નવા વર્ષમાં ‘નવું’ લાગે એવું કંઈક તો કરીએ – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

નવા વર્ષમાં નવુંલાગે

એવું કંઈક તો કરીએ

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

આંખોથી પાછી ફરતીતી, અટકાવી છે,

કાલે રાતે નીંદરને ધમકાવી છે,

કેવી સજ્જડ ચોંટી ગઈ છે મારા મનમાં,

તારી યાદો તેં શેનાથી ચીપકાવી છે?

-જિતેન્દ્ર પ્રજાપતિ

 

‘સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, જિંદગી યૂં હી તમામ હોતી હૈ.’ પ્રેમ ધવને લખેલા આ ગીતની જેમ જ દરરોજ જિંદગીનો એક દિવસ ખતમ થાય છે. દિવસો જાય છે, એની તો પ્રકૃતિ જ જવાની છે. આપણી નજરની સામે ઘડિયાળના કાંટા ફરતા રહે છે અને તારીખિયાનાં પાનાં ખરતાં રહે છે. કંઈ રોકી શકવાની આપણી તાકાત નથી. અલબત્ત, આપણામાં એક બીજી તાકાત તો છે જ. જિંદગીને જીવી લેવાની તાકાત. થોડા થોડા હસતા રહેવાની તાકાત. થોડા થોડા ખીલતા રહેવાની તાકાત.

સમયની સાથે આપણે ખીલતા હોઈએ છીએ કે મૂરઝાતા હોઈએ છીએ? છોડને ઉછેરવા માટે પાણી સીંચતા રહેવું પડે, જિંદગીને માણવા રોજ થોડુંક વધુ જીવતા રહેવું પડે છે. તહેવારોની મોસમ પુરબહારમાં ખીલી છે. કાલે દિવાળી છે. સદીઓથી ચાલ્યા આવતા કેલેન્ડરમાં પરમ દિવસે નવી કૂંપળ ફૂટવાની છે. આસ્તેકથી કશુંક ઊઘડશે. થોડાક દિવસમાં બધું રાબેતા મુજબની થઈ જશે. એ જ બધાં શિડ્યુલ્સ, એપોઇન્ટમેન્ટ્સ, કામ, ગોલ, ટાર્ગેટ, જવાબદારી, ફરજો, પરંપરાઓ, વ્યવહારો, ચિંતા, ઉપાધિ, નારાજગી, ઉદાસી, ફરિયાદો વળી પાછા આપણા ખભે લદાઈ જશે. નવું હોય એને આપણે કેટલી ઝડપથી જૂનું કરી દેતા હોઈએ છીએ! આપણે બહુ ફાસ્ટ થઈ ગયા છીએ. ઘડીકમાં રૂટિનમાં ગોઠવાઈ જઈએ છીએ. ગોઠવાવું તો પડે જ ને! રોજ કંઈ થોડા તહેવારો હોય છે? રોજ કંઈ થોડી રજા હોય છે? હા, એ રોજ નથી હોતા, પણ જિંદગી તો રોજ હોય છેને? સવાર તો રોજ નવી હોય છેને? રોજ કંઈક તો નવું હોય જ છે! આપણે એ નવા તરફ નજર જ ક્યાં નાખીએ છીએ? આપણે તો જૂનાને જ પકડી રાખીએ છીએ! આદત પડી ગઈ હોય છે, આપણને રોજેરોજ એકસરખું જીવવાની! નવું આપણને ઝાઝું સદતું નથી! આપણામાંથી રોમાંચ ધીમે ધીમે ઓસરતો જાય છે. બધી ખબર છે હવે, સમજીએ છીએ બધું, કંઈ બદલાતું નથી. ખરેખર કંઈ બદલાતું હોતું નથી? ના, બદલાતું હોય છે. સતત બદલતું રહે છે. દુનિયા તો રોજ નવી થાય છે. આપણે બદલતા નથી એટલે આપણને કંઈ બદલતું લાગતું નથી.

એક માણસ હતો. દરરોજ ડાયરી લખે. જે કંઈ બન્યું હોય એ બધું જ લખે. એક વર્ષ પૂરું થયું. તેને થયું કે લાવ તો ખરા, જરાક ચેક કરું. આખાં વર્ષમાં શું થયું છે? શું બદલ્યું છે? તે આખા વર્ષનાં પાનાં ફેરવી ગયો. થોડાક વિચાર પછી તેને થયું કે, સારું તો થયું છે, ખરાબ પણ થયું છે છતાં જિંદગી બદલાયેલી કેમ નથી લાગતી? આ તો જાણે એવું થઈ ગયું છે કે, તારીખિયાનું એક પાનું ખરે છે અને ડાયરીનું એક પાનું ભરાય છે! આ જ જિંદગી છે? જિંદગીને નવેસરથી લખી શકાય? નવા વર્ષની ડાયરીના પહેલા પાને તેણે લખ્યું કે હવે હું જિંદગીને નવેસરથી લખીશ! તેને વિચાર આવ્યો કે જિંદગીને નવેસરથી લખવા માટે શું કરવું જોઈએ? સૌથી પહેલું કામ તો એ કરવું જોઈએ કે, થોડુંક ભૂસવું જોઈએ. ડાયરીમાં લખાઈ ગયું છે એ ભલે ત્યાં જ રહ્યું, પણ એને દિલમાં ભરી રાખવાની શું જરૂર છે? સારા દેખાવવા માટે રોજ ઊગતી દાઢીને તો આપણે બ્લેડથી ઘસી ઘસીને હટાવી દઈએ છીએ! આફ્ટર સેવ લગાડીએ ત્યારે થોડુંક બળે પણ છે. એમ ને એમ થોડું કંઈ ભૂંસાતું હોય છે? ભલે થોડીક બળતરા થાય, પણ જિંદગીને કદરૂપી બનાવે તેવું થોડુંક ભૂંસી તો નાખવું જ છે. મેકઅપથી ઊજળા દેખાવવામાં કંઈ વાંધો નથી. હોય એના કરતાં થોડાક વધુ સારા દેખાવવાનો દરેકને અધિકાર છે. ચહેરાથી ભલે થોડાક વધુ સુંદર દેખાવ, પણ મેકઅપ કરતી વખતે માત્ર એટલું વિચારો કે હું અંદરથી પણ વધુ સુંદર થઈશ. અંદરથી સારા દેખાવાનો મેકઅપ હોય? હા હોય, પણ એ બજારમાં મળતો નથી. એને બનાવવો પડે છે. પોતાના હાથે, પોતાના વિચારોથી, પોતાના સ્વભાવથી અને પોતાની જાતથી. લાગણી થોડીક વધુ ખીલી શકે. કરુણા થોડીક વધુ પ્રગટી શકે, પ્રેમ તો તમે ધારો એટલો વધી શકે. સવાલ માત્ર આપણી દાનતનો હોય છે. સારા થવાની તમારી દાનત છે? સારા દેખાવવા માટે હજારોનો ખર્ચ કરતો માણસ સારા થવા માટે કેટલા પ્રયાસો કરતો હોય છે? એ તો સાવ મફતમાં છે. હળવા રહેવું આપણા હાથની વાત છે. આપણા હાથમાં હોય એટલું આપણે કરી શકીએ તો સુખ કંઈ છેટું હોતું નથી.

વર્ષ બદલાતું હોય ત્યારે આપણે થોડુંક એવું વિચારતા હોઈએ છીએ કે, હવે તો હું આમ કરીશ. રિઝોલ્યુશન લાંબું ટકતા નથી. કદાચ એનું કારણ એ છે કે આપણે વર્ષમાં એકાદ વખત જ આવું વિચારીએ છીએ. બદલવા માટે કોઈ મોકાની, કોઈ તકની, કોઈ તારીખની કે કોઈ તહેવારની જરૂર હોતી નથી. બસ, નક્કી કરવાનું હોય છે. જ્યારે કંઈક નક્કી કરીએ ત્યારે એ નવું જ હોય છે. નવું લાગવું જોઈએ. નવું ફીલ થવું જોઈએ. જ્યારે તમે તમારી નજીક આવો ત્યારે એ નવું જ હોય છે. આપણે કહીએ છીએ કે દુનિયા હાઇટેક થઈ ગઈ છે. આજ સુધીમાં કેટલી બધી શોધ થઈ છે? હજુ નવી નવી શોધો થતી જ રહે છે. છતાં સદીઓથી એક શોધ ચાલી આવે છે જે પૂરી થઈ જ નથી! એ છે સુખની શોધ! ખુશી, આનંદ, ઉત્સાહની શોધ! માણસ જાતનું અસ્તિત્વ થયું ત્યારથી સુખની શોધ ચાલતી રહી છે. ક્યારેક એવું લાગે છે કે આપણે સુખને શોધી લીધું છે. સુખ હાથવગું લાગે છે. પાછું એ છટકી જાય છે! કોઈ સુખ લાંબું ટકતું નથી!

દુ:ખ છેને, દરિયામાં રહેતી મોટી માછલીઓ અને મગરમચ્છ જેવું છે! પેલી વાર્તા તમે સાંભળી છે? દરિયામાં રહેતી નાની-નાની માછળીઓ એક વખત ભગવાન પાસે ગઈ! બધી માછલીઓએ કહ્યું કે, ભગવાન તમે અમને કેટલી સુંદર બનાવી છે! અમને જીવવાની બહુ મજા આવે છે. તકલીફ માત્ર એક જ છે. દરિયામાં જે મોટી મોટી માછલીઓ છેને એ અમને ખાઈ જાય છે. તમે બસ દરિયામાંથી એને બહાર કાઢી નાખોને! ભગવાન હસવા લાગ્યા! તેણે કહ્યું, એ તો હું ન કરી શકું. હા, તમને એટલું કહી શકું કે તમે એનાથી બચજો. તેનાથી બચવા માટેના રસ્તા તમને બતાવી શકું. બચવું તો તમારે જ પડે! આવું જ જિંદગીનું છે. દુ:ખ, પીડા, વેદના અને બીજી તકલીફો આપણી સાથે મોટી માછલીઓની જેમ રહેવાની જ છે, તમારે એનાથી બચતા રહેવું પડે. એને નજીક નહીં આવવા દેવાની! બચવાની વાત તો દૂર રહી, આપણે તો એને આમંત્રણ આપતા રહીએ છીએ! વેદનાને વાગોળતા રહીએ છીએ, દુ:ખને પંપાળતા રહીએ છીએ!

એવું નથી કે જિંદગીમાં બધું ખરાબ જ થાય છે. ખરાબ થાય છે એ તો સાવ થોડુંક જ હોય છે. સારું વધારે જ થયું હોય છે. આપણી તકલીફ એ હોય છે કે આપણે ખરાબને જ યાદ રાખીએ છીએ. દુ:ખી થવાની અને દુ:ખી રહેવાની આપણને એટલી બધી આદત પડી ગઈ છે કે આપણે સુખને ભૂલી ગયા છીએ. આપણને તરત જ વાંધા પડે છે. અપેક્ષાઓ આભ જેવડી થઈ ગઈ છે. આપણને બધું જ જોઈએ છે અને બહુ ઝડપથી જોઈએ છે અને એની પાછળ દોડવામાં જે છે એને જોઈ જ શકતા નથી. થોડુંક એ વિચારીએ કે આપણે કઈ તરફ જઈએ છીએ? જે તરફ જઈએ છીએ એ દિશા સાચી તો છેને? આપણે ચારે તરફ જઈએ છીએ, ફક્ત પોતાના તરફ જઈ શકતા નથી. પોતાનાથી તો દૂર ને દૂર જ જતા હોઈએ છીએ. આપણે ક્યાંય પણ પહોંચવું હોય તો પહેલાં તો પોતાના સુધી પહોંચવું પડશે. દુનિયાને એ જ ઓળખી શકે જે પોતાને ઓળખે છે.

લખી રાખજો, નવા વર્ષમાં કંઈ બદલવાનું નથી. બધું એમ ને એમ જ રહેવાનું છે. આપણે કંઈ બદલી શકવાના નથી. હા, આપણે ધારશું તો આપણે ચોક્કસ બદલી શકીશું. તમારી તમને બદલવાની તૈયારી છે? આપણે બદલશું તો બધું જ બદલાયેલું લાગશે. આપણે નવા બનશું તો બધું જ નવું લાગશે. અંધ હોય એને ચક્ષુદાનથી મળેલી કોઈની આંખો આપી શકાય, પણ દૃષ્ટિ તો એણે પોતે જ કેળવવી પડી. આપણે ‘આઈ’ આપી શકીએ, ‘વિઝન’ નહીં! એવી જ રીતે બદલવું તો આપણે જ પડે!

જિંદગી સુંદર છે. આખી દુનિયા સારી છે. સવાલ માત્ર એટલો જ હોય છે કે તમારે શું જોવું છે? તમારે કેવી રીતે જીવવું છે? બીજું કંઈ નહીં તો આપણે એટલું તો નક્કી કરી જ શકીએ કે હું આખા વર્ષના બધા જ દિવસોને પૂરેપૂરા જીવીશ! યાદ રાખવા જેવું ન હોય એને ભૂલતા શીખીશ! જિંદગી તો દરરોજ આપણામાં એક પાઠ ઉમેરે છે, આપણે બસ એને સારી રીતે શીખવાના હોય છે. ઘણું બધું ‘અનલર્ન’ પણ કરવાનું હોય છે! તમારી જિંદગીનો કંટ્રોલ તમારા હાથમાં રાખો. સ્ટિયરિંગ કોઈના હાથમાં હોય તો પછી ગાડી આપણે ધારીએ એ તરફ ક્યાંથી ચાલવાની?’

છેલ્લો સીન :

ભૂલી જવા જેવું ભૂલી જતા શીખો, યાદ રાખવા જેવું આપોઆપ યાદ રહેશે.      -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 18 ઓકટોબર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

4 thoughts on “નવા વર્ષમાં ‘નવું’ લાગે એવું કંઈક તો કરીએ – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

  1. Pingback: writeaessay

Leave a Reply to Krishnkant Unadkat Cancel reply

%d bloggers like this: