તને એમ થશે કે આનું ફેમિલી તો કેવું વિચિત્ર છે! : ચિંતનની પળે

તને એમ થશે કે આનું

ફેમિલી તો કેવું વિચિત્ર છે! 

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

પડતી નથી કદીયે જાણે સવાર ઘરમાં,

અંધાર ફિટ કરે છે કોઈ સુથાર ઘરમાં

સામે કશુંક વળતર મળવું તો જોઈએને?

દઉં ક્યાં સુધી હું મારાં આંસુ ઉધાર ઘરમાં.

-અનિલ ચાવડા.

ફેમિલી, પરિવાર, કુટુંબ. પરિવાર માત્ર એક શબ્દ નથી, સંબંધોનો એક સમૂહ છે. ડિએનએનો કોઈ વિકલ્પ હોતો નથી. લોહી બદલી શકાય છે, પણ બ્લડગ્રૂપ ચેઇન્જ કરી શકાતું નથી. એ તો જે હોય છે એ જ રહે છે. પરિવાર પણ બદલી શકાતો નથી. મરવાનું કદાચ માણસના હાથમાં હોય છે, જન્મવાનું આપણા હાથમાં હોતું નથી. મારો જન્મ આ જ ફેમિલીમાં કેમ થયો એવો સવાલ પૂછી શકાતો નથી. કોઈ પૂછે તો એનો કોઈ જવાબ હોતો નથી. નસીબ કે ઋણાનુબંધની વાતો કરવી હોય તો કરી શકાય. જોકે, એનાથી પણ કંઈ હકીકત બદલી જવાની નથી. જે છે એ છે. જે હોય છે એ જ સત્ય હોય છે.

દરેક પરિવારની અલગ આઇડેન્ટિટી હોય છે. દરેક ઘરનો મૂડ જુદો હોય છે. દરેક ઘરનું પોતાનું વાતાવરણ હોય છે. એ ક્યારેક ધબકતું હોય છે, ક્યારેક ફફડતું હોય છે, છતાંયે એ જીવતું હોય છે. એક ઘરમાં અલગ અલગ પ્રકૃતિના લોકો એકસાથે જીવતા હોય છે. આ બધાની પ્રકૃતિનો સંગમ એ ઘરની પ્રકૃતિ બની જતો હોય છે. બંધ બારણાની વચ્ચે ક્યારેક કલરવ અને ક્યારેક કોલાહલ જિવાતો હોય છે. થોડીક ફરિયાદો હોય છે. કોઈનું કંઈ ગમતું હોતું નથી. કોઈનું કંઈક સ્પર્શતું હોય છે. પરિવારની સૌથી મોટી ખૂબી શું હોય છે એની ખબર છે? બધાંનું હાસ્ય કદાચ જુદું જુદું હોઈ શકે, પણ બધાનાં આંસુ સરખાં હોય છે. એક સભ્ય બીમાર હોય ત્યારે માત્ર એની પથારી જ સુષુપ્ત નથી હોતી, બીજી પથારીઓ પણ થોડી થોડી કણસતી હોય છે. એક વ્યક્તિ દુ:ખી હોય ત્યારે બધામાં થોડો થોડો ઉચાટ જીવતો હોય છે.

ઘરની દરેક વ્યક્તિ એકબીજાની ફિતરતથી પરિચિત હોય છે. આપણને ખબર જ હોય છે આ વાત સાંભળીને એનું રિએક્શન શું હશે! આપણે ઘણી વખત એવું બોલ્યા હોઈએ છીએ કે તને ખબર નથી કે મારા ભાઈનો સ્વભાવ કેવો વિચિત્ર છે! મારા બાપાને આવી વાત કરું તો એ સીધા ભડકે જ! અમુક વાત સૌથી પહેલાં કોને કરવી અને આખા ઘરના લોકો સુધી કેવી રીતે પહોંચાડવી તેની આવડત આપણને હોય છે, કારણ કે આપણે એ બધાની સાથે સૌથી વધુ જીવ્યા હોઈએ છીએ. સંવાદની વાતો નીકળે ત્યારે આદર્શ સ્થિતિ એ હોય છે કે બધા સાથે બેસીને વાત કરે. કોઈ મુશ્કેલી હોય તો શાંતિથી નીવેડો લાવે. અલબત્ત, એવું વાતાવરણ હોય તો ને! કોઈ વાત જ સાંભળવા તૈયાર ન હોય તો? તારામાં બુદ્ધિનો છાંટો નથી. તારે તારું ધાર્યું જ કરવું છે. તને ક્યાં કોઈની પડી છે. તારે તો તારા સિવાય કોઈનો વિચાર જ નથી કરવો. તું એવું સમજે છે કે અમને બધાને દુ:ખી કરીને તું સુખી થઈ જઈશ! ક્યાંક તો વળી એ હદ સુધી સાંભળવા મળે છે કે મારાં નસીબ ખરાબ હતાં કે તું મારે ત્યાં અવતર્યો કે અવતરી! મા-બાપ કે ભાઈ-બહેન નારાજ ન થાય એટલે ઘણા લોકો પોતાના રાજીપાનો ભોગ આપી દેતા હોય છે. મારે કોઈનું દિલ નથી દુભાવવું. આપણા દિલને દબાવી રાખીને આપણે કોઈના દિલ પર છરકો ન પડે એની કાળજી રાખતા હોઈએ છીએ.

એક પિતા-પુત્ર વચ્ચે ડિસ્ટન્સ હતું. એક વખતે પપ્પાએ કહ્યું, તારામાં તો બુદ્ધિ જેવું કંઈ છે જ નહીં! આ વાત સાંભળીને દીકરાએ કહ્યું, કદાચ તમે સાચા હશો. મારામાં જેટલી બુદ્ધિ છે એટલી બુદ્ધિ છે. તમારા મતે હું તમારા જેટલી બુદ્ધિ મેળવી શક્યો નથી. હું તમારા લેવલે કદાચ નથી, પણ તમે તો થોડીક બુદ્ધિ ઓછી વાપરી મારા લેવલ પર આવીને વાત કરી શકોને? ઉંમરમાં મોટી દરેક વ્યક્તિ એવું સમજતી હોય છે કે તેનામાં નાના કરતાં વધારે બુદ્ધિ છે. એવું હોતું નથી, પણ કોઈ સ્વીકારી શકતું નથી.

પશુઓ અને પક્ષીઓમાં એવું છે કે મોટાં થાય પછી ઊડી જાય કે છુટ્ટાં મૂકી દેવાય. માણસ કરતાં એ લોકોમાં આ વાત કદાચ સારી છે. જો ત્યાં એવું ન હોત તો પક્ષીઓ પણ એકબીજાને ચાંચો મારતાં હોત અને પશુઓ પોતાનાને જ શિંગડાં ભરાવતાં હોત. આપણે પકડી રાખીએ છીએ. ઘરની દરેક વ્યક્તિ પકડી રાખે છે. કોઈ કોઈને છોડતું જ નથી. બાપને કુળદીપક જોતો હોય છે. દીકરાને વારસો જોતો હોય છે. બહેન ઇચ્છતી હોય છે કે પરિવાર બધા રિવાજો નિભાવે. માને પણ ઊંડે ઊંડે એવી આશા તો હોય જ છે કે મારાં સંતાનો સારી સેવા કરે. સવાલ એવો પણ થાય કે આવી અપેક્ષાઓ હોય તો એમાં ખોટું શું છે? સાવ સાચી વાત છે, ખોટું કંઈ જ નથી, ખોટું ત્યારે જ થાય છે જ્યારે જે સ્વેચ્છાએ થવું જોઈએ એ જબરજસ્તીથી કરાવાય છે. ફરજને નામે ઘણું બધું લાદી દેવાતું હોય છે. આ તો તારે કરવું જ પડે! હા, ફેમિલી માટે થાય એ બધું કરવું જોઈએ, પણ એ અત્યાચાર ન બની જાય એની કાળજી પણ રાખવી જોઈએ.

તમારું ફેમિલી કેવું છે? તમારા ઘરના સભ્યોથી તમને સંતોષ છે? કદાચ હશે, કદાચ નહીં હોય, કદાચ તમે મન મનાવી લીધું હશે કે જેવા છે એવા છે, ગમે એવા છે તો પણ મારા છે. ઘણાના ઘરના સભ્યો ‘ગમે’ તેવા હોય છે. ઘણાના ‘ગમે તેવા’ હોય છે. એક પ્રેમીયુગલની વાત છે. બંનેના પરિવારો સાવ જુદા હતા. પ્રેમિકાના પરિવારમાં બધા કંઈક હતા. કોઈ ડૉક્ટર હતું, કોઈ મ્યુઝિશિયન હતું, કોઈ બ્યુટિશિયન હતી તો કોઈ પેઇન્ટર હતું. બધા પોતપોતાના ક્ષેત્રમાં માહેર હતા. પ્રેમીએ કહ્યું કે મારા પિતાને તો નાનકડી દુકાન છે. બહેન ભણવામાં એવરેજ છે. એક કાકા તો ફ્રોડના કેસમાં જેલ જઈ આવ્યા છે. મારી માતા અભણ છે. મારા લોકોની વાત સાંભળીને તો તને એમ થતું હશેને આનું ફેમિલી તો કેવું વિચિત્ર છે! પ્રેમિકાએ કહ્યું, ના મને એવું નથી થતું. કંઈ હોવું એટલે શું? માણસ ગમે ત્યાં હોય આખરે તો એ કેવા માણસ છે એ જ મહત્ત્વનું હોય છે. હા, મારા લોકો અમુક લેવલે પહોંચ્યા છે. એનું નામ છે. બધા ખરાબ નથી, પણ બધા સારા જ છે એવું પણ નથી. માણસ કેવો છે એ તો એના સંસ્કારો અને એના વર્તનથી ઓળખાય છે. તને કદાચ મારા લોકોમાં કૃત્રિમતા વર્તાય. હાય સોસાયટીમાં બહુ શ્રેષ્ઠ જ હોય એવું જરૂરી નથી. હું માણસને હોદ્દાથી નહીં, પણ એ કેવા છે તેનાથી માપું છું. ક્યારેક તો માપવાનું પણ પસંદ કરતી નથી. હું વિચારું છું કે માપવાવાળી હું કોણ? કોઈ સંપૂર્ણ હોતું નથી અને સંપૂર્ણ એટલે શું? એની વ્યાખ્યા પણ આખરે તો આપણે જ ઘડતા હોઈએ છીએ. આપણા ચોકઠામાં ફિટ બેસે એને આપણે સંપૂર્ણ માની લેતા હોઈએ છીએ. બે વ્યક્તિ એકસરખી હોતી નથી તો પછી બે પરિવારની સરખામણી શા માટે કરવી જોઈએ.

પરિવાર પરંપરા સાથે જોડાયેલા હોય છે. પરંપરા બદલતી રહેતી હોય છે. તમને કોઈ પરંપરા સામે  વાંધો છે? તો એને તમારા પૂરતી તમે બદલી શકો છો. બીજાને બદલવાની કોશિશ જ ઘણી વખત આપણને આપણા લોકોથી અળગા કરી દેતી હોય છે. દરેક પરિવાર સમગ્ર વિશ્વનું એક સૂક્ષ્મ સ્વરૂપ હોય છે. એમાં પ્રેમ પણ હોય છે અને ઝઘડા પણ, વિવાદ પણ હોય છે અને સંવાદ પણ. તમારા ઘરની કઈ પરંપરા તમને ગમે છે? એક પરિવારની વાત બહુ રસપ્રદ છે. એ ફેમિલીના યુવાને એક વખત કહ્યું કે અમે નાના હતા ત્યારથી અમને એક વાત શીખવાડી દેવામાં આવી છે. આમ તો સાવ સીધો સાદો નિયમ હતો, પણ જેમ સમજ પડતી જાય છે તેમ સમજાતું જાય છે કે કેવડી મોટી વાત છે. આ નિયમ એવો હતો કે ઘરના મોટા લોકો સામે બોલવાનું નહીં અને નાનાને ખિજાવાનું નહીં. સાચી વાત શાંતિથી કરવાની પણ દલીલ નહીં. તમે વિચાર કરજો, મોટા સામે બોલવાનું નહીં, નાનાને વઢવાનું નહીં. ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય છે. ઘણી વખત તો મોટા લોકો અમને કંઈક કહે અને એ ખોટા હોય ત્યારે પણ અમે સામું કંઈ બોલતા નથી, થોડા દિવસો પછી કહીએ છીએ કે સાચી વાત આ હતી. એ કંઈ કહે ત્યારે પણ એની દાનત ખિજાવાની નથી હોતી, પણ સમજાવવાની હોય છે.

ફેમિલીની એક ‘સ્ટ્રેન્થ’ હોય છે. ક્યાંક થોડીક વધુ હોય, ક્યાંક થોડીક ઓછી હોય છે, પણ હોય છે ચોક્કસ. બાય ધ વે, તમે તમારા ફેમિલી માટે કેટલી ‘સ્ટ્રેન્થ’ છો? આપણે એવો વિચાર કેટલો કરીએ છીએ કે આપણે પણ આખરે ફેમિલીનો એક ભાગ છીએ. ફેમિલીની સ્ટ્રેન્થમાં હું પણ છું. ઘણા લોકોને ફેમિલી સાથે પ્રોબ્લેમ હોય છે. એવા પણ લોકો છે જે ફેમિલીથી કટઓફ છે. બહુ સહેલું છે કટઓફ થઈ જવું. જોડાયેલા રહેવું જ અઘરું હોય છે. તું તારા રસ્તે અને હું મારા રસ્તે, રસ્તા તો બધા પાસે હોય જ છે, પણ આપણો રસ્તો જેની સાથે શરૂ થયો હોય છે, જેની સાથે આટલો રસ્તો પાર કર્યો છે એનું શું? હા હું છું, જરૂર હશે ત્યારે તારા રસ્તે મારો હાથ તારા હાથમાં હશે એટલી ખાતરી આખરે તો આપણી સ્ટ્રેન્થ હોય છે. જિંદગીમાં અમુક સંબંધો એવા હોય છે જે જન્મથી શરૂ થાય છે અને મૃત્યુ પછી પણ ફેમિલી હોય ત્યાં સુધી એ જિવાતા હોય છે. જેટલું જિવાય એટલું સોળે કળાએ જિવાય તો બીજું કંઈ જરૂરી નથી. પરિવાર એ એવો વાર છે જે જિંદગીના દરેક દિવસે જિવાતો રહેતો હોય છે.

છેલ્લો સીન :

સત્ય ભાગ્યે જ સ્વચ્છ હોય છે અને સરળ તો કદી જ નથી હોતું.         -ઓસ્કાર વાઇલ્ડ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 28 જુન 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: