સુખના સમયમાં પણ તું 
ખુશ કેમ નથી રહેતો?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હર તરફ હર જગહ બેશુમાર આદમી,
ફિર ભી તનહાઇયો કા શિકાર આદમી,
સુબહ સે શામ તક બોજ ઢોતા હુઆ,
અપની હી લાશ કા ખુદ મઝાર આદમી.
– નિદા ફાજલી
માણસ જિંદગી આખી સુખનો મતલબ શોધતો રહે છે. સુખ એટલે શું? સુખની વ્યાખ્યા કઇ રીતે કરવી? સુખની અનુભૂતિ કઇ રીતે થાય? સુખ હોય ત્યારે આપણે ખરેખર સુખી હોઇએ છીએ? સુખની એક સાવ સીધી સાદી અને સરળ સમજ એ છે કે જે હોય તેને એન્જોય કરવું. જેટલું છે એટલું માણવું. દુ:ખનું એક કારણ અભાવ છે. આપણી પાસે ગમે એટલું હોય તો પણ આપણને ઓછું જ લાગે છે. અસંતોષ સુખનો અહેસાસ થવા દેતો નથી. સંપત્તિથી સુખ ખરીદી શકાતું નથી એ આપણે સહુ જાણીએ છીએ. ધનથી સુખી થવાતું હોત તો કોઇ અમીર દુ:ખી ન હોત અને કોઇ ગરીબ સુખી ન હોત. સુખ એરકન્ડીશનમાં મળતું નથી અને ઝાડ નીચે છાયામાં પ્રકૃતિની મોજ માણતા માણસને દુ:ખ સ્પર્શી શકતું નથી. સુખ તો સ્વભાવમાં હોય છે. સુખ માનસિકતામાં હોય છે. સુખ વિચારોમાં હોય છે. સુખની હાજરી તો સર્વત્ર છે જ. દુ:ખની પણ છે. તમે શું પસંદ કરો છો તેના ઉપર સુખ અને દુ:ખનો ઘણો મોટો આધાર હોય છે.

કોઇ તમને પૂછે કે તમે સુખી છો કે દુ:ખી, તો તમે શું જવાબ આપો? જવાબ આપતાં પહેલાં થોડોક વિચાર કરો તો તમને સુખના અનેક કારણો મળી આવશે. થોડોક લાંબો વિચાર કરશો તો એવું લાગશે કે દુ:ખ પણ કંઇ ઓછું તો નથી જ! જિંદગીમાં સુખ અને દુ:ખ બંને હાજરાહજુર જ હોય  છે. કોઇ માણસ સંપૂર્ણપણે સુખી ન હોય શકે અને કોઇ તદ્દન દુ:ખી પણ નથી હોતો. તમને જેના વિચારો વધુ આવે એવા તમે હોવ છો. સુખના કારણો તો વધુ હોય છે. દુ:ખના કારણો એકાદ-બે જ હોય છે. આપણે દુ:ખના એ કારણોને આપણા ઉપર એટલા બધા હાવિ થવા દઇએ છીએ કે આપણને સુખની અનુભૂતિ જ નથી થતી. નાનકડી ફોડકી થઇ હોય તેની આપણે ફિકર કરતા રહીએ છીએ. આખું શરીર સાજું છે તેની પરવા આપણે કરતા નથી. દુ:ખ મોટાભાગે તો કાલ્પનિક જ હોય છે. ખરેખરા દુ:ખનો પડકાર તો માણસ ઝીલી લેતો હોય છે અને તેનાથી પાર પણ ઉતરી જતો હોય છે. કાલ્પનિક ભય, ખોટી ચિંતા અને માનસિક ડર જ મોટાભાગે માણસને દુ:ખી કરતો હોય છે.

એક યુવાનની આ વાત છે. બહુ જ સંઘર્ષ કરીને એ સફળ થયો હતો. ગરીબ પરિવારમાં જન્મ થયો હતો. મિત્રોના ચોપડા અને સમાજની મદદથી એ ભણ્યો. ખૂબ મહેનત કરી. સારી રીતે પાસ થયો. ઉમદા જોબ મળી. કંપનીમાં સાથે કામ કરતી યુવતી સાથે પ્રેમ થયો. લગ્ન કર્યા. સરસ ઘર હતું. બધી જ સગવડ હતી. કાર હતી. સુખી થવા માટે જેટલું હોવું જોઇએ એ બધું જ હતું. જો કે એ યુવાન ખુશ રહી શકતો નહતો. રોજ ઉદાસ થઇ જતો. પત્ની એને ખુશ રાખવાન તમામ પ્રયત્નો કરતી. એ યુવાન ખુશ રહી જ ન શકતો. એક દિવસ પત્નીએ પૂછ્યું, તું કેમ ખુશ નથી રહેતો? કઇ ચિંતા તને કોરી ખાય છે?

યુવાને કહ્યું કે, મેં જે ઇચ્છ્યું હતું એ બધું જ મારી પાસે છે. હવે એક જ ડર લાગે છે કે આ સુખ ચાલ્યું જશે તો? મેં બહુ દુ:ખ જોયું છે. હું પાછો દુ:ખી તો નહીં થઇ જાઉં ને? પત્નીએ કહ્યું, તારું દુ:ખ તો ક્યારનું ચાલ્યું ગયું છે. તેં હજુ તેને છોડ્યું નથી. દુ:ખ હતું ત્યારે તું દુ:ખી હતો એ તો સમજી શકાય એવી વાતછ ે પણ હવે તો તારું સુખ જ તારા માટે દુ:ખનું કારણ બની ગયું છે. તારે સુખી થવું છે ને? તારે ખુશ રહેવું છે ને? તો દુ:ખના વિચાર છોડી દે. તું સુખના વિચાર જ નથી કરી શકતો? તને દુ:ખની આદત પડી ગઇ છે. આ આદતને છોડ અને સુખની આદત પાડ. જે છે એને ફિલ કર. દુ:ખ આવશે તો લડી લેશું અત્યારે સુખને તો જીવી લે!

ખરેખર દુ:ખી હોય એવા માણસોની સંખ્યા બહુ ઓછી છે. દુ:ખને પંપાળીને દુ:ખી થતાં હોય એવા લોકોથી આખી દુનિયા ભરેલી છે. આપણે કેવી રીતે દુ:ખી થતા હોઇએ છીએ? મારી જોબ ચાલી જશે તો? ધંધામાં ખોટ જશે તો? મેં જે ગોલ અને ટાર્ગેટ સેટ કર્યા છે એ એચિવ નહીં થાય તો? સંતાનને સારી કોલેજમાં એડમીશન નહીં મળે તો? સંતાનને કંઇક થઇ જશે તો? મારો જીવનસાથી મને વફાદાર નહીં રહે તો? આજે મારી નામના જે છે એ નહીં રહે તો? જે ન હોય તેને આપણે ઊભું કરીએ છીએ અને દુ:ખી થતા રહીએ છીએ.

દુનિયાના મહાન ચિંતક પાચલો કોહેલો કહે છે કે જ્યારે તમે સારા હેતુ અને ઉમદા વિચાર સાથે કંઇ કરો છો ત્યારે આખી કાયનાત તમારી મદદે આવે છે. આ જ વાતને જરાક જુદી રીતે જોઇએ તો એમ પણ કહી શકાય કે જ્યારે તમે કોઇ ખરાબ વિચાર કરો છો ત્યારે કાયનાત નેગેટિવ ઇફેક્ટ પણ આપે છે. ‘લો ઓફ એટ્રેક્શન’ કહે છે કે તમે જે ઇચ્છો અને વિચારો એવું થાય છે. સારું વિચારશો તો સારું જ થશે. ખરાબ વિચારશો તો ખરાબ પણ થવાનું જ છે. વિચારો મલ્ટીપ્લાય થાય છે. વિચાર એકલો આવે છે પણ તેની પાછળ મોટું ઝૂંડ હોય છે. તમે નીચે જવાના વિચાર કરશો તો અંદર ખૂંપતા જ જશો અને ઉપર જવાનું વિચારશો તો ઉપર જ જશો. છોડ ક્યારેય એવો વિચાર નથી કરતો કે ફૂલ નહીં આવે તો? વૃક્ષ ક્યારેય એવો વિચાર નથી કરતું કે ફળ નહીં આવે તો? દરિયો ક્યારેય એવું નથી વિચારતો કે ભરતી નહીં આવે તો? માત્ર માણસ જ એવો વિચાર કરતો રહે છે કે સુખ નહીં મળે તો? જે સુખ છે એ ચાલ્યું જશે તો?

દુ:ખનો ડર આપણને સુખી થવા દેતો નથી. સુખ તો હોય જ છે. મોટાભાગે તો આપણે જેને દુ:ખ સમજતાં હોઇએ છીએ એ દુ:ખ હોતું જ નથી, એ એક સમસ્યા માત્ર હોય છે. સમયની સાથે એ સમસ્યા ઉકેલાઇ પણ જતી હોય છે. તમારા એકાદ-બે દુ:ખને સાઇડમાં કરી દો અને બાકીનું સુખ જે છે એની તરફ નજર માંડો. આપણે ફક્ત આપણા વિચારોથી દિશા બદલીને તેને સુખ તરફ લઇ જવાના હોય છે. નક્કી કરો કે આપણે ક્યાં પહોંચવું છે, સુખ અને દુ:ખ નામના બે ડેસ્ટિનેશન છે. તમારી જિંદગી એ જ મુકામ પર પહોંચવાની છે. જ્યાં તમારે એને લઇ જવી હશે. ચોઇસ તો આપણી પાસે હોય જ છે. પસંદગી કરવામાં થાપ ખાઇ ન જવાય એનું જ ધ્યાન રાખવાનું હોય છે!
 છેલ્લો સીન:
માણસે જેના વિશે ક્યારેય ચિંતા ન કરવી જોઇએ એવા બે દિવસો છે, ગઇકાલ અને આવતીકાલ.  -આર. જે. બર્ડેટ
(‘દિવ્ય ભાસ્કર’, કળશ પૂર્તિ, તા. 23 સપ્ટેમ્બર 2015, બુધવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *