અઠવાડિયામાં જે લોકો 750 મિનિટ ઘરનું કામ કરે છે તેનું જિંદગી પરનું જોખમ 40 ટકા ઘટે છે. આ વાત અઠવાડિયાની છે, એ હિસાબે રોજની 107 મિનિટ થાય. મતલબ રોજના પોણા બે કલાક જેટલો સમય. જો અઠવાડિયાના 150 મિનિટ ઘરકામ કરે તો જોખમ 30 ટકા ઘટે, વીકના 90 મિનિટ કરો તો જોખમ 28 ટકા ઘટે છે. દિલની બીમારીઓથી પણ ઘરકામ દૂર રાખે છે. તમને સવાલ થાય કે જિમથી પણ ફાયદો તો છે જ ને? હા, ચોક્કસપણે ફાયદો છે, જોકે ઘરકામથી બીજા લાભો પણ થાય છે.

એક તો પાતાનું કામ પોતાના હાથે જ કરવાનો એક અનોખો સંતોષ મળે છે. અમુક કામોથી સ્ટ્રેસ દૂર થાય છે. જિમમાં જવાનું પ્લાનિંગ કરવું પડે છે. મોટાભાગના લોકો જિમમાં જવું પડે એટલે જતા હોય છે, બહુ ઓછા લોકો જિમને એન્જોય કરતા હોય છે. જિમમાં જવું-આવવું એ પણ ઘણાને કામ લાગે છે અને સ્ટ્રેસ પણ આપે છે. ઘરના કામમાં એવું થતું નથી. આપણે બસ આપણી માનસિકતા ચેન્જ કરવી પડે કે ઘરનું કામ પણ કરાય. આપણે ઘરકામ વિશે એવું વિચારીએ છીએ કે એ કામ કંઇ મારું થોડું છે? ઘરમાં તો આપણે સોફા પર લાંબા થઇ ટીવી જોવાનું કે મોબાઇલ મચડવાનું જ પસંદ કરીએ છીએ. ઓર્ડર આપીને કામ કરાવવાનું આપણને ગમે છે. એવો પણ વિચાર આવી જાય છે કે આટલું બધું કમાઇએ છીએ કોના માટે? જિમમાંથી આવીને પાણીનો ગ્લાસ પણ આપણે ઘરની વ્યક્તિ કે કામવાળા પાસે માંગીએ છીએ. અરે ભાઇ, જિમમાં આટલી મહેનત કરી છે તો પાણીનો ગ્લાસ જાતે લેવામાં શું પ્રોબ્લેમ થાય છે? જિમમાં ઊઠ-બેસ અને સાઇક્લિંગ કરશે પણ ઘરમાં સળી પણ નહીં ભાંગે. આપણે ઘરકામને નાનું સમજીએ છીએ. અગાઉના લોકોની હેલ્થ સારી રહેતી એનું સૌથી મોટું કારણ એ જ હતું કે એ લોકો આખા દિવસમાં ઘણો શારીરિક શ્રમ કરતા હતા. હવે આપણું જીવન બેઠાડુ થઇ ગયું છે. વ્યાયામ રેગ્યુલર કરતા નથી. જંકફૂડ ખાવાનું ચલણ વધ્યું છે. આપણી આદતો અને દાનતો બદલાઇ છે. સૂવાનો સમય મોડો થઇ ગયો છે. હવે બાર વાગ્યા સુધી જાગવાનું કોમન થઇ ગયું છે. ઊંઘના કલાકો પણ ઘટ્યા છે. સરવાળે હેલ્થ ઇસ્યુ વધ્યા છે.

ઘરકામ માટે દરરોજ થોડોક સમય કાઢો અને સ્વસ્થ રહો. યાદ રાખજો, આ વાત લેડિઝ અને જેન્ટ્સ બંનેને લાગુ પડે છે. ઘરકામ કરો તો દિલથી કરજો, ઘરના કામને એન્જોય કરજો. કામ કરવામાં ઝાટકા લાગતા હશે તો કોઇ ફાયદો થવાનો નથી. માણસે કરવા ખાતર તો કંઇ જ ન કરવું જોઇએ, તો પછી જે વાત આપણી શારીરિક અને માનસિક સ્વસ્થતાને સીધી અસર કરે છે એમાં તો મજા આવે તો જ મતલબ સરે છે. ઘરકામ એ કરવા જેવું કામ છે, વિચારી જોજો, આપણું કામ કરવાથી આપણે જરાયે નાના કે નીચા થઇ જતાં નથી.

પેશ-એ-ખિદમત

અભી ઇક શોર સા ઉઠા હૈ કહીં,

કોઇ ખામોશ હો ગયા હૈ કહીં,

જો યહાઁ સે કહીં ન જાતા થા,

વો યહાઁ સે ચલા ગયા હૈ કહીં.

-જૌન એલિયા

 (દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 30 સપ્ટેમ્બર 2018, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: