લગ્નથી જિંદગી લંબાય છે! તમે આ વાત સાથે સંમત છો? – દૂરબીન

લગ્નથી જિંદગી લંબાય છે!
તમે આ વાત સાથે સંમત છો?

46

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

લગ્નને આમ તો લાકડાનો લાડુ કહે છે,
ખાય એ પણ પસ્તાય અને ન ખાય એ પણ પસ્તાય…
જો કે એક અભ્યાસ તો એવું જ કહે છે કે લગ્નથી આવરદા વધે છે

લગ્ન એ વાત કરવાનો સૌથી રોમેન્ટિક સબ્જેક્ટ છે. આ વિષયની ચર્ચામાં કુંવારા અને પરણેલા બંને લોકોને રસ પડે છે. ચાલો, લગ્ન વિશે આજે થાડીક હળવી અને થોડીક ગંભીર વાતો મમળાવીએ. લગ્ન વિશે એક વાત વારંવાર કહેવામાં આવે છે કે, મેરેજિસ આર મેઇડ ઇન હેવન. હવે આ વાત સાંભળીને એક મહાશયે એવું કહ્યું કે જો લગ્ન સ્વર્ગમાં નક્કી થતાં હોય તો એક વાત પાક્કી છે કે ત્યાં પણ બધું ધુપ્પલ જ ચાલે છે! આ જ ઉક્તિ વિશે બીજી ત્રણ વાત પણ થાય છે. એક તો એ કે, લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે પણ ભોગવવા તો ધરતી પર જ પડે છે! બીજી વાત, લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે પણ લગ્ન થતાંની સાથે જ તમારો સ્વર્ગનો સમય પૂરો થાય છે. ત્રીજી વાત, લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે પણ એનો ભંગ કરવા તમારે અદાલતનો આશરો લેવો પડે છે. ખેર, આ તો થઇ મજાકની વાત પણ અમેરિકામાં થયેલો એક સ્ટડી એવું કહે છે કે લગ્ન કરવાથી જિંદગી લંબાય છે એટલે કે આવરદા વધે છે.

આ અભ્યાસ સાથે તમે સંમત છો? એના વિશે પણ જોકે મજાક તો થઇ જ છે. એક ભાઇએ કહ્યું કે આવરદા વધે કે ઘટે એ તો તમને લાઇફ પાર્ટનર કેવી કે કેવો મળે છે તેના ઉપર નિર્ભર છે. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય ત્યારે એક બીજી વાત પણ નક્કી થઇ જતી હોય છે કે તમારા નસીબમાં સ્વર્ગ છે કે નર્ક. એક ભાઇએ તો હદ જ વટાવી દીધી, તેણે કહ્યું કે આ અભ્યાસ સો ટકા નહીં પણ એકસોને પચાસ ટકા સાચો છે, કારણ કે લગ્ન થાય પછી તમને જિંદગી જેટલી હોય એટલી લાં…બી જ લાગે છે. ક્યારેક તો એમ પણ થઇ આવે છે કે હવે આ પૂરી થાય તો સારું.

આ બધી હળવી વાતો વચ્ચે એક હકીકત એ પણ છે કે કોઇ મેરેજ તોડવા માટે નથી કરતા, જ્યારે મેરેજ થાય છે ત્યારે તો બંનેની આંખોમાં સુંદર જિંદગીનાં સપનાઓ જ અંજાયેલાં હોય છે, બંનેની દાનત સુખી કરવા અને સુખી થવાની જ હોય છે, દરેકને એમ જ હોય છે કે હું મારી વ્યક્તિને ખૂબ જ પ્રેમ કરીશ અને એને ખુશ રાખીશ. એ વાત જુદી છે કે બધા લોકો એવું કરી શકતા નથી અને રસ્તા ફંટાઇ જાય છે. લોકો બને ત્યાં સુધી એકબીજાને એડજેસ્ટ થવાનો પ્રયત્ન કરતા રહે છે. લગ્ન તૂટે ત્યારે વાંક લગ્નનો નથી હોતો પણ વ્યક્તિનો હોય છે.

બે વ્યક્તિ સાથે રહેતી હોય ત્યારે કોઇક વાર થોડોક મતભેદ તો થવાનો જ છે, ઝઘડા પણ સ્વાભાવિક છે, ક્યારેક મોઢું ચડતું જ હોય છે, આમ છતાં પ્રેમ તો હોય જ છે. પત્ની પિયર જાય એ સમયના જલસા વિશે પણ અનેક વાતો થઇ છે. મોટા ભાગના લોકો કહે છે કે હા, બે-ચાર દિવસ સારું લાગે પણ પછી તો એમ જ થાય છે કે હવે ઇ આવી જાય તો સારું. લગ્ન કરવાથી જિંદગી લંબાય છે એવો અભ્યાસ ડ્યુક યુનિવર્સિટીના મેડિકલ સેન્ટર દ્વારા કરવામાં આવ્યો હતો. લગ્ન તમને જીવવાનું કારણ આપે છે. જલદી ઘરે જવાની તમન્ના જીવતી રાખે છે, ઘરે કોઇ રાહ જોતું હોય એની મજા જ કંઇક અનોખી છે. બાળકના આગમન પછી ફોકસ ચેન્જ થાય છે. વાતચીતના વિષયોથી માંડી જીવવાનાં કારણો પણ બદલાય છે.

તમને ખબર છે, એક અભ્યાસ તો એવું પણ કહે છે કે, પતિ-પત્ની દોઢ-બે દાયકા સાથે રહે પછી િટ્વન્સ જેવાં થઇ જાય છે! ત્યાં સુધી કે બંનેની આદતો અને વર્તન પણ સરખાં થવા લાગે છે. આપણે ઘણી મહિલાઓને મોઢે એવું સાંભળીએ છીએ કે હું આવી હતી નહીં પણ આની સાથે રહીને આવી થઇ ગઇ. આ વાત હસી કાઢવા જેવી નથી. તમારાં લગ્નને જો થોડાંક વર્ષો થઇ ગયાં હોય તો સાથે બેસીને ક્યારેક એ તપાસી જોજો કે તમે બંને કેટલાં એક-બીજા જેવાં થઇ ગયાં છો. બચપણથી માંડી યુવાની સુધી આપણે જે દૃઢપણે માનતા હોય છીએ એ પણ આપણને ખબર ન પડે એવી રીતે બદલી જાય છે અને આપણને એની સામે કોઇ વાંધો પણ નથી હોતો!

પતિ-પત્ની એ હદે એક-બીજાને ઓળખતા થઇ જાય છે કે અમુક ઘટનાઓ સમયે પોતાની વ્યક્તિ કેવું બિહેવ કરશે એની એને ખબર પડી જાય છે. પત્નીને ખબર જ હોય છે કે એનું ક્યારે છટકશે અને પતિને પણ એ વાતની જાણ હોય જ છે કે હવે એની કમાન છટકવાની છે. આ એક-બીજાને પૂરેપૂરા સમજતા હોવાના પુરાવા નથી તો બીજું શું છે? તમે માર્ક કરજો, જિંદગીમાં એવી ઘટનાઓ પણ બનતી હોય છે કે, એકને તરસ લાગી હોય અને બરાબર પોતોની વ્યક્તિ પૂછે કે, પાણી પીવું છે? આપણાથી એમ બોલી જવાય છે કે તને કેમ ખબર પડી જાય છે કે મને તરસ લાગી છે! બેમાંથી એક ડિસ્ટર્બ હોય ત્યારે તો સો ટકા એવું જ થાય છે કે પોતાની વ્યક્તિ પૂછે કે, શું થયું છે? અરે ઘણા કિસ્સામાં તો એ પણ ખબર પડી જાય છે કે આવું કંઇક થયું લાગે છે!

દરેક પતિ-પત્નીએ ક્યારેક એવી વાત પણ કરી જ હોય છે કે, હું મરી જાઉં તો તું શું કરે? આ મામલે પણ ઘણા બધા જોક થયા છે. જોકે એક વાત એ પણ જોવા મળે છે કે એક વ્યક્તિના મોત પછી બીજી વ્યક્તિ માટે જીવવું અઘરું થઇ જાય છે. લગ્નજીવન જેટલું લાંબું હોય એટલું વધુ એકલું લાગવા માંડે છે. એવું પણ જોવા મળ્યું છે કે એકના મોત પછી બીજાને જિંદગીમાંથી જ રસ ઊડી જાય છે અને વરસ-બે વરસમાં એ પણ ચાલ્યા જાય છે. જિંદગીમાં પ્રેમ છે તો બધું જ છે. હા, તમારી વ્યક્તિમાં થાડીક ખૂબીઓ અને થોડીક ખામીઓ પણ હશે, છતાંયે એ સત્ય હોય છે કે ગમે એવી છે પણ મારી છે કે ગમે એવો છે પણ મારો છે!

(‘ દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 21 ઓગસ્ટ 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

26.5 in size_rasrang.indd

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: