તને તો વાત વાતમાં ખોટું લાગી જાય છે!

ચિંતનની પળે :કૃષ્ણકાંત ઉનડકટ
એ માણસ હારવાનો, વારતાના અંતમાં, 
હું દિલાસો આપવાનો, વારતાના અંતમાં, 
સોળ આના સાવ સાચી વાત લઈને આવજો, 
હું પુરાવો માગવાનો, વારતાના અંતમાં.
– દિનેશ કાનાણી ‘પાગલ’
ખોટું લાગી જતું હોય છે.સાચું લાગતું નથી. સાચું અનુભવાતું હોય છે. દરેક માણસને ક્યારેક ને ક્યારેક કોઈકનું ખોટું લાગી જતું હોય છે. ખોટું લાગે એમાં કંઈ ખોટું નથી. પ્રેમ નારાજ થવાનો પણ અધિકાર આપતો હોય છે. આપણને આમ તો એનું જ ખોટું લાગતું હોય છે,જેના પ્રત્યે આપણને લાગણી હોય. તમને છેલ્લે કોનું ખોટું લાગ્યું હતું? આ ખોટું શા માટે લાગ્યું હતું? જે વાતથી ખોટું લાગ્યું એ ખરેખર ખોટું લગાડવા જેવી હતી? હા, ઘણી વાત અને કેટલુંક વર્તન એવું હોય છે જેનાથી ખોટું લાગી આવે છે.
થોડાક ફ્રેન્ડ્સ ભેગા થયા હતા.આ બધા એકબીજાને વર્ષોથી ઓળખતા હતા. વાત વાતમાં એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે તું નાનો હતો ત્યારે કેવું લલ્લુ જેવું ડ્રેસિંગ કરતો હતો! બહુ હળવાશમાં તેણે આ વાત કરી હતી, પણ પેલા મિત્રને હાડોહાડ લાગી આવ્યું. એ અચાનક બધાને મૂકી ચાલ્યો ગયો. પેલા મિત્રને પહેલાં તો સમજાયું નહીં કે તેને અચાનક શું થયું? બીજા મિત્રોએ કહ્યું કે તું આવું બોલ્યો એટલે તેને લાગી આવ્યું! અરે, એમાં માઠું લગાડવા જેવી ક્યાં વાત છે? મેં શું ખોટું કીધંુ? એ હતો જ એવો! મેં તો હળવાશમાં કહ્યું હતું! મારો કોઈ ખરાબ ઇરાદો ન હતો. હું તો ઊલટું તેની તારીફ કરવા જતો હતો કે તે હવે સારો લાગે છે. તેનામાં ઘણો ચેન્જ છે. મિત્રોએ કહ્યું કે હશે, જે થવાનું હતું એ થઈ ગયું. હવે તું કાલે તેને સોરી કહી દેજે. પેલો મિત્ર ઉશ્કેરાઈ ગયો. હું શા માટે સોરી કહું? મેં કંઈ ખોટું તો કહ્યું નથી ને! હું કંઈ સોરીબોરી નથી કહેવાનો!
તારો ઇરાદો ન હતો પણ એને ખોટું લાગ્યું ને? હવે તું પણ એનું ખોટું લગાડીશ? મિત્રોએ તેને સમજાવ્યો. ગુસ્સો ઊતર્યો એટલે એને થયું કે કાલે હું તેને મળીને મનાવી લઈશ. બીજા દિવસે એ ફ્રેન્ડ પાસે ગયો. તેણે કહ્યું કે મારો ઇરાદો તને હર્ટ કરવાનો ન હતો. છતાં તને ખોટું લાગ્યું હોય તો આઈ એમ સોરી. પેલા મિત્રએ કહ્યું કે હા મને ખોટું લાગ્યું હતું. તું પણ નાનો હતો ત્યારે કંઈ ઓછો મૂરખ ન હતો. હું પણ ઘણું બોલી શક્યો હોત! એ મિત્રએ કહ્યું કે અરે, તો બોલવું હતું ને! હું એન્જોય કરત! અરે દોસ્ત, નાના હોઈએ ત્યારે બધાએ નાદાની કરી જ હોય છે. સાચું કહું, તું બોલ્યો હોત તો મને ખોટું ન લાગત. એની વે, જવા દે, બીજી વાર મળીએ ત્યારે કહેજે કે હું કેવો મૂરખ હતો! હું ખોટું નહીં લગાડું. પ્રોમિસ!
પ્રેમીઓને અને પતિ-પત્નીને પણ એકબીજાનું ખોટું લાગતું હોય છે. આશ્ચર્યની વાત એ હોય છે કે એકને જેનાથી ખોટું લાગ્યું હોય એ વાત બીજાને સાવ સામાન્ય લાગતી હોય છે, ખોટું લગાડવા જેવી લાગતી જ હોતી નથી. થોડીક વાર બેમાંથી એકનું મોઢું એવું ચડી જાય છે જાણે કોઈ મોટું પાપ કરી નાખ્યું હોય! ખોટું લગાડો પણ એને લાંબો સમય પકડી ન રાખો.એક વખત સોરી કહેવાઈ ગયું એટલે વાત ખતમ થઈ જવી જોઈએ. એક પ્રેમી-પ્રેમિકા હતાં. બધા મિત્રોની હાજરીમાં પ્રેમીથી એની પ્રેમિકાની આદત વિશે એક વાત બોલાઈ ગઈ. પ્રેમિકાને ખોટું લાગી ગયું. પ્રેમીએ માંડ માંડ એને મનાવી. બીજી વખતે આવી જ વાત નીકળી ત્યારે પ્રેમી કંઈ જ ન બોલ્યો. બધા જુદા પડયા પછી પ્રેમિકાએ કહ્યું કે આજે કેમ તું કંઈ ન બોલ્યો? પ્રેમીએ કહ્યું કે, હું કંઈ બોલત તો તને વળી ખોટું લાગી જાત! પ્રેમિકાએ કહ્યું, એવું નથી, મને એ વખતે પછી સમજાયું હતું કે તું મજાક કરતો હતો. હું નથી ઇચ્છતી કે મને ખોટું લાગે એ ડરથી તું કંઈ વાત કે મજાક કરવાનું છોડી દે. હું હવે ખોટું નહીં લગાડું. તું તારા વર્તનમાં ફેર ન કર. પ્રેમીએ કહ્યું, મારો ઇરાદો પણ તને ખોટું લગાડવાનો નથી હોતો. ડર લાગે છે તોપણ એટલા માટે જ કે હું તને હર્ટ કરવા ઇચ્છતો નથી. જેને સૌથી વધુ પ્રેમ કરતાં હોઈએ એને કોઈ ઇરાદાપૂર્વક હર્ટ થોડું કરે?
ઘણી વખત વિચિત્ર પરિસ્થિતિ પણ ઊભી થતી હોય છે. એક પતિ-પત્નીની આ વાત છે. બંને વચ્ચે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ. એકબીજાને ખોટું લાગી ગયું. બંનેને ખોટું લાગી જાય ત્યારે કોણ સાચું હોય છે? કદાચ બંને ખોટાં હોય છે! તને ખોટું લાગ્યું છે તો મને પણ ખોટું લાગ્યું છે. કેમ તને જ ખોટું લાગે? મને કંઈ ન થાય? હુંય માણસ છું, મને પણ ખોટું લાગે છે. તું ખોટું લગાડીશ તો હું પણ લગાડીશ! આવા કિસ્સામાં છેલ્લે એવી વાત પણ આવીને ઊભી રહે છે કે તને ખોટું લાગ્યું એનો વાંધો નથી, પણ તને સોરી કહું છું તોપણ કંઈ ફેર પડતો નથી. તને તો સોરી ફીલ જ થતું નથી. હું સોરી કહું છું તોપણ તને કંઈ પડી નથી. તને તો સોરી કહેતા આવડે છે જ ક્યાં? તને તો તારા ઘરના લોકોએ સોરી કહેતા શીખવ્યું જ નથી! મોટાભાગનાં દંપતી અથવા તો પ્રેમીઓને ઝઘડા પછી સમજાતું હોય છે કે આપણે કેવી નાની-નાની અને નકામી વાતમાં ઝઘડતાં હોઈએ છીએ! આવા ઝઘડા જ ઘણી વખત યાદ બનીને રહી જતાં હોય છે!
એક પતિ-પત્નીની વાત છે. પત્ની જ્યારે પણ તૈયાર થતી ત્યારે પતિને પૂછતી કે કેવી લાગું છું? પતિ ઓલવેઝ જવાબ આપવામાં મોડું કરતો અને પત્નીને ખોટું લાગી જતું. તારા માટે તૈયાર થતી હોઉં છું અને તને તો કંઈ પડી જ નથી. હવે તને કોઈ દિવસ પૂછવાની જ નથી! આમ છતાં એ દરેક વખતે પૂછતી, પતિ દરેક વખતે જવાબ આપવાનું મોડું કરતો અને પત્ની ખોટું લગાડતી. એક વખત થયું એવું કે ત્રણ મહિના માટે પતિને કામ સબબ વિદેશ જવાનું થયું. આ સમય બંને માટે અઘરો હતો. પત્નીને અમુક પ્રસંગોપાત તૈયાર થવાનું થતું. દર વખતે તે મનમાં બોલી જતી કે જો તો, હું કેવી લાગું છું? હવે તો જવાબ આપવાવાળું જ કોઈ હાજર ન હતું! પત્નીની આંખો ભીની થઈ જતી.તેણે એક રસ્તો શોધી કાઢયો. તૈયાર થઈને તરત જ સેલ્ફી પાડી પતિને મોકલી આપતી, મેસેજમાં લખતી કે કેવી લાગું છું? બીજી જ મિનિટે પતિનો જવાબ આવતો કે યુ લુક ર્ગોિજયસ! પત્નીએ એક વખત લખ્યું કે સામે હતો ત્યારે તો આટલી ઝડપથી જવાબ નહોતો આપતો! હવે કેમ આટલી ઝડપથી રિસ્પોન્ડ કરે છે? પતિએ કહ્યું કે તું નજીક હતી ત્યારે તને નારાજ કરવાનું પણ ગમતું હતું. તને મનાવવાની પણ મજા આવતી હતી. હવે તું પાસે નથી. હવે તો તારા ફોટાની રાહ જોતો હોઉં છું. લવ યુ ટુ મચ!
ખોટું એનું જ લાગે જેની સાથે પ્રેમ હોય! બાકી તો માણસ એવું જ કહેતો હોય છે કે જેને જેવું લાગવું હોય એવું લાગે. શું ફેર પડે છે?સાચી વાત છે, કંઈ જ ફેર પડતો નથી. ફેર પડતો હોય એનું જ ખોટું લાગે.તમારું કોઈને ખોટું લાગે છે? તમને કોઈનું ખોટું લાગે છે? જો લાગતું હોય તો માનજો કે એ તમારી નજીક છે, એ તમને પ્રેમ કરે છે. આવી વ્યક્તિને પ્રેમથી મનાવી લેજો. ખોટું લગાડવાની મજા શું છે એ જાણવું હોય તો ક્યારેક એવી વ્યક્તિની વેદના જાણી જોજો જેનું કોઈને ક્યારેય ખોટું લાગતું હોતું નથી! ખોટું લગાડવાવાળા પણ બધાના નસીબમાં નથી હોતા!   
છેલ્લો સીન :
બીજા કોઈ પણની પ્રશંસા તેની ગેરહાજરીમાં કરજો, પણ સ્ત્રીની પ્રશંસા તો હંમેશાં તેની હાજરીમાં જ કરજો.   -વેલ્સની એક કહેવત.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 14 ડિસેમ્બર, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: