મારી જિંદગી કોઈની શરતો પર જીવવા માટે નથી!​ – ચિંતનની પળે

મારી જિંદગી કોઈની શરતો

પર જીવવા માટે નથી!

52
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

જેટલી અહીં ધારણા દેખાય છે,
એટલી ક્યાં શક્યતા દેખાય છે.
પારદર્શક હોય ફુગ્ગો તે છતાં,
ક્યાં આ ભીતરની હવા દેખાય છે.
-કિરણસિંહ ચૌહાણ

જિંદગી ફેસબુક કે વોટ્સએપમાં લખી નાખેલ સ્ટેટસ મુજબ નથી ચાલતી. લાઇફ ઇઝ બ્યુટીફૂલ, આઈ એમ વોટ આઈ એમ અને બીજું ઘણું બધું સ્ટેટસમાં લખાતું હોય છે. આવા સ્ટેટસમાં ફક્ત ‘હું’ હોય એ પૂરતું નથી. એમાં ‘તું’ પણ હોવું જોઈએ અને એમાં ‘આપણે’ પણ હોવું જોઈએ. ગ્રૂપ જેટલું આસાનીથી બની જાય છે એટલી સહજતાથી સંબંધો નભતા નથી. સંબંધોના સત્યને પામવું હોય તો સ્નેહ અને સંવેદનાને સીંચતા રહેવું પડે છે.

એક યુવાન સંત પાસે ગયો. તેણે પૂછ્યું, પ્રેમ શું છે? પ્રેમ કરવાની ચીજ છે? પ્રેમ આપવાની ચીજ છે કે પછી પ્રેમ પામવાની ચીજ છે? સંતે કહ્યું કે, પ્રેમ અનુભવવાની ચીજ છે. પ્રેમમાં આપ-લે ન હોય. પ્રેમ માપી કે જોખીને કરી શકાતો નથી. તું કરીશ એટલો જ હું કરીશ એવું પણ નથી હોતું. હા, એટલું જરૂરી છે કે પ્રેમ બંને બાજુથી વહેવો જોઈએ. નદીની જેમ બંને કિનારા ભીના રહેવા જોઈએ. શરીર પારદર્શક હોતું નથી, પણ પ્રેમ હોય તો એકબીજાનાં દિલમાં જોઈ શકાય છે.

જિંદગીની જેમ પ્રેમ પણ ક્યારેય એકધારો નથી રહેતો. તેમાં પણ અપ-ડાઉન આવે છે, વધ-ઘટ થાય છે. મૂડ અને મસ્તી દરેક સમયે સરખાં નથી રહેતાં. મજામાં હોય ત્યારે માણસને પ્રેમની વધુ જરૂર હોય છે કે મજામાં ન હોય ત્યારે? એક યુવાનની વાત છે. ઓફિસમાં કામ બરાબર ન થયું. બોસનો ઠપકો મળ્યો. ખૂબ દિલથી મહેનત કરી હતી, પણ પરિણામ ન આવ્યું. એ ડિસ્ટર્બ થયો. મજા નહોતી આવતી. તેની એક ફ્રેન્ડને મેસેજ કર્યો કે મને મળવા આવી શકે? આવો મેસેજ એ ભાગ્યે જ કરતો. મેસેજનો જવાબ આવ્યો, ઓ.કે. આવું છું. બંને દરિયાકિનારે બેઠાં. છોકરાએ કહ્યું, કંઈ વાત નથી કરવી. તું બસ બેસ. બંને ચૂપચાપ બેઠાં રહ્યાં. લાગણી શબ્દોથી જ વ્યક્ત થાય એવું જરૂરી નથી. થોડી વાર પછી કહ્યું કે, ચલ હવે જઈએ. છોકરીએ પૂછ્યું, હવે ઓ.કે. છે? યુવાને જવાબ આપ્યો, હા. બંને હગ કરીને જુદાં પડ્યાં. ઘણા સંબંધો સંવાદ વગરના પણ હોય છે જે મૌનથી જીવાતા હોય છે. બે વ્યક્તિ વચ્ચે મૌન હોય એ એક વાત છે અને બે વ્યક્તિ વચ્ચે સન્નાટો હોય એ બીજી વાત છે. સન્નાટો દરેક વખતે શાંત નથી હોતો. સન્નાટાના પણ વિસ્ફોટ હોય છે. સન્નાટો ગરજતો રહે છે અને તેની ધાક દિલને હચમચાવી નાખતી હોય છે. સન્નાટો જાગે ત્યારે આપણી ઊંઘ હરામ થઈ જતી હોય છે.

જિંદગીમાં ઇચ્છાઓ હોય એ સ્વાભાવિક છે. સંબંધ હોય ત્યાં અપેક્ષાઓ રહેવાની જ છે. હા, શરતો ન હોવી જોઈએ. શરતમાં હાર-જીત હોય છે. શરતમાં સહજતા નથી હોતી. હું આમ કરીશ અને તારે આમ કરવાનું એવી શરતો પર રચાતા સંબંધોની બુનિયાદ તકલાદી હોય છે. શરતમાં સમજણ નથી હોતી. શરતમાં સ્વાર્થ હોય છે. મને ગમે એવું હું કરીશ અને તને ગમે એવું તું કરજે એના કરતાં તને ગમે એવું હું કરીશ અને મને ગમે એવું તું કરજે હોય તો સંબંધમાં મોકળાશ રહે છે.

એક કપલની વાત છે. બંનેએ મેરેજ પહેલાં એવું નક્કી કર્યું હતું કે આપણે બંને પોતપોતાની કરિયરમાં કોઈ બાંધછોડ નહીં કરીએ. કામની વાત હોય ત્યારે એકબીજામાં દખલ નહીં કરીએ. લગ્ન થયાં, બાળક થયું. છોકરાનાં મા-બાપ બાળકોનું ધ્યાન રાખતાં હતાં, બધું બરાબર ચાલતું હતું. જોકે, કોઈ સ્થિતિ કાયમ માટે એકસરખી રહેતી નથી. સંજોગો પલટાયા. મોટી ઉંમરનાં સાસુ-સસરા બીમાર થઈ ગયાં. સ્કૂલે જતાં બાળકોને સંભાળવાનો સવાલ થયો. પત્નીએ એક દિવસ પતિને કહ્યું કે તને લાગે છે કે મારે જોબ મૂકી દેવી જોઈએ? પતિએ કહ્યું, આપણે નક્કી કર્યું હતું કે કરિયરની બાબતમાં દખલ નહીં કરીએ, તને યોગ્ય લાગે એ નિર્ણય લે. પત્નીએ જોબ છોડી દીધી. ઘરનું ધ્યાન રાખવા માંડી. એક દિવસ પતિએ કહ્યું કે તારા નિર્ણયનો મને ગર્વ છે. સાચું કહું, એક તબક્કે મને પણ જોબ છોડીને ઘરનું ધ્યાન રાખવાનો વિચાર આવ્યો હતો. એમ થતું હતું કે તારી સેલરીમાંથી પૂરું થઈ જ જશે. જોકે, મને ડર એ હતો કે હું તારા જેટલી સારી રીતે ઘર નહીં સંભાળી શકું. આજે હું શાંતિથી જોબ કરી શકું છું તો એ તને આભારી છે. તેં બધું સંભાળી લીધું. પત્નીએ કહ્યું, મને પણ એ જ થયું કે તારા પગારથી ઘર સારી રીતે ચાલી જશે. જોકે, એનાથી પણ વધુ વિચાર તો એ આવ્યો કે આખરે આ બધું હું શા માટે અને કોના માટે કરું છું? એ પછી મેં જોબ છોડવાનો નિર્ણય કર્યો.

શરતમાં ઘણી વાર સમાધાન કરવું પડતું હોય છે અને સમયની સાથે સમાધાન કરવું પણ જોઈએ. આવું સમાધાન પણ સ્વેચ્છાએ થવું જોઈએ. જોકે, બધામાં આટલી સમજણ હોય એ જરૂરી નથી. શરત સાથે જ્યારે જીદ ભળે ત્યારે સ્થિતિ સ્ફોટક બને છે. ક્યારેક એવું થઈ આવે છે કે ઇનફ ઇઝ ઇનફ. દીવામાં તેલ ખૂટે ત્યારે તેણે બુઝાવાનું હોય છે. જિંદગીમાં પ્રેમ ખૂટે ત્યારે સંબંધમાં મૂરઝાવાનું હોય છે. દરેક હાથ કાયમ માટે હાથમાં જ રહે એવું બનતું નથી. સાથ છૂટતાં હોય છે અને દિલ પણ તૂટતાં હોય છે.

એક યુવતીના મેરેજ થયા. થોડો સમય બધું બરાબર ચાલ્યું. સમયની સાથે પતિ શરતો ઉપર શરતો લાદવા લાગ્યો. આવી જ રીતે રહેવાનું, આવું જ કરવાનું, આમ નહીં જ કરવાનું! પતિની શરતો સાથે પત્નીએ થયું એટલું સમાધાન કર્યું. આખરે તેને થયું કે હું મારી શરતો ઉપર ન જીવી શકું તો કંઈ નહીં, પણ હું માત્ર એની શરતો પર જ જીવું એ વાત વાજબી નથી. મારી જિંદગી કોઈની શરતો પર જીવવા માટે નથી. પિતાના ઘરે જઈને તેણે બધી વાત કરી. પિતાને કહ્યું કે, જે સંબંધમાં સત્વ ન હોય એને ક્યાં સુધી સહેતાં રહેવાનું. લીલા છોડને સીંચીએ તો એ ઊગે, પણ સુકાઈ ગયેલા છોડમાં ગમે એટલું પાણી પીવડાવીએ તો પણ એ ઉગવાનો નથી જ.

પિતાએ કહ્યું કે, તું જે નિર્ણય કરીશ એનું હું સ્વાગત કરીશ. સ્થિતિને સમજીને સ્વીકારવી એ પણ મોટી સમજણ છે. આપણે ઘણી વખત સમજતા હોઈએ છીએ, પણ સ્વીકારતા હોતા નથી. આપણે દુનિયાનો વિચાર કરીએ છીએ, પણ આપણા લોકોનો વિચાર કરતા નથી. દીકરીએ ડિવોર્સની વાત કરી. પિતાએ કહ્યું કે, તારા સુખથી વધારે કંઈ નથી. અમે હંમેશાં તારા સુખનો વિચાર કર્યો છે. મોટા હોય એણે માત્ર પોતાના લોકોના સુખનો નહીં, પણ દુ:ખનોયે વિચાર કરવો જોઈએ.

પિતાએ પછી જે વાત કરી તે વધુ મહત્ત્વની છે. દીકરીને કહ્યું કે, તું ડિવોર્સ લે એનો વાંધો નથી, પણ તારો ગ્રેસ ન ગુમાવતી. જુદાં પડ્યાં પછી એ વાતને મનમાંથી કાઢી નાખજે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે તૂટી ગયેલા સંબંધ સાથે પણ છેડછાડ કરતા રહીએ છીએ. આપણને દેખાડી દેવાનું કે જોઈ લેવાનું મન થાય છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે તૂટેલા કાચને રમાડવા જતાં તેની ધાર આપણને જ વાગતી હોય છે.

જિંદગીમાં ઘણી વખત ખોટી વ્યક્તિ આવી જતી હોય છે. બધા પ્રયત્નો છતાં પણ એવું લાગે કે હવે વધુ શક્ય બને તેમ નથી, ત્યારે પેઇનફુલ્લી કનેક્ટેડ રહેવા કરતાં ગ્રેસફુલ્લી ડિસક્નેક્ટ થવાનું યોગ્ય હોય છે. જોકે, એવું બહુ ઓછું બનતું હોય છે. આપણે જુદા પડવાની ઘટનાને દુશ્મનીમાં બદલી નાખીએ છીએ. એકબીજાને વધુ ને વધુ પીડા આપવાનો પ્રયાસ કરીએ છીએ. એ ક્યાંયનો ન રહે કે એ ક્યાંયની ન રહે એવી દાનત રાખીએ છીએ. આપણે એ નથી વિચારતા કે આપણે ‘ક્યાં’ છીએ? આપણે આવું કરવા જઈએ ત્યારે ત્યાં ને ત્યાં જ હોઈએ છીએ.

એક પતિ-પત્નીની વાત છે. બંનેએ લવમેરેજ કર્યા હતા. મેરેજ પછી બંનેને એવું લાગવા માંડ્યું કે આપણી વચ્ચે બધું બરાબર નથી. ધીમે ધીમે ડિસ્ટન્સ વધવા લાગ્યું. બંને સમજુ હતાં. ઝઘડતાં ન હતાં. બંનેને ખબર હતી કે આપણે બરાબર રહેતાં નથી. એક દિવસ પત્નીએ કહ્યું કે, આપણે આ રીતે ધરાર સાથે રહીએ એ બરાબર નથી. તને જો યોગ્ય લાગે તો આપણે બંને બહુ પ્રેમથી જુદાં પડી જઈએ. પતિને પણ આ વાત વાજબી લાગી. બંનેએ ડિવોર્સ લીધા. એકબીજાને સોરી પણ કહ્યું અને થેંક્યૂ પણ કહ્યું. સોરી એટલા માટે કે એકબીજાની સાથે રહી ન શક્યાં અને થેંક્યૂ એટલા માટે કે બંને છૂટા પડવાના મુદ્દે પણ એકબીજાને સમજી શક્યાં.

છૂટા પડ્યાં પછી બંને પોતપોતાનામાં વ્યસ્ત થઈ ગયાં. બંનેએ યોગ્ય વ્યક્તિ શોધીને મેરેજ કર્યા. થોડો સમય ગયો પછી અચાનક એક વખત બંને મળી ગયાં. કોફી શોપમાં ગયાં. વાતો કરી. હાઉ ઇઝ લાઇફ? બધું બરાબર છેને? યુવતીએ કહ્યું હા, બધું બરાબર છે. હું ખુશ છું. હસબન્ડ સારો માણસ છે. અમે પ્રેમથી રહીએ છીએ. યુવકે પણ કહ્યું કે હું પણ ફાઇન છું. પત્ની સાથે સારું બને છે. કોઈ પ્રોબ્લેમ નથી. જૂની પત્નીએ પછી પ્રેમથી કહ્યું કે, તને મળીને ખુશી થઈ અને તું ખુશ છે એ જાણીને વધુ ખુશી થઈ. હું સદાયે એવું જ ઇચ્છતી હતી કે તું ખુશ હોય. તારી જિંદગીમાં કોઈ ગમ ન હોય. જૂના પતિએ પણ એવું જ કહ્યું કે, તારો વિચાર આવી જતો ત્યારે એમ જ થતું કે તું મજામાં હોય તો સારું. મારી પ્રાર્થનામાં પણ તારી ખુશીનું જ રટણ હતું. જતી વખતે બંનેએ કહ્યું કે, આજે મળ્યાં પછી એવું લાગ્યું કે આપણા બંનેનું છૂટા પડવાનું ડિસીઝન સાચું હતું. હસતાં ચહેરે બંને છૂટાં પડ્યાં.

આપણાં દુ:ખનું એક કારણ એ પણ હોય છે કે આપણે શાંતિ અને પ્રેમથી છૂટાં પડી શકતાં નથી. જુદાં પડી ગયા પછી પણ આપણને ક્યાં શાંતિ હોય છે. એકબીજા પર દોષારોપણ કરતા રહીએ છીએ. વાંક મારો ન હતો અને તેના કારણે જ આવું થયું એવું સાબિત કરવા મથતાં રહીએ છીએ. સરવાળે અજંપા સિવાય કંઈ મળતું નથી. ગ્રેસ ગુમાવ્યા પછી જે શેષ બચે છે એ માત્ર ને માત્ર સ્ટ્રેસ હોય છે. મુક્ત થયા પછી મુક્તિનો જે અહેસાસ ન કરી શકે એ સદાય બંધનમાં જ રહે છે. કોઈના બંધનમાંથી મુક્ત થઈ એ પોતાના જ બંધનમાં જકડાઈ જાય છે. કોઈનાથી મુક્ત થઈને આપણે આપણાથી પણ મુક્ત થઈ જિંદગીમાં આગળ વધી જવાનું હોય છે.

છેલ્લો સીન:
આપણે કેવી રીતે મળીએ છીએ એના કરતાં વધુ આપણે કેવી રીતે છૂટા પડીએ છીએ એમાં આપણી સમજણ છતી થતી હોય છે. –કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા.21 સપ્ટેમ્બર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

21 SEPTEMBER 2016 52

Krishnkant Unadkat

Krishnkant Unadkat

7 thoughts on “મારી જિંદગી કોઈની શરતો પર જીવવા માટે નથી!​ – ચિંતનની પળે

  1. ખરેખર અભિવ્યક્ત થઇ જવાય એ જ સાચી અનુભૂતિ…સમય ને જોરે તમે “સંબંધ” ખરીદી શકો સાહેબ…પણ “આત્મિયતા” ક્યારેય નહિ…પૂજ્ય મોરારી બાપુનું વાક્ય “દિલ બધાને આપો, પણ આત્મા એક ને જ આપો” વિશે એક આર્ટિકલ લખશો પ્લિઝ…

  2. આભાર દોસ્ત !! તમારા બધા આર્ટિકલ જાણે મારા જીવનને ક્યાંક સ્પર્શે છે,અને એમાંથી હું ઘણું શીખી રહ્યો છું.બસ તમે લખતા રહો અને હું શીખતો રહું.

Leave a Reply to રોહિત પટેલ Cancel reply

%d bloggers like this: