લેડીઝની વાતોમાં ઇમોશન્સ હોય છે, પુરુષોની વાતો સાવ સૂકી હોય છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

લેડીઝની વાતોમાં ઇમોશન્સ હોય છે,

પુરુષોની વાતો સાવ સૂકી હોય છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

લેડીઝ અને જેન્ટસની વાતોમાં બહુ મોટો તાત્વિક

ભેદ હોય છે. સ્ત્રીઓની દરેક વાતમાં દિલની વાત

હોય છે જે એને આનંદ અને મનોરંજન આપે છે.

પુરુષો સ્ત્રીઓ જેટલી ગોસિપ કરતા નથી અને

કરતા હોય એ પણ એને સ્ત્રીઓ જેટલી

એન્જોય કરતા નથી.

સ્ત્રી અને પુરુષનાં વાણી, વર્તન અને વ્યક્તિત્વમાં પ્રકૃતિગત જમીન-આસમાનનો ફર્ક હોય છે. માત્ર શારીરિક બંધારણ જ નહીં, માનસિક રીતે પણ લેડીઝ અને જેન્ટ્સ બહુ જુદા હોય છે. કોણ વધુ શક્તિશાળી કે કોણ વધુ હોશિયાર એવી તુલના વાજબી નથી, કારણ કે બંને પોતપોતાની રીતે શ્રેષ્ઠ છે. એમાં પણ બંને વચ્ચે જ્યારે તાદાત્મ્ય સર્જાય છે ત્યારે એક અદ્્ભુત સમન્વય સધાય છે. સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ જીવે છે એ સાબિત થયેલી વાત છે. તેની પાછળ પણ સ્ત્રીઓની પ્રકૃતિ જ કારણભૂત હોય છે. બીજી કંઇ નહીં અને માત્ર વાતો કરવાની વાત જ લઇએ તો કહી શકાય કે સ્ત્રીઓની મોટાભાગની વાતોમાં ઇમોશન્સ હોય છે, પુરુષ લોજિકલ, ઇકોનોમિકલ, પોલિટિકલ અને બીજી વાતોમાં રચ્યોપચ્યો રહે છે. સ્ત્રીઓ એ વિષયની વાત કરે તો પણ એમાં ઇમોશન્સનું પ્રમાણ વધુ હોય છે. એ હિસાબે જિંદગી અને પોતાના લોકો સ્ત્રીઓની વાતમાં વધુ નજીક હોય છે.

એક-બે ઉદાહરણો જોવા જેવાં છે. એક મેરેજમાં પતિ-પત્નીએ જવાનું હતું. બંને સરસ રીતે તૈયાર થયાં. લગ્નમાં ગયાં. સ્ત્રીઓ વચ્ચે કેવી વાતો થઇ? કન્યા બહુ સરસ તૈયાર થઇ છે, એણે જે પાનેતર પહેર્યું છે તે અત્યારે બહુ ચાલે છે, બંનેએ લવ મેરેજ કર્યાં છે નહીં? છોકરો આમ તો સારો છે, ભલે આપણી નાતનો નથી. આપણે તો દીકરી સુખી થાય એટલું જોવાનું હોય છે. મિયાં બીબી રાજી તો બીજું શું જોઇએ? એક-બીજીએ જે પહેર્યું હશે એની પણ ચર્ચા થશે. મેક-અપથી માંડીને હેર સ્ટાઇલ સુધીની વાતોમાં ઇમોશન્સ જ હશે. પુરુષોની વાતોમાં શું હોય છે? કેવા ચાલે છે કામ ધંધા? મોદીનું શું લાગે છે? રાહુલ કંઇ કરી શકશે? પેટ્રોલના ભાવે તો પરેશાન કરી દીધા છે. ઇન્ડિયન ઇકોનોમીથી માંડીને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો સુધીની વાતો થશે. સરવાળે એમાં પોતે ક્યાંય નહીં હોય અને પોતે કંઇ કરી શકે એમ પણ ન હોવા છતાં વાતો જાતજાતની કરશે. આવી બધી વાતો પછી પતિપત્ની ભેગાં થાય. પતિએ કહ્યું કે આટલો બધો ખર્ચ થોડો કરાય? દેખાડો છે આ બધો! મારી પાસે તો રૂપિયા હોય તો પણ હું આટલો ખર્ચ ન કરું! કેટરિંગમાં જ કેટલા રૂપિયા ખર્ચ્યા છે? એની સામે લેડીઝ શું કહેતી હોય છે? પેલું ચાખ્યું, બહુ ટેસ્ટી હતું. ઓલું ખાવાની મજા ન આવી. પેલા ભાઇનાં લગ્નમાં ગયા હતાને ત્યાં ફૂડ બહુ જ મસ્ત હતું. તમે માર્ક કરજો, આવું થતું જ હોય છે. પુરુષો કારણ વગરની વાતો કરીને લોહીઉકાળા કરતા હોય છે. પત્નીએ કહ્યું કે છોકરી બહુ ભણેલી છે હોં. પતિએ કહ્યું કે પણ અત્યારે એજ્યુકેશન કેટલું મોંઘું થઇ ગયું છે?

વાતો કરવામાં લેડીઝનું ઇન્વોલ્વમેન્ટ અને ઇન્ટેનસિટી પણ વધુ હોય છે. કોઇની સંવેદનશીલ વાત હોય તો સ્ત્રીઓની આંખો ભીની થઇ જાય છે, એ જ વાતે પુરુષોનું રૂંવાડુંયે ફરકતું નથી. જેન્ટ્સ ભલે એવું કહે કે એમાં આપણે શું લેવા-દેવા? પણ આ જ વાત બંનેને જુદા પાડે છે. ફિલ્મ જોવા જઇએ ત્યારે કોઇ કરુણ દૃશ્યમાં લેડીઝની આંખો ભીની થઇ જાય છે. એક રીતે જુઓ તો એ એની સંવેદનાઓ છે. લોકો ભલે એ બધી વાતોને નબળાઇ ગણતા હોય કે મજાકનો વિષય બનાવતા હોય, હકીકત એ છે કે સ્ત્રીઓ બધું જ અનુભવે છે અને પુરુષો માત્ર પોતાનું જ વિચારે છે. સંબંધોની વ્યાખ્યા પણ બંને માટે જુદી જુદી હોય છે.

લેડીઝ અને જેન્ટ્સના બોડીથી માંડી બ્રેઇન સુધીમાં જબરજસ્ત ફર્ક હોય છે એવું અનેક સંશોધનથી સાબિત થયું છે. ગૂગલ પર સર્ચ કરશો તો એવાં ઢગલાબંધ સંશોધનો અને સર્વે મળી આવશે. પ્રોબ્લેમ સોલ્વિંગમાં પણ બંને જુદી રીતે વિચારે છે. સમસ્યાના નિરાકરણમાં પણ લેડીઝ ઇમોશનલી વધુ વિચારે છે. પુરુષ એવું નથી કરતો. એવું કરી પણ ન શકે, કારણ કે એ જ તો બંનેમાં ફર્ક છે. લેડીઝ વધુ લાઇવ હોય છે, એને નાની-માટી દરેક વાત સ્પર્શે છે. તરત લાગી આવે છે અને તરત ખુશ પણ થઇ જાય છે. હા, લેડીઝ ગોસિપ પણ વધુ કરે છે. વાત ફેલાવવામાં પણ એ પુરુષોથી વધુ આગળ હોય છે. આપણે કહીએ છીએ કે લેડીઝના પેટમાં કોઇ વાત ટકતી નથી પણ પુરુષો વાત ટકાવીને શું ફાયદો મેળવી લે છે એ પણ સવાલ છે. ક્યારેક તો લેડીઝને કારણે અમુક વાતો બહાર આવે છે અને એટલે જ તેનું સોલ્યુશન પણ આવે છે.

‘ઓપન એટોનોમી જર્નલ’માં એક રસપ્રદ સંશોધન પ્રગટ થયું છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડેના વિજ્ઞાનિકો દ્વારા થયેલા એક સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે મહિલાઓ કોઇપણ સેન્સેટિવ ઇસ્યુ અથવા તો સોશિયલ સિચ્યુએશનને પુરુષની સરખામણીએ 19 ગણી વધુ ઝડપે ફેલાવે છે. સાયન્ટિફિકલ કારણ એવું બહાર આવે છે કે મહિલાઓના બ્રેઇનમાં કોક્સપી-2 નામનું પ્રોટીન પુરુષો કરતાં 30 ટકા વધુ હોય છે. બોય કરતાં ગર્લ જન્મ પછી વહેલાં બોલતાં શીખે છે એનું કારણ પણ આ કોક્સપી-ટુ જ છે.  સ્ત્રીઓની વાતો, ગોસિપ અને ટોળટપ્પાને વિશે લોકો ભલે ગમે તે વાતો કરે પણ એ જ લેડીઝની સ્પેશિયાલિટી છે. પુરુષોની ટીકા વિશે એવું પણ કહેવાય છે કે એને લેડીઝની આવી બધી વાતો કદાચ એટલે પલ્લે નથી પડતી કારણ કે પુરુષો એવું કરી શકતા નથી. એમ તો સ્ત્રીઓને પણ થતું જ હોય છે કે પુરુષો કારણ વગરની દેશ અને દુનિયાની પંચાતમાં પડ્યા હોય છે. દરેક વાતને દિલથી ફીલ કરવી એ કંઇ નાનીસૂની વાત નથી. એ બાબતે લેડીઝને માર્ક્સ આપવા જ પડે. લેડીઝના આ નેચરના વખાણ ન કરીએ તો કંઇ નહીં, પણ ટીકા તો ન જ કરવી જોઇએ, એ જ તો એની જિંદગી જીવવા જેવી અને પુરુષોથી વધુ બહેતર બનાવે છે.

પેશ-એ-ખિદમત

મુજ સે નજરેં તો મિલાઓ કિ હજારોં ચેહરે,

મેરી આંખોં મેં સુલગતે હૈં સવાલોં કી તરહ,

જિંદગી જિસ કો તેરા પ્યાર મિલા વો જાને,

હમ તો નાકામ રહે ચાહને વાલોં કી તરહ.

-જાઁનિસાર અખ્તર

 (દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 23 સપ્ટેમ્બર 2018, રવિવાર)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *