ગમે તે કરું તો પણ મારું વજન ઘટતું જ નથી! – દૂરબીન

ગમે તે કરું તો પણ મારું
વજન ઘટતું જ નથી!

47

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમારું વજન ઘટાડવા માટે તમે કસરત કે બીજી કોઇ મહેનત કરો છો?
તમે જે કંઇ કરતા હોવ તેના ઉપર શ્રધ્ધા રાખો,
નહીતર કોઇ ફાયદો નહીં થાય!

કોઇપણ છોકરી પોતાનો જૂનો ફોટો જુએ ત્યારે એનો પહેલો પ્રતિભાવ શું હોય છે? હું કેટલી પાતળી હતી, મારું બાવડું તો જો, કેટલું ક્યુટ હતું. હવે હું જાડી થઇ ગઇ છું. એમ તો પુરુષ પણ જૂનો ફોટો જુએ ત્યારે એક પ્રતિભાવ આપતા હોય છે. મારા માથા પર કેટલા બધા વાળ હતા! ઘટી ગયેલા વાળ અને વધી ગયેલું વજન એ કેવડી મોટી સમસ્યા છે એ તો જેના પર વીતતી હોય એને જ ખબર પડે. ટાલ પર એક-બે લટ બચી હોય તેને લોકો એકદમ માવજતથી અને મરણમૂડીના જેમ સાચવીને રાખતા હોય છે. માથા પર એવી રીતે ગોઠવતા હોય છે કે ટાલ ઓછામાં ઓછી દેખાય. ટાલ દેખાય એ રીતે એટલે કે ઉપરથી તેઓ સેલ્ફી લેવાનું પણ ટાળતા હોય છે. વજન વધારે હોય એવી માનુનીઓ ફોટો પડાવતી વખતે પગ સહેજ ક્રોસમાં રાખે છે જેથી પતલા દેખાય. ફોટો જો જરાયે ફેટી આવ્યો તો તરત જ કહે છે, ડિલીટ માર તો… પુરુષો ફોટો પડાવતી વખતે શ્વાસ રોકી રાખી પેટને અંદર ઘુસાડી રાખે છે. ફોટો પાડવામાં જરાક વધુ વાર લાગે તો ફૂસ્સ થઇ જાય છે. ફોટા અને અરીસાનું જો અસ્તિત્વ ન હોય તો માણસ જાત કદાચ આટલી હેલ્થ અને બ્યુટી કોન્સિયસ ન હોત.

સુંદર દેખાવવાનો દરેક વ્યક્તિને જન્મજાત અધિકાર છે. હોય તેનાથી થોડાક વધારે સુંદર દેખાવવાનો મોહ બધાને હોય જ છે. આપણે ઘણાને કહેતા હોઇએ છીએ કે તું તો છે જ હેન્ડસમ કે તું તો છે જ બ્યુટિફુલ, તારે વધુ કંઇ કરવાની જરૂર જ નથી, તો પણ એ થોડુંક કંઇક તો કરશે જ. ફાઇન, કરવું જ જોઇએ, નથિંગ રોંગ ઇન ઇટ.

એક વસ્તુ એવી છે, જે એક વખત વધી ગઈ પછી ક્યારેય ઘટતી નથી. એ છે, ઉંમર. એ ઉપરાંત ત્રણ વસ્તુ વિશે એવું કહેવાતું આવ્યું છે કે એ એકવાર વધી જાય પછી ઘડીકમાં ઘટવાનું નામ નથી લેતી. એ ત્રણ વસ્તુ છે, મોંઘવારી, ટેક્સ અને વજન. મોંઘવારી અને ટેક્સ તો આપણા હાથની વાત નથી પણ વજન તો દરેકના પોતાના હાથની વાત હોવા છતાં કંટ્રોલમાં રહેતું નથી. છોકરીઓ માટે સૌથી સારા કોમ્પલિમેન્ટ એ જ હોય છે કે પહેલાં કરતાં દૂબળી લાગે છે. પોતાની જાડાઇ પ્રત્યે લેડિઝને સૌથી વધુ તકલીફ અને પીડા કપડાં ખરીદવા જાય ત્યારે થાય છે. હોય એના કરતાં એક સાઇઝ નાની જ જોતી હોય છે. પહેલાં લાર્જ આવી જતી હતી, હવે એક્સએલ લેવી પડે છે. ઉંમરની સાથે શરીરમાં પરિવર્તન થતાં હોય છે, એ પણ આપણે ઘણી વખત સ્વીકારી શકતા નથી. આ માટે મનોચિકિત્સકો અને નિષ્ણાતો એવું કહે છે કે તમે તમારા બોડીનું બને એટલું ધ્યાન રાખો પણ વજનની વ્યાધિને તમારા મગજ ઉપર હાવી થવા ન દો. દરરોજ વજન માપતા રહેવાથી હતાશા આવવાનું જોખમ રહે છે. અલ્ટિમેટલી માણસની આઇડેન્ટિટી તેનાં કામ અને વર્તનથી છતી થતી હોય છે. આઇ એમ ફેટી, સો વ્હોટ, એવું માનવાવાળા વધુ હેપી રહે છે.

વજન માટે એલર્ટ હોય એવી દરેક વ્યક્તિ વજનને કાબૂમાં રાખવા પ્રયત્ન કરતી હોય છે. આ વજન ઉપર તો અબજોની ઇન્ડસ્ટ્રી ચાલે છે. આપણે જે કંઇ પ્રયત્ન કરતા હોઇએ એના માટે આપણે કેટલા પોઝિટિવ હોઇએ છીએ? તમે કસરત કરો છો? કસરત કરવા જાવ ત્યારે તમારા મનમાં શું ચાલતું હોય છે? મહેનત કરું છું, પરસેવો પાડું છું પણ સાલું કંઇ જ ફેર પડતો નથી! ઘણા વળી એવું કહે છે કે વજન ઘટે નહીં તો કંઇ નહીં, કમસે કમ વધે નહીં તો પણ ઘણું. કસરત વિશે તમારી માનસિકતા કેવી છે? મોટા ભાગે લોકો કસરત કરવી પડે એટલે કરતા હોય છે, કસરત કરવી જોઇએ એટલે નહીં. કસરત કર્યા વગર ચાલતું હોય તો કોઇ કસરત ન કરે. ઝાટકા પડતા હોય એમ કસરત કરશો તો એવી કસરતનો કોઇ ફાયદો થવાનો નથી. હમણા થયેલો એક અભ્યાસ એવું કહે છે કે કસરત કરવા વિશે પણ પોઝિટિવ રહો, નહીંતર મહેનત માથે પડશે.

જર્મનીની યુનિવર્સિટી ઓફ ફ્રેઇબર્ગના હેન્ડ્રીક મોથસ અને તેની ટીમ દ્વારા કરાયેલા એક સ્ટડીમાં એવું જણાવાયું છે કે તમે જો એમ માનો કે કસરતથી તમને કોઇ ફાયદો થવાનો નથી તો તમે ગમે એટલી કસરત કરશો તો પણ ફેર પડવાનો નથી. જર્નલ ઓફ બિહેવ્યરલ મેડિસિનમાં પ્રસિદ્ધ થયેલા આ અભ્યાસમાં એમ પણ જણાવાયું છે કે તમે એક્સરસાઇઝ કરવા જાવ ત્યારે તમારી જાતને એમ કહો કે આ કસરતથી મને ફાયદો થવાનો છે તો તમને સારાં પરિણામો મળશે.

માત્ર આ જ નહીં, બીજા અનેક અભ્યાસ એવું જ કહે છે કે, તમારી માનસિકતા અને તમારા વિચારોની સીધી અસર તમારી જિંદગી, સફળતા અને સુખને થાય છે. કોઇ સારું કામ કરતી વખતે પ્રાર્થના કરવાનું લોજિક પણ એ જ છે કે આપણું એ કામ સાર્થક થાય. સફળતા કે પરિણામ પહેલા તો તમારા મનમાં નક્કી થવા જોઈએ, તો જ એ વાસ્તવિકતામાં પરિવર્તિત થશે. તમારા પ્રયત્નો સાથે તમારા મનની દૃઢતા તેમજ આત્મશ્રદ્ધા પણ જરૂરી છે.

વજન ઘટાડવું જ છે એવો નિર્ણય કર્યા પછી લોકો કસરતથી માંડી ડાયટ સુધીનો પ્લાન ઘડે છે પણ એ મેન્ટેઇન થતો નથી. ભાવતી વસ્તુ સામે આવે એટલે મન લલચાઇ જાય છે. એક ડાયટિશિયને કહેલી આ વાત છે. જેટલી કેલેરી લો, એટલી કેલેરી બાળો, મહેનતવાળું કામ કરો કે પછી કસરત કરો, કેલેરી બળવી જોઇએ. સાવ સરળ અને સીધો હિસાબ છે. એક બહેને તો તેને એવું કહ્યું હતું કે હું સો ગ્રામ સ્વીટ ખાવ અને અડધો કિલો વજન વધી જાય એ કેવું! ડાયટિશિયને કહ્યું કે એક કામ કરો, તમે એક કિલો સલાડ ખાવ, વજન સો ગ્રામ જેટલું જ વધશે. ખેર, સમજવાનું એટલું જ છે કે વાત કસરતની હોય, વજન ઘટાડવાની હોય કે પછી સફળ થવાની હોય, તમે જે પ્રયત્નો કરો છો તેના પર શ્રદ્ધા રાખો, તમારું ધાર્યું થવાનું જ છે.

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ. તા. 28 ઓગસ્ટ 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

Email : kkantu@gmail.com

28-8-16_rasrang_26.5 in size.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: